Prem - Nafrat - 44 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૪૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૪

રચનાએ આરવને એમના લગ્નમાં જ નવો મોબાઇલ લોન્ચ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. રચનાનું કહેવું હતું કે આમ પણ જે લોકોને લગ્નમાં બોલાવવાના છે એમાંથી મોટાભાગનાને મોબાઇલ લોન્ચિંગ કાર્યક્રમમાં બોલાવવાના જ છે. અને લગ્ન પૂર્ણ થાય કે તરત જ મોબાઇલ લોન્ચ કરી દેવાનો. લોકોનો સમય બચશે અને આપણો ખર્ચ ઘટશે. અને એક અલગ રીતે મોબાઇલ લોન્ચ થયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા થશે. લગ્ન પ્રસંગે મોબાઇલની જાહેરાત થતાં એનો સારો પ્રચાર પણ થઇ શકશે. આપણે કોઇની પાસે ચાંદલો લેવાના નથી. એના બદલે નવો મોબાઇલ ઓનલાઇન ખરીદવા એક કોમ્પ્યુટર સાથેનું કાઉન્ટર ગોઠવી દઇશું. જ્યાં બેઠેલો વેબસાઇટનો સહાયક લોકોને ઓનલાઇન મોબાઇલ ખરીદવામાં મદદ કરશે. રચનાના વિચારથી આરવ પ્રભાવિત થઇ ગયો હતો.

તે ખુશ થઇને બોલી ઊઠ્યો હતો:'રચના, આવો વિચાર તને કેવી રીતે આવ્યો?...તું રાતદિવસ કંપનીની પ્રગતિ વિશે જ વિચાર્યા કરે છે! એ ના ભૂલતી કે તું મારી સાથે લગ્ન કરી રહી છે. અમારી મોબાઇલ કંપની સાથે નહીં!'

'હું અસલમાં તારા પિતાની મોબાઇલ કંપની સાથે જ મારો હેતુ પાર પાડવા આવી છું. એટલે મારું મગજ એના પર જ વધારે ચાલે છે.' એવા મનમાં ઘૂમરાતા શબ્દોને ગળીને રચના બોલી:'લગ્ન પહેલાં મોબાઇલ લોન્ચ કરવાનો છે એટલે બંને વિશે મારા મનમાં આયોજન ચાલતા હતા. એમાંથી આ વિચાર આવી ગયો. આવા એક પંથ દો કાજ જેવા કાર્યથી બધાંને જ લાભ થતો હોય છે...' અને પછી રચના મનમાં જ બોલી:' એનો સૌથી વધારે લાભ હું લેવાની છું!'

રચનાની વાત સાંભળ્યા પછી આરવ હરખથી પિતાને અને ભાઇઓને કહેવા અધીરો બન્યો:'રચના, આ વિચાર હમણાં જ રજૂ કરીને સંમતિ લઇ લઇએ...'

રચના પણ મોડું કરવા માગતી ન હતી. તે પોતાના ધ્યેય તરફથી ઝડપથી આગળ વધવા માગતી હતી. લગ્ન થઇ જશે એટલે પહેલો પડાવ પાર થઇ જશે.

આરવે તાત્કાલિક કંપનીના ડિરેક્ટરોની મીટીંગ બોલાવી લીધી. મોટાભાગના ઘરના જ હતા એટલે બધાંને અનુકૂળ આવે એમ હતું. અડધા કલાક પછી જ્યારે મીટીંગ શરૂ થઇ અને આરવે રચનાનો વિચાર રજૂ કર્યો.

એ જાણીને લખમલભાઇ તરત જ બોલી ઊઠ્યા:'આવો વિચાર આપણાને કેમ ના આવ્યો?! આ છોકરી ખરેખર બહુ બુધ્ધિશાળી છે...'

હિરેન અને કિરણ પણ પહેલી વખત એનાથી પ્રભાવિત થઇને સારું બોલ્યા. આ વિચારથી કંપનીનો ખર્ચ બચશે અને બીજો લાભ થશે એ બંનેએ સ્વીકાર્યું. પણ મનમાં એક વાત ચચરી કે આ છોકરીએ ઘરમાં પોતાનું સ્થાન બનાવતા પહેલાં જ કંપનીમાં ઊંચું સ્થાન બનાવી લીધું છે. હવે વધારે સતર્ક રહેવું પડશે. તે લગ્ન કરીને આવ્યા પછી વધુ હાવી થઇ શકે છે. એ વધારે પડતી હોંશિયાર લાગી રહી છે.

લગ્ન સાથે મોબાઇલને લોન્ચ કરવાની તૈયારીઓ ચાલુ થઇ ગઇ. રચનાએ એક જ કંકોત્રીમાં બે પ્રસંગના સુંદર કાર્ડ બનાવ્યા. તે કાર્ડ બનાવતી હતી ત્યારે એને બીજો એક વિચાર આવ્યો. તેણે આરવને કહ્યું કે આપણે કાર્ડ બહુ મોંઘા છપાવવાને બદલે એની કિંમત ઓછી કરી દઇએ અને એમાં એક પ્રોમો કોડ આપીએ. મોબાઇલની ખરીદી વખતે એ કોડ નખવાથી એનું કવર મફતમાં મળશે. લોકો માટે આ કાર્ડ વધારે કિમતી બની જશે. સામાન્ય રીતે જમવનો સમય અને સ્થળ જોઇને કાર્ડ બાજુ પર નાખી દઇએ છીએ પણ આ રીતે એને સાચવવામાં આવશે. એમાં મોબાઇલની જાહેરાત હશે એટલે એનો પ્રચાર વધુ થશે.

રચનાની વાત સાંભળીને આરવ કહેવા લાગ્યો:'તું ખરેખર સારું વિચારી રહી છે. આ મોબાઇલની સફળતા જબરદસ્ત રહેશે. કંપનીને આજ સુધી ના મળી હોય એવી સફળતા અપાવવાનો યશ તને જ મળશે...'

રચના મનોમન મુસ્કુરાઇ અને મનમાં જ બોલી:'આરવ, મારી આ સફળતા માટે તો હું વર્ષોથી તરસી રહી છું.'

રચનાને થયું કે આરવ કેટલો ભોળો છે! એક છોકરી એના જીવનમાં જ નહીં એના પિતાના સામ્રાજ્યમાં ઘૂસ મારી રહી છે એનો અણસાર સુધ્ધા આવી રહ્યો નથી. એનો મતલબ એ પણ થાય કે એ મને કેટલું ચાહે છે?

આરવે જ્યારે આ વિચાર લખમલભાઇ સમક્ષ વ્યક્ત કર્યો ત્યારે એમણે એને તરત જ મંજુરી આપી દીધી અને કહ્યું:'હવેથી આવી નાની નાની બાબતો વિશે મને પૂછવાની જરૂર નથી. તમે બંને નિર્ણય લેવા સ્વતંત્ર છો..'

આ વાત જાણીને રચના ખુશ થઇ ગઇ. એ મનોમન બબડી:'બસ મારે આ જ જોઇતું હતું! હવે મને કોઇ રોકી શકશે નહીં... પપ્પા, તમને આ વાતનો ભવિષ્યમાં પસ્તાવો થશે પણ અત્યારથી જ મનોમન માફી માગી લઉં છું!'

ક્રમશ: