Jadui Dabbi - 3 books and stories free download online pdf in Gujarati

જાદુઈ ડબ્બી - પ્રકરણ 3

ભાગ 2માં તમે જોયું કે, સાપની પાછળ પડેલાં મદારીથી સાપને બચાવવા વૈદેહીએ સાપને પોતાના વાળમાં વીંટળાઈ જવા કહ્યું.
હવે, આગળ શું થયું તે જોઈએ ભાગ 3માં.

************************

સાપને તેની યોજના ગમી અને તેની પાસે આગળ વધ્યો અને સાવ નજીક આવી પાછો અટકયો અને બોલ્યો, “પણ દિકરી! મારો વજન વધારે છે. તારું માથું સ જોહન કરી શકશે?” વૈદેહી ઘણા સમયથી લાંબા વાળનો વજન ઉપાડીને હવે ટેવાઈ ગઇ હતી. એટલે કંઇ ન બોલતાં ખાલી હસીને નીચે બેસી ગઈ અને સાપને તેના વાળ ઉપર ચડી જવા કહે છે. સાપને અત્યારે પાછળ આવી રહેલાં મદારીનો ડર હતો એટલે તે પણ ઝડપથી ચડી જાય છે. સાપ ધીમે-ધીમે ગોળ...ગોળ અંબોડા જેમ વીંટળાઈ ગયો એટલે વૈદેહીએ પોતાના માથા ઉપર ચુંદડી ઓઢી લીધી.

થોડીવારમાં ત્યાં શિકારી પણ સાપના ચાલવાના લીટાને જોતો જોતો આવી રહ્યો હતો. તેના હાથમાં બિન અને તેની જોળી હતી, પગમાં મોજડી અને માથે પસેડી પણ વિંટાળી હતી, મોટી સફેદ દાઢી આંખો એકદમ રાતા કલરની હતી. શિકારી સાપના ચાલવાના નિશાનને જોઈ આગળ વધી રહ્યો હતો. થોડે આગળ પહોંચતા તેને જોયું કે, અહીંથી તે સાપના ચાલવાનું નિશાન નથી. હવે તે ત્યાંજ ઉભો રહીં આજુ-બાજુ જોવા લાગ્યો. એટલામાં તેની નઝર ગધેડાં ચરાવતી વૈદેહી ઉપર પડી.

વૈદેહીએ તે મદારીને જોયો ન હતો, એતો એના ગધેડા ચરાવવા લાગી હતી. એટલે શિકારી તેની પાસે જઈને બોલ્યો, “એ છોકરી તે અહીંયા ક્યાંય સાપ જોયો?” તેનો અવાજ જાડો અને ભયાનક હતો એટલે ચોંકી ગયેલી વૈદેહી એકદમથી તેના તરફ ફરીને જોવા લાગી અને પછી ડરતાં અવાજે બોલી, “અહીંયા કોઈ સાપ નથી. જો હોત તો મારા ગધેડાંને પહેલા ખબર પડી જાય અને ચરવાનું છોડીને ભાગવા લાગે. (જ્યારે તેને સાપને પોતાના માથાં ઉપર બેસાડ્યો ત્યારે ગધેડાં દૂર હતા અને પછી તરત ચૂંદડીથી ઢાંકી દીધો હતો.)"


મદારીને થયું છોકરીની વાત સાચી છે, જો સાપ હોત તો ગધેડાં ભાગી જાત. એટલે મદારી ત્યાંથી નીકળવા લાગ્યો અને વૈદેહી પાછળ ફરીને તેના તરફ જોવા લાગી. એ સમયે અચાનક એક ગધેડાંની નજરમાં સાપ આવી ગયો અને તે ધમ પછાડા કરવા લાગ્યો. તે જોઈ શિકારી પણ એકદમથી પાછો ફર્યો અને તે ડરી ગયેલાં ગધેડાં પાસે જવા લાગ્યો.


“છોકરી! અહીં જરૂર સાપ છે. તું તારા ગધેડાં લઈ ઝડપથી નીકળી જા.” મદારીની વાત સાંભળી વૈદેહી ત્યાંથી તેનાં ગધેડાં લઈ નીકળી ગઈ. તે હવે ત્યાંથી ખૂબ દૂર આવી પહોંચી અને મદારી ત્યાં જ સાપને શોધતો રહ્યોં.

હવે, જ્યારે વૈદેહીને લાગ્યું કે, દાદાને શિકારીથી કોઈ ખતરો નથી. ત્યારે તે ગધેડાંને ફરી છુટા ચરવા મૂકી દૂર જઈને બેસી ગઈ. તેના બેસતા જ સાપ ધીમે-ધીમે જમીન પર આવી ગયો. એટલે વૈદેહી ઊભી થઈ ગઈ. સાપે વૈદેહીનો આભાર માનતા કહ્યું, “બેટા! આજે તે મારો જીવ બચાવ્યો. હું જીવનભર તારો ઋણી રહીશ.” પછી સાપે વૈદેહીને કંઈક માંગવા કહ્યું પરંતુ, તેને તરત જ ના પાડી દીધી અને બોલી, “ના દાદા મારે કંઈજ નથી જોવતું.” એટલે સાપે ફરી પૂછ્યું, “તને કોઈ દુઃખ હોય તો બોલ હું દૂર કરી દઈશ.” તો પણ વૈદેહી એ ના પાડી.

“દીકરી! આવા તડકાની તું ઘણઘોર જંગલમાં એકલી ગધેડાં ચરાવે છે અને તારે કોઈ દુઃખ નથી?” સાપે પૂછ્યું. એ તડકામાં વૈદેહીના ગધેડાં તરસ્યા થયા હતા અને તેને પણ ભૂખ લાગી હતી. એટલે તે બોલી, “ના દાદા બીજું કંઇ દુઃખ નથી. પરંતુ મારી માં મને રોજે રખ્યાવાળો રોટલો કરીને આપે છે જે મને બિલકુલ નથી ભાવતો. જો કે, આજે એ રોટલો પણ ત્યાંજ રહી ગયો અને ભૂખ્યા હું આ ગધેડાંને પાણી પાવા નય લઈ જઈ શકું. જો આટલામાં ક્યાંક કોઈ સારા ફળોનું વૃક્ષ હોય તો હું ફળ ખાઈને તેમને પાણી પીવડાવવા નીકળી જવ.” તેની વાત સાંભળી સાપે તેના હાથમાં બે ડબ્બી મૂકી અને બોલ્યો, “દિકરી! તારા હાથમાં હું આ જાદુઈ ડબ્બી મુકું છું.”
“જાદુઈ ડબ્બી!” આશ્ચર્ય પામતા વૈદેહી બોલી.

“હા દીકરી. આ ડબ્બી પાસે તું જે માંગીશ એ ખાવાનું તને મળી જશે.” સાપ બોલ્યો.

બીજા હાથમાં રહેલી ડબ્બી બતાવીને વૈદેહી બોલી. “તો દાદા એના માટે બીજી ડબ્બી શા માટે?” એટલે સાપ હસવા લાગ્યો અને બોલ્યો, “તારા બીજા હાથમાં રહેલી ડબ્બીને તું જ્યાં ખોલીસ ત્યાં એક નાનું તળાવ થઈ જશે અને તે તળાવના કિનારે બે ઘટાદાર લીમડાના વૃક્ષ બની જશે.” વૈદેહી આ વાત સાંભળી તરત જ સાપને બે હાથ જોડ્યા અને બોલી, “દાદા આજ દિવસ સુધી મને મારી માં એ ખુબજ દુઃખ આપ્યું, જે આજે ક્ષણીક તમને માથે બેસાડતા દૂર થયું. આપનો આ ઉપકાર હું કદી નહિં ભૂલું.”

“અરે... દીકરી! તે મારો જીવ બચાવ્યો. નયતો મારા જેવા ભયંકર સાપને કોઇ પાસે પણ ન જવા દે. મારો વજન તારા માથા ઉપર હતો. તેમ છતાં તે એ શિકારીને ભણક પણ ન પડવા દીધી. ઋણી તો હું તારો છું.” એટલું કહી થોડીવાર ઉભા રહી સાપે રજા લીધી અને જીવનમાં ગમે ત્યારે દુઃખ પડે યાદ કરતાં જ હાજર થઈ જવાનું વચન આપ્યું.

***


વાંચતા રહો મારી સાથે...