Santaap - 12 - Last Part books and stories free download online pdf in Gujarati

સંતાપ - 12 - છેલ્લો ભાગ

૧૨ ઘટસ્ફોટ .......!

 પોલીસ કમિશનર ભાટિયા આગ વરસાવી નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતો.

 પારાવાર રોષ અને ઉશ્કેરાટથી એનો ચહેરો તમતમતો હતો.

 ‘આ..’ એણે ખાનામાંથી ત્રણ-ચાર અખબારો કાઢીને તેની સામે ફેંકતાં પુછ્હ્યું, ‘આ બધું શું છે ..? આમાં શું છપાયું છે ..? કોર્ટનું બ્લેક વોરંટ ..! કાયદો, મંત્રીના બાપની જાગીર નથી ..! જયરાજ ચૌહાણ જીવતો છે અને ટૂંક સમયમાં જ સાચી હકીકત બહાર લાવશે..!’

‘હું બધાં અખબારો જોઈ ચૂક્યો છું સર.! નાગપાલે એકદમ શાંત અને ગંભીર અવાજે કહ્યું, ‘પરંતુ આમાં હું શું કરી શકું તેમ છું ..? જયરાજે પોતે જ બધા અખબારવાળાઓનો સંપર્ક સાધ્યો હતો. એના સનસનાટીથી ભરપુર સમાચાર તાબડતોબ કયું અખબાર ન છાપે ....?’

‘પણ મારે મંત્રીને શું જવાબ આપવો એનો વિચાર તેં કર્યો છે ?’

‘સર, એ આપે નહીં, પણ મંત્રીએ જ વિચારવાનું છે ....! જગદેવ મરચંટની વકીલાત તેઓ જ કરતાં હતાં . કેસની તપાસ ચાલુ હતી, ત્યારે રીપોર્ટ માંગ્યા વગર જ જયરાજને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાનો તેમને શું હક હતો ?’

‘પરંતુ જયરાજને આ બધું છપાવવાની શું જરૂર હતી .?’

‘સર, એણે પોતાની વિરુદ્ધ કાઢવામાં આવેલા બ્લેક વોરંટને પડકાર ફેંક્યો છે ! પોતે ખરેખર નિર્દોષ છે, એ વાત આવતીકાલના સૂર્યોદય પહેલાં પુરવાર પણ કરી દેશે !’નાગપાલ ઠંડા અવાજે બોલ્યો, ‘હવે માત્ર આજની રાત જ બાકી છે સર..! એણે અખબારવાળાઓને આ વાતની લેખિત ગેરંટી પણ આપી છે !’

જયરાજ કોઈ ભગવાન નહીં પણ માણસ છે ! અને આવો દાવો કોઈ માણસ કરી જ ન શક ! આ ઉપરાંત એક બીજી વાત પણ છે !’

‘શું?’

‘અખબારમાં છપાયેલા આ સમાચાર એ અપરાધીએ પણ વાંચ્યા હશે ..! શું એ અપરાધી સૂરદાસ છે ..?’

‘એ તો હવે જયરાજ જ જણાવી શકે તેમ છે ! પણ એક વાત છે સર...!’

‘શું .?’

‘જયરાજે કોઈ પોકળ દાવો નથી કર્યો !’

‘જો આ દાવો પોકળ કે ખોટો પુરવાર થશે તો તારી બદલી થઇ જશે ...!’

‘જી...’

 ‘તારી પાસે જે પ્રેસ રિપોર્ટરો આવ્યા હતાં, તેમને તેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો .?’

‘હા.’

‘જે કંઈ છપાયું છે, એ જ તેં એમને જણાવ્યું હતું ?’

‘ હા, એ તો સ્પષ્ટ જ છે ..!’

‘નાગપાલ, શું તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે ?’

‘કેમ ...?’ કડવાં વેણ સાંભળ્યા પછી પણ નાગપાલનો અવાજ એકદમ શાંત હતો.

‘ત્યારે શું ..? તેં કોર્ટના નિર્ણયની ટીકા કરતું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કાયદાના પંડિતોએ ભૂલ કરી છે ! તારી તપાસ મુજબ જયરાજ ચૌહાણ નિર્દોષ છે ..! સુમન તથા અજીતના ખૂન કેસમાં તેને નાહક જ ફસાવવામાં આવ્યો છે !’

‘બરાબર છે ..!’

‘તો પછી અત્યારે જ તારી બદલીનો ઓર્ડર હમણા જ શા માટે ન કઢાવવો ?’

‘સર..!’ નાગપાલ પૂર્વવત અવાજે બોલ્યો, ‘કાલે વાસ્તવિક ગુનેગારના પકડાયા પછી પ્રેસ કદાચ જાણવા ઈચ્છશે કે મારી બદલી શા માટે કરવામાં આવી ? તેઓ મારો ઇન્ટરવ્યૂ પણ જરૂર છાપશે કારણ કે હું સાચી હકીકત જ જણાવું છું અને આ હકીકત હંમેશાં પ્રશંસનીય અને સનસનાટીથી ભરપૂર હોય છે !’

‘તું જયરાજને મળ્યો હતો .?’ ભાટિયા એકદમ ઢીલો પડી ગયો.’

‘ના..’

‘અને જો પાછળથી આ પુરવાર થશે તો ..!’

‘તો હું રાજીનામું આપી દઈશ..! હું જયરાજને નહોતો મળ્યો!’

‘ઓ.કે. તું જી શકે છે ...! હવે તું પરમદિવસે જ મને તારા દર્શનનો લાભ આપજે !’

‘ચોક્કસ...!’ નાગપાલ ઊભો થતાં બોલ્યો.

ભાટિયાનું અભિવાદન કરીને તે બહાઈ નીકળ્યો અને પછી સ્મિત ફરકાવતાં સ્વગત બબડ્યો, ‘સર...મેં સાચું જ કહ્યું છે .. હું જયરાજને નહોતો મળ્યો, પણ જયરાજ જ મને મળ્યો હતો...!’

*******

રાતનો એક વાગ્યો હતો.

ડોરબેલ સતત રણકતી હતી.

જગન ચૌધરી ધૂંધવાઈને ઊભો થયો.

‘કોણ છે ...?’ એણે દરવાજો ઉઘાડ્યા વગર જ ચીડભર્યા અવાજે પૂછ્યું.

‘હું છું ચૌધરી ..!’ બહારથી એક અવાજ ગુંજ્યો.

જગત અવાજના માલિકને ઓળખી ચૂક્યો હતો.

એણે પળનોય વિલંબ કર્યા વગર સ્ફૂર્તિથી દરવાજો ઉઘાડ્યો અને પછી અંધકારમાં ઊભેલા રહસ્યમય માનવીને સંબોધીને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘આપ ...? અત્યારે ...?’

‘અંદર ચાલ...’

જગન એક તરફ ખસી ગયો.

એ માનવી અંદર પ્રવેશ્યો.

જગને ફરીથી દરવાજો બંધ કરી દીધો.

‘ઘરમાં અંધારું શા માટે છે ?’ એ માનવીએ પૂછ્યું.

‘કંઇક ફોલ્ટ આવી ગયો છે ...! ઈલેક્ટ્રીશિયનને પણ બોલાવ્યો હતો. તે કાલે બધી લાઈનો ચેક કરશે !’

‘હવે બોલ ...! ફોન પર તેં જે કંઈ જણાવ્યું હતું એ બધું વાસ્તવમાં શું હતું ?’ 

‘મેં કહ્યું હતું એ જ !’

‘પણ પરવેઝ સિકંદરનો કોઈ માણસ તારી પાસે શા માટે આવે ?’

‘આ સવાલનો જવાબ તો આપ જ જાણો છો !’

‘પરંતુ એને તારે વિશે ક્યાંથી ખબર પડે બેવકૂફ...?’ રહસ્યમય માનવી રોષથી દાંત કચકચાવતા બોલ્યો, ‘એ નાલાયક જરૂર જયરાજ જ હોવો જોઈએ !’

‘જ...જયરાજ ?’

‘હા...તેં આજનું અખબાર નથી વાંચ્યું ?’

‘વાંચ્યું હતું !’

‘તો પછી ?’

‘તે પોલીસની કોઈક ચાલબાજી પણ હોઈ શકે છે સર...!’

‘જોખમ ખૂબ જ વધી ગયું છે ! પેલા હરામખોર પાવાગઢીએ જ એને તારી પાસે મોકલ્યો હતો ખરુંને ?’

‘હા..’

‘તું તાબડતોબ આ શહેરને હંમેશને માટે છેલ્લી સલામ ભરી દે ! હું તને પાંચ લાખ રૂપિયા આપી દઈશ !’

‘પાંચ લાખ !’

‘હા..’

‘માત્ર પાંચ જ લાખ ?’

‘હા...તારા એકલા માટે પાંચ લાખ રૂપિયા ઘણા છે હરામખોર...!’

‘તમે મને ગાળ આપો છો ?’

‘એક બ્લેકમેઈલરને કોઈ ગાળ સિવાય બીજું આપે પણ શું ? જો પાવાગઢીએ મારી પાસે ઉલ્લેખ ન કર્યો હોત તો હું જિંદગીભર તારા વિશે કશુંય ન જાણી શકત ! પાવાગઢીએ જ મને જણાવ્યું હતું કે એણે જગન ચૌધરી નામના એક પ્રાઇવેટ ડિટેકટીવને અજીત મરચંટની હિલચાલ પર નજર રાખવાનું કામ સોંપ્યું છે. એ બાપડાને ત્યારે ખબર નહોતી કે અજીત મરચંટ મારી સાથે જ બ્લેકમેઈલીંગની રમત રમતો હતો !’

‘એટલા માટે જ તો આપને મારા પર શંકા ઉપજી હતી. બાકી તો આપને બ્લેકમેઈલ કરનાર માણસ કયો છે, તે આપ ક્યારેય ન જાણી શકત !’

‘આજની તારીખમાં એક માત્ર તું જ મારી વાસ્તવિકતા જાણે છે !’

‘હા...અને એટલા માટે જ આપ મને પાંચ લાખ રૂપિયા આપો છો !’ જગતના અવાજમાં ગર્વની છાંટ હતી.

‘ભેદ તો હંમેશા ભેદ જ રહેવો જોઈએ હરામખોર !’ કહેતાંની સાથે જ એ માનવીનો હાથ કોટના ગજવામાંથી બહાર નીકળ્યો.

એના હાથમાં રિવોલ્વર જોઇને જગતના મોતિયા મરી ગયા.

‘તમે....તમે માત્ર પાંચ લાખ રૂપિયા ખાતર મને રિવોલ્વર બતાવો છો ?’ એણે હેબતાઈને પૂછ્યું.

‘ના...તું મારે માટે જોખમરૂપ બની ગયો છે ! તારા જીવતા રહેવું હવે મારે માટે નુકશાનકારક છે !’ રહસ્યમય માનવી ઝેરીલા અવાજે બોલ્યો, ‘બધું મારી ગણતરી મુજબ જ બનતું આવ્યું છે. એક માત્ર તારે કારણે જ મારી બાજી ઉંધી વળી શકે તેમ છે !’ 

‘તમે..તમે મને નહીં મારી શકો !’ જગન ડઘાઈને બે ડગલાં પાછળ ખસી ગયો.

એ જ પળે રહસ્યમય માનવીએ ઉપરાઉપરી ત્રણ વખત રિવોલ્વરનું ટ્રીગર દબાવ્યું.

સાયલેન્સરયુક્ત રિવોલ્વરમાંથી નીકળેલી ત્રણેય ગોળીઓ જગતના દેહમાં પ્રવેશી ગઈ.

એનો દેહ કપાયેલા વૃક્ષની જેમ ઊથલી પડ્યો.

એના મોંમાંથી અંતિમ ચીસ પણ નહોતી નીકળી શકી.

‘હરામખોર !’ રહસ્યમય માનવી તિરસ્કારભર્યા અવાજે બબડ્યો.

પછી તે દરવાજા તરફ આગળ વધી ગયો.

એણે ગજવામાંથી સેન્ટની શીશી કાઢીને ખૂબ જોરથી જમીન પર ફેંકી.

અચાનક એ જ વખતે લાઈટ આવી.

પળભર માટે એ માનવી હેબતાઈ ગયો.

એ જ પળે કોઈકે મજબૂતીથી એનાં બાવડાં પકડી લીધાં.

પછી એની સામે જયરાજ આવીને ઊભો રહ્યો.

‘તમારો ખેલ ખતમ થઇ ગયો છે મિસ્ટર જગમોહન બક્ષી...!’ પાછળથી નાગપાલનો અવાજ ગુંજી ઊઠ્યો, ‘અત્યાર સુધીમાં તમે જે ખૂનો કર્યા છે, તે માટે તમને ફાંસીથી ઓછી સજા નહીં જ થાય !’

એ માનવી બીજું કોઈ નહીં, પણ એડવોકેટ જગમોહન બક્ષી જ હતો !

‘પરંતુ તમે મને ગુનેગાર પુરવાર નહીં કરી શકો ! તમારા બંનેની વાત કોર્ટ માન્ય નહીં રાખે !’ જગમોહન બોલ્યો.

‘વાંધો નહીં....! મારી વાત તો માન્ય રાખશે ને ?’ આ વખતે જે અવાજ ગુંજ્યો, તે પોલીસ કમિશનર ભાટીયાનો હતો.

‘ના.કોર્ટમાં પોલીસની વાત માન્ય નથી રાખવામાં આવતી...!’ જગમોહન વિજયસૂચક સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘મારી વિરુદ્ધ પુરાવારૂપ બનનાર સાક્ષી મારી ગયો છે !’

‘ના ...હું નથી મર્યો ...! કહેતાં કહેતાં જગન ચૌધરી ઊભો થયો.

એનો દેહ લોહીથી ખરડાયેલો હતો.

જાણે ભૂત જોતો હોય એ રીતે જગમોહન ફાટી આંખે એની સામે તાકી રહ્યો.

‘તું ...તું કેવી રીતે જીવે છે ..?’ એણે થોથવાતા અવાજે પૂછ્યું.

‘બુલેટપ્રૂફ જેકેટને કારણે ...! રહી વાત લોહીની ....તો એ નકલી હતું.! જયરાજ ક્રૂર અવાજે બોલ્યો.

એ જ વખતે બહારના ભાગમાં કોઈકના પગલાનો અવાજ ગુંજી ઊઠ્યો.

જયરાજે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો.

વળતી જ પળે દિલીપ જગદેવ મરચંટનું બાવડું પકડીને અંદર પ્રવેશ્યો.

જગદેવ મરચંટ જગમોહન સામે ઊડતો દ્રષ્ટિપાત કરીને નીચું જોઈ ગયો.

જગમોહનના ચહેરા પરથી નૂર ઊડી ગયું.

‘કમિશનર સાહેબ ....!’ દિલીપ બોલ્યો, ‘આ નાલાયક નાસી છૂટવાની વેતરણમાં હોતો હું તેને ટેકસીમાંથી પકડીને અહીં લાવ્યો છું.’

‘બોલ...હવે તારે શું કહેવું છે ?’ જયરાજે જગમોહનના ખભા પકડીને તેને હચમચાવતાં પૂછ્યું.

‘જો તમે જગન ચૌધરીને હાથો ન બનાવ્યો હોત તો આ બધાં બનાવો માટે હું અને જગદેવ મરચંટ જ જવાબદાર છીએ એની તમને ક્યારેય ખબર ન પડત ..!’

‘હજુ તારા બીજા બે “બાપુજીઓ” પકડાવાના બાકી છે ...!સુલતાન એહમદ અને ગુલઝાર ..! એ બંનેને બ્લેકમેઈલ કરવાં માટે જ તેં આ નાટક ભજવ્યું હતું. પરંતુ પછી રૂપિયા મળતાં જ તમે લોકોએ હાથ મિલાવી લીધા હતા....!’જયરાજ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘જયારે મને ખબર પડી કે સુમને તને કવર આપ્યું હતું, ત્યારે જ તારું જુઠ્ઠાણું હું સમજી ગયો હતો.વાસ્તવમાં એ કવર તને સુમને નહીં, પણ અજીત મર્ચન્ટે સોંપ્યું હતું.સુમન બધું કામ વ્યવસ્થિત રીતે કરતી હતી. પરંતુ તે ક્યારેય લાખને ગરમ કરીને કવર પરનું સીલ સ્પષ્ટ રીતે નહોતી મારી શકાતી. આ વાતની અને ખબર હતી. નાગપાલ સાહેબે તમારી કારમાંથી જે સીલ કબજે કર્યું હતું, તે એટલું ગોળ અને પરફેક્ટ હતું કે મને ભરોસો જ નહોતો બેસતો કે આ સીલ ખરેખર સુમને જ માર્યું હશે ..!’

‘હું બધાને કોર્ટમાં જોઈ લઈશ ...!’ જગમોહને ધૂંધવાતા અવાજે કહ્યું.

‘સિંદરી બળી ગઈ પણ વળ ન ગયા ...!’ કહીને ભાટીયાએ એક સણસણતો તમાચો જગમોહનના ગાલ પર ઝીંકી દીધો.

એ જ વખતે અંદરના રૂમમાંથી થોડા પત્રકારો બહાર નીકળી આવ્યા.

જયરાજ અને નાગપાલે ભેગા થઈને અદભુત જાળ પાથરી હતી.

‘મિસ્ટર જયરાજ ...! તમે વિગતવાર બધું જણાવો ...! આ બધો શું બખેડો છે ?’ એક પત્રકારે પૂછ્યું.

જયરાજે જાણે મંજૂરી માંગતો હોય એ રીતે નાગપાલ સામે જોયું.

એની નજરનો અર્થ પારખીને નાગપાલે હકારમાં માથું હલાવ્યું.

‘સાંભળો ...’ જયરાજ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ‘હું તમને જે વાત જણાવું છું , તે આજથી બે વર્ષ પહેલાંની છે. અજીત મરચંટ સુમન નામની એક ભળીભોળી અને માસૂમ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, લગ્નના નામે ભરમાવીને તેની સાથે અય્યાશી કરતો હતો.દેખાવ ખાતર એણે મંદિરમાં સુમન સાથે લગ્ન પણ કર્યાં હતાં.સુમન તેને પોતાનો પતિ જ માનતી હતી.અય્યાશીના આ દિવસોમાં એક દિવસ ભરતપુરનો પણ હતો.અજીત મર્ચન્ટે એક મોટરબોટ ભાડે લીધી અને રાતના અંધારામાં તેઓ ભરતપુરના ગોલ્ડન બીચ પરથી સમુદ્રમાં પહોંચી ગયાં.બંને પોતાની મસ્તીમાં હતાં.પછી અચાનક તેઓ એકદમ ચમકી ગયાં. તેમને બીચ તરફ જતી એક મોટરબોટ દેખાઈ.પછી એ મોટરબોટ તેમનાથી સોએક વાર દૂર પહોંચીને ઊભી રહી.થોડી પળો બાદ એક હોળી મોટરબોટ પાસે આવી. હોડી પર ટોર્ચનો પ્રકાશ ફેંકાયો. હોડીમાં બે બળવાન દેખાતા માછીમારો હતાં.તેમણે મોટરબોટમાંથી થોડાં પેકેટો ઉતારીને હોડીમાં મૂક્યાં અને પછી હોડી સહિત આગળ વધી ગયા. મોટરબોટ પણ સમુદ્ર તરફ પાછી ચાલી ગઈ. થોડી પળો બાદ ગોળીઓ છૂટવાના અવાજ ગુંજી ઊઠ્યો. અજીત તથા સુમન ગભરાઈ ગયાં. લગભગ અડધો કલાક પછી ગોલ્ડન બીચ તરફથી એક અન્ય મોટરબોટ આવી. તે “સાગર પરી” નામની બોટ હતી. તે રોશનીથી ઝળહળતી હતી. એના ડેક પર સુલતાન એહમદ અને ગુલઝાર હતા. ગુલઝાર તથા સુલતાન એહમદે લોખંડની વજનદાર સાંકળોમાં લપેટાયેલી ત્રણ લાશોને એક એક કરીને સમુદ્રના પાણીમાં પધરાવી દીધી. જોતજોતામાં જ ત્રણેય લાશો સમુદ્રના પેટાળમાં પહોંચી ગઈ. અજીતે સુલતાન એહમદને ઓળખી લીધો હતો. પરંતુ સુમન તેને નહોતી ઓળખતી. બે લાશો માછીમારોની હતી. આ માછીમારોએ સોનું ગુલઝાર તથા ભાસ્કરને સોંપવાનું હતું.’

‘અને ત્રીજી લાશ કોની હતી ?’

‘ભાસ્કરની...! સુલતાન એહમદ તથા ગુલઝારે ભેગા થઈને સહેલાઇથી આ કામ પાર પાડ્યું હતું. કોઈનેય તેમના પર તો રજમાત્ર પણ શંકા ઉપજે તેમ નહોતી. પરંતુ તેમના આ પરાક્રમને અજીત અને સુમન પોતાની સગી આંખે જોઈ ચૂક્યાં હતાં. ખેર, “સાગર પરી”ની વિદાય પછી તેઓ લાંબું ચક્કર મારીને ગોલ્ડન બીચથી દૂર નીકળીને કિનારા પર આવ્યાં અને હોટલમાં ચાલ્યાં ગયાં.જો તેઓ ગોલ્ડન બીચના કિનારે આવત તો તેમને પણ પોતાના પ્રાણ ગુમાવવા પડત.ત્યાર બાદ થોડા સમય પછી અજીત તથા સુમનનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો.પૈસાના જોરે પોતે સુમનનો પતિ નથી એવું અજીતે પુરવાર કરી દીધું.અને સુમન મહિલા વિકાસ ગૃહમાં પહોંચી ગઈ.એક દિવસ મેં સુમનને ત્યાં જોઈ.મને લાગ્યું કે હું એક ભટકેલી છોકરીને સાચી દિશા બતાવી શકું તેમ છું.પરિણામે મેં સુમન સાથે લગ્ન કરી લીધાં.ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અમારી નાનકડી દુનિયામાં અમે બંને ખુશ હતાં. પરનું કુદરતને કદાચ અમારી ખુશી મંજૂર નહોતી.અને છેવટે છઠ્ઠી જુલાઈનો અપશુકનિયાળ દિવસ આવી પહોંચ્યો.હવે અહીં હું મારી વાતને અજીત મરચંટ પર કેન્દ્રિત કરું છું. અજીતે ચોરીછૂપીથી સુલતાન એહમદને બ્લેકમેઈલ કરવાનું શરુ કરી દીધું હતું.પરંતુ સુલતાન દરેક વખતે સોનું વેચાયા પછી પોતે પચીસ લાખ રૂપિયા આપી દેશે એમ જણાવીને અજીતને ટાળી દેતો હતો.અહીં હવે એક નવું પાત્ર આવે છે. સુંદરલાલ પાવાગઢી....! પાવાગઢી અજીતનો મિત્ર હોવાને કારણે કશીયે રોકટોક વગર તેની ઓફિસમાં આવતો-જતો હતો.એક દિવસ એણે અજીતને ફોન પર કોઈકને ધમકી આપતો સાંભળ્યો અને બે કરોડના સોનાની લૂંટનો ભેદ જાળવી રાખવા માટે અજીતને કરેલી પચીસ લાખની માંગણી વિશે પણ સાંભળ્યું.પાવાગઢીએ મફતમાં બે-પાંચ લાખ મેળવવા માટે જગન ચૌધરી નામના પ્રાઈવેટ ડિટેકટીવને અજીતની પાછળ લગાડી દીધો.અજીત કોને બ્લેકમેઈલ કરે છે, તેની માહિતી મેળવીને જગને પાવાગઢીનેઆપી દેવાની હતી.પરંતુ જગત આ મામલામાં પાવાગઢીનો પણ બાપ પુરવાર થયો. એણે અજીતની ઓફિસમાં કામ કરતી માયા નામની એક યુવતીને પોતાના મોહપાશમાં ફસાવી અને કાયદેસર તેની સાથે લગ્ન કરી લીધાં.એણે માયા દ્વારા અજીતની ઓફિસમાં ડેટાફોન ફીટ કરાવી નાંખ્યો. અજીત કંઈ ધંધાદારી ગુનેગાર તો હતો નહીં.! એ પોતાની ઓફિસમાંથી જ ફોન કરીને સુલતાનને બ્લેકમેઈલ કરવા લાગ્યો.ત્યારે જગતને એ વાતની પણ ખબર પડી ગઈ કે અજીત જગદેવ મરચંટનો સગો દીકરો નથી.આ બધું છઠ્ઠી જુલાઈ પહેલાં જ બન્યું હતું.અજીતના ખૂન માટે છઠ્ઠી જુલાઈનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.પરંતુ એ દિવસે કદાચ વિધાતાએ સુમનનું મોત પણ લખ્યું હતું.આ પહેલાં એવું બન્યું હતું કે જગને જ સુલતાનનો સંપર્ક સાધ્યો. આ દરમિયાન સુલતાને સોનું ઠેકાણે પાડી દીધું હતું. એ સોનું સુંદરલાલ પાવાગઢીના ગોડાઉનમાં પહોંચ્યું અને ત્યાંથી એટલું જ સોનું ગુમ કરી દેવામાં આવ્યું.આ કામ પાવાગઢીના એક ગાર્ડની ગાબાજીને કારણે પાર પડ્યું હતું.જગને જ સુલતાનને જણાવ્યું કે અજીત તેને બ્લેકમેઈલ કરે છે.એટલું જ નહીં, અજીત તથા જગદેવ વચ્ચેના સંબંધો એકદમ વણસી ગયા છે એ વાત પણ જણાવી. આ વાત જાણ્યા પછી જગદેવને પણ યોજનામાં સામેલ કરવામાં આવ્યો. તેમણે અજીતને મારી નાંખવાની યોજના બનાવી.પરંતુ જગદેવને સંતોષ નહોતો. એ જ વખતે ત્યાં આ...’જયરાજે જગમોહન બક્ષી તરફ સંકેત કર્યો, ‘વકીલ આવ્યો. એની પાસે એક કવર હતું. આ કવર છઠ્ઠી જુલાઈના દિવસે સવારે અગિયાર વાગે સુમન તથા અજીતે જઈને તેને સોંપ્યું હતું. જગમોહને એ કવર ઉઘાડીને જોઈ લીધું હતું. તેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે બે કરોડના સોનાની લૂંટઅને ત્રણ ખૂનોમાં સુલતાન એહમદ તથા ગુલઝારનો હાથ હતો.વાસ્તવમાં એ કવર પરવેઝ સિકંદરને સોંપવા માટે જગમોહનને આપ્યું હતું.કાયદાની ચુંગાલમાંથી પોતે જદાચ છટકી જશે . પરંતુ પરવેઝ સિકંદર તો તેમને પાતાળમાં પણ નહીં છોડે એ વાત જગમોહન જાણતો હતો.’

‘પરંતુ સુમન તો સુલતાન એહમદને નહોતી ઓળખતી..!’ દિલીપે વચ્ચેથી જ તેને ટોકતાં કહ્યું.

‘હા...પરંતુ છઠ્ઠી જુલાઈની સવારે ટી.વી. પર નિરાધાર સ્ત્રીઓના પુનર્વસવાટ માટેનો એક કાર્યક્રમ આવ્યો હતો.સામાજિક કાર્યકર હોવાને કારણે સુલતાન પણ આ કાર્યક્રમમાં સામેલ હતો. સુમન તરત જ તેને ઓળખી ગઈ.એણે ફોન કરીને અજીતને બોલાવ્યો અને આ વાત તેને જણાવી દીધી. પરંતુ અજીત પોતાના બ્લેકમેઇલિંગના માર્ગમાં રહેલા સુમન રૂપી કાંટાને દૂર કરવાં માંગતો હતો.સુમનને વિશ્વાસમાં લેવા માટે એણે પરવેઝ સિકંદર પર એક પત્ર લખ્યો.પછી મારા ફ્લેટમાં, મારા જ સીલ વડે એ કવરને પેક કરવામાં આવ્યું. પછી એણે સુમન સાથે જગમોહન પાસે જઈને એ કવર તેને સોંપી દીધું.એણે જગમોહનને એમ જણાવ્યું કે જો પોતે આવતીકાલ સુધીમાં એ કવર પાછું ન લઇ જાય તો તે પરવેઝ સિકંદરને મોકલી આપવું. પછી અજીતે સુમનને એમ જણાવ્યું કે પોતે રાત્રે એ બંનેને પકડાવી દેશે.આ કામમાં સહકાર આપવા માટે એણે સુમનને ફાર્મહાઉસમાં આવવાનું પણ જણાવ્યું. એનો હેતુ સુમનને ફાર્મહાઉસમાં જ મારી નાખી, પચીસ લાખ રૂપિયા મેળવીને નાસી છૂટવાનો હતો.’

‘સ્વાર્થમાં આંધળો બનેલો માણસ ન કરવાના કામ કરી બેસે છે !’ એક પત્રકાર બોલ્યો.

‘બરાબર છે ...!’ જયરાજે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘જગમોહને એ કવર સુલતાન એહમદને સોંપ્યું અને ત્યારે એક ભાગીદાર વધી ગયો. પછી આખી યોજના જગમોહને જ બનાવી.એની યોજના મુજબ જ મને ફસાવવામાં આવ્યો. ફલેટમાંથી મારી રિવોલ્વર ગુમ થઇ ગઈ....! પછી ઇન્સ્પેક્ટર જયરાજે પોતાની પત્ની તથા તેના પ્રેમીને શરમજનક હાલતમાં જોઇને ગોળી ઝીંકી દીધી છે, એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી.’

‘ભુપગઢના ઉજ્જડ ફાર્મહાઉસમાં કોણ કોણ હતું ?’ ભાટીયાએ પૂછ્યું.

‘આપનો સવાલ ઉત્તમ છે સર ! ફાર્મહાઉસમાં માત્ર સુલતાન એહમદે જ પહોંચવાનું હતું. પરંતુ અજીત અને સુમને ધાર્યું હતું, એવું નહોતું ! ત્યાં સુલતાન, ગુલઝાર, જગમોહન અને જગદેવ મરચંટ અગાઉથી જ હાજર હતા. જયારે મને ત્યાં પહોંચાડવાનું કામ જગન ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. જગને પાવાગઢીને ફોન દ્વારા જાણ કરી કે ફાર્મહાઉસની ઈમારતમાં જયરાજની પત્ની અને અજીત મરચંટ મૌજૂદ છે, ત્યારે પાવાગઢીએ તેને નજર રાખવાનું તથા ઇન્સ્પેક્ટર અર્થાત મારા ત્યાં પહોંચવાની રાહ જોવાનું જણાવ્યું. આ મામલામાં પાવાગઢી નસીબદાર નીકળ્યો. જે કામ પાવાગઢીને ઉશ્કેરીને કરવાનું હતું, તે કામ હું પોતે જ કરવા જતો હતો.’

‘પરંતુ તેઓ આપને શા માટે ફસાવવા માંગતા હતાં ?’

‘જો હું કંઈ જાણતો હોઉં તો માર્યો જઉં અને નહોતો જાણતો તો મારી પત્નીના ખૂનીઓ સુધી ન પહોંચી શકું એટલા માટે...!’ જયરાજ બોલ્યો, ‘પરંતુ તેમણે મને ફસાવવાનો પ્રયાસ કર્યો, એ તેમનું કમનસીબ જ હતું. જો મને એ સ્થિતિમાં સુમનની લાશ મળી હોત તો હું તેને બેવફા માનીને ભૂલી જાત. ત્યાર બાદ હું ભૂપગઢના ફાર્મહાઉસમાં પહોંચ્યો જ્યાં મને ફસાવવાની પૂરી તૈયારી કરી રાખવામાં આવી હતી. હું ત્યાંથી નાસી છૂટ્યો....ભટકતો રહ્યો અને...’ કહીને એણે પરવેઝ સિકંદરની વાત છુપાવીને બાકીની બધી વિગતો જણાવી દીધી.

‘તમારે મહિનાઓ સુધી ખૂબ જ દુઃખ ભોગવવું પડ્યું મિસ્ટર જયરાજ...!’ એક પત્રકારે કહ્યું.

‘નસીબમાં લખેલું દુઃખ તો ભગવાન શ્રી રામને પણ ભોગવવું પડ્યું હતું !’ જયરાજ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તો હું તો એક સાધારણ માણસ જ છું !’

ત્યાર બાદ જયરાજના નાસી છૂટ્યા પછી બનેલા બનાવોની વિગતો નાગપાલે જણાવી.

‘મિસ્ટર જયરાજ, જો આપને જગન પર શંકા ન ઉપજી હોત તો આપ કશુંય ન કરી શકત ખરું ને ?’

‘ના, એવી વાત નથી. મેં હમણાં જ કહ્યું તેમ જગન માત્ર શંકાના આધારે જ અમને સહકાર આપવા માટે તૈયાર થયો હતો. અમે તેને તાજનો સાક્ષી બનાવવાનું વચન આપ્યું છે. જગતને તૈયાર કરવા માટે અમારે તેને તેની વિરુદ્ધમાં જતી થોડી વાતો જણાવવી પડી હતી અને અમુક પુરાવાઓ પણ બતાવવા પડ્યા હતા.’

‘એ પુરાવાઓ ક્યા હતા ?’

‘પહેલો પુરાવો એ જ છે કે પોતે રાત્રે અગિયાર વાગે સુમન તથા અજીતને નિર્વસ્ત્ર અને આલિંગનબદ્ધ હાલતમાં જોયાં હતાં, એમ મને જગને જણાવ્યું હતું. પરંતુ તેની આ વાત ખોટી હતી. કારણ કે મેં સુમન તથા અજીતના દેહને અલગ કરી નાંખ્યા હતા અને એ વખતે કદાચ દસ વાગ્યા હતા. તો પછી અગિયાર વાગ્યાનો દાવો તે શા માટે કરી શકે તેમ હતો ? આ ઉપરાંત પોતે સાડા દસ વાગ્યા સુધી પાનની દુકાને ઊભો હતો એવું એણે મને કહ્યું હતું. એની આ વાત પણ સત્યથી વેગળી હતી. કારણ કે મેં એ દુકાનેથી સિગારેટનું પેકેટ ખરીદ્યું હતું એટલું જ નહીં, એ દુકાનદારને અજીતના ફાર્મહાઉસ વિશે પૂછપરછ પણ કરી હતી અને એ વખતે જગન ત્યાં નહોતો ! હોય પણ ક્યાંથી ? એ બાપડો તો અજીત અને સુમનનાં ખૂનો થયાં ત્યારે તેની વિડીયો ફિલ્મ બનાવતો હતો. પોતાના બચાવ માટે જ એણે આ પગલું ભર્યું હતું. મેં અનિતા તથા તેના ભાઈ પપ્પુ વિશે તમને જણાવ્યું હતું. હું અનિતાએ મળવા માટે ગયો હતો. પછી પપ્પુ મને પગે લાગ્યો ત્યારે તેના ગજવામાંથી નાગપાલ સાહેબને જગમોહનની કારમાંથી મળ્યો હતો એવો જ સીલનો ટુકડો સરકીને નીચે પડ્યો હતો. મેં પપ્પુને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ ટુકડો તેને ચિરાગે આપ્યો હતો. ત્યારે મને પાવાગઢી પર પણ શંકા ઉપજી હતી. પછી મારા કહેવાથી પપ્પુએ ચિરાગને સીલના એ ટુકડા વિશે પૂછ્યું તો ચિરાગે જવાબ આપ્યો કે પોતાને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો, ત્યાં એક કવર હતું અને પોતે આ કવર પરથી થોડું સીલ કાઢ્યું હતું. ચિરાગને સુલતાને કેદ કર્યો હતો એ તો સ્પષ્ટ જ છે. આ રીતે મને સુલતાન પર પણ શંકા ઉપજી !’

‘આ ઉપરાંત જગમોહને એક બીજી ચાલાકી પણ વાપરી હતી !’ નાગપાલ બોલ્યો.’

‘કેવી ચાલાકી ?’

‘એણે સુંદરનગર કોલોનીવાળા બંગલેથી ફોન કરીને જણાવ્યું હતું કે ભુપગઢના ફાર્મહાઉસમાં જયરાજની પત્ની અને અજીત મરચંટ મોજ-મસ્તી કરે છે. એ વખતે મેં ફોનપર સામે છેડેથી “શક્તિ” ફિલ્મના ડાયલોગ સાંભળ્યા હતાં. ફિલ્મમાં દિલીપકુમાર બદમાશોની ધમકીને વશ થવાનો ઇનકાર કરે છે, એ સમયના ડાયલોગ હતા. અને બરાબર એ જ વખતે નિરમા ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત પણ આવી હતી.મેં શંકાસ્પદ માણસોની આજુબાજુની લાઈબ્રેરીઓ માંથી “શક્તિ” ફિલ્મની વિડીઓ કેસેટો મંગાવીને ચેક કરી. પછી તેમાંથી એ જ ડાયલોગ વખતે નિરમા ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત આવતી હોય એવી ચાર કેસેટો અલગ તારવી. ત્યાર બાદ છઠ્ઠી જુલાઈએ આ કેસેટ કોને ભાડે આપવામાં આવી હતી એની તપાસ કરાવી તો સુંદરનગર કોલોનીની લાઈબ્રેરીમાંથી માહિતી મળી કે આ ચારમાંથી એક કેસેટ એ દિવસે એડવોકેટ જગમોહન બક્ષીને ભાડે આપવામાં આવી હતી. આ રીતે જગમોહન પર શંકા કરવાં માટે એક વધુ આધાર મળી ગયો.’

‘આપની બુદ્ધિમત્તાને ખરેખર દાદ આપવી પડશે !’ એક પત્રકાર પ્રશંસાભર્યા અવાજે બોલ્યો.

નાગપાલે “શક્તિ” ફિલ્મની વિડીઓ કેસેટ શા માટે મંગાવી હતી તે હવે દિલીપને સમજાઈ ગયું હતું.

‘આ ઉપરાંત મેં જગદેવ મરચંટ વિશે પણ ભરતપુરથી માહિતી મંગાવી હતી.એના વિશે મળેલી માહિતી પરથી સ્પષ્ટ થઇ ગયું કે તે પણ અજીતનું ખૂન કરી શકે તેમ હતો!’

‘ખેર, પેલો હબસી જેવો માણસ કોણ હતો ...?’

‘ગુલઝાર ..!’

‘હવે તો સુલતાન એહમદ અને ગુલઝાર જ પકડાવાના બાકી રહ્યા છે!’

‘અમે પણ આવી ગયા છીએ ...!’

સૌએ ચમકીને અવાજની દિશામાં નજર કરી.

દરવાજા પાસે હાથમાં સ્ટેનગન સાથે સુલતાન એહમદ ઊભો હતો.

એની સાથે ગુલઝાર પણ હતો.

‘સૌ હાથ ઊંચાકરીને ઊભા રહો ...!’ સુલતાને આદેશાત્મક અવાજે કહ્યું.

બધાએ તેના આદેશનું પાલન કર્યું.

‘તું અણીના સમયે જ આવ્યો છો સુલતાન ...! આ પોલીસવાળાઓ અને પત્રકારોને શૂટ કરી નાખ અને પછી આપણી વિરુદ્ધ કોઈ પુરાવો બાકી નહીં રહે ..!’ કહીને જગમોહન બક્ષી સુલતાન તરફ આગળ વધ્યો.

‘જ્યાં છો ત્યાં જ ઊભો રહે હરામખોર ..!’ ગુલઝાર જોરથી તાડૂક્યો, ‘એ બે કરોડનું સોનું અમારી માલિકીનું છે. એ સોનું અમે જ લૂંટયુ હતું. તમે લોકો તો સિંહે પકડેલા શિકારનું એંઠું ખાવા માંગતા હતાં. પરંતુ હવે તો એ પણ તમારા નસીબમાં નથી.’

જગમોહનના પગ જાણે કે ધરતી સાથે જડાઈ ગયા.

‘મારે રૂપિયા-પૈસા કે સોનું નથી જોઈતું સુલતાન સાહેબ...! મેં તો કશુંય માંગ્યું પણ નહોતું.’ જગદેવ પીડાભર્યા અવાજે બોલ્યો.

‘બરાબર છે ...પરંતુ તું અમારે માટે ગમે ત્યારે જોખમરૂપ નીવડી શકે તેમ છે !અમે તમને બધાને ઈશ્વરના દરબારમાં પહોંચાડીને હંમેશને માટે શંકાની પરિધિમાંથી બહાર નીકળી શકીએ તેમ છીએ !’ વાત પૂરી કરીને સુલતાન ખડખડાટ હસી પડ્યો.

‘હવે વાતોમાં સમય વેડફવાને બદલે આ બધાને શૂટ કરી નાખ સુલતાન ...!’ ગુલઝારે કહ્યું.

‘ચાલો ...બધાં મારવા માટે તૈયાર થઇ જાઓ ...!’

વાત પૂરી કરતાંની સાથે જ સુલતાનની આંગળી ટ્રીગર પર પહોંચી.

‘ધડામ...ધડામ....ધડામ....ધડામ...’

વળતી જ પળે ઉપરાઉપરી ચાર વખત ગોળીઓ છૂટવાના ધમાકા ગુંજ્યા. અને એ ધમાકાની સાથે જ સુલતાન તથા ગુલઝારની ચીસો પણ ગુંજી ઊઠી.

સુલતાનના હાથમાંથી સ્ટેનગન છટકી ગઈ.

આંખના પલકારામાં જ એ બંનેનાં મૃતદેહો જમીન પર પટકાયા.

ગોળીઓ તેમના માથાના પાછલા ભાગમાં વાગી હતી અને તેમના ચહેરાનો ભુક્કો બોલાવતી આરપાર નીકળી ગઈ હતી.

બધાંની આંખો નર્યા અચરજથી ફાટી પડી.

દરવાજા પર એક ઓવરકોટધારી ઊભો હતો. એણે આંખો પર ગોગલ્સ ચશ્માં પહેર્યા હતાં.માથા પર રહેલી હેટને કપાળ સુધી નમાવી રાખી હતી.

એના હાથમાં જકડાયેલી રિવોલ્વરમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો.

જયરાજ તરત જ એને ઓળખી ગયો.

આગંતુક બીજું કોઈ નહીં , પણ ટોની બ્રીગેન્ઝા હતો !

‘આ બંને નાલાયકો આ જ અંજામને લાયક હતા !’ ટોની રિવોલ્વરની નળી વડે જમીન પર પડેલા સુલતાન અને ગુલઝારના મૃતદેહો તરફ સંકેત કરતાં બોલ્યો, ‘હું તેમનો પીછો કરીને અહીં સુધી આવ્યો છું !’

‘તું કોણ છો ?’ ભાટીયાએ પૂછ્યું.

‘ઈશ્વરે મોકલેલો દેવદૂત ! બસ, આ જ મારો પરિચય છે ! થોડી બુદ્ધિ વાપરશો તો બાકીની વાતો પણ સમજાઈ જશે !’

વાત પૂરી કરતાંની સાથે જ ટોની જે સ્ફૂર્તિથી આવ્યો હતો, એટલી જ સ્ફૂર્તિથી દરવાજો ઉઘાડીને બહાર પણ નીકળી ગયો.

‘આ કદાચ પરવેઝ સિકંદરનો માણસ હતો !’ જગમોહન બક્ષી બોલ્યો.

‘એ જે કોઈ હોય તે...!’ ભાટીયાએ નફરતભર્યા અવાજે કહ્યું, ‘પરંતુ તમારા લોકો કરતાં સત્તર દરજ્જે સારો માણસ હતો !’

‘હા...એણે ધાર્યું હોત તો તે આપણને પણ મારી શકે તેમ હતો. પરંતુ એ માત્ર દેવદૂતની જેમ આપણને બચાવવા માટે જ આવ્યો હતો.’ એક પત્રકાર બોલી ઊઠ્યો.

બાકીનાઓ પણ એની વાત સાથે સહમત હતા.

‘પહેલાં મને પાવાગઢી પર શંકા હતી...!’ જયરાજે કહ્યું, ‘કારણ કે રાજેન્દ્રના ખૂન પછી ખૂનીએ હરદ્વાર પહોંચવાનું હતું. પરંતુ નસીબજોગે રાજેન્દ્રને મારો પત્ર દસ દિવસે મળ્યો હતો. મેં તપાસ કરી હતી. પાછળથી એક માણસ કાવેરી હોટલમાં મને શોધવા માટે ગયો પણ હતો. પરંતુ ત્યાં સુધીમાં તો મેં હોટલ છોડી દીધી હતી. એ માણસ જરૂર ગુલઝાર જ હોવો જોઈએ !’

જયરાજની વાત પૂરી થઇ ગઈ હતી.

હવે કોઈ ખુલાસો બાકી નહોતો રહ્યો.

ભાટીયાના સંકેતથી અપરાધીઓ\ને હાથકડી પહેરાવી દેવામાં આવી.

માત્ર જગત ચૌધરી તાજનો સાક્ષી બન્યો હોવાને કારણે તેને હાથકડી નહોતી પહેરાવાઈ.

થોડી વારમાં જ ગુનેગારોને લઈને પોલીસનો કાફલો હેડક્વાર્ટર તરફ રવાના થયો.

જયરાજ વિરુદ્ધ કાઢવામાં આવેલું વોરંટ તાત્કાલિક અસરથી રદ કરી નાંખવામાં આવ્યું હતું.

એના માથા પર લાગેલું કલંક ભૂંસાઈ ગયું હતું.

બીજે દિવસે સાંજે તે અનિતાને ઘેર પહોંચી ગયો.

અત્યારે તે પોતાના વાસ્તવિક દેખાવમાં હતો.

અનિતાએ ઉમળકાભેર, ખુશખુશાલ ચહેરે તેનું સ્વાગત કર્યું.

‘શું વાત છે ? આજે તો બહુ ખુશ દેખાય છે ?’ જયરાજે પૂછ્યું.

‘હા...મેં અખબારમાં વાંચ્યું હતું કે અસલી ગુનેગારો પકડાઈ ગયા છે !’

‘હા...એ વાત સાચી છે.’ જયરાજ ગંભીર અવાજે બોલ્યો, ‘તને ફુરસદ હોય તો હવે તું હોટલે આવીને તારા પિતાજીનો સમાન લઇ જા...’

‘કેમ ? આટલી બધી ઉતાવળ છે ? નિરાંતે થોડી વાર બેસો તો ખરા !’

‘ના...અત્યારે બેસવાનો સમય નથી ! નવ વાગ્યાની મારી ટ્રેન છે !’

‘ક્યાંય બહારગામ જવું છે ? પાછા ક્યારે આવશો ?’

‘કદાચ નહીં આવું ! એટલા માટે કે હું હંમેશને માટે વિશાળગઢ છોડવાની ગણતરીથી જઉં છું.’

‘પણ તમે વિશાળગઢ શા માટે છોડો છો ?’

‘બસ....અહીં મને ક્યાંય ગમતું નથી ! અહીં રહીશ તો સુમનની યાદ મને શાંતિથી જીવવા નહીં દે ! અને એટલા માટે જ હું કાયમને માટે હરદ્વાર ચાલ્યો જવા માંગુ છું !’

‘મિસ્ટર જયરાજ, તમારો આ નિર્ણય બરાબર નથી !’

‘કેમ ?’

‘હરદ્વાર જઈને તમે શું કરશો ?’

‘પ્રભુની ભક્તિ અને સાધના...’

‘એ તો તમે અહીં રહીને પણ કરી શકો તેમ છો !’

‘નહીં કરી શકું ! સુમનની સ્મૃતિ મારે માટે અડચણરૂપ બનશે ! મારી સાધના માટે મારે આ શહેર છોડવું જરૂરી છે. મેં રાજીનામું પણ લખી રાખ્યું છે. અહીંથી સીધો કમિશનર સાહેબ પાસે જઈ, તેમને રાજીનામું સોંપી, હોટલમાંથી સમાન લઈને નીકળી જઈશ...’

‘મારી ઈચ્છા એવી છે કે તમે અહીં જ રહો ! પ્રભુ ભક્તિ અને સાધના કરવી, એ એક ઉત્તમ કામ છે. પરંતુ એને માટે આ શહેર છોડીને જવાની જરૂર નથી. ખેર, મારા એક સવાલનો જવાબ આપશો ?’

‘શું ?’

‘આ શહેર છોડીને હરદ્વાર જવાથી તમારા મનમાં સુમનની જે સ્મૃતિઓ સમાયેલી છે, એ શું ભૂંસાઈ જશે ...?’

‘એટલે ...?’

‘એટલે એમ કે સુમનની સ્મૃતિઓ ભરેલું મન તો તમારી સાથેજ હશે...! તમારા મનથી તો કંઈ તમે દૂર નથી જ જઈ શકવાના ....!’

‘તો હું શું કરું ...?’ જયરાજ ધૂંધવાતા અવાજે બોલ્યો.’

‘લગ્ન...!’

‘લગ્ન..?’ જયરાજે ચમકીને પૂછ્યું.

‘હા, લગ્ન ...!’ અનિતા ગંભીર અવાજે બોલી, ‘સુમનની સ્મૃતિઓને ભૂલવાનો આ એક જ ઉપાય છે. અને જો આ કામ માટે તમે મને યોગ્ય માનશો તો મારાથી વિશેષ આનંદ બીજા કોઈનેય નહીં થાય ! આ માટે મેં મમ્મીની મંજૂરી પણ મેળવી લીધી છે. તેઓ પણ સહર્ષ તૈયાર છે ...!’

અનિતા શું કહેવા માંગે છે એ પહેલાં તો જયરાજ ન સમજી શક્યો.

 પછી અનિતાની વાતનો અર્થ સમજાતાં જ એના હોઠ પર સ્મિત ફરકી ગયું.

‘ઓ.કે. મને પણ તારો જીંદગીભારનો સાથ ગમશે ...!’ એ બોલ્યો.

‘તમે મને લગ્ન માટે લાયક માનો છો, એ મારું સદનસીબ જ છે ...!’ અનિતાએ સ્નેહભરી નજરે એની સામે જોતાં કહ્યું.

‘પપ્પુ ક્યાં છ્હે ...?’ જયરાજે વાતચીતનો વિષય બદલતાં પૂછ્યું.

‘રમવા ગયો છે ...! થોડી વારમાં આવી જશે..’

જયરાજે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

‘તમે બેસો....હું ચા બનાવું છું...’

જયરાજ આગળ વધીને એક ખુરશી પર બેસી ગયો.

અનિતા કિચનમાં ચાલી ગઈ.

દસેક મિનિટ પછી તે ચા બનાવીને લાવી.

બંનેએ ચા પીધી.

‘અરે, એક વાત તો હું કહેતાં સાવ જ ભૂલી ગઈ..!’ અચાનક યાદ આવ્યું હોય એમ તે બોલી ઊઠી.

‘કઇ વાત ...?’

‘કાલે રાત્રે ક્રિશ્ચિયન જેવો દેખાતો એક માણસ આવ્યો હતો.એણે પોતાનું કંઇક નામ તો કહ્યું હતું. પણ મને યાદ નથી રહ્યું.’

‘ટોની બ્રીગેન્ઝા ...?’ જયરાજે પૂછ્યું.

‘હા ..એ જ નામ જણાવ્યું હતું...!’

‘તો એનું શું છે ...?’

‘તે તમારે માટે એક સૂટકેસ આપી ગયો છે !’

‘સૂટકેસ ...?’ જયરાજે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘હા...’

અનિતા અંદરના રૂમમાંથી એક સૂટકેસ લઇ આવી.

જયરાજે સૂટકેસ ઉઘાડી. વળતી જ પળે તે ચમકીને બે ડગલાં પાછળ ખસી ગયો.

સૂટકેસ પાંચસો રૂપિયાવાળી નોટોથી ભરેલી હતી.

બંડલોની ઉપર ઘડી કરેલો એક કાગળ પડ્યો હતો

જયરાજે કાગળની ઘડી ઉકેલીને તેનું લખાણ વાંચ્યું.

_____પ્રિય ભાઈ જયરાજ ...!

પરમકૃપાળુ પરમાત્મા તને હંમેશા સુખી અને પ્રસન્ન રાખે એવી પ્રાર્થના ...!

તારે કારણે અમને બે કરોડ રૂપિયા મળી ગયા છે. બે કરોડનાં સોના અથવાતો એટલી રકમનો પત્તો લગાવવામાં મદદરૂપ થનારને અમારા સંગઠન તરફથી પચાસ લાખ રૂપિયા બક્ષિસ તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ રકમ માટે તું હકદાર છો એટલે આપી જઉં છું.

પ્લીઝ, ઇનકાર કરીશ નહીં અને સ્વીકારીને આભારી કરજે.

તારો ભાઈ ___ટોની બ્રિગેન્ઝા...!

એ જ વખતે પપ્પુ પણ આવીને તેને વળગી પડ્યો હતો

જયરાજે એક ઊંડો શ્વાસ ખેંચીને સૂટકેસનું ઢાંકણ બંધ કરી દીધું.

પછી અચાનક તેને હરદ્વારના રેલવે સ્ટેશનના વેઈટીંગ રૂમમાં થોડી મિનિટો માટે મળેલા “ગુરુદેવ” યાદ આવ્યા.

જયરાજને લાખો રૂપિયા મળશે એવી તેમની ભવિષ્યવાણી સાચી પડી હતી.

લાખો રૂપિયાની સાથે સાથે તેને અનિતા જેવી ડાહી, સંસ્કારી અને સમજદાર પત્ની પણ મળી હતી.

‘હરી ઈચ્છા બળવાન ..!’ તે એક ઊંડો શ્વાસ લઈને બબડ્યો.

અનિતા અપાર સ્નેહથી એની સામે તાકી રહી હતી.

- સમાપ્ત -