Fish my friend in Gujarati Children Stories by Mahendra Sharma books and stories PDF | માછલી મારી દોસ્ત

માછલી મારી દોસ્ત

માછલી મારી દોસ્ત

કનું અને લાલી બાળપણના મિત્રો, સાથે ભણે , સાથે રમે અને સાથે ફરે. તેઓ રોજ સાંજે ગામની બહાર આવેલ તળાવ પર ફરવા જતાં. ત્યાં તેઓ તળાવમાં રહેતી લાલ માછલીઓ જોઈને બહુ ખુશ થતાં. એમને થતું કે માછલીઓને કંઇક ખવડાવીએ, પણ તેઓને ખબર ન્હોતી કે શું ખવડાવવું, એટલે પાછા ઘરે આવીને વિચારવા લાગતાં.

એક દિવસ ક્નું ને થયું ચાલો દાદા ને પૂછીએ કે માછલીઓ શું ખાય છે. પણ એને બીક હતી કે કદાચ દાદા ફરી તળાવે જવા નહીં દે તો. છેવટે એણે હિંમત કરીને દાદા ને પૂછી લીધું અને વાયદો લીધો કે દાદા એની માં અને બાપુજી ને આ બાબતે કશુંજ કહેશે નહીં. દાદા અને કનું પણ મિત્રો જેવા એટલે દાદાએ પૂછ્યું કે કેવી માછલી છે, ક્યાં રહે છે એટલે ખબર પડે કે શું આપીએ. કનુંએ બધી વિગત કહી કે નાની માછલીઓ છે, લાલ કલર વાળી અને તળાવમાં રહે છે. દાદાએ કહ્યું તો પછી એમને લોટ જ ગમશે. એક કોથળીમાં લોટ લઈને જા ને લોટમાં પાણી નાંખી, નાની ગોળીઓ બનાવી તળાવમાં નાંખજે, માછલીઓ મજાથી ખાશે.

ક્નું અને લાલી સાંજે વહેલાં લોટ લઈને તળાવે પહોંચી ગયા, એક રકાબીમાં લોટ અને તળાવનું પાણી લીધું, ગોળ ગોળ ગોળીઓ બનાવી કાઢી, પછી જ્યાં માછલીઓ આવે છે ત્યાં તળાવમાં એમણે નાંખી. પણ માછલીઓ દૂર ઊભી રહી પણ એ ખાવા આવી જ નહીં. બન્ને છોકરાઓ ત્યાં ઊભા રહી જોતાં રહ્યા કે હવે માછલી આવશે અને ખાશે પણ તેઓ તો આવીજ નહીં. બન્ને ઉદાસ મન લઈને ઘરે પાછા ગયા. રાતે ઊંઘમાં પણ એમને એજ દૃશ્યો દેખાય કે માછલી આવી પણ કશું ખાધું નહીં.

કનુંએ આ વાત દાદા ને કહી કે દાદા કેમ આમ થયું, માછલીઓ દૂર ઊભી રહી પણ લોટની ગોળીઓ ખાદી જ નહીં. દાદા ને તરત ખબર પડી ગઈ કે શું તકલીફ થઈ હશે. એમણે કનુંને એક વાત સમજાવી અને કહ્યું કે તું ફરી સાંજે જજે અને મેં કહ્યું એમ કરજે.

કનું અને લાલી ફરી સાંજે તળાવે ગયા, લોટની ગોળીઓ બનાવી અને તળાવમાં નાંખી પણ હવે તેઓ ત્યાંથી થોડા દૂર જતાં રહ્યાં, ઊભા ના રહ્યાં અને દૂરથી જોયું તો માછલીઓ આવી પણ ખરી અને ગોળીઓ ખાદી પણ ખરી. બેઉ ખુશી થી નાંચવા લાગ્યા. લાલીએ પૂછ્યું કેમ આમ થયું આજે. ત્યારે કાનુંએ કીધું માછલીઓને આપણી બીક લાગે છે, એટલે જ્યારે આપણે લોટની ગોળીઓ નાંખીને દૂર ગયા પછી જ તેઓ ખાવા આવી. બસ આ ખબર પડી એટલે છોકરાઓ રોજ આ રીતે માછલીઓને ખવડાવવા લાગ્યા. હવે તો માછલીઓની બીક પણ જતી રહી, એટલે ભલે છોકરાઓ ઊભા હોય તોય બધી માછલીઓ આવે અને મજાથી લોટની ગોળીઓ ખાય.

એક દિવસ કનુંના દાદા અચાનક ગુજરી ગયા. ઘરે બધા દુઃખી થયા અને ખુબ રડ્યા. પછી કનુંના બાપાએ એને કહ્યું કે તું હવે શાળાથી આવીને મારી જોડે ખેતર આવ, મને મદદ કરવા કોક જોઈએ. એટલે હવે કનું એના બાપા સાથે ખેતર જવા લાગ્યો, સાંજે લાલી એને લેવા ઘરે આવે પણ એ મળે નહીં એટલે એકલી તળાવે જાય, લોટની ગોળીઓ માછલીઓને આપે અને એમની જોડે વાતો કરે. એણે માછલીઓ ને કહ્યું કે કનું હવે નહીં આવે, એ ખેતર જાય છે. માછલીઓ પણ જાણે વાત જાણીને દુઃખી થાય એમ મોઢું પાણીમાંથી બહાર કાઢે અને પછી જતી રહેતી.

કનું હવે નિશાળે પણ નહોતો આવતો, લાલીને કોક મિત્રે કહ્યું કે કનુંના બાપુજી બીમાર પડ્યો છે એટલે એને આખો દિવસ ખેતરે જવું પડે છે, તેઓ ખૂબ તકલીફમાં છે, ઘરે ખાવાની પણ તકલીફ ઊભી થઈ છે. આ સાંભળી લાલી ખુબ દુખી થઈ અને તળાવે જઈને બધી વાત માછલીઓને કહેતી. એક દિવસ એણે જોયું કે એક મોટી લાલ માછલી કે જેનું નામ તેઓએ પરી રાખેલું એ કિનારા નજીક આવી અને મોઢામાંથી કંઇક સફેદ રંગની વસ્તુ કાઢીને જતી રહી. લાલીએ નજીક જઈને એ વસ્તુ ઉપાડી તો એ એક સુંદર મોતી હતું. સફેદ વાદળી ચળકતું મોતી.

તે તરત દોડીને કનુંના ખેતરે ગઈ, એને એ મોતી આપીને કહ્યું કે જો આ આપણી પરી તારા માટે મૂકીને ગઈ છે. કનું આ સાંભળીને અવાક થઈ ગયો. એને આ મોતીની કિંમત ખબર ન્હોતી પણ એની જરૂરિયાત એને એક જવેરાતના વેપારી પાસે લઈ ગઈ. વેપારી પણ ચાલાક હતો, કનુંને આ મોતી માટે થોડા પૈસા આપ્યા અને કહ્યું તારી દયા આવી એટલે આપું છું બાકી આ મોતીની કોઈ કિંમત નથી.પણ થોડા પૈસા પણ કનું માટે ઘણા હતા, તરત જ તે ઘરે દોડ્યો, માં બાપુજી ને આખી વાત કહી અને પૈસા માં ને હાથમાં આપીને કહ્યું કે મને થોડી વાર તળાવે જવા દે. માંએ એને લોટની ગોળીઓ બનાવીને આપી અને કહ્યું કે ખાસ પરીને ખવડાવજે.

દોડતો દોડતો કનું તળાવે આવ્યો, લાલી ત્યાંજ બેઠી હતી અને રડી રહી હતી. લાલી ને રડતું જોઈને કનુંએ પૂછ્યું કે કેમ રડે છે, ત્યારે લાલીએ કહ્યું આપણી પરી મરી ગઈ. જો ત્યાં તળાવમાં. દૂર તળાવમાં પરીનું શરીર પાણીમાં ડૂબી રહ્યું હતું. તળાવ પર બેઠા એક વૃદ્ધે જણાવ્યું કે આ પ્રજાતિ ની માછલીઓ જ્યારે પેટનું મોતી મોઢેથી કાઢી નાંખે ત્યારે એમની શ્વાસ નળી ફાટી જાય છે અને તેઓ મરી જાય છે. કનુંને ખબર પડી ગઈ કે પરીએ એની મિત્રતાનું ઋણ પોતાના જીવથી ચૂકવી દીધું. એ મરી ને પણ કનુંને કીમતી મોતી આપી ગઈ.

આબોલ જીવો ભલે બોલતા નથી પણ બધું જ સમજે છે.

- મહેન્દ્ર શર્મા ૧૩.૦૯.૨૦૨૨