Jadui Dabbi - 8 books and stories free download online pdf in Gujarati

જાદુઈ ડબ્બી - પ્રકરણ 8

ત્રણ કોઠી સોનું, ત્રીસ થાળ ચાંદી અને પચ્ચીસ ગાયોની લાલચમાં આવેલી કુંભારની નવી પત્ની વૈદેહી રાજા સાથે મોકલવા માટે તૈયાર થઈ ગઈ. રાજ મહેલમાં જઈને વૈદેહી સાથે શું થશે તે જોઈએ ભાગ 8માં.

************************

ત્યારબાદ રાજા વૈદેહીને લઈને મહેલમાં આવ્યો. આ તરફ ગરીબ કુંભાર ખુબ જ ધનવાન થઈ ગયો. ઘરે ચાર-પાંચ નોકર રાખી દીધા. ગામનો મોટો જમીનદાર થઈ ગયો કાણી હવે વધુ મોંઘા કપડા પહેરવા લાગી.

રાજ્યમાં વૈદેહીના લગ્ન રાજકુમાર સાથે કરાયા. વૈદેહી પણ ખુબ જ સારુ જીવન જીવવા લાગી. સાથે-સાથે રાજ્યને પણ સ્વર્ગ સમાન કરી નાખ્યું. રાજકુમારને જ્યારે પણ જે પણ ખાવાનું મન થાય. તે વૈદેહી તેની જાદુઈ ડબ્બીમાંથી માંગીને આપતી અને હવે રાજ્યમાં બીજા બધાને પણ મન ભાવતી રસોઈ મળી રહેતી. થોડાક જ સમયમાં રાજનું રસોડું વૈદેહી એકલી જ ચલાવવા લાગી. રાજા પણ ખૂબ ખુશ થયો. વૈદેહી સુશીલ અને સંસ્કારી કન્યા હતી. તેને રાજ્યમા ખુબ જ માન મળવા લાગ્યું.

એક દિવસ વૈદેહીને તેના પિતાની યાદ આવી એટલે તેણે રાજકુમારને ઘરે જવા વિનંતી કરી. પહેલા તો તે માન્યો નહીં. પરંતુ, વૈદેહી તેને ખુબ જ પ્રિય હતી અને આજે તેને પહેલીવાર કોઈ માંગ કરી હતી. એટલે તેણે તેની વાત માની અને તેને તેના ઘરે જવાની અનુમતિ આપી. સાથે-સાથે તેના માતા અને બહેન માટે ભેટ સ્વરૂપે દશેક સોનાના આખા ભરેલા થાળ મોકલાવ્યા.

વૈદેહી તેના ઘરે આવી વૈદેહીને જોઈને તેનો પિતા ખુશ થઈ ગયો અને તેની આંખમાંથી આશુની ધાર વહેવા લાગી. પિતાને રડતા જોઇ વૈદેહીથી પણ ન રહેવાયું અને તે પણ રડી પડી. બંને બાપ દીકરીને રડતા જોઇ તેની ઈર્ષ્યાળુ માં ત્યાં આવી પહોંચી અને તેમને છાના રાખ્યાં. ત્યારબાદ વૈદેહીના પિતાએ બે હાથ જોડીને તેની ક્ષમા માંગી. વૈદેહીએ તેનું કારણ પૂછ્યું. એટલે કુંભારે કહ્યું, “દીકરી મેં પૈસા માટે તને એ ઘરડા રાજા સાથે પરણાવી હું પાપી છું. મને માફ કરીદે.” એટલે તેના હાથ પકડી નીચે કરીને વૈદેહી બોલી, “પિતાજી આતો તમારા આશીર્વાદ જ છે કે, તે રાજા મારો હાથ તેમના માટે નહીં. પરંતુ, તેમના પુત્ર એટલે રાજકુમાર માટે માંગવા આવ્યા હતા.”

તેની વાત સાંભળી કુંભારના હર્ષનો પાર ન રહ્યો. બીજી તરફ તેની સામે ઊભેલી કાણીની માં ઈર્ષ્યાથી લાલ થઇ ગઈ. તેને જોઈ વૈદેહી બોલી, “માં તારી અને મારી નાની બેન માટે તમારા જમાઈએ થોડી ભેટ મોકલી છે.” ત્યારબાદ વૈદેહીની સાથે આવેલા દાસને આદેશ આપ્યો અને એક પછી એક સોનાના થાળ આવવા લાગ્યા. કાણીની માં સોનું જોઈ ફરી લલચાઈ ગઇ અને ખુશ ખુશાલ થઈ ગઈ.

થોડા દિવસ વીત્યા બાદ એક દિવસ કાણીની માતાના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેને વિચાર્યું કે, વૈદેહીની જગ્યાએ મારી દીકરી કાણીને રાજમાં પરણાવી દવ તો! તેને ક્યારે કોઈ દુઃખ ન પડે અને ભેટ સોગાતમાં મને પણ અઢળક સોનુ મળ્યા કરે. આવું વિચારી કાણીની માં તેની પાસે જાય છે અને રજવાડામાં રાણી બનવાની લાલચ તેના મનમાં પણ જગાડે છે. એટલે તેની માતાની વાત સાંભળી કાણી માની ગઈ. બીજા દિવસે વૈદેહી અને કાણી બંને બહેનો પાણી ભરવા ગઈ. તે સમયે વૈદેહી કૂવામાંથી પાણી સીંચી રહી હતી અને કાણી કૂવામાં જોઈ રહી હતી. એટલે કાણી કૂવામાં જોતાં જોતાં જ બોલી, “દીદી જોતો હું કેવી લાગી રહી છું.” એટલે વૈદેહી એ પણ કૂવામાં જોયું. કાણી તેની નાની બહેન તરીકે લાડ-લડવા લાગી અને વૈદેહીને કહ્યું, “દીદી એકવાર મને તો તારા કપડા પહેરવા દે. પછી બંને બહેનોએ પોતાના વસ્ત્રો બદલ્યા. ત્યારબાદ કાણીએ કૂવામાં જોયું અને કહેવા લાગી, “જો દીદી હું પણ હવે તારી જેવી જ લાગી રહી છું. એમાં પણ ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ઓળખી ન શકે.”
કાણીએ વૈદેહીને પણ કૂવામાં જોવા કહ્યું, “જોતો હવે દીદી તું કેવી લાગી રહી છે” એટલે વૈદેહી પણ કૂવામાં નિરખીને જોવા લાગી. ત્યાં જ પાછળથી કાણીએ તેને કૂવામાં ધક્કો માર્યો અને વૈદેહી કુવામાં પડી ગઈ. કાણી ઉપરથી જ હસતા -હસતા બોલી, “ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ન ઓળખી શકે.” એટલું કહી તે ત્યાંથી નીકળી ગઈ.

***

વાંચતા રહો મારી સાથે...