Bindas books and stories free download online pdf in Gujarati

બિન્દાસ

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું જો મનનો ઉભરો કાગળ પર લખીને ઠાલવીશ તો કદાચ કંઈ ફરક પડે. સારું હતું હિરેન ઘરમાં ન હતો.

કલમને બસ તું સડસડાટ ચાલવા દે

હૈયાની વાણીને બિન્દાસ વહેવા દે

‘ પાછું તું એ બાબતમાં શામાટે વિચારે છે?’

‘શું કરું મારું મન કાબૂમાં નથી હોતું.’

‘જો સાંભળ, એમ સમજ કે હવે તારી એની સાથે લેણદેણ પૂરી થઈ ગઈ.’

‘હું પણ તારી જેમ સરળતાથી નિર્લેપ થઈ શકું તો કેવું સારું ?’

હીમા વિચારી રહી, હિરેન અને હું બન્ને એક જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. શામાટે વિચારો મારો પીછો છોડતા નથી ? એતો કેવો મસ્તરામ થઈને ફરે છે. શું તેને કાંઈ નહિ થતું હોય ? તેના મોઢાની એક પણ રેખા બદલાઈ નથી. સામેવાળી વ્યક્તિ તેને જોઈને એના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી ન શકે! ભૂતકાળને દિલ તેમજ દિમાગમાંથી હડસેલવાની કળા તેને વરી છે.’

વળી પાછી હીમા વર્તમાનમાં પટકાઈ. હિરેન,’ તું કહે છે એ બધું સમજું છું.’ અમલમાં મુકવાનો પ્રયત્ન હૃદયથી કરું છું પણ સફળતા મળતી નથી.’ હિરેન કહી કહીને થાક્યો, ‘હીમા તારા મનને સંભાળ. સર્વ કલેશ યા દુઃખનું કારણ મન છે. જે નથી તેનો ચિતાર, મન તારી સમક્ષ રજૂ કરે છે . તું તેમાં ભરમાય છે. પછી નિરાશા અને હતાશા સાથે તારે મૈત્રી રચાય છે. ભૂતકાળ વાગોળવાનો કદી નથી, ભૂલવાનો!

તારા જેવી બિન્દાસ આવી રીતે નિરાશ થાય એ મારા માનવામાં આવતું નથી. કોઈની પરવા ન કરનાર આજે કેમ ઢીલી થઈ ગઈ છે? ‘

‘ શું મને આ બધું ગમે છે? કેવી રીતે હું છૂટું ? હા, હિરેન, હું તારા જેવા મક્કમ અને દૃઢ મનોબળવાળી નથી. જ્યાં દિલની વાત આવે છે ત્યાં હું નરમ બની જાઉં છું. તારો સુહાનો સાથ છે એટલે તો હું ટકી રહી છું. જે નથી તે હું કેવી રીતે બની શકું?’

‘હા, તું નથી એ થઈ ન શકે. કિંતુ મારી વાત સાંભળ, મારામાં વિશ્વાસ રાખ. એટલું પણ તારાથી ન થઈ શકે? કરવાનું તારે કંઈ નથી. માત્ર ખોટા વિચારોમાં ઉલઝી, સીધી સાદી પરિસ્થિતિને અટપટી બનાવી તને શું મળે છે?’

‘અશાંતિ, ઉદ્વેગ અને અપાર દર્દ !

’હજુ પણ તારી પાસે પૂરતો સમય છે. તેનો સદુપયોગ કર.  સમય વેડફ નહી. તે કોઈને માટે થોભતો નથી. હીમા મનના ઠાલા વિચારોને કાગળ પર ઉતારી હૈયુ હળવુ કરવા માંગતી હતી. તે જાણતી હતી ‘જો વિચારો કાગળ ઉપર ટપકાવી દેવામાં આવે તો મન ખાલી કરવું સરળ બને. મનમાં ચાલતું તુમુલ યુદ્ધ પીછો છોડે અને મનમાં શાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય. નાનપણથી તે આ રીત અપનાવતી આવી છે, જેને કારણે તેને સફળતા પ્રાપ્ત થતી હતી. હૈયુ કાગળ પર ઠલવાઈ જાય પછી હળવી ફૂલ જેવી બની જતી. આમ તો હીમા વજ્રથી પણ કઠોર બની શકતી. છતાં લાગણીશીલ હોવાને કારણે તેના હાથ હેઠા પડ્યા. જ્યાં દિલની વાત આવે ત્યાં ઢીલી ઢસ થઈ જાય. બાકી તેની હિંમત, આવડત અને કુશળતા દાદ માગી લે તેવા હતા.

કોણ જાણે કેમ આજે કોરો કાગળ અને અણીદાર પેન્સિલ હાથમાં હતી. એક અક્ષર પણ હીમા લખી શકી નહીં. હર હમેશ તેની વહારે ધાતો આ કીમિયો, આજે કેમ તેને સાથ આપવા તૈયાર ન હતો? જરૂર ન હતી છતાં પણ સંચો હાથમાં લઈ પેન્સિલની અણી ફરીથી કાઢી . કાગળ પણ રાહ જોતો હતો કે ક્યારે લખવાનું શરૂ કરે?

હીમા હાથ ઉંચક્યો હજુ તો કશું લખે ત્યાં દરવાજાની ઘંટડી રણકી.બારણું ખોલવા જવાનો કંટાળો આવ્યો. નોકર સૂતો હતો અને બાઈ બજારમાં શાક લેવા ગઈ હતી. હીમાને આ છ મણની કાયા સોફા પરથી ઉ્ચકી બારણા સુધી જવાની તકલિફ લીધા વગર છૂટકો ન હતો. જેવું બારણું ખોલ્યું તો આશ્ચર્યથી મોં વકાસીને ઉભી રહી ગઈ. સ્વપનું છે કે સત્ય તે નક્કી ન કરી શકી.

‘અરે, આમ બારણામા ઉભી રહીશ કે મને ઘરમાં આવવા માટે કહીશ પણ ખરી? ‘

હીમા હોશમા આવી, ‘અરે યાર માફ કરજે, આવ, અંદર આવ’. આ હકિકત છે કે સ્વપનું? હજુ હીમા તેની ગડમથલમાં હતી.’અરે, મને ચુંટી ખણી જો. જો હકિકત હશે તો હું ચિલ્લાઈશ .’

હીમાએ ચુંટી ભરવા હાથ લંબાવ્યો. હીનાએ તેનો હાથ પકડી લીધો.

‘શું આમ ગાંડા કાઢે છે. યાર હું તારી બાળપણની સહેલી હીના, સીધી પેરિસથી આવી રહી છું.’ફ્લાઈટ બપોરે બે વાગે લેન્ડ થઈ તેથી વણકહે આવી. મારે માટે મુંબઈ ક્યાં નવું છે. એરપૉર્ટથી ટેક્સી કરીને આવી ગઈ. તું ક્યાં રહે છે તે હું જાણું છું. હ્રદય પર હાથ રાખીને બોલ તને આ સરપ્રાઈઝ ગમી કે નહી ? જો ના પાડીશ, તો હું વળતા પ્લેનમાં વિદાય થઈશ. રિટર્ન ટિકિટ લઈને આવી છું.’

હીમા ખુશીની મારી હીનાને વળગી પડી,’વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ,’ કરીને ખુશી દર્શાવી રહી. અરે યાર અંદર આવ અને આરામથી બેસ.પહેલાં પાણી પી, ત્યાં હું એક્દમ સરસ એલચી કેસરવાળી ચહા બનાવું. ગઈકાલે હિરેન ભૂલેશ્વરના હીરાલાલા ભજીયાવાળાને ત્યાંથી તાજા ગાંઠિયા લાવ્યો છે. આપણે બંને સાથે બેસીને ઝાપટીએ.’ ગપ્પા પણ મારીશું. હીમા બધી નિરાશાજનક વાતો વિસરી ગઈ. અચાનક તે ઉમંગથી છલકાઈ ઉઠી. હિરેન હાજર હોત તો હીમાનું આ સ્વરૂપ જોઈને પાગલ થઈ જાત. બંને સખી વાતે વળગી. ચહા વધારે બનાવી હતી. બન્ને જણા ઘણા વખતે મળ્યા. સરસ મનભાવતો નાસ્તો હતો, પછી પૂછવું શું?’

હીના છેક પેરિસથી આવી હતી. મહારાજે હીમાના કહેવાથી હીનાની મનપસંદ વાનગી રાત્રી ભોજન માટે ખાસ બનાવી. હીનાના આગ્રહ આગળ હીમાએ નમતું જોખવું પડ્યું. બન્ને જણાએ ગયા વર્ષે સરખો પંજાબી સૂટ અમરસન્સમાંથી ખરીદ્યો હતો . આજે સાંજના હિરેન આવે ત્યારે એને સતાવવા એ સૂટ પહેર્યો. નટખટ હીનાએ  હિરેનને પરેશાન કરવાનો પેંતરો રચ્યો. હીમા ના પાડતી રહી પણ સાંભળે તો હીના શાની?

રાતના હિરેન આવ્યો ત્યારે બન્ને ઉંધા ઉભા રહ્યા. પાછળથી હીમા કોણ અને હીના કોણ પારખવું હિરેન માટે મુશ્કેલ થઈ ગયું. બન્ને હાઈટ બૉડીમાં સરખા લાગતા. હિરેનને તો ખબર ન હતી કે હીના પેરિસથી આવી છે. બે એક સરખી યુવતી, સરખી હેર સ્ટાઈલ અને સરખા કપડા. તે જાણી તો ગયો કે આ પરાક્રમ હીનાનું છે. લગ્નના ટાણે, લગ્ન પહેલાં અને પછી આવી કાંઈ કેટલી શરારત હીના કરી ચૂકી હતી. આજે તે આવી છે તે સમજતા તેને વાર ન લાગી.

એક યુવતિની નજીક જઈને ઉભો રહ્યો. હીના તરત દૂર ખસી ગઈ. હિરેન સમજી ગયો અને બીજી હીમા છે તે સમજતા વાર ન લાગી. પરાયો પુરૂષ એકદમ નજીક આવે એટલે સ્વાભાવિક છે ખસી જવાય.

હીના તાળી પાડી ઉઠી, યાર, હજુ તું એવોને એવો શરારતી છે!’ કેટલો બધો નજીક આવ્યો એટલે હું ખસી, તેથી તને હીમા ઓળખતા વાર ન લાગી !

‘મારી ગુરૂ તો તું છે, કહી હિરેન ખડખડાટ હસ્યો. હીમાનું બદલાયેલું રૂપ તેની આંખો દ્વારા માણી રહ્યો હતો. તેને ઓળખ્યા પછી આલિંગનમાં લઈ ગાઢ ચુંબન આપ્યું. હીમા શરમાઈ. આજે છ મહિના થઈ ગયા હીમાને આવા સરસ કપડામાં અને હસી ખુશીના માહોલમાં જોઈ તેને રોમરોમમાં લાગણીઓ દોડી રહી. હીનાની આમ તો એ શરમ ન રાખત પણ હીમા ને કદાચ ન ગમત તેથી સંયમ દાખવ્યો.

‘અરે, શરમાય છે શું ? તારી જ બૈરી છે, પછી રાહ કોની જુએ છે?’

જવા દેને યાર હવે લગ્નના ૨૦ વર્ષ પછી અને તે પણ તારી હાજરીમાં ?

‘કેમ મારી તને શરમ આવે છે?’

‘મને નહી તારી સખીને.’ તેને એમ લાગે છે, આ ઉમરે આવી ઘેલછા ન શોભે!

શું હીમા સાચી વાત છે’? હીમાએ જવાબ આપવાનું ટાળ્યું. ‘ એકજ દિવસમાં હીનાને સમજતા વાર ન લાગી કે હીમા અને હિરેન વચ્ચે તનાવ છે. બંને જણાએ વર્તન ખૂબ સાચવીને કર્યું, જે હીનાના સમજવા માટે પૂરતુ હતું. રવિવારના દિવસે વરંડામાં બેઠા ચહાની જયાફત માણી રહ્યા હતા. ગરમા ગરમ બટાકા પૌંઆ, સાથે ઝીણા સમારેલા કાંદા, બિકાનેરી સેવ અને લીંબુ . મોજથી નાસ્તો

ચાલતો હતો. હીનાનો માનીતો ‘ગંગા જમુના ‘ના ઘુટ ભરાતા હતા. ( મોસંબી અને સંતરાનો તાજો રસ.)

અચાનક હીનાએ બોંબ ફોડ્યો, ‘બસ હવે બહુ થયું ! મને ગુંગળામણ થાય છે. હીમા શરૂઆત તું કરે છે કે પછી હિરેનને જબરદસ્તી કરું? બન્ને જણા ચમક્યા. હવે નાટક બંધ કરો. તમારા બન્નેના મનમાં મુંઝવણ છે. વર્તનમાં નરી કૃત્રિમતા જણાય છે. જે પણ મુશ્કેલી હોય ખુલ્લા દીલે વાત કરો. કોઈ પણ પ્રશ્ન જીવનમાં એવો ન હોય કે જેનો ઉત્તર ન મળી શકે?’

હીમા માંડ આંખના આંસુ રોકી શકી. હિરેન તેને સમજાવવાની વૃથા કોશિશ કરી રહ્યો હતો. હીમા કાંઈ નહી બોલે તે જાણતો હતો. વાતનો દોર હાથમાં લીધો.

‘હીના. છ મહિના પહેલાં ,અમારી એકની એક દીકરી તેની ખાસ બહેનપણી સાથે પરણી ગઈ. બસ ત્યારથી હીમાના આ હાલ છે. બોલ હવે તને વધારે શું કહું? છ મહિના થયા સમજવાનો પ્રયત્ન જ નથી કરતી.’

હીના ખડખડાટ હસી રહી, “બસ આટલી વાતનું શું બુરુ માનવાનું? તમને સરપ્રાઈઝ આપું, મારા લગ્નને ૧૫ વર્ષ થયા બે બાળકો છે. ગયા અઠવાડિયે મારા પતિએ મને દિલની વાત કરી.’

‘શું, સરપ્રાઈઝ આપી ?” બન્ને જણા સાથે બોલી ઉઠ્યા.

મારા પતિ એ મને કહ્યું,’ હું ‘ગે ‘ છું . તારી સાથે હવે નહી રહી શકું” !

દોસ્તની  —————-