Prem - Nafrat - 51 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૫૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૧

રચનાની વાતથી આરવ ચોંકી ઊઠ્યો હતો. જે સુખ અને આનંદની અનુભૂતિ માટે તેને ઇંતજાર હતો એના પર રચનાએ ઠંડું પાણી રેડી દીધું હતું. તે રચના સાથેની સુહાગરાતની કેટલાય દિવસથી રાહ જોઇ રહ્યો હતો. તેણે કલ્પના કરી ન હતી કે રચના છેલ્લી ઘડીએ આમ અટકી જશે. આરવે લગ્ન પહેલાં એના શરીરને સ્પર્શ કરવાનું પણ ટાળ્યું હતું. લગ્ન પછી તેનો અધિકાર હતો અને રચનાની સાથ આપવાની ફરજ હતી ત્યારે એ ઇન્કાર કરી રહી છે. તે કારણ જાણવા અધીરો થઇ ગયો હતો. તેણે શાંત સ્વરે પૂછ્યું:'રચના, આપણે સુહાગરાત મનાવવા આવ્યા છે અને તું કહી રહી છે કે સુહાગરાત મનાવી શકીશું નહીં. તને કોઇ પ્રકારની તકલીફ કે સમસ્યા છે?'

એ સાંભળીને રચના જોરથી હસી પડી.

આરવને દિલમાં રાહત થઇ કે હાશ! રચના મજાક કરી રહી હતી. તેને અંદરથી એવું થતું જ હતું કે રચના પણ સુહાગરાતને મજાની બનાવવા તૈયાર જ હશે. એ પણ આ રાતની રાહ જોઇ રહી હશે. પણ આરવની બધી આશાઓ પર કાળો કૂચડો ફેરવતી હોય એમ રચના હસવું ખાળીને બોલી:'ના-ના., કોઇ તકલીફ કે સમસ્યા નથી. હું સંપૂર્ણ તંદુરસ્ત છું. મારા પતિ સાથે સવાર સુધી સુહાગરાત મનાવી શકવા સક્ષમ છું! પણ ડિયર! સોરી હોં! હું એક બાધા લઇને બેઠી છું. એ કારણે તારી સાથે હમણાં આવી કોઇ રાત વીતાવી શકીશ નહીં...'

રચનાની વાતથી આરવનું આશ્ચર્ય વધારે બેવડાયું. સારો વર મળી જાય એ સિવાયની બીજી કઇ બાધા કુંવારી યુવતીએ લેવાની હોય? એની પાસે હવે બધું જ છે. ઘર છે. પરિવાર છે. સંપત્તિ છે. પછી એવી કઇ વસ્તુ છે જેની કામનાની બાધા પૂરી થઇ નથી. આરવે નવાઇથી પૂછ્યું:'બાધા? રચના, તારા જેવી આધુનિક યુવતી બાધા લઇને બેઠી હોય એ સમજાતું નથી? તારી એવી કઇ ઇચ્છા છે જે પૂરી થઇ નથી. તું બોલ તો હું હમણાં જ એ પૂરી કરવા પ્રયત્ન કરું...'

'પતિદેવ! તમને નિરાશ કરી રહી છું એ બદલ દિલગીર છું. મેં બાધા લીધી છે કે મારી મમ્મી સારી હોવાનો મેડિકલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી હું કોઇ આનંદ અને સુખને માણીશ નહીં. હંમેશા એણે દુ:ખ ભોગવીને મને સુખ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી મમ્મીની તબિયત સારી રહેતી નથી. તેને પ્રથમ સ્ટેજનું કેન્સર છે. મેં એને એની જાણ થવા દીધી નથી. તેની દવાઓ ચાલુ છે. ડૉકટરને આશા છે કે એકાદ મહિનામાં મટી જશે. કેન્સરનું જાણ્યું ત્યારે જ મેં બાધા લીધી હતી કે ભગવાન મારી મમ્મી જ્યાં સુધી ખતરાની બહાર નહીં આવે ત્યાં સુધી હું કોઇ સુખ કે આનંદને ભોગવીશ નહીં. મને શ્રધ્ધા છે કે તું એ બાધા પૂરી કરવામાં સાથ આપીશ...' રચનાએ એના બંને હાથ લાગણીથી પકડીને કહ્યું.

'રચના, મમ્મી પ્રત્યેનો તારો પ્રેમ સમજી શકાય એમ છે. હવે તારા દુ:ખ અને સુખ એ મારા છે. હું ચોક્કસ તને સાથ આપીશ. આપણે એમને મોટા ડૉકટરની સારવાર અપાવીશું. એમને જલદીથી કેન્સરથી છુટકારો મળે એવા પ્રયત્ન કરીશું. તું ચિંતા કરીશ નહીં. હવે એ મારા પણ મમ્મી છે. આપણે સાથે મળીને એમને સ્વસ્થ કરીશું...' આરવે સધિયારો આપતાં કહ્યું.

'આરવ, અત્યારે દવા બરાબર ચાલી રહી છે. અને એનાથી ફરક દેખાઇ રહ્યો છે. બહુ જલદી મમ્મી કેન્સરમાંથી મુક્ત થઇ જશે. આપણે ડૉકટર બદલવાની જરૂર નથી. અને મોટા ડૉકટર પાસે જઇશું તો એમને ખ્યાલ આવી જશે કે એમને કોઇ મોટી અને ગંભીર બીમારી છે...' રચનાએ આરવને સમજાવતા કહ્યું.

'મને તો લાગે છે કે કોઇ મોટા ડૉકટરને બતાવી જ દઇએ. એ માટે એમને હોસ્પિટલમાં લઇ જવાની જરૂર નથી. એમના માટે આપણે જે બંગલો લીધો છે ત્યાં જ વિઝિટે આવી જશે...' આરવ મમ્મીને જલદી સારા કરવા માગતો હતો.

'હું પણ એવું ઇચ્છતી હતી. પરંતુ ઘરે ડૉકટર આવશે તો મમ્મીને વધારે શંકા પડશે. તારે મારી વાત માનવી પડશે. એમને અત્યારે જે દવા ચાલે છે એ અસરકારક સાબિત થઇ રહી છે...' રચનાએ આરવના આગ્રહને ટાળતાં કહ્યું.

'ઠીક છે. પણ તને જ્યારે પણ એવું લાગે કે હવે મોટા ડૉકટરનો સંપર્ક કરવાની જરૂર છે ત્યારે મોડું ના કરીશ...' કહી આરવ બગાસું ખાતા સૂવાની તૈયારી કરવા લાગ્યો.

ત્યારે રચના મનોમન હસી:'આરવ, મને માફ કરજે. તને ખબર નથી કે તારા પિતાના સામ્રાજ્યમાં હું કેન્સર બનવા જઇ રહી છું. મારી માને કેન્સરની કોઇ બીમારી નથી. વય પ્રમાણે તબિયત ખરાબ રહે છે. પણ હું તારા પિતાની તબિયત ખરાબ કરીને રહેવાની છું...'

ક્રમશ: