AABHA - 24 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 24




*.........*.........*.........*.........*.........*



પાછળની સીટમાં બેઠેલા એક યુવાને પાનની પિચકારી મારી અને આભા એનાં પર તૂટી પડી....

" કંઈ ભાન છે કે નહીં.? પાન-માવા ખાઈને ગમે ત્યાં થૂંકો છો. આગળ પાછળ બેઠાં હોય એનું તો ધ્યાન રાખો."

" માફ કરજો. હવે ધ્યાન રાખીશ." એ યુવાને માફી માંગી લીધી.

એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પણ આભાના મનમાં કેટલાક સંવાદો ઉમટી આવ્યા.

" હું તારી કસમ ખાઉ છું, હવે હું પાન-મસાલાને હાથ પણ નહીં લગાડું."

" આવું તમે દર વખતે કહો છો.. મેં સગાઈ પહેલાં જ કહ્યું હતું કે પાન- માવા ખાવા વાળા લોકો પ્રત્યે મને નફરત છે. અને મારો જીવનસાથી વ્યસની હોય એ મને નહીં ચાલે.. ત્યારે તમે મને જુઠ્ઠું કહ્યું. અને વારંવાર જુઠ્ઠું બોલો છો."

" સોરી, છેલ્લીવાર માફ કરી દે. હવે હું એ વ્યસન બિલકુલ છોડી દઈશ.."

આભા ની સગાઇ પહેલા આદિત્ય એ એને પ્રોમિસ આપેલું કે તે આભા ને ન ગમતા વ્યસનો થી દૂર રહેશે. પણ લગ્ન પછી પણ વારંવાર આ બાબતે એમની વચ્ચે ઝઘડાઓ થતાં રહેતાં. આભા ને આ વાત નું ખૂબ જ દુઃખ થતું. ‌‌‌ પણ આદિત્યને જાણે એની પણ ટેવ પડી ગઈ હતી. આભા થી છુપાવી વ્યસન પોષવા અને આભાને ખબર પડે તો જુઠ્ઠાણું ચલાવી એને મનાવી લેવી. આભા ને આ વાત ની જાણ હતી પણ એના પિતાની પસંદ માટે એ કોઈ ફરિયાદ કરવા નહોતી ઈચ્છતી એટલે દરવખતે એ આદિત્ય ને માફ કરી દેતી. એને આશા હતી કે એક દિવસ આદિત્ય જરૂર સુધરી જશે.

*...........*...........*..........*

" આકાશ, રાતના ડ્રાઇવિંગ વખતે કે પછી કોઈ ફ્રેન્ડ સાથે ક્યારેક પાન-માવા ખાય તો મને કોઈ વાંધો નથી. તેમ પણ આપણે ફ્રેન્ડ છીએ મારા કારણે તું...."

" જો આભા, આઈ નો કે તું મને ફ્રેન્ડ જ માને છે. પણ સ્કૂલ વખત થી હું તને પસંદ કરું છું એ પણ સાચું જ છે. તારી પસંદ નાપસંદ ની તને મળ્યા પહેલા થી હું કાળજી લઉં છું. તો સમય કોઈ પણ હોય, મારી સાથે કોઈ પણ હોય જે વસ્તુ થી મારે દૂર જ રહેવું છે એનાં થી હું દૂર જ રહીશ. એવા વ્યસનો મારા જીવનમાં ક્યારેય પણ નહીં આવે."

આકાશ ને આભા એ પતિ તરીકે ભલે ના સ્વિકાર્યો હોય પણ આ વાત સાંભળીને તેને ખુશી જરૂર થઈ હતી.


ના ચાહવા છતાં અનાયાસે જ એ આદિત્ય સાથે એની સરખામણી કરી રહી હતી.

જીવનભર ખુશ રાખવાની જેણે કસમો ખાધી હતી એ આદિત્ય ને આભા નાં દુઃખ થી કોઈ ફેર નહોતો પડતો જ્યારે ફક્ત મિત્ર તરીકે સંબંધ નિભાવતો આકાશ આભા નાં સુખ દુઃખ ની પૂરી કાળજી લેતો હતો.


*..........*..........*..........*

વિચારમાળા વચ્ચે બસ ક્યારે સુરત પહોંચી એ આભા ને ખ્યાલ જ ના આવ્યો. સુરત સ્ટેશન પર પગ મૂકતાં જ એનાં મનમાં એક અજીબ શાંતિનો અનુભવ થયો. સ્ટેશન થી ઘર તરફ જતા જાણે પોતાના જીવન સાથે ફરી જોડાઈ રહી હોય એવું લાગતું હતું. સોસાયટીના ગેટ પર ઉતરી જ્યારે ઘર તરફ ડગ માંડ્યા તો ઓળખીતાં ચહેરાઓ હરખાઈ ઉઠ્યા. પડોશીઓ એ તો પ્રશ્નો નો મારો ચલાવ્યો,

" તબિયત પાણી કેમ છે?"

" કેમ અચાનક?? "

" કેમ એકલી.... ?"

" જમાઈ રાજા ને રાજકુમારી પાછળ છે? "

" સાસુ સસરા ને બધા મજા માં ને? "

" તારા દિયર ના લગ્ન નક્કી કરી નાખ્યાં?"

પ્રશ્નો ના જવાબ આપવામાં આભા નો દમ નીકળી ગયો. આમ છતાં એ ખુશ હતી. ઘરે પહોંચતા જ મમ્મી એ આરતી કરી ને તેની નજર ઉતારી. મમ્મી પપ્પા એ આશ્લેષ માં લેતા જ જાણે મન પર નો બધો ભાર ઉતરી ગયો હોય એવું લાગ્યું.


મમ્મી પપ્પા એ તેને એકપણ પ્રશ્ન ના પૂછ્યો. આકાશે અગાઉ જ ના પાડેલી, ' આભા ને કોઈ પ્રશ્ન ના પૂછશો અને બસ તેને પ્રેમ થી સંભાળી લો. એને મન મરજી મુજબ રહેવા દો.' આકાશ ના કહ્યાં પ્રમાણે જ એ લોકો વર્તી રહ્યા હતા.

આભા આવી પછી મમ્મી તેને મનપસંદ પકવાન રાંધી ને રોજ ગરમ ગરમ જમાડતા. એ સવારે મોડી મોડી ઉઠતી. આખો દિવસ આરામ, ટી.વી., મમ્મી પપ્પા સાથે વાતો, આમ જ દિવસ પસાર કરતી. ક્યારેક કોઈ ફ્રેન્ડ ઘરે મળવા આવતી તો ક્યારેક તે એની ફ્રેન્ડ ને મળવા જતી. તેના બેસ્ટ ફ્રેન્ડ્સ ગીતાંજલી અને શ્યામ બંને રોજ ફોન પર વાત કરતા.
આભા હજુ એમને મળી નહોતી. કેમ કે એને ખબર હતી કે એ લોકોને મળ્યા બાદ એનાં મગજમાં ઘણી ઊથલપાથલ થવાની હતી. એમનાં માટે એક બે કલાક કાફી નહીં હોય. આખો દિવસ સાથે રહીને એકબીજાનાં સુખદુઃખ વહેંચવા, જીવન અંગે ચર્ચાઓ કરવામાં સમય પસાર થઈ જતો અને છતાં ઘણું બધું બાકી રહી જાય એવું પણ બનતું. થોડા દિવસ ના આરામ પછી તેણે શ્યામને મળવાનું નક્કી કર્યું. એ સવારે વહેલા તૈયાર થઈ ગઈ. શ્યામ એને ઘરે લેવા આવ્યો. મમ્મી ના હાથની ચા પીધા બાદ બંને નીક્ળ્યા. એક જ બાઈક પર નીક્ળ્યા ત્યારે સોસાયટીમાં રહેતા લોકો ના મોઢે આવેલી કેટલીક વાતો આભા ને કાને પડી. પણ શ્યામે ઝડપથી આગળ નીકળી જઈ એને શાંત પાડી. એની બાઈક એક મૉલ પાસે અટકી. આભા ને શોપિંગ માં બહુ રસ નહોતો પણ શ્યામને પોતાને શોપિંગ કરવાની હોવાનું બહાનું બનાવીને તે આભા ને બીજી ચર્ચાઓથી દૂર રાખવા ઇચ્છતો હતો.

શોપિંગ વખતે શ્યામ વારેઘડીએ આભા ને હાથ ખેંચી એક બાજુ થી બીજી બાજુ લઈ જતો. એનો સ્પર્શ એકદમ સહજ હતો. પણ આમ છતાં આભા ક્યારેક અસહજ બની જતી હતી. શોપિંગ પછી બંને પિક્ચર જોઈ સાંજે બહાર જમી ને પાછા આવ્યા. મમ્મી એ મોડું કરવા બદલ બંને ને પ્રેમ થી ટપાર્યા ય ખરાં. રાત્રે આભા પૂરી દિનચર્યા યાદ કરતી સૂઈ રહી હતી. સાથે જ ભૂતકાળ એની વિચાર માળા સાથે વણાતો જતો હતો.

*.........*.........*.........*.........*




લગ્ન પછી જ્યારે પહેલી વખત આદિત્ય સુરત આવ્યો. એ વખતે શ્યામ આભા ને જે રીતે મળ્યો એને બિલકુલ પસંદ નહોતું આવ્યું. શ્યામ ના ગયા પછી તરત જ આ બાબતે તેણે આભા ને ટકોર કરી હતી.

" આભા, આ કોણ છે જે આમ ગળે વળગી પડ્યો."

" મેં કહ્યું હતું એનાં વિશે.... શ્યામ, માય ફ્રેન્ડ??"

" આ મને ના ગમ્યું, આમ ગમે તેને ગળે વળગી પડવું, ગમે તેની સાથે હાથ મિલાવવું, આ કેવું લાગે?"

" એ મારો ફ્રેન્ડ છે ગીતાંજલી, ને શિવાની સાથે હાથ મિલાવુ, ગળે મળું એમાં કંઈ ખોટું ના હોય તો આમાં કેમ?"

" એ છોકરીઓ છે...."

" પણ મેં તમને સગાઈ પહેલાં જ બધાં વિશે કહ્યું હતું અને ત્યારે તમને કંઈ વાંધો નહોતો."

" ત્યારે મને નહોતી ખબર કે તમારી ફ્રેન્ડશીપ આવી હશે...."

" આવી એટલે....?? મારી ફ્રેન્ડશીપ શિવાની અને ગીતાંજલી સાથે છે તો એવી જ શ્યામ, અનિષ, અને બીજા ફ્રેન્ડ જોડે..."

" તારી ફ્રેન્ડશિપ ભલે ગમે તેવી હોય, પણ આજ પછી છોકરાઓને ગળે મળવાનું, હાથ મિલાવીને મળવાનું હું નહીં ચલાવી લઉં....બની શકે તો આવા બધા મિત્રો સાથે સંપર્ક જ કાપી નાખ."

આ સાંભળીને આભા ખૂબ જ દુઃખી થઈ. તેને પોતાના મિત્રો છોડી દેવા પડશે એનું દુઃખ નહોતું પણ જે વિશ્વાસ જીવનસાથી પર હોવો જોઇએ એ વિશ્વાસ આદિત્ય ને તેનાં પર નહોતો એ વિચાર આભા ને રડાવી જતો હતો. આમ છતાં એનો વિશ્વાસ પામવા એ આદિત્ય નાં કહ્યાં મુજબ પોતાની જાતને ઢાળી લેતી હતી.


*..........*..........*...........*..........*



સુરત આવ્યા બાદ જ્યારે આભા તેની ફ્રેન્ડ ગીતાંજલી અને શિવાની ને મળીને ખૂબ જ ખુશ થઈ ગયેલી અને આકાશ આભા ની ખુશી થી. પરંતુ બીજા દિવસે શ્યામને મળ્યા બાદ આકાશ ની આંખો માં પ્રશ્ન હતો. આભા તેને એ બાબતે વાત કરે એ પહેલાં જ તેનાં ઘરે મહેમાન આવ્યા અને એમની ચર્ચા શરૂ થતાં પહેલાં જ અટકી ગઈ.

" છગન કાકા..... તમે...." આભાએ બાળપણ ના તેનાં મિત્રો જીજ્ઞા, જીગ્નેશ અને શાંતિ ના પપ્પા ને ઓળખી તેમને આવકાર આપ્યો.

એમની સાથે એક યુવાન પણ હતો.

" ઈટ્સ યુ...? આભા...? " કહેતા એ આભા ને ગળે વળગી પડ્યો.

આકાશની સામે જોઈ આભા સંકોચાઈ તેનાથી અળગી થઈ.

એ યુવાન આભા નો નાનપણનો દોસ્ત હતો. ઘણા વર્ષો પહેલાં તેઓ પોતાના વતન જૂનાગઢ જતા રહેલા. હમણાં કોઈ કારણસર સુરત આવેલા. સાથે જ પોતાના જૂના પડોશીઓને મળવા પહોંચી ગયેલા. એકબીજાના જીવન ની વાતો શેર કરી. જૂની યાદો તાજી કરી. તે આકાશ સાથે પણ એટલી જ સહ્રદયતાથી મળ્યો. એમનાં ગયા બાદ આભા એ આકાશ સાથે એના મિત્રો વિશે ચર્ચા કરવાનું નક્કી કર્યું.



" આકાશ...., જીગ્નેશ વર્ષો પછી મળ્યો એટલે એ આમ ગળે વળગી પડ્યો... પણ હવે..."

" હું વિચારતો હતો કે શ્યામ મળ્યો એ બાકી ના મિત્રોની જેમ કેમ ના મળ્યો...? તમારા વચ્ચે કોઈ ઝઘડો થયો હતો...?"

" ના, તને કદાચ ના ગમે.."

" ના ગમે એવું શું છે? મિત્રો તો એમ જ મળે ને? હાથ મિલાવતા. ગળે વળગી પડે? તું તારા બધા જ મિત્રો ને એકસરખી રીતે જ મળી શકે છે..."

આભા આકાશ ની વાત સાંભળી અભિભૂત થઇ ગઈ. કેટલો વિશ્વાસ છલકતો હતો એની વાત માં..!
આદિત્ય એના પર આવો વિશ્વાસ કેમ ના કરી શક્યો? આ વિચાર ને ખંખેરી તેણે આંખો માં આવેલું અશ્રુબિંદુ ભૂંસી નાખ્યું.


*..........*...........*...........*


આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.