AABHA - 19 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 19



*..........*.........*.........*.........*

" આદિ....." આભા સપનામાં બૂમ પાડી ઉઠી.

" આભા.. તું ઠીક છે...?" આકાશ ચિંતિત સ્વરે બોલ્યો.

પણ આભા હજુ પોતાના ભૂતકાળમાં જ હતી. તેની આસપાસ બધાં વીંટળાઈ ને તેનાં ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા.

*.........*.........*.........*.........*.........*

સગાઈ ને ઘણો સમય વીત્યા બાદ હજુ આભા એ એ દિવસે ખરેખર શું બન્યું હતું તે કોઈ ને જ કહ્યું નહોતું. તેના મમ્મી પપ્પાને એનાં પર પૂરેપૂરો વિશ્વાસ હતો.એટલે એ આભા ને કંઈ પણ પૂછીને અવિશ્વાસ જન્મે એવું કરવા ઈચ્છતા નહોતાં. અને બાકીના કોઈ માં એટલી હિંમત નહોતી કે એને કંઈ પૂછે.


" આભા...તે દિવસે શું બન્યું હતું?? તે મને કહ્યું નહીં??" આદિત્યએ સગાઈના દિવસે બનેલી ઘટના વિશે હિંમત કરીને આભા ને પૂછી જ લીધું.

આભા હંમેશા મજબૂત મનોબળ વાળી, સ્વાભિમાની, નીડર બનીને રહેતી. એને જોઈ ને કોઈ કહી ના શકે કે એની પાસે એવું કોમળ હ્રદય હશે જે નાની નાની વાતમાં રડી પડતું હશે.

" આદિ.... તને મારા પર વિશ્વાસ છે ને???" આભાના અવાજમાં થોડી ભીનાશ તરી આવી.

"મને તારા પર પૂરો વિશ્વાસ છે. હું તો બસ જાણવા માગું છું કે તે દિવસે શું થયું હતું." આદિત્ય આભા નો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો.

" અમે સુરત થી ગામ આવવા નીકળ્યા. વચ્ચે બસ એક હોટલ પર રોકાઈ. મમ્મી પપ્પા મારા પહેલા નીચે ઉતર્યા. બધા પેસેન્જર ઊતરી ગયા પછી હું ઊતરી રહી હતી. ત્યાં પાછળ થી પ્રણય આવ્યો. એ જ બસમાં એ હતો એનો મને બિલકુલ ખ્યાલ નહોતો. મેં મારા બધા મિત્રો ને સગાઈ માટે આમંત્રણ આપેલું. તો એ સગાઈ એટેન્ડન્ટ કરવા આવી રહ્યો છે એવું એણે કહ્યું. નીચે ઊતરી એણે મને આઇસ્ક્રીમ ઓફર કરી. મમ્મી પપ્પા તો ફ્રેશ થઇ પાછા બસમાં ચડી ગયા હતા. અને પ્રણય...." આભા વાત કરતા કરતા રડી પડી.

" પછી...?" આદિત્ય તેની પીઠ પર હાથ પસવારતા બોલ્યો.

" પ્રણયે આઇસ્ક્રીમ માં કંઈ નાખ્યું હશે જેનાથી હું બેહોશ થઈ ગઈ. પછી મને ખબર નથી. જ્યારે હોશ માં આવી ત્યારે એક હોટલ રૂમનાં બેડ પર હતી. પ્રણય મારી સામે બેઠેલો હતો." આભા ફરી રડી પડી.

આ વખતે આદિત્ય કંઈ જ ના બોલ્યો. બસ આભાને બાહોમાં લઈ એને શાંત કરવા પ્રયત્ન કર્યો.

" હી સેઈડ હી લવ મી. એણે અગાઉ પણ કહેલું જ્યારે તું મને પહેલીવાર જોવા આવેલો.મને લાગ્યું એ મજાક કરે છે. એ ફકત મારો ફ્રેન્ડ હતો. બે વર્ષ અમે સ્કૂલ માં સાથે ભણ્યા. અને એ...." આભા ની આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ.

" ક્યારેક એવું બને. આપણી સાથે રહેતા લોકોનાં મનમાં શું ચાલતું હોય એ આપણે જાણી શકતા નથી. " આદિત્ય એ એને સધિયારો આપતાં કહ્યું.

" હા, પણ આ હદે?? એણે મારા હાથ પગ બાંધી રાખ્યા હતા. અને વારંવાર એક જ રટણ કરતો હતો. પ્લીઝ મેરી મી. એને આ રીતે મેં ક્યારેય નહોતો જોયો. " આભા થોડી વાર એકદમ શાંત થઈ ગઈ.

આદિત્ય પણ એની સાથે ભાવુક બની ગયો. થોડી વાર એમ જ શાંતિમય પસાર થઈ ગઈ.

" પ્રણય સવારે નાસ્તો લેવા બહાર ગયો ત્યારે થોડા પ્રયત્નો પછી દોરડું છૂટ્યું. હું પ્રણય થી બચીને ગામ પહોંચી. મને હતું વાત ત્યાં પૂરી થઈ ગઈ. પણ...." આભા ફરી રડવા લાગી.

" આઈ એમ સોરી. મેં તને એ યાદ કરાવ્યું. પણ આમાં તારો કંઈ દોષ નથી. તું શું કામ રડે છે?? ‌‌" આદિત્ય એની માફી માંગતા બોલ્યો.

" પ્રણય આ હદ સુધી ગયો તો પણ તે એફ.આઈ.આર. ના કરી અને એને જવા કેમ દીધો??" આદિત્ય એ પૂછ્યું.

" એણે મને કિડનેપ કરી. એ મારી સાથે કંઈ પણ કરી શકે એમ હતો. પણ એ ફક્ત આ સંબંધ તોડવા ઈચ્છતો હતો. અને કદાચ હું કેસ કરૂં તો એની આખી લાઈફ બરબાદ થઈ જાત. હું એવું કઈ રીતે કરી શકું.? " આભા એ પ્રણય ને માફ કરી દીધો હતો.

*.........*.........*.........*.........*


આભાના પપ્પાને તો વિશ્વાસ હતો કે એમની દિકરી કોઈ પણ વાતાવરણ માં, કોઈ પણ લોકો સાથે આસાનીથી ભળી જશે. પણ આદિત્ય નાં પરિવાર ના અમુક સભ્યો વિમાસણમાં હતાં. અંતે એક વર્ષ બંને એકબીજા ને ઓળખ્યા બાદ એમના લગ્ન લેવાયાં.

બંનેનાં વિચારો, રહેણીકરણી, તેમના બેકગ્રાઉન્ડ માં જમીન આસમાન નો ફેર હતો. આદિત્ય સુખપર નામના નાનકડા ગામનો, રૂઢીવાદી વિચારો વચ્ચે ઉછરેલો, સરળ સ્વભાવ ધરાવતો યુવાન. અને આભા સુરત માં ઉછરેલી, અલ્લડ, ધૂની, મોર્ડન ખ્યાલો વાળી યુવતી.

પણ સાસરિયાં માં એ અલ્લડ, ધૂની છોકરી સંસ્કારી, સુશીલ વહુ બની જતી. ભારતી ભાભીના કાવાદાવા પણ એ પ્રેમપૂર્વક સહી લઈ એમની નાની બેન બની ગઈ. જીન્સ, કેપ્રી પહેરનારી, સાડી પહેરી, મોટેરા સામે ઘૂંઘટ તાણતી થઈ ગઈ. નિયમો ને નેવે મૂકી પોતાની મરજી પ્રમાણે જીવતી છોકરી, સાસરિયાંના રીતરિવાજો મુજબ જીવતી વહુ બની ગઈ.

આદિત્ય નાં બાપુજી એનાં પિતા બની ગયા. અને બા એનાં મમ્મી. હિતેશ ભાઈ ને મોટા ભાઈ માનતી એ હોય ત્યારે અવાજ પણ ઉંચો ન કરતી. ભારતી ભાભીને પણ મોટી બહેન બનાવી દીધી. અને રિયાને તો એની લાડકડી નાની બહેન માનતી.

જ્યારે આભા અને આદિત્ય પોતાના નોકરી કરવાનાં સ્થળે ઘરથી દૂર જતાં ત્યારે ઘરમાં એમની કમી વર્તાતી. બંને ભાવનગર જિલ્લાના છેવાડાના ગામમાં નોકરી કરતા હતા. જમીન આસમાન નો ફેર ધરાવતા આ કપલ માં એક વાત કોમન હતી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. એમનાં અઠવાડિયાનો અંતનો સમય હંમેશા દરિયા કિનારે વિતાવતા.

એમની વચ્ચે અઢળક પ્રેમ ની સાથે અઢળક ઝગડાઓ પણ હતાં. જ્યારે ઝઘડો થાય ત્યારે પહેલાં બંને પોતાનો મનનો બળાપો કાઢે, રડી રડીને અડધાં થઈ જાય પછી ક્યારેક આભા નમતું જોખી માફી માંગી લે તો ક્યારેક આદિત્ય.

થોડા સમય બાદ પોતાના ઝગડાઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો. અને એ હતી એમના મમ્મી પપ્પા બનવાની ખુશ ખબર. બંને ખૂબ જ ખુશ હતાં. એમનાં ઝગડાઓ ઓછા થઈ ગયા હતા. આદિત્ય આભા નો ખૂબ જ ખયાલ રાખતો હતો. એને દરેક કામમાં હેલ્પ કરતો. એના રેગ્યુલર ચેકઅપ, એની દવાઓ, બધું જ ધ્યાન રાખતો.

પણ કહે છે ને કે ખુશીઓને નજર લાગતાં વાર નથી લાગતી. તેની પ્રેગ્નન્સી નો આઠમો મહિનો પૂરો થવાનો હતો. એ સમયગાળામાં આભા ને આદિત્ય નાં સ્વભાવમાં ફેરફાર જણાયો. આભા કરતા વધુ ધ્યાન મોબાઈલ પર આપતાં આદિત્ય ને એણે એક વાર પૂછ્યું પણ ખરું. પણ એ થોડી આભા હતો કે મનમાં હોય એ બધું સાચું કહી દે.


*.........*.........*.........*.........*

" આદિત્ય, શું કહે છે તનિષ્કા??" આદિત્ય ને ફોન પર ચેટિંગ કરતાં જોઈને આભા એ પૂછ્યું.

આદિત્ય નાં સ્ટાફ ના જ એક ભાઈ દ્વારા આભા ને જાણવા મળ્યું કે આદિત્ય એનાં સ્ટાફ માં નવી આવેલી તનિષ્કા જોડે કંઈ વધુ નજીક આવી ગયો છે. હવે આ સંબંધ ને આગળ વધતા અટકાવવા કંઈક તો કરવું જ પડશે એમ વિચારી આભા એ આદિત્ય સાથે શાંતિ થી વાત કરવા વિચાર્યું.

આદિત્ય આ સવાલ થી ચોંકી ગયો. એ પોતાના બચાવ માટે શું કહેવું એ વિચારવા લાગ્યો.

" કંઈ ઈન્ટ્રસ્ટિંગ વાત લાગે છે. એટલે જ ચહેરા પર હળવી સ્માઈલ છે. નહીં??" આભા એ ફરી પૂછ્યું.

" તનિષ્કા અને મારા વચ્ચે તું વિચારે છે એવું કશું નથી. અમારા વચ્ચે ભાઈ બહેન જેવા સંબંધો છે. " આદિત્ય બોલ્યો.

" અચ્છા. તો પછી મારા થી આ વાત છુપાવવાની શી જરૂર પડી?" આભા ની આંખો માં ઝાકળબિંદુ ઝળકી ઉઠ્યા.

" તનિષ્કા મને ભાઈ કહે છે. એને ઘરની યાદ આવતી હોય એટલે એની સાથે વાત કરું છું. બસ" આદિત્ય બચાવ કરતાં બોલ્યો.

" ઓહ, તો તારી બહેન પણ ઘરથી દૂર એકલી રહે છે. એને તો કોઈ દિવસ એક ફોન પણ નથી કરતો. આ બેન ની જ આટલી ચિંતા કેમ? " આભા એ ફરી નિશાન સાધ્યું.

" તારે તો ઝઘડા નું બહાનું જોઈએ. અને મને અત્યારે ઝઘડો કરવાનો બિલકુલ મૂડ નથી." આદિત્ય પોતાની ભૂલ સ્વિકારવાને બદલે આભા પર ગુસ્સો ઠાલવી બહાર જતો રહ્યો.

હમણાં થી આવું જ બનતું. આદિત્ય ની કોઈ ભૂલ પર આભા કંઈ કહે એટલે એ આભા પર ખૂબ ગુસ્સો કરતો અને પછી બહાર જતો રહેતો. રાત્રે ખૂબ મોડો ઘરે આવતો. નવમો માસ શરૂ થતાં આદિત્ય એને પોતાના વતન સુખપર મૂકી આવ્યો. આમ તો આભા નાં દુઃખ ના દહાડા જ હતાં. સુખપર જઈને એમાં વધારો થયો. બા, બાપુજી આખો દિવસ પોતાના ખેતરમાં કામ માં પરોવાઈ રહેતા. હિતેશ ભાઈ પણ નોકરી એ જતાં રહે. ઘરે ભારતી ભાભી ઘરનું બધું કામ આભા પાસે કરાવે. પોતે નાના દિકરા ને સાચવે. અને બીજી તરફ આદિત્ય ને હવે રોકવા વાળું કોઈ હતું નહીં. એમનાં જ સ્ટાફ ની તનિષ્કા સાથે એના સંબંધો આગળ વધી રહ્યા હતા. એ વાત ના સમાચાર પણ આભા ને મળતા રહેતા. આભા એ તનિષ્કા સાથે વાત કરી એના સંસાર ને ન ભાંગવા સમજાવી. એ તો સમજી ગઈ પણ આદિત્ય અને આભા નાં સંબંધો પહેલા જેવાં તો ન જ રહ્યા.

આદિત્ય એ દારૂના વ્યસન નો છેડો પકડી લીધો. આભા ને હતું કે બાળક ના જન્મ બાદ બધું ઠીક થઈ જશે. પણ ત્યાં સુધીમાં આદિત્ય અસાધ્ય બીમારી નો ભોગ બની ગયો હતો.

જ મહિનાની પ્રસૂતિ રજા ભોગવી આભા નોકરી પર હાજર થઈ ગઈ. નાનકડી આકૃતિ ને સાથે લઇ સ્કૂલ જતી. ઘરનું કામ અને સાથે જ આદિત્ય ની સારવાર. આદિત્ય પોતાની ભૂલ સમજી ચૂક્યો હતો. તેને ઘણો પસ્તાવો થતો. પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એનું જીવન ક્યારે થાપ આપી દે એ કહી શકાય એમ નહોતું.

આભા દિવસ રાત કામની ભાગદોડ માં રહેતી. એ સતત ભગવાનને પ્રાર્થના કર્યા કરતી કે આદિત્ય ની બીમારી ઠીક થઈ જાય. પણ ભગવાને શું ધાર્યું છે એને કેમ ખબર.?


*.........*.........*.........*.........*

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.