Prem - Nafrat - 54 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૫૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૪

રચના બે કલાકમાં જ આરવ પાસે પરત આવી ગઇ હતી. આરવે એને ખાસ કંઇ પૂછ્યું નહીં એટલે એને રાહત થઇ હતી. રચનાએ એની સાથે પરિવાર વિશે વાતો કરી અને લખમલભાઇના ઇતિહાસ વિશે જાણ્યું. એમણે કેવી રીતે ધંધાને નાના પાયા પરથી શરૂ કરીને કંપની બનાવી અને દેશ- વિદેશ સુધી મોબાઇલ પહોંચાડી રહ્યા છે એની યશ ગાથા આરવે કહી. લખમલભાઇ એક લારી ઉપર મોબાઇલની એકસેસરી વેચતા હતા એ જાણીને રચનાને બહુ તાજ્જુબ થયું. એણે અકારણ જ પોતાની એમની સાથે સરખામણી કરી દીધી! પોતે એક સામાન્ય કામદારની પુત્રી છે અને આજે એક કંપનીના માલિકની પુત્રવધૂ બની ચૂકી છે અને આવતીકાલે...

તેણે પોતાની વિચારધારાને અટકાવી. આરવે કહ્યું કે એ લારી પર મોબાઇલના કવર, સ્ક્રીનગાર્ડ વિગેરે વેચતા હતા ત્યારે એ જે કંપની પાસેથી માલ લેતા હતા એના માલિક એમના કામથી બહુ પ્રભાવિત થયા હતા. એમણે લખમલભાઇને પોતાની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં સારા પગારે રાખી લીધા હતા. લખમલભાઇએ એમની પ્રતિભાથી વર્ષે -બે વર્ષે કંપનીઓ બદલી અને અનુભવ મેળવી એક નાની કંપનીમાં ભાગીદાર તરીકે શરૂઆત કરીને થોડા જ વર્ષોમાં પોતાની મોબાઇલ કંપની શરૂ કરી દીધી હતી. એનો સતત વિકાસ થતો રહ્યો છે. આરવને એ વાતનો આનંદ હતો કે બધાં ભાઇઓ મળીને કંપનીને સતત આગળ લઇ જઇ રહ્યા હતા.

રચનાએ આરવ સાથે વાતો કરવા સાથે થોડો રોમાન્સ કરીને એના દિલને ટાઢક વાળી દીધી હતી. શરીર સંબંધ બાંધવાની મુરાદ મનમાં જ રહી ગઇ હોવાથી આરવ એક પુરુષ તરીકે થોડો હતોત્સાહી થયો હતો. રચનાએ એની સાથે ભરપૂર પ્રેમ કરીને સાટું વાળી દીધું. તેથી આરવ ખુશ હતો. જ્યારે નદીમાં નાહવાનું ના મળે ત્યારે એમાં છબછબિયાથી સંતોષ માનવો પડતો હોય છે એનો આરવને ખ્યાલ હતો. બંનેએ સાંજે બહાર નીકળી ફાર્મ હાઉસની લીલોતરીમાં ફરીને આનંદ માણ્યો.

ફાર્મ હાઉસમાં હનીમૂન મનાવીને બંને પાછા ફર્યા ત્યારે સોનલ અને અલકાને નવાઇ લાગી. સામાન્ય રીતે નવપરિણીત યુગલ અઠવાડિયું વેકેશન મનાવતું હોય છે. બંનેએ 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' જેવું જ વલણ રાખ્યું.

બીજા દિવસથી જ આરવ સાથે રચના કંપની પર જવા તૈયાર થઇ ગઇ ત્યારે સોનલ અને અલકાની ભ્રમરો ખેંચાઇ ગઇ. હાથની મહેંદી હજુ ઝાંખી થઇ નથી અને રચના બહાર નીકળી રહી હતી એ પરિવારના સિધ્ધાંત વિરુધ્ધની વાત હતી. આરવનો વિચાર કરીને એમણે અત્યારે કંઇ પણ કહેવાનું ટાળ્યું. કિરણ અને હિરેનને પણ આ વાત યોગ્ય લાગી ન હોવા છતાં રચના આરવ સાથે જ ઓફિસમાં રહેવાની હતી એટલે કશું કહી શક્યા નહીં.

એક જ મહિનામાં રચનાએ કંપનીની બધી જ બાબતો પર પોતાની રીતે કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. નવા મોબાઇલને સારો પ્રતિસાદ સાંપડ્યો હોવાથી લખમલભાઇ ખુશ હતા. રચના હવે ઘરની વહુ હોવાથી કિરણ અને હિરેન એનો કોઇ બાબતે વાંધો- વિરોધ નોંધાવી શકે એમ ન હતા. અને રચના એમને એવો કોઇ મોકો આપતી ન હતી. ધીમે ધીમે તે કંપનીમાં એવી ઘૂસ મારી રહી હતી કે કોઇને એમ જ લાગે કે એ સૌનું હિત જોઇ રહી છે. રચનાએ સંજનાને નોકરી આપીને એને પોતાની મરજી મુજબના કામમાં લગાવી દીધી હતી. સંજના ગમે તે સમય પર ક્યાંય પણ જઇ શકતી હતી. રચના પોતાની રીતે બધાં સોગઠાં ગોઠવી રહી હતી. કોઇને અંદાજ આવતો ન હતો કે તે આગામી દિવસોમાં કેવો ધડાકો કરવાની છે.

આરવ એકલો હોય ત્યારે ક્યારેક મુંઝાતો હતો અને મુરઝાયેલો જોવા મળતો હતો. તેને થયું કે લગ્ન કર્યા છે પણ હજુ પ્રેમ અધુરો જ રહ્યો છે. તે ઉત્સુક્તાથી રચનાના મમ્મી મીતાબેનની ખબર પૂછતો રહેતો હતો. રચના પણ એમની તબિયતમાં સુધારો થઇ રહ્યો હોવાની વાત કરી રહી હતી. આમ કહીને એ આરવને લોલીપોપ આપતી હતી એનો આરવને ખ્યાલ ન હતો.

ક્રમશ: