Jadui Dabbi - 2 books and stories free download online pdf in Gujarati

જાદુઈ ડબ્બી - પ્રકરણ 2

ભાગ 1માં છેલ્લે તમે જોયું કે, કુંભારની નવી પત્નીએ એક કાણી બાળકીને જન્મ આપ્યો અને કુંભારથી ચિડાયેલી તેની પત્ની એ તેની પુત્રીને રાણી બનાવવાની વાત કરી હતી. હવે આગળ શું થયું તે જોઈએ ભાગ 2માં.

************************

હવે, ધીમે ધીમે સમય જતો ગયો અને તેમ તેમ બંને દિકરી મોટી થવા લાગી. જેમ જેમ વૈદેહી મોટી થતી ગઈ તેમ તેમ તેની નિષ્ઠુર માતા તેને વધું હેરાન કરવા લાગી. એક તો પારકી દિકરી અને એમાં પણ કાણી કરતા સારી અને સુંદર લાગતી. જેની બળતરામાં તેની નવી માં તેને આખો દિવસ તડકામાં કામ કરાવતી. વૈદેહીને કોઈ પણ તેહવારમાં નવા કપડાં મળતા નહીં. જ્યારે કાણીને તેનીમાં રાજકુંવરી જેવા કપડાં લઈ દેતી અને બોલતી, “તારે સારા જ કપડાં પહેરવાંના છે, તો જ તને કોઈ રાજકુમાર પસંદ કરશે.” કાણીની માતા તેને વસ્ત્રો તો લઈ દેતી પરંતુ ગરીબીના હિસાબે તેને આભૂષણ અપાવી શકતી ન હતી. સોતેલી માં વૈદેહિને જૂના અને ફાટેલા તૂટેલા કપડાં પહેરાવતી અને ખૂબ જ હેરાન કરતી.

હવે, સમય સાથે કુંભાર પણ થાકવા લાગ્યો. રોજ-રોજ ગધેડા સાથે લમણાં લઈ તે પણ દુબળો પડી ગયો હતો. એક દિવસ કુંભારે તેની પત્નીને કહ્યું, “હવે મારાથી ગધેડા ચરાવવા નય જવાય, આ ગધેડાં રોજે ભાગી જાય છે. તેમને શોધવામાં હું ખૂબ જ થાકી જવ છું. હું વિચારું છું કે, એકાદ દાડિયો રાખી લવ.”
કુંભારની વાત સાંભળી તેની પત્નીને થયું કે, જો દાડિયો રાખશે તો રૂપિયા ઘટી જાશે. એટલે તેને કહ્યું, “આ તમારી મોટી દિકરી આખો દિવસ રખડયા કરે છે એનાં કરતાં એનેજ ગધેડાં ચરાવવા મોકલી દેજો.” કુંભાર કંઈ બોલી શક્યો નહીં.

બીજા દિવસે સવારે વૈદેહીને વહેલી સવારે બધું જ કામ કરાવ્યું અને પછી ચુલામાંથી રખ્યાં કાઢીને રોટલા ઉપર ચોપડી એક કપડામાં બાંધીને વૈદેહીને આપીને ગધેડાં ચરાવવા મોકલી. ગધેડાથી ડરતી વૈદેહી ધીમે-ધીમે ગધેડાં ચરાવતા શીખી ગઈ. વહેલી સવારે કામ કરી આખો દિવસ તડકામાં ગધેડાં ચરાવે બપોરે છાયે બેસીને રોટલા ઉપરથી રાખ્યાં સાફ કરીને રોટલો ખાઇ લેતી. હવે વૈદેહીને આ રોજનું થયું, ‘રખ્યાંનો રોટલો અને માથે મોટો ચોટલો.’ વૈદેહીના વાળ ખૂબ જ લાંબા થઈ ગયા હતાં. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા. એટલે તેની ઈર્ષ્યાળુ માં તેને તેના વાળ બાંધીને રાખવાં મજબુર કરતી. જેથી તેનો ચોટલો તેના જ માથાનો ભાર થઈ ગયો. હવે વૈદેહી રોજે અંબોડો લેતી અને ગધેડાં ચરાવવા જતી.

એક દિવસ બપોરના સમયે વૈદેહી ગધેડા ચરાવતી હતી, એ જ સમયે તેની નજર એક ઝડપથી ચાલતાં સાપ ઉપર પડી. સાપની મોટી મૂછો પણ જમીન સાથે ઘસાતી હતી, તેને જોઈને જ ખબર પડી જાય કે તે સાપ ઘણો ઘરડો છે અને તેમ છતાં ખૂબ જ ભયાનક પણ. તેને જોઈ વૈદેહીના મોઢામાંથી રાડ નીકળી ગઈ. એ જ સમયે સાપ ત્યાં જ ઊભો રહી ગયો અને આજુ-બાજુમાં છુપાવાની જગ્યા શોધવા લાગ્યો. પરંતુ તેને એટલામાં ક્યાંય જગ્યા મળી નહિ એટલે તે સાપ વૈદેહી તરફ આવ્યો અને તેની સામે ઊભો રહી બોલ્યો, “દિકરી! અત્યારે મારી ઉપર સંકટ આવી પડ્યું છે. મારી પાછળ એક ખૂબ જ શક્તિશાળી શિકારી પડ્યો છે. તું મને ક્યાંક છુપાવાની જગ્યા કરી દે. હું તને કંઈ નહીં કરું.” તે સાપનો અવાજ સાંભળી વૈદેહી તો આશ્ચર્યમાં પડી ગઈ. થોડો સમય તો કંઈ સમજી જ ન શકી. એટલામાં સાપ ફરીવાર બોલ્યો, “દિકરી... દિકરી! મારી મદદ કર.”

“પણ દાદા મને તમારી બિક લાગે છે.” વૈદેહીના મોંઢામાંથી નીકળેલા દાદા શબ્દથી સાપનું હૃદય દ્રવીત થયું અને બોલ્યો, “દિકરી! તે મને દાદા કહ્યું અને હવે જો હું મારી પૌત્રી સમાન દિકરીને ડંખુ તો મારું કુળ લજવાય. સાપની વાત સાંભળી વૈદેહી તેને આશરો આપવા માની ગઇ અને બોલી, “દાદા હું નીચે બેસી જવ અને તમે મારા વાળમાં અંબોડાની જેમ વીંટળાઈ જાવ.”

***

વાંચતા રહો મારી સાથે...