Premnu Rahashy - 11 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પ્રેમનું રહસ્ય - 11

પ્રેમનું રહસ્ય - 11

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧


કોઇ રૂપસુંદરીને જોઇને આંખો અંજાઇ જાય એમ અખિલ સંગીતાને એકીટશે જોઇ જ રહ્યો. શું રૂપ હતું સંગીતાનું? આજે એ સુંદર અને સેક્સી લાગી રહી હતી. તે મેકઅપ સાથે તૈયાર થઇ હતી પણ એના રૂપની સાદગીનો ઉઠાવ વધુ હતો. એના કામણગારા નયન તો દિલ પર તીર મારી રહ્યા હતા. જીન્સ અને ટોપમાં એના અંગેઅંગની સુંદરતા ઊભરી રહી હતી. અખિલે આંખો ચોળીને પૂછ્યું:'તું સંગીતા જ છે ને? હું કોઇ સપનું તો જોઇ રહ્યો નથી ને?'

'પતિ પરમેશ્વરજી! તમારી સામે તમારી અર્ધાંગિની જ ઊભી છે. એના રૂપને જોવાની જરૂર નથી. એ રૂપને ઘૂંટડે ઘૂંટડે પીવાનું આમંત્રણ છે! આ ખજાનો તમારા માટે જ છે!' સંગીતાએ નજીક જઇને લાલ હોઠ એના હોઠ પર ચાંપી દીધા.

અખિલમાં કામદેવ જાગ્યો હોય એમ એણે સંગીતાને બાથમાં ભીડી દીધી અને અધરામૃત પીવા લાગ્યો. એણે સંગીતાને બેડ પર સુવડાવી દીધી. એના પર ચુંબનોની વર્ષા કરી દીધી.

'આજે મારી સવાર સુધારી દીધી!' કહી અખિલે એની છાતીમાં મોં ખોસી દીધું.

અખિલ ક્યાંય સુધી પ્રેમરસમાં ડૂબેલો રહ્યો.

અડધા કલાક પછી નશો ઉતર્યો હોય એમ એણે સંગીતાને અળગી કરી. બંને કેટલીયવાર સુધી આંખો બંધ કરીને પડી રહ્યા અને એ મધુર પળોને જાણે વાગોળી રહ્યા. અખિલ આજે સવારમાં જ તનમનથી પ્રફુલ્લ થઇ ગયો હતો. ગઇકાલ રાતનો બધો થાક જાણે ઉતરી ગયો હતો. તેણે થોડીવારે આંખો ખોલીને પૂછ્યું:'સંગીતા, શું વાત છે? આજે તારું આવું કાતિલ રૂપ પહેલી વખત જોયું... '

'પ્રિયવર! મને થયું કે આજે તમને બહુ ખુશ કરી દઉં. સવારે વહેલી ઊઠીને તૈયાર થવા લાગી હતી. મને આજે થયું કે કોઇને ત્યાં કે આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે ખાસ સજીએધજીએ છીએ. આજે કારણ વગર માત્ર અને માત્ર તારા માટે તૈયાર થઉં તો કેવું રહેશે? ગઇકાલે તું ગયા પછી બ્યુટીપાર્લરવાળીને ઘરે બોલાવીને બધું કરાવ્યું અને સવારે વહેલા ઊઠીને સજીધજીને તમને સરપ્રાઇઝ આપી. કેવું લાગ્યું?' સંગીતા અખિલને ભીંસતી બોલી.

'તારા રૂપના... તારા યૌવનના જેટલા વખાણ કરું એટલા ઓછા છે. આજે એક નવા જ રૂપમાં જોઇ ર્હ્યો છું. સાચું કહું તો સુહાગરાતને આજે તેં ભુલાવડાવી દીધી છે!' બોલીને અખિલ ધરાયો ના હોય એમ એના ગળા અને કાનની બૂટને ચૂમવા લાગ્યો.

સંગીતાએ એને શરીર સાથે રમવા દીધો.

થોડીવાર પછી અખિલ ઓફિસ જવા તૈયારી કરવા લાગ્યો અને કહ્યું પણ ખરું:'સંગીતા આજે તો ઓફિસ જવાનું મન થતું નથી!'

'તો કોણ કહે છે? મેં મહેફિલ માંડી જ છે.' સંગીતાએ દાંત તળે હોઠ દબાવ્યા.

'આજે જવું પડે એમ છે. ગઇકાલનું કામ પતાવ્યું એનો અહેવાલ આપવાનો છે અને એના અનુસંધાને બીજું કામ કરવાનું છે....' અખિલ મોજાં પહેરતા બોલ્યો.

'વહેલા આવી જજો. આજે તમારા માટે ખાસ આઇટમ બનાવવાની છું...' કહી સંગીતાએ એના ગાલ પર ચુંબન ચોડ્યું.

અખિલ દાદર ઉતરીને નીચે આવ્યો ત્યાં યાદ આવ્યું કે બાઇક તો એ ચાર રસ્તા પર છોડી આવ્યો હતો. હવે રીક્ષા પકડીને જવું પડશે.

અખિલ ચાલતો – ચાલતો મુખ્ય રોડ પર આવ્યો અને રીક્ષાની રાહ જોવા લાગ્યો. ત્યાં ઓફિસના કામથી ગઇકાલે કરેલા કામના અનુસંધાને જ ફોન આવ્યો અને એ વાત પર લાગી ગયો. તેની નજર રોડ પર જ હતી. ટુવ્હીલર અને ફોરવ્હીલર આવતા- જતા હતા. એકપણ રીક્ષા દેખાતી ન હતી. અહીંથી એને રીક્ષા પકડવાની જરૂર પડતી ન હતી. તેણે વિચાર્યું કે આગળના ત્રણ રસ્તા પરથી મળી જશે. એણે આગળ વધવા પગ ઉપાડ્યા ત્યાં પાછળ કારનું હોર્ન સંભળાયું. તેણે જોયું કે કાર બરાબર એની પાછળ ઊભી હતી. એણે ડ્રાઇવર સીટ પર નજર નાખી. ત્યાં સારિકા જ લાગી. પહેલાં તેને થયું કે પોતાને કોઇ ભ્રમ તો થયો નથી ને? તેણે ફોન બંધ કરી ધ્યાનથી જોયું. એ સારિકા જ હતી અને એને કારમાં બેસવા ઇશારો કરી રહી હતી.

અખિલ એને અનુસરતો હોય એમ કારનો દરવાજો ખોલીને બેસી ગયો. ગઇકાલ રાત્રે સારિકા દેખાતી હતી એનાથી વધુ સુંદર લાગતી હતી. તેને થયું કે આજનો દિવસ સુધરી ગયો. એણે છાંટેલા અત્તરનો પમરાટ નાકના રસ્તે ક્યારે દિલ સુધી પહોંચી ગયો એનો એને ખ્યાલ જ ના રહ્યો. તેનું દિલ રોમાંચ અનુભવવા લાગ્યું. અચાનક તેને થયું:'સારિકા એને ક્યાં લઇ જઇ રહી છે?'

ક્રમશ:

Rate & Review

Priti Patel

Priti Patel 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Vijay

Vijay 3 months ago

Roshni Joshi

Roshni Joshi 3 months ago

atul chadaniya

atul chadaniya 3 months ago