Today's teenager books and stories free download online pdf in Gujarati

આજનો કિશોર

લેખ:- આજનો કિશોર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





નમસ્તે મિત્રો.

આજે ઘણાં સમય પછી ફરીથી એક પ્રેરણાત્મક કે ચિંતનાત્મક કે પછી તમને જે યોગ્ય લાગે એ સમજી લેજો, એવો એક લેખ લઈને આવી છું.


કિશોર એટલે? સામાન્ય રીતે આપણાં મગજમાં કિશોર એટલે પેલો નાનકડો બાળ આંખ સામે દેખાય છે. આ કિશોરને આપણે કોઈ પણ સલાહ આપી શકીએ, કંઈ પણ કહી શકીએ, એની પાસે કોઈ પણ કામ કરાવી શકીએ વગેરે વગેરે વિચારો આપણાં મગજમાંથી પસાર થઈ જાય.


થોડું વધારે વિચારો તો બહાર પોતાનાં મિત્રો સાથે ધૂળમાં રમતો રમતો કિશોર નજર સામે આવે. ખાવાનું તો જે આપો એ ખાઈ લે, પણ યોગ્ય સમયે ખાવા માટે ઘરમાં ન આવે. સ્કૂલમાં થયેલી સમસ્યાઓ ત્યાં જ પતાવીને આવે, ઘરે તો કોઈ જાણ કરે તો જ ખબર પડે. ક્યારેક ભણવામાં તો ક્યારેક ઈતર પ્રવૃત્તિઓમાં એ પોતાનું કૌશલ્ય બતાવે. આવી જ કલ્પના આપણાં મગજમાં એક કિશોર માટેની હોય, કારણ કે આપણાંમાંથી ઘણાં બધાં પોતાની કિશોરાવસ્થામાં આ જ બધું કરી ચૂક્યાં હશે. કેટલાંક ધમાલ મસ્તીની સાથે સાથે ભણવામાં પણ હોંશિયાર હશે!




પણ જો તમે એવું વિચારતાં હો કે આજનો કિશોર પણ આવો જ છે તો તદ્દન ખોટું વિચારો છો. આજનો કિશોર પોતાનું બાળપણ, કિશોરાવસ્થા માણવાને બદલે ઉંમર કરતાં વધારે વહેલો પરિપક્વ થઈ જાય છે. આમાં પરિપક્વ થવાની વાત કરી સમજદાર થવાની નહીં! એને એકલતા એટલી બધી પસંદ પડે છે કે ઘરમાં એની સાથે કોઈ બેસે એ જ ગમતું નથી. અથવા તો એ પોતાની કોઈ વાત ઘરમાં ચર્ચા કરતો નથી. એને એનો પોતાનો જ અવાજ ગમે છે, બીજા કોઈનો નહીં.



ઘરનાં આંગણામાં રમતો કિશોર પ્લે સ્ટેશન કે મોબાઈલમાં રમતો રમે છે. શારિરીક રીતે મજબૂત કિશોર હવે થોડો શ્રમ પડે એમાં તો થાકી જાય છે. શાળામાં રમતગમતનો તાસ એને જોઈએ છે, પણ એ પાંત્રીસ કે ચાલીસ મિનિટનો તાસ પૂરો થતાં સુધીમાં તો એ હાંફી જાય છે. રમતના મેદાન પછી વર્ગખંડમાં પહોંચ્યા બાદ દસેક મિનીટ તો એને કશું ખબર નથી પડતી.


તમામ સગવડતાઓનો આદી એવો આ કિશોર મોબાઈલમાં ગેમ્સ જ નથી રમતો હોતો, જાણે અજાણ્યે ઘણી બધી બાબતો જોતો હોય છે. એમાંથી ઘણું બધું નહીં કામનું હોય એ પણ શીખે છે. જાતીયતાને લગતી જે બાબતો વિશે આપણને એ ઉંમરે ક્યારેય વિચાર પણ ન્હોતો આવ્યો એ વિશે એ મોબાઈલથી માહિતી મેળવે છે.


તરુણ અવસ્થામાં પહોંચે એ પહેલાં તો એ ઘણું બધું જાણી ચૂક્યો હોય છે. તરુણ અવસ્થામાં તો કેટલાંય છોકરાઓ પોતાનાંજ કલાસની છોકરીઓને કોઈક અલગ નજરથી જ જોવા માંડે છે. ઘણાં તો કિશોરો એવાં પણ કિસ્સાઓમાં આવી ચૂક્યા છે કે મમ્મી પપ્પા કે શિક્ષકે થોડો ઠપકો આપ્યો ને આત્મહત્યા કરી લીધી અથવા તો ઘર છોડીને ભાગી ગયા.


આવી રીતે એકલાં જીવ્યા બાદ જ્યારે એને એમ લાગે ને કે મારો અવાજ હવે મારો એકલાનો જ રહી ગયો છે ત્યારે એ એકલતા અનુભવવાનું શરુ કરે છે. જો એણે બહુ જ ગંભીરતાથી બધાં સંબંધો નહીં તોડ્યા હશે તો એની એકલતાનો અવાજ સાંભળનાર કોઈક મળી રહેશે. નહીં તો એ ગૂંગળામણ અનુભવવા લાગશે. જે રીતે કિશોરો પોતાની દરેક અવસ્થા વધારે પડતાં વહેલાં જીવવાનું શરુ કરી રહ્યાં છે એ જોતાં પ્રશ્ન એ થાય છે કે શું એ ખરેખર કિશોર રહ્યો છે કે પછી ઉંમરથી વધુ પડતો આગળ નીકળી ગયો છે? કોઈક ઉકેલ મેળવવો જ રહ્યો.



આશા રાખું કે કંઈક વિચારીને તમે પણ તમારા સંપર્કમાં આવતાં કિશોરને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશો.


વાંચવા બદલ આભાર.🙏
સ્નેહલ જાની