AABHA - 23 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 23


*..........*.........*.........*.........*

આભા શું નિર્ણય લેશે?

બધા એ જ વિચારોમાં ખોવાયેલા હતા.
" અહીંયા બધા રાહુલ અને રિયા ની સગાઇ માટે આવ્યા છીએ ને?? તો એ બધી રસમ પૂરી કરી લઈએ? " આભા એ પોતાનો વિચાર રજૂ કર્યો.

" આભા.... તું..."

" આકાશ આપણે પછી વાત કરીશું." આભા એ આકાશને અટકાવતાં કહ્યું.

બધા જાણતા હતા કે તેમના લગ્ન થશે તો રિયા ને રોજ પોતાની સામે જોઈ આભા આદિત્યને યાદ કરીને દુઃખી થશે. આમ છતાં બધા એ આભાના કહ્યા પ્રમાણે સગાઈ વિધિ આગળ વધારી.

રાહુલ અને રિયા વિધિ પૂર્વક સગાઈ નાં બંધનમાં બંધાઈ ગયા. બંનેએ મોટેરાંઓ નાં આશિર્વાદ લીધા.

" રિયા ને મેં હંમેશા મારી નાની બહેન માની છે. તું એને ક્યારેય દુઃખ ના પહોંચાડતો." આભા એ રાહુલને કહ્યું.

" ભાભી, હું હંમેશા તેને ખુશ રાખીશ. આઈ પ્રોમિસ." રાહુલે આભા ને ધરપત આપી.

રિયા પોતાની ભાભીની તેના તરફની લાગણી જોઈ ભાવુક થઈ ગઈ.

વડીલો એ રાહુલ અને રિયા ના લગ્ન અંગે થોડી વાતચીત કરી અને પછી વરપક્ષ વાળા પોતાના ઘરે આવવા વિદાય થયા.

આખા રસ્તે આભા ચૂપ રહી. આકૃતિ રાહુલ અને કાકા, કાકી સાથે બીજી કારમાં હતી. એટલે આભા ને પરાણે બોલાવવા વાળું કોઈ હતું નહીં.

ઘરે પહોંચ્યા ત્યારે કાફી રાત થઈ ગઈ હતી. એટલે બીજી કોઈ ચર્ચા ને અવકાશ ન આપતા બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.

આકાશ ઊંઘી ગયેલી આકૃતિ ને બેડ પર સુવરાવી એના માથા પર હાથ પસરાવતો બેસી રહ્યો. એ આભા ના બોલવાની રાહ જોઈ રહ્યો હતો. પણ આભા કંઈ જ ન બોલી. એ એક કમ્બલ લઈ સોફા પર સૂઈ ગઈ. આકાશ સવાર પડવાની રાહ જોયા સિવાય કંઈ કરી શકે તેમ નહોતો. વિચારોનાં વમળમાં અટવાતા અટવાતા માંડ સવાર પડ્યે એની આંખો મીંચાઈ.


*..........*...........*..........*


" મમ્મા, શું કરો છો? "

" બેટા આપણે નાના - નાની ના ઘરે જઈએ છીએ. તો બેગમાં કપડાં ભરૂ છું."

" ઓહ.... પણ તમે પપ્પા નાં કપડાં ભરવાનું કેમ ભૂલી રહ્યા છો? હું લઈ આવું? "

" ના બેટા, તારા પપ્પા આપણી સાથે નથી આવતાં."

" કેમ નથી આવતાં? તમે કાલે રડતાં હતાં એટલે રિસાયા હશે. આપણે મનાવશું એટલે માની જશે. પછી આપણી સાથે પણ આવશે. "


" ના બેટા. એવું નથી. એમને અહીંયા ઓફિસમાં ઘણું કામ હોય ને? એટલે એ નહીં આવે. "

" તો હું પણ નહીં આવું. "

" આકૃતિ.... કપડાં લઈને ક્યાં ભાગે છે?? ઊભી રહે.... અહીંયા આવ..."

મમ્મી દીકરી ની રકઝક બાદ આકૃતિ પોતાના કપડાં લઈને રૂમમાં આમતેમ ભાગી રહી હતી. અને સાથે જ ' નાના ઘરે નથી આવવું.' એવી બૂમો પાડી રહી હતી.

" પપ્પા, મમ્મા ને ના પાડો. મારે નાના ઘરે નથી જવું. "
" પપ્પા...."

આકૃતિ ની બૂમો સાંભળીને આકાશની ઊંઘ ઉડી ગઈ. તે આકૃતિ ને આમતેમ ભાગતા જોઈ મલકી ઉઠ્યો.

" અરે, મારી રાજકુમારી... પડી જશે તો વાગી જશે." આકાશે આકૃતિ ને ઊંચકી લેતા કહ્યું.

" મમ્મા મને નાના ઘરે લઈ જાય છે. અને કહે છે કે તમારે ઘણું કામ છે એટલે તમે નહીં આવો. મને પપ્પા સાથે રેવુ...." કહેતા આકૃતિએ પોતાના હાથ પપ્પા નાં ગળામાં વીંટાળી દીધાં.

" તને કોઈ ક્યાંય નહીં લઈ જાય. હું છું ને?? અત્યારે તું દાદા- દાદી પાસે જતી રે.. મમ્મા ત્યાં નહીં આવે."

આકાશે આકૃતિ ને નીચે મોકલી જેથી આભા સાથે વાત કરવા મોકળાશ મળે.

" આભા તું..."

" હું સુરત જાઉં છું. "

" આઈ નો.. તને થોડા એકાંત ની જરૂર છે. સુરત જઈશ તો બધાને મળી ને તારું માઈન્ડ પણ ફ્રેશ થઈ જશે. પણ આકૃતિ ને અહીંયા રહેવા દે. તમે બંને જતાં રહેશો તો ઘરમાં બધા ઉદાસ થઈ જશે. અને આકૃતિને પણ અહીંયા રહેવું છે તો....? પ્લીઝ..."

" ઓકે..."

" થેન્ક યુ.. ક્યારે નીકળવું છે તને? "

" બસ, સામાન પેક થઈ જાય એટલે.."

" ઓકે, હું ફટાફટ તૈયાર થઇ જાઉં. હું મૂકી જઈશ તને.."

" ના.. હું બસમાં જઈશ."

" ઓકે..."

" આભા... આઈ નો કે સંબંધોનાં તાણાવાણા ઉકેલવા તારે ટાઈમ જોઈએ છે. તું જે નિર્ણય લેશે એમાં હું હંમેશા તારી સાથે હોઈશ. આપણે હંમેશાથી બેસ્ટ ફ્રેન્ડ હતાં અને રહીશું. બીલીવ મી. એ દિવસે આપણે......"

" આકાશ, આપણે પછી વાત કરીએ...? "

"ઓકે.."

આભા હમણાં વાત કરવા નથી માંગતી એ સ્પષ્ટ હતું. એટલે આકાશે પણ પીછેહઠ કરી લીધી. આભા એકલી જ સુરત આવવા નીકળી ગઈ. આકાશે તેના મમ્મી પપ્પા ને અને કેટલાક ક્લોઝ ફ્રેન્ડસ ને ઈન્ફોર્મ કરી દીધું હતું. એને જેટલા એકાંત ની જરૂર હતી. એટલી જ જરૂર કોઈનાં સાથ ની હતી.


*.........*.........*.........*.........*

બસમાં આભા વિન્ડો સીટ પર બેઠી. બહાર નાં દશ્ય ભલે મનમોહક ના હોય પણ કશાં જ કારણ વગર આભા નાં મનને ખુશ કરી રહ્યા હતા. અમદાવાદ થી બહાર નીકળ્યા પછી તેનું ધ્યાન આગળની સીટ પર બેઠેલા નવાસવા દંપતિ પર ગયું. તેઓ એકબીજાના સંબોધન માટે થોડી રકઝક કરી રહ્યા હતા. એમની ચર્ચા થોડી ઉગ્ર બની. અને આભા એ ચર્ચા નો છોર પકડી પોતાના ભૂતકાળમાં સરી પડી.

*............*.............*

" આભા, હવે આપણા લગ્ન થઈ ગયાં છે. તો તારે મને ' તું ' કહેવાનું બંધ કરવું પડશે. "

" તું કહેવાનુ બંધ કરૂં મતલબ..... હું તો પહેલાં થી જ તને....."

" તને નહીં.....
તમને........
પોતાના પતિને થોડું માન આપીને બોલાવે તો સારું.. બીજા સાંભળે તો કેવું લાગે??"

" બીજાને કેવું લાગે એ આપણે જોવાનું? આપણે પહેલાં થી જ જેમ એકબીજાને સંબોધિત કરતા....."

" બસ આભા, મારે બીજી કોઈ ચર્ચા ન જોઈએ. તારે મને તું કારો નહીં કરવાનો..."


આ ચર્ચા લગ્ન પછીનાં બીજા જ દિવસે થયેલી. આભાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા પણ આદિત્ય ને જાણે એનાં થી કશો ફરક જ ના પડ્યો હોય એમ એ રૂમ બહાર નીકળી ગયો. આભા તેને તું કારો શું કામ કરે? એ તો એને પ્રેમથી બોલાવતી. તું શબ્દ એને વધારે પોતિકો લાગતો. એ ઈચ્છતી હતી કે તેનો પતિ તેનો બેસ્ટ ફ્રેન્ડ બને. પણ એ તો પતિ તરીકે રહેવાનું પસંદ કરતો હતો. એ જાણી આભા દુઃખી થઈ. આદિત્ય ધીમે ધીમે એને સમજશે એવું વિચારીને તેણે પોતાનું મન મનાવેલુ. પણ એ વખતે એને જાણ નહોતી કે આજે થયેલું પરિવર્તન તેનાં સંપૂર્ણ વ્યક્તિત્વ ને પરિવર્તિત કરી દેશે.....


*...........*.............*

" આભા, વોર્ડ રોબ સેટ કરે છે.. લાવ હું હેલ્પ કરૂં...."

" આકાશ, તમે રહેવા દો.. હું કરી લઈશ..."

" એક મિનિટ... શું કહ્યું તે?? તમે? પ્લીઝ આભા, મને ' તું' કહીને બોલાવીશ તો મને ગમશે. "

" પણ હવે આપણા લગ્ન થઈ ગયાં છે. તો બીજા સાંભળે તો કેવું લાગે?"

" વ્હોટ? બીજાને કેવું લાગે એ એમનો પ્રોબ્લેમ છે. આપણે આપણને શું ગમે એ વિચારવું જોઈએ. એન્ડ તું તારા બધા ફ્રેન્ડ ને કંઈ તમે કહીને નથી બોલાવતી?? રાઈટ??"


આકાશ આટલું કહીને આભાના વિખરાયેલા સામાન ને કબાટમાં ગોઠવવા લાગી ગયો. આભાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. પણ આજે એ દુઃખી નહોતી. છતાં એની આંખો માં આંસુ શા માટે હતાં એ સમજી શકતી નહોતી. આકાશે તેના આંસુ જોયા ત્યારે બધું કામ મુકી એ તેને ખુશ કરવા પ્રયત્ન કરવા લાગ્યો.


*...........*.........*...........*


એક બ્રેક સાથે બસ અટકી અને સાથે આભાની વિચારમાળા પણ.....

" આ હું શું યાદ કરૂં?? શું કામ??? આદિત્ય અને આકાશ ની સરખામણી?? " આભા પોતાના જ વિચારોથી વ્યાકુળ થઈ ઊઠી. પરાણે આંખો બંધ કરી એ ઊંઘી જવા મથતી હતી. એ બધાં જ વિચારો, બધી જ યાદો થી દૂર રહેવા ઈચ્છતી હતી. પણ રહી રહીને એને એ જ વિચારો સતાવી રહ્યા હતા. અને એ વિચારો ક્યારે અટકશે એ કહી શકાય એમ નહોતું.
*..........*..........*..........*.........*


આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.