Premnu Rahashy - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું રહસ્ય - 16

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૬

અખિલ એકદમ ઊભો થઇ ગયો. સારિકા અટકી ગઇ અને નવાઇથી એને જોવા લાગી. અખિલ હવે ગંભીર થઇને બોલ્યો:'તને ખબર છે તું શું કરી રહી છે? આ રીતે કોઇ પરાયા પુરુષ સાથે પ્રેમચેષ્ટા કરવી એ તને શોભતું નથી. અને તને ખબર છે ને કે હું પરિણીત છું? કોઇ પર સ્ત્રી સાથે સ્પર્શ તો શું એની સાથે પ્રેમનો વિચાર કરી શકું નહીં...'

'મને બધી જ ખબર છે. તમે સંગીતા નામની યુવતીના પતિ છો. પણ જો તમારી પત્ની જ તમને છૂટ આપે તો તમે ના પાડશો?' સારિકા હસીને બોલી.

'શું? સંગીતા મને બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા કરવાની છૂટ આપશે? એ છૂટ આપે એ હું માની જ શકતો નથી. અને એ છૂટ આપે તો પણ હું બીજી કોઇ સ્ત્રી વિશે વિચારી શકું એમ નથી...' અખિલ પોતાની વાત પર મુસ્તાક થતાં બોલ્યો.

સારિકા મોટેથી હસી પડી. જાણે એની વાતની મજાક ઉડાવતી હોય એમ! અખિલને નવાઇ લાગી. સારિકા આમ કેમ કરી રહી હશે.

સારિકા એની નજીક જઇને બોલી:'હું તમારી પત્ની સંગીતાને મળી ચૂકી છું અને અમારી વાતચીત થઇ ગઇ છે. મેં એને મારા ગયા જન્મના તમારી સાથેના પ્રેમ સંબંધ વિશે વાત કરી ત્યારે એણે બિંદાસ કહી દીધું કે તું એને ફસાઇ શકતી હોય તો ફસાવીને બતાવ. મને એના પર પૂરો વિશ્વાસ છે. એ કોઇ પર સ્ત્રી તરફ પ્રેમ કે વાસનાની નજરે જુએ એવો નથી. તું તારા જેટલા કરતબ અજમાવવા હોય એટલા અજમાવી લેજે...'

'શું? તારી સંગીતા સાથે આવી બધી વાત થઇ છે? એણે મને કેમ કંઇ કહ્યું નહીં?' અખિલને એની વાત સાચી લાગી રહી ન હતી.

'હું સંગીતાને તમારા માટે જ મળવા ગઇ હતી. મેં એને કહ્યું કે ગયા જન્મમાં અમે એકબીજાના થવાના હતા પરંતુ બેરહેમ દુનિયાએ એક થવા ના દીધા. હું અને અખિલ એક જ કોલેજમાં ભણતા હતા. અમે એક જ વર્ગમાં હતા. એકબીજાને પસંદ કરતા હતા. પણ કોલેજના છેલ્લા વર્ષના છેલ્લા મહિનામાં એક એવી દુર્ઘટના સર્જાઇ કે તમે મારો સાથ છોડી ગયા. આપણી સાયન્સ કોલેજની લેબોરેટરીમાં કોઇ કારણથી આગ લાગી ત્યારે તમે છોકરાઓ પ્રેક્ટિકલ કરી રહ્યા હતા. એ આગમાં તારો જીવ ગયો હતો...' સારિકા હવે શાંતિથી ખુરશી પર બેસીને બોલતી હતી.

'પણ મને તો એવું કંઇ જ યાદ નથી. હું તો મારા પાછલા જન્મને જાણતો નથી. તને આ વાતની કેવી રીતે ખબર પડી?' અખિલને સારિકા પ્રત્યે સહાનુભૂતિ ઉપજી રહી હતી.

'હું એક મહિના પહેલાં એક જ્યોતિષ પાસે ગઇ હતી. અસલમાં મારે મારું ભવિષ્ય જાણવું હતું. હું જલદી લગ્ન કરવા માગતી ન હોવાથી મારી કારકિર્દીના ભવિષ્ય વિશે જાણવા ગઇ હતી. ત્યારે એ જ્યોતિષીએ કહ્યું કે તારો ગયા જન્મનો પ્રેમ અધૂરો છે. તારો પ્રેમી આ જન્મમાં છે. એમણે મને એક રેખા ચિત્ર દોરીને કહ્યું કે આ વિસ્તારમાં એ રહે છે. એમણે તમારી રાશિ, સ્વભાવ વગેરે બધી જ બાબતો જણાવી હતી. હું તમારી સોસાયટીમાં એટલે જ રહેવા આવી છું. તમને જોયા પછી મને ખ્યાલ આવી ગયો કે હું મારા જે પ્રેમીની શોધમાં છું એ તમે જ છો. હું તમારી પત્ની સંગીતાને જઇને મળી આવી અને મારો પૂર્વ જન્મનો પ્રેમ પાછો આપવા વિનંતી કરી. એ તરત જ તૈયાર થઇ ગઇ અને કહ્યું કે જો એ તારો થઇ જતો હોય તો મને વાંધો નથી...' સારિકા ફરી સંગીતાની વાત કરવા લાગી હતી.

'સારિકા, એક કામ કરીએ? આપણે મારા ઘરે જઇએ અને સંગીતાની રૂબરૂ જ વાત કરીએ. હું આ જન્મમાં એનો જ છું. એને દગો આપી શકું એમ નથી. તું મહેરબાની કરીને મારો પીછો છોડી દે... હવે તને સાચું કહી દઉં કે હું તારી સાથે દોસ્તી કેમ કરી રહ્યો હતો...?' અખિલ હવે વાત પૂરી કરવા માગતો હતો.

ક્રમશ: