Premnu Rahashy - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું રહસ્ય - 4

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪


અખિલ માટે વધુ એક વખત સારિકાએ ઘેરું રહસ્ય ઊભું કર્યું હતું. થોડી ક્ષણો પહેલાં જ તે એની પાછળ દાદર ચઢી રહી હતી. હવે દેખાતી ન હતી. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે સ્ટ્રીટલાઇટો બંધ થઇ ગઇ હતી. હવે જ્યારે એ પોતાના ઘરે જવા વિદાય લેવાની હતી ત્યારે લાઇટો ગુલ થઇ ગઇ છે. અખિલે તેને શોધવા માટે ફટાફટ મોબાઇલની ટોર્ચથી આમતેમ જોયું. ક્યાંય કોઇ અણસાર આવતો ન હતો. અખિલ બાઘો બનીને 'નીચે ચાવી લેવા જવું કે બેલ મારીને સંગીતાને ઉઠાડવી?' એવી અવઢવમાં ઊભો હતો ત્યાં રૂપાની ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ આવ્યો. એણે ચોંકીને મોબાઇલની લાઇટ એ તરફ રાખી ઉપર જોયું. સારિકા ઝુલ્ફોની લટ સંવારતી ઊભી હતી. તે હસીને બોલી:'તમે લાઇટ સાથે સંતાકૂકડી રમો છો કે શું?!'

'ના-ના, પણ...' અખિલને શું બોલવું એનો ખ્યાલ જ આવતો ન હતો.

'તો પછી આ લાઇટો તમે મળ્યા ત્યારે જતી રહી હતી અને હવે તમને છોડી રહી છું ત્યારે બંધ થઇ ગઇ છે...!' સારિકાએ એક દાદર નીચે આવીને હસતાં કહ્યું.

અખિલ બરાબરનો ચોંકી ગયો હતો. હમણાં જે સવાલ એના મનમાં રમતો હતો અને સારિકા માટે શંકા પેદા કરતો હતો એ સારિકા એના માટે પૂછી રહી હતી. સારિકા એક પછી એક વધારે રહસ્ય સર્જી રહી હતી.

'લાઇટોને લાગે છે કે તમે ચાંદની જેવા છો. બીજા પ્રકાશની જરૂર નથી...!' અખિલથી અજાણતાં જ સારિકાના રૂપની પ્રશંસા થઇ ગઇ હતી. તેને જ ના સમજાયું કે આવા ડરના માહોલમાં કેવી રીતે મજાક કરી લીધી.

'હા, એવું બની શકે!' કહી સારિકા બે દાદર ઉતરી વધુ નીચે આવતાં બોલી.

ત્યાં લાઇટો આવી ગઇ ત્યારે અખિલે જોયું કે સારિકાનું રૂપ ખરેખર ઝળહળાં હતું. જમીન પર સાચે જ ચાંદની ઉતરી આવી હોય એવું લાગતું હતું. તે ખોટો ન હતો!

'તમે તો ચાવી ભૂલી ગયા નથી ને?' અખિલે પોતાની સ્થિતિનું બયાન એના માટે કર્યું.

'ના-ના, આ તો તમને ચાવી બાબતે ગૂંચવાતા જોયા અને લાઇટ પણ જતી રહી એટલે ઊભી રહી ગઇ હતી.

'તમે ઘરે પહોંચો... હું બાઇકમાંથી ચાવી લઇ આવું છું...' કહી અખિલ હવે વધારે વાત કરવા માગતો ન હોય એમ દાદર ઉતરવા લાગ્યો.

તે મનમાં જ થથરી રહ્યો. પોતાને જ યાદ ના રહ્યું કે સારિકા ઉપરના માળે રહે છે. તે ચાવી શોધતો હતો ત્યારે એ પોતાના ઘર તરફ જતી રહી હશે એનો ખ્યાલ જ ના રહ્યો.

અખિલે પાર્કિંગમાં જઇને પાર્ક કરેલા બાઇકમાં જોયું તો ચાવી અંદર જ હતી. તેણે ચાવી કાઢી અને ઝટપટ દોડતો પોતાના ફ્લેટ પાસે આવ્યો અને ઉપર એક નજર કરી. ત્યાં કોઇ ન હતું. સારિકા પોતાના ફ્લેટમાં જતી રહી હશે એમ વિચારતાં દરવાજો ખોલ્યો.

તે પોતાના જ ઘરમાં ચોર પગલે આગળ વધ્યો અને ધીમેથી બેગ હોલના સોફા પર મૂકી. તેણે એક નાની લાઇટ ચાલુ કરી. સંગીતાની ઊંઘ ના બગડે એનો પૂરતો ખ્યાલ રાખીને એ પોતાના કામ નિપટાવી રહ્યો હતો. આજે મન-મગજ પર સારિકાએ કબ્જો જમાવી લીધો હતો. તેની સાથેની મુલાકાત, એનું રૂપ, એની વાતો જ યાદ આવતા હતા. તે સંગીતાનો ચહેરો જોવા ઉતાવળો થઇ ગયો હતો. એને એક ડર સતાવવા લાગ્યો હતો કે મનોજગતમાં ક્યાંક પત્ની સંગીતાના ચહેરા પર સુંદર સારિકાનો ચહેરો હાવી ના થઇ જાય. તે પોતાની જાત સાથે જ સંવાદ કરતાં કહેતો હતો કે એક સ્ત્રીના રૂપનો કેવો જાદૂ છે કે દિલદિમાગ પર કબ્જો જમાવી લે છે? તેની વાતોમાં પોતે આવી તો નથી ગયો ને?

અખિલ બેડરૂમ તરફ વળ્યો. દરવાજો આડો કરેલો હતો. અવાજ ના થાય એ રીતે દરવાજો ખોલ્યો. તેની નજર બેડ પર ગઇ અને તે ચમકી ગયો. અંધારામાં પણ એને ખ્યાલ આવી ગયો કે બેડ પર સંગીતા નથી. બેડ ખાલી છે. તેણે આખા રૂમમાં નજર નાખી. તરત જ લાઇટ ચાલુ કરી અને એટેચ્ડ ટોઇલેટમાં આંટો મારી આવ્યો. ક્યાંય સંગીતા ન હતી. તેણે સંગીતાના નામની એક બૂમ પણ પાડી. કોઇ પ્રતિસાદ ના આવ્યો. તેના મનમાં સવાલો ઊઠ્યા:'સંગીતા અચાનક ક્યાં જતી રહી હશે? તેણે પોતાને જાણ કેમ ના કરી? શું કોઇ ખાનગી કામ હશે?'

ક્રમશ: