Upstairs empty books and stories free download online pdf in Gujarati

ઉપલો માળ ખાલી

માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટો ભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બન્ને વચ્ચે ઉમરમાં ઝાઝો ફરક હતો. ઘણા વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં હતાં. તેથી માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ.

“આ સોમો છે તેનો ઉપલો માળ ખાલી છે.” નાનપણથી આ વાક્ય સાંભળીને સોમો મોટો થયો હતો. પિતાને રાજ રોગ થયો હતો. સોમાના જન્મ પહેલાં જ પિતા આ ફાની દુનિયા છોડી જતા રહ્યા હતા. માને આ ઘા કાળજે લાગ્યો હતો. સોમાને જન્મ આપી, મોટાભાઈને હવાલો સોંપાયો. પિતા સારા એવા પૈસા મૂકીને ગયા હતા. પ્રેમાળ ભાઈએ તેનો એક પણ પૈસો દબાવ્યો નહી.

ભાભી નવી પરણેલી હતી. લગ્નને બે વર્ષ માંડ થયા હતા ત્યાં, દિયર મોટો કરવાનો આવ્યો. વેઠ ઉતારે, સોમાનો ભાઈ બધું સમજે પણ શું કરે? નવી પરણેતરને નારાજ કરવાનું પાલવે તેમ ન હતું. સોમો ધૂળમાં રમે, મોટો થયો. જ્યારે ભાભીને પોતાના બાળકો થયા ત્યારે વગર પૈસાનો નોકર,’ દિયર’ મળી ગયો. જે નાના ભત્રીજા અને ભત્રીજીનું ધ્યાન રાખતો. તે ભણે કે નહીં તેની ભાભીને કોઈ ચિંતા ન હતી. આ જીવનામાં જેનું કોઈ ન હોય તેનો બેલી ભગવાન. સોમો વગર માસ્તરે પહેલે કે બીજે નંબરે ઉત્તીર્ણ થતો. જ્યારે ભત્રીજા અને ભત્રીજી બબ્બે માસ્તર ભણાવવા આવે તો પણ માંડ માંડ ધક્કા મારીને પાસ થતાં.

ગમે તેટલી હોશિયારી સોમામાં હોય છતાં પણ,’તેનો ઉપલો માળ ખાલી છે ‘એવું ભાભીએ તેના મગજમાં ઠસાવી આપ્યું હતું. હા, સોમા ને કોઈ અવળચંડાઈ ગમતી નહીં. ભાભીની સામું બોલતો નહી. ભાભી કહે તે બધું કામ કરી આપતો. બને ત્યાં સુધી શાંત રહેતો. જાણે તેના મોઢામાં મગ ન ભર્યા હોય ! કાવાદાવાથી સો જોજન દૂર સોમો ભણવામાં પાવરધો નીવડ્યો. નવરાશની પળોમાં માળિયે ચડીને ચોપડીઓનો થોથાં વાંચતો હોય.

મોટાભાઈના નસીબ સારા, ધંધામાં બરકત આવી ખૂબ કમાયા. સોમો ભણ્યો પણ ઘણું. નાનપણથી ભાભીને જોઈ હતી. ભાભી તો તેની મા હતી. પોતાની ઉપેક્ષા પણ અનુભવી હતી છતાં ભાભીમાને પ્યાર કરે. મોટાભાઈને વંદન કરે. કદી તેમણે સોમાને ખસ કહ્યું ન હતું. ભાભી ભલે ગમે તે કરે, ભાઈ સોમાને લાડ કરવામાં કમી ન રાખતો.

એક વાત તેના મગજમાં જડબેસલાક બેસી ગઈ હતી. ‘સ્ત્રી’ પ્રત્યે કોઈ સંવેદના અનુભવતો નથી. ભણીગણીને કમાતો થયો. નોકરી પર તેની સાથે કામ કરતી શીલાને તે ખૂબ ગમતો. શીલાને તેના સંસારિક બાબતે કંઈ ખબર ન હતી. સોમાના શાંત સ્વભાવના કારણે ખૂબ કૂણી લાગણી બતાવતી. બન્ને સાથે એક કેબિનમાં બેસતાં. કામકાજ હોય ત્યારે સાથે કરતાં. સોમો સ્ત્રીઓ પ્રત્યે ઉદાસ કેમ છે તે જાણવા મથતી.

સોમો વિચારતો બધી સ્ત્રીઓ,’ ભાભી જેવી ન હોય’. છતાં પણ કામ પૂરતી વાત. એક વખત સાથે ચા પીતાં શીલા બોલી, ‘મારી ઓરમાન મા કેમે કરી રાજી નથી થતી. બધો પગાર પણ લઈ લે છે. પિતાજી તેને કશું કહી શકતા નથી’. સોમો હવે નાનો ન હતો, કે આ વાક્યનો અર્થ ન સમજે. તેને શીલા પ્રત્યે લાગણી થઈ. કામ પર ઘણા સ્ત્રી મિત્રો તેની આજુબાજુ આંટા મારે પણ તેને કોઈ ફરક ન પડતો. હમણાંથી શીલા તેના વિચારોમાં ડોકિયાં કરી જતી. શીલાને અંદાજ આવી ગયો હતો, આશા બાંધીને બેઠી હતી.

એક વખત તો બન્ને ભાઈ કામ માટે બહાર ગયા હતા ત્યારે પ્રેમથી મોટાભાઈએ વાત છેડી. ‘સોમા, શું તું ક્યારેય ઘરસંસાર નહી માંડે”?

‘મોટાભાઈ મને તમે પિતા કરતાં વધારે પૂજ્ય છો. હવે હું નાનો કીકલો પણ નથી. આદરથી કહું છું, આપણે આ વાત ન કરીએ તો કેવું”? શીલા વિશે અત્યારે કંઈ કહેવું તેને યોગ્ય ન લાગ્યું. અંતે સોમાએ ભાઈને વાત કરી. મોટાભાઈએ ખુશ થઈ શીલાને ઘરમાં આણી.

શીલા અપરમાના ત્રાસથી છૂટી અને સોમો પ્યારથી બે ટક ભોજન પામતો. મકાનનો ઉપલો માળ સોમા અને શીલાના ઘર સંસારથી ગુંજી ઉઠ્યો. ભલે સોમાના દિમાગમાં એ વાક્ય કોતરાયું હતું, શીલાના આગમને બધું બદલાઈ ગયું.

પૈસાનો વરસાદ ચારે તરફથી હતો. ક્યારેય પૈસો તેના દિમાગ પર બેસી રાજ ના કરતો. હવે તેને ઘરકામ યા બાળકોનું કોઈ કામ કરવું ન પડતું. મોટાભાઈએ બંગલમાં,’ ઉપલો માળ’ તેને માટે ફાળવ્યો હતો. હવે તે બરાબર સમજતા થઈ ગયો હતો, ‘ઉપલો માળ ખાલી છે’. તેનો અર્થ પણ જાણતો હતો. છતાં તેણે કોઈ અસંતોષ ન દર્શાવ્યો. તેને થતું ભાભી એ તેને ભણવા તરફ પ્રેર્યો હતો. જો કદાચ ભાભીએ પ્યાર આપ્યો હોત,તો તે આજે આ સ્થાને કદાચ ન હોત.  તેના આંસુ પુસ્તકોએ લુછ્યા હતા. મોટાભાઈના બાળકોમાંથી નવરો પડતો ત્યારે ચોપડા લઈ કાતરિયામાં ભરાતો.

મોટાભાઈના બન્ને બાળકો પરણી ઠરીઠામ થયા. દીકરો લાખ મનાવ્યા છતાં પિતા સાથે ધંધામાં ન બેઠો. પ્રેમ લગ્ન કરીને,પત્નીનો ચડાવ્યો અમેરિકા ભેગો થઈ ગયો. બંને બહુ કમાતાં નહી પણ ગુજરાન ચાલતું. તેની પત્ની થોડું ભણેલી હતી તેથી બેંકમાં નોકરી કરતી.

ભાભી ને હવે દિયરની કિંમત સમજાઈ. સોમા એ પોતાના સૂવાના રૂમમાં મકાનનું પેઈન્ટીંગ ભીંત પર મઢાવીને મૂક્યું હતું. જેમાં ત્રણ માળ સુંદર સજાવેલા હતાં અને ઉપલો માળ માત્ર બારી બારણા દર્શાવતાં. આમ પણ શીલાના આવવાથી ઉપલા માલની રોનક વધી ગઈ હતી. મકાનમાં લિફ્ટ ન હોવાથી શીલા અને સોમાની તબિયત પણ સારી રહેતી.

એક વાર ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો. સોમો બીમારીનો ભોગ બન્યો. ત્રણ દિવસથી નીચે ઉતરી ઘરની બહાર ગયો ન હતો. નોકર આવીને ખાવાનું કે ચા આપી જતા. ભાભી તો દીકરો ગયા પછી ઠંડી થઈ ગઈ હતી. દીકરી પણ પરણીને સાસરે ગઈ. ઘરમાં ત્રણ મોટા રહેતા. કોણ કેટલામે માળે છે તે ફોન પરથી જાણી લેતા. મોટો ભાઈ બે દિવસ પછી ખબર કાઢવા આવ્યો. પછી ફોન કરી સોમાની તબિયતની ભાળ રાખતો. ગઈ કાલે રાતના બારે મેઘ ખાંગા થયા હતા. આખી રાત વરસાદ ધુમ વરસ્યો. જાણે વાદળમાં કાણું ન પડ્યું હોય !

સોમાને ઘેનમાં કંઈ ખબર ન પડી. મકાનમાં પાણી ભરાણા. પહેલો માળ આખો પાણીમાં ભાઈ અને ભાભી ને તરતા ન આવડતું. ઊંઘમાં ખલેલ ન પડી કે શું બંને જણા નિંદરમાં કાયમ માટે પોઢી ગયા. સવારે પાંચ વાગે સોમા ને મકાન ઉપર હેલિકોપ્ટર આંટા મારતું જણાયું. શીલા ઉભી થઈને બહાર આવી. દોડીને સોમાને જગાડ્યો.

ચારે તરફ પાણી હતું.

હેલિકોપ્ટર વાળાએ કહ્યું, ‘હમ સીડી ડાલતે હૈ, તુમ ઉસે પકડ કર ઉપર આ જાઓ. તુમ્હારા પુરા મકાન પાનીમેં ડૂબ રહા હૈ. અપની જાન બચાલો.’

‘સોમો કહે, મારા ભાઈ અને ભાભી નીચે પહેલે માળે સૂતાં છે’.

‘વો લોગોંકે બચનેકી કોઈ ઉમ્મીદ નહીં હૈ”.’

છેલ્લી નજર મકાનના’ ઉપલા માળ’ પર નાખી. સીડી ચડી હેલિકોપ્ટરમાં આવી ગયા !

****************************