Birthday party books and stories free download online pdf in Gujarati

બર્થ ડે પાર્ટી

વાર્તા:- બર્થ ડે પાર્ટી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




"આ બધું શું માંડ્યું છે? સવારથી તમે લોકોએ ઘર માથા પર લીધું છે?" સ્મિતા એનાં પતિ અને બંને બાળકો પર ગુસ્સે થઈ. સવારથી એ બધાં ઘરમાં પહેલાં માળે એક રૂમમાં કશું કરી રહ્યાં હતાં.



વાત એમ હતી કે એઓ બધાં સ્મિતાને સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્રણ દિવસ પછી સ્મિતા એની જિંદગીનાં પચાસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી હતી. આથી જ એનાં પતિ અને બાળકો એને ધામધૂમથી ઉજવવા માંગતાં હતાં.



સ્મિતાની દીકરીએ આખો પ્લાન બનાવ્યો હતો. સંપૂર્ણ આયોજન એની દેખરેખ હેઠળ જ થઈ રહ્યું હતું. આમ પણ એનો અભ્યાસ જ ઇવેન્ટ મેનેજમેન્ટ હતો. કોને બોલાવવા, કઈ હોટેલમાં બધું રાખવું એ બધું જ નક્કી થઈ ગયું હતું. જેમને બોલાવવાનાં હતાં એ સૌને આમંત્રણ પણ અપાઈ ગયું હતું. તમામ આમંત્રિતોને સૂચના અપાઈ હતી કે સ્મિતાને આ વાતની જાણ નહીં થાય, એને માટે સરપ્રાઈઝ છે.



સ્મિતા જે માટે એ બધાંને બૂમ મારીને ખીજવાઈ રહી હતી એ કામ એટલે એની બર્થ ડે પાર્ટીમાં આવેલા મહેમાનોને આપવા માટેની ગિફ્ટ. બધાંને કોઈકને કોઈક ભેટ આપીને જ પાછા મોકલવા એવું નક્કી કર્યું હતું. આ પરિવારની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવામાં સ્મિતાનો ફાળો નાનો ન્હોતો. એની નોકરી એક બહુ મોટા આધારસ્તંભ સમાન હતી. આથી જ સ્મિતાની જિંદગીનાં આ મહત્ત્વપૂર્ણ પડાવને યાદગાર બનાવવાનું સૌએ નક્કી કર્યું હતું.



સ્મિતાને પહેલેથી જ મહેંદીનો બહુ શોખ હતો. આથી એની બર્થ ડેને આગલે દિવસે જ એણે મહેંદી મુકાવી દીધી. આ જોઈ એનાં પતિ અને બાળકો વધારે ખુશ થયાં. સ્મિતાનાં જન્મદિને શનિવાર આવતો હતો. સ્મિતા નોકરીએ ગઈ હતી. પાર્ટી સાંજે હતી. જેની એને બિલકુલ ખબર ન્હોતી. આ તરફ એનાં પતિ અને બાળકોએ થઈને ગિફ્ટ માટેની તમામ વસ્તુઓ હોટેલ પહોંચાડી દીધી અને એઓ પણ તૈયાર થઈને ત્યાં જ પહોંચ્યાં. માત્ર એની દિકરી તૈયાર ન્હોતી થઈ. એ સાદા કપડામાં જ સ્મિતા ઘરે આવે એની રાહ જોઈને બેઠી હતી અને સાથે સાથે એની એક ફ્રેન્ડ કે જેણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હતો એને બોલાવી રાખી હતી.



સ્મિતા ઘરે આવી ત્યારે પતિ અને દીકરાને ન જોઈને થોડી નવાઈ તો લાગી પણ ઑફિસના કપડાં બદલવા એ અંદર ગઈ. એની પાછળ પાછળ એની દિકરી પણ એનાં રૂમમાં ગઈ અને જીદ્દ કરીને પાર્ટીમાં પહેરવા માટે સ્મિતા માટે જે ગાઉન એનાં હસબન્ડ લાવ્યા હતા એ પહેરાવ્યું. સ્મિતાને ખુશી, અચરજ અને શંકા - બધાંનો એકીસાથે અનુભવ થઈ રહ્યો હતો. કપડાં બદલાઇ ગયાં પછી એની દિકરીની ફ્રેન્ડ રૂમમાં આવી અને સ્મિતાને તૈયાર કરી ગઈ. સ્મિતાએ પહેલાં તો આનાકાની કરી, પણ પછી તૈયાર થઈ ગઈ.



"અરે વાહ, મમ્મી. તુ તો બહુ જ સુંદર લાગે છે. આજે તારાં પચાસ વર્ષ પૂરાં થાય છે એની ખુશીમાં આપણે સૌએ બહાર જમવા જવાનું છે. તારે આજે કશું બનાવવાનું નથી. પપ્પા અને ભાઈ હોટેલમાં જ છે. આપણે જઈએ એટલી વાર. તારું મનપસંદ ખાવાનું ટેબલ પર આવી જશે." એની દીકરીએ કહ્યું.



"શું જરુર હતી આની? હું ઘરે બનાવી દેત ને બધું! અને તુ પણ મદદ કરે જ છે ને! આપણે બંને ભેગાં થઈને બનાવી દેતે. તુ પપ્પા અને ભાઈને બોલાવી લે. હજુ પણ મોડું થયું નથી. આપણે બનાવી દઈશું." સ્મિતા બોલી. પણ એની દિકરી નહીં જ માની.



આખરે બંને હોટેલમાં ગયાં. ત્યાં સ્મિતાની સરપ્રાઈઝ તૈયાર જ હતી. જેવાં એ બંને દાખલ થયાં કે તરત જ 'હેપી બર્થ ડે ટુ યુ' કરીને સૌ તાળીઓ પાડવા માંડ્યા. સ્મિતા તો સૌને જોઈને ખુશ ખુશ થઈ ગઈ અને આટલી સરસ રીતે બર્થ ડે પાર્ટી બદલ એણે મનોમન પોતાનાં પરિવારનો આભાર માન્યો. પછી કેક કાપી, સૌને ખવડાવી, બે ત્રણ નાનકડી રમતો, થોડાં સરસ મજાનાં ગીતો અને અંતે ભેટની આપ લે બાદ સૌ છૂટા પડ્યાં.



ઘરે ગઈ ત્યારે એણે જોયું કે એનાં પતિ અને બાળકોએ પણ હાથમાં મહેંદી મુકાવી હતી. પતિનાં હાથમાં લખ્યું હતું, 'હેપી બર્થ ડે માય ડિયર સ્મિતા.' એનાં બંને બાળકોની હાથની મહેંદી હતી 'હેપી બર્થ ડે મમ્મી.' અને લાગણીવશ સ્મિતાની આંખમાંથી ખુશીના આંસું વહી રહ્યાં હતાં. આટલો સુંદર, સમજદાર અને પ્રેમાળ પરિવાર આપવા બદલ એણે મનોમન ભગવાનનો આભાર માન્યો.




વાંચવા બદલ આભાર

સ્નેહલ જાની