Prem - Nafrat - 60 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૬૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૦

રચના મોબાઇલમાં દુબઇનો સમય જોઇ થોડે દૂર જઇને કોઇને ફોન કરવા લાગી. એણે કહ્યું:'અચ્છા! બધી વ્યવસ્થા બરાબર થઇ ગઇ છે ને? આરવને કોઇ વાતની ખબર પડવી ના જોઇએ. બસ એટલું સંભાળી લેજે. સમય- સમય પર મને રિપોર્ટ આપતી રહેજે.' સામેથી કોઇ મહિલાનો એવો જવાબ આવ્યો કે એ મનોમન ખુશ થઇ ને એના ચહેરા પર હાસ્ય આવી ગયું.

દુબઇ કોઇ મહિલા સાથે વાત કરીને તે મીતાબેન પાસે ગઇ અને બોલી:'મમ્મી, લખમલભાઇ સાથે જે સંઘર્ષ થયો એ મજૂરોને કારણે જ હતો ને? મને આખી વાત શરૂઆતથી કરો...'

મીતાબેન શાંત સ્વરે એ સંઘર્ષની કથા માંડતા બોલ્યા:'લખમલભાઇની નવી કંપનીમાં મજૂરોની સંખ્યા ઘણી વધારે હતી. એમની સાથે કામ લેવાનું સરળ ન હતું. એ તો તારા પિતા જ હતા જે આ કામ કરી શકતા હતા. એમાં થયું એવું કે નવી કંપની બનાવવામાં ખર્ચ વધારે થઇ ગયો હતો. કંપની ચલાવવા જે મૂડી જોઇએ એ ઘટી ગઇ હતી. મજૂરો પર પગારખર્ચ વધુ થતો હોવાનું એ માનતા હતા. એમણે એ વર્ષે મજૂરોના પગારમાં વધારો કરવાનું માંડી વાળ્યું હતું. એ કારણે થયું એવું કે નવા મજૂરોને ઊંચા પગારથી લીધા હોવાથી જૂના જેટલો જ એમનો પગાર થઇ ગયો. એ વાતથી જૂના મજૂરો નારાજ થયા. એમણે તારા પપ્પાને રજૂઆત કરી. એમની માંગણી હતી કે ક્યાં તો અમારો પગાર વધારો અથવા નવા મજૂરોનો ઓછો કરી દો. તકલીફ એવી હતી કે નવા મજૂરોને ઓછા આપી શકાય એમ ન હતા. હવે વચ્ચેનો કોઇ રસ્તો કાઢવો પડે એમ હતો. નવા મજૂરોની સંખ્યા ઓછી હતી. એમને રાખ્યા વગર જો જૂના મજૂરો વધુ કામ કરી આપે તો સમસ્યા ઉકેલી શકાય એમ હતી. એ બદલ એમને ઓવરટાઇમ તરીકે થોડો પગાર વધુ આપવાનો થતો હતો. લખમલભાઇને આ વિચાર યોગ્ય લાગ્યો નહીં. તેમણે કહ્યું કે ઓવરટાઇમની પ્રથા પાડવી નથી અને વધુ પગાર ચૂકવી શકાય એમ નથી. મજૂરોએ ક્યારેક થોડું વધારે કામ કરવું જોઇએ.

આ બધી માથાકૂટમાં લખમલભાઇ અને મજૂરો વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. ચર્ચા કરવામાં જ બે મહિના નીકળી ગયા હતા અને વાતનો કોઇ નિકાલ આવી રહ્યો ન હતો. જૂના મજૂરો અકળાઇ ગયા. એમણે હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરી લીધો. તારા પિતાએ મજૂરોનો સાથ આપવો પડે એમ હતો. એમની માગણી વ્યાજબી હતી. બીજી તરફ લખમલભાઇની આર્થિક પરિસ્થિતિથી એ વાકેફ હતા. લખમલભાઇએ નાણાની વ્યવસ્થા ગોઠવવાની જરૂર હતી. એમની શું સમસ્યા હતી કે વિચાર હતા એ તો એ જ જાણે પણ એ કંઇ કરતા ન હતા. વાત બહુ વકરી ગઇ હતી. મજૂરોએ હડતાળ પાડી દીધી હતી. કંપનીનું કામ ઠપ થઇ ગયું હતું.

લખમલભાઇએ તારા પિતાને તાબડતોબ મળવા બોલાવ્યા અને કહ્યું કે,"રણજીત, હડતાળ તરત બંધ કરાવો" અને હડતાળ સમેટાવી લેવા સમજાવ્યા. તારા પિતાએ લાચારી વ્યક્ત કરી દીધી. એમણે કહ્યું કે તમારી વાત મજૂરો માનશે. તારા પિતાને થયું કે મજૂરો એમની વાત જરૂર માને એવા છે. એમને બધાં જ મજૂરો સન્માન આપતા હતા. પરંતુ આમ કરવાથી એમને અન્યાય થાય એમ હતું. તારા પિતા માટે ધર્મસંકટની ઘડી આવી ગઇ હતી. એક તબક્કે એમણે મુકાદમની નોકરી છોડી દેવાનો વિચાર પણ કરી લીધો હતો. તે અધવચ્ચે નોકરી છોડી જાય તો એમની શાખને નુકસાન થાય એમ હતું. ફરી કોઇ નોકરી ના આપે એવું બની શકે. નોકરીમાં બંને પક્ષ તરફથી એમને નુકસાન થાય એમ હતું. એમણે નક્કી કરી લીધું કે મજૂરોને એ સમજાવશે. હાલ પૂરતી હડતાળ મોકૂફ રખાવી ફરીથી એમની સાથે ચર્ચા કરશે. એક તરફ માલ પૂરો પાડવાની કંપનીની તારીખ નજીક આવી રહી હતી અને બીજી તરફ મજૂરો કામથી અળગા થઇને બેઠા હતા. ત્યારે એક એવી ઘટના બની કે બધાં ચોંકી ગયા. બધાંની ગણતરીઓ એ ઘટનાએ ઊંધી વાળી દીધી. જે ના થવું જોઇએ એ થયું...'

મીતાબેનનો અવાજ બોલતી વખતે ગંભીર થવા સાથે ભીનો થઇ ગયો. એમની સામે એ સમયનું દ્રશ્ય જાણે ભજવાવા લાગ્યું હતું.

ક્રમશ: