DHULO TO HARKHPADUDO (DTH) - 1 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 1

Featured Books
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 1

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧


માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો નંબર મેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ મહત્વનો રોલ હોય છે. પણ માર્ક ઝુકરબર્ગની લાઈફ સ્ટાઈલ ઘણી નોર્મલ છે. માર્ક ઝુકરબર્ગનો જન્મ ૧૪ મે, ૧૯૮૪માં થયો હતો. જોકે બીજી ટેક કંપનીઓના સીઈઓની જેમ તે સવારે વહેલા ઉઠતા નથી. ઝુકરબર્ગની સવાર ૮ કલાકે થાય છે એટલે કે તે સવારે ૮ વાગે સૂઈને ઉઠે છે. એ આમ નિરાંતે ઊંઘ માણી શકે એ માટે એણે અબજો લોકો પોતાની ઊંઘ હરામ કરી રાખી છે.

આજકાલ જમાનો મોબાઇલ, એ પણ સ્માર્ટ મોબાઇલ, ફોનનો છે.

ઘણા લોકોની સવાર મોબાઈલ વગર પડતી જ નથી તો ઘણાની તો ઊંઘ જ ઊડી જાય છે એવા આ સોશિયલ મીડિયાના રસિયાઓ જગતભરમાં પ્રદુષણની જેમ ફેલાયેલા છે. એમાં પણ વોટ્સએપની તો દુનિયા જ ન્યારી છે.

સવાર પડે અને વોટ્સએપ પર ગુડ મોર્નીગના મેસેજ ચાલુ થઇ જાય. અપવાદ રૂપે આમાં ઘણા મેસેજ તો મોર્નીગ થતા પહેલાં જ આવી જાય અને પછી મોડી રાતના નિદ્રાધીન થવા સુધી આ ગુડ મોર્નીગના મેસેજનો તોપમારો ચાલુ જ હોય. (તાજા કલમ: આવા કમોસમી મેસેજ ખરેખરી સવારના આવતા મેસેજ કરતાંય વધારે હોય છે.) હકીકતમાં કોઈ આવા ગુડ મોર્નીગના મેસેજ પોતે ટાઇપ કરતું નથી પણ બધા કટ ને પેસ્ટ વીર બની, બીજાના આવેલા મેસેજ, પોતાનું નામ ઉમેરી મોકલાવ મોકલાવ કરતાં હોય છે. આમાં પણ મોટા ભાગના લોકો તો પોતે એ વાંચતા પણ નથી. આવી દુર્લભ ઘટનાઓ પાછળ પણ એક અકલ્પ્ય મનોવૈજ્ઞાનિક કારણ હોય છે. એ વૈજ્ઞાનિક કારણ એટલે મોકલનારાએ તો ઘણા બધાને આ જ મેસેજ, બ્રોડકાસ્ટ ફિચર દ્વારા મોકલાવ્યો હશે. હવે એમાંનું કોઈ પણ એ પોતાના નામ સહ ફોરવર્ડ કરે એ પહેલાં આપણે ફોરવર્ડ કરી લેવાનું મહાન પરોપકારી કાર્ય કરવા મોટાભાગના લોકો કુકડાની બાંગની રાહ જોયા વગર વહેલી સવારે જાગી જાય છે.

એના વર્ણન પાછા એવા જબરજસ્ત હોય કે વાંચે એ લાગણીપ્રધાન બની જાય. દૃષ્ટાંત સ્વરૂપે, 'સવારે, વહેલી સવારે, સુવર્ણ સૂર્ય એક બાળકની જેમ ઊઠ્યો છે અને ઘેરા કાળા આકાશને તેજસ્વી, ભગવા ને પછી વાદળી આકાશમાં રંગવાનું શરૂ કર્યું છે.

તેજસ્વી દેખાતા દુધિયા વાદળો ઊંઘમાંથી ઉઠી અને અદ્ભુત વાતાવરણની મુલાકાત લેતા લેતા આકાશની આસપાસ મુસાફરી કરવાનું શરૂ કર્યું છે. ઊંચા ઊંચા ભૂરા ભૂરા બરફના થરો પર્વતોને, સમગ્ર પ્રકૃતિને, આવરી લે છે. આ પર્વતોની બાજુમાં અને જંગલની નજીકમાં હાથીદાંત જેવા સફેદ પાણીનો ધોધ નદી બનીને વહે છે. કસાયેલ સીના વાળા, મોટી મૂછાળા અને સાથે બાવડા પર રંગીન ટેટુ છૂંદાવેલા ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે કાદવવાળા માર્ગ પર ચાલી જાય છે. લાંબા લાંબા કથ્થઈ અને લીલા ડાંગરના ખેતરો એવા દેખાય છે જાણે કોઈએ બેડશીટ પાથરી છે.

તાજી તાજી ઠંડી ઠંડી અને કડક હવાએ અદ્રશ્ય ભૂત જેવી સિસોટી વગાડવાનું શરૂ કર્યું છે. પક્ષીઓએ લાલ અને લીલા રંગના ગીતો ગાવાનું શરૂ કરેલ છે. પ્રચંડ બગીચાઓ શાહી મહેલની જેમ ઉભા છે અને તેમાં જાડા સૂકા મજબૂત મોટા વૃક્ષો પોતાની શાખાઓ ફેલાવીને સવાર સવારના પહોરમાં સૌનું સ્વાગત કરવા લહેરાઈ નૃત્ય કરે છે. કથ્થઈ, લાલ અને લીલા સુંદર અગણિત પાંદડાઓ તેમની સવારની યોજનાઓ વિશે એકબીજાના કાનમાં ગણગણાટ કરે છે.

સવારમાં મીઠા મધની શોધમાં નીકળેલી મધમાખીઓ ખુબ ખુશીથી તરસ્યા ફૂલોને ચૂસીને મીઠું અમૃત પીવાનું શરુ કર્યું છે. નાના રંગબેરંગી સુંદર પતંગિયાઓ નાચવા રમવાનું શરુ કર્યું છે. ફૂલની સુગંધથી સમગ્ર પર્યાવરણ સવારના વાતાવરણને સુખદ બનાવે છે. અને એ જ સમયે સંપ માટીએ કર્યૉ, અને ઈંટ બની, ઈંટોનું ટોળુ થયું ને ભીંત બની, ભીંતો એક બીજાને મળીને ઘર બન્યું...

જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય, તો આપણે તો માનવ છીએ.
શુભ પ્રભાત !!!!'

બોલો આવા આવા મેસેજ મોકલે.

પણ આપણો ધૂલો હોશિયાર બહુ એટલે આવા કોઈ મેસેજ વાંચે જ નહિ. વગર વાંચે જ ડિલિટ કરી નાખે. પણ અપવાદ સ્વરૂપે કોઈ કામના માણસે આવો મેસેજ મોકલાવ્યો હોય તો જોયા વગર ઠેંગો (હાસ્તો વળી, વગર વાંચે) ????નું સ્માઈલી ઠપકારી દે.

આમ તો આપણો ધૂલો મૂળમાં એક કલાકાર જીવ. એટલે એ પોતાની મસ્તીથી જીવે અને મોજ કરે. આપણો ધૂલો પચ્ચીસ વર્ષનો નવયુવાન, ખાતા પિતા ઘરનો લાગે એવો શાંત, ઊંડો ને પ્રામાણિક જીવ. એની સ્વભાવસિદ્ધ ખાસિયત એટલે પોતાની વાત સીધેસીધી સામેવાળાના ગળે ઉતારવી, અને એ પણ રમત રમત વાતમાં.

આવો આપણો ધૂલો એક વાર ઈશા, એની પત્ની સાથે ફરવા ગયો. આમ તો ઈશા જ બધા પ્રોગ્રામ ગોઠવે પણ ધૂલાને ખબર પણ ના પાડવા દે કે... (સમજી ગયાને? હાસ્તો વળી) ઘરે ઘરે આજ કહાણી હોય છે ને!

એ દિવસે સવારે ધૂલો વોટ્સએપ અને બીજા નિત્ય કર્મોથી પરવારીને નિરાંતે બેઠો હતો ને ઈશા એની પાસે આવી. પાસે તો આવીને ઊભી રહી પણ કાંઈ બોલી નહિ. એક પતિ ધૂલો સમજી ગયો કે આ એક મિસ્ડ કોલ છે.
એટલે ધૂલાએ પ્રેમથી પૂછ્યું, "ઈશુ, શું છે આજે? કાંઈ ખાસ છે?"
"ના." એણે ફૂલેલા ચહેરાના હાવભાવમાં કોઈ ફેરફાર વગર એકાક્ષરી, ટૂંકો જવાબ આપ્યો.
"કોઈ વાત કરવી છે?" સસ્પેન્સ વધી રહ્યું હતું.
"ના." રહસ્ય અકબંધ રહ્યું.
"કોઈ નો બર્થડે કે એનિવર્સરી છે, આજે?" એ હવે મૂંઝવણમાં મૂકાઈ ગયો.
"ના." દરેક પત્ની પાસે આ કળા હસ્તગત હોય જ છે. પેલો મથી પડે પણ આ મચક ના આપે.
'હવે?' ધીરે ધીરે બધા જ શક્ય સવાલ ખતમ થઈ ગયા પણ જવાબ એક જ હતો "ના."

'હવે?' ફસાણા!!!
'નક્કી કોઈ વાત તો છે.' હવે ટેસ્ટ મેચ છોડીને ટી૨૦ રમવાનો સમય આવી ગયો હતો, 'પણ કઈ?'

"બહાર જમવા જવું છે?"
"ના."
"પિક્ચર જોવા જવું છે?"
"ના."
"તો! નવો ડ્રેસ લેવો છે?"
"ના."
"તારી મમ્મીને ઘરે જવું છે?"
"ના."
'બોલો હવે?' ભાથામાંના બધા જ બાણ ખતમ થવા આવ્યા, 'શું કરશુ, હવે?'
એ પોતાના ગુરુને યાદ કરવા લાગ્યો. એને પોતાના ગુરુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. એ સંકટ સમયે ગુરુજીનું સ્મરણ કરતો અને દર વખતની જેમ ગુરુએ જ અપત્યક્ષ રીતે માર્ગ પણ બતાવી દીધો.

એને યાદ આવ્યુ કે એના ગુરુજી ઘણી વાર કહેતા કે, "સાપની પૂંછડી પર પગ મુકવો એટલે પત્નીને બહાર જતા રોકવી."

ચમત્કાર થઇ ગયો. ઘૂલાની બેટરી ચાર્જ થઈ ગઈ, 'યસ, ફરવા. બહુ દિવસથી કશે ફરવા નથી ગયા. સદગુરૂનો જયજયકાર.'

એટલે આપણા ધૂલાએ ન્યુ બ્રાન્ડ પ્રપોઝલ મૂક્યુ, "ડાર્લિંગ, ઘણા દિવસથી આપણે ક્યાંય બહાર નથી ગયા. ચાલ ક્યાંક ફરવા નીકળી જઈએ?"

ઈશા આ સાંભળી રાજી રાજી થઇ ગઈ. એના રોમ રોમમાં દીપ પ્રજ્વલિત થઈ ઊઠ્યા. એનું તીર ધનુષથી છોડ્યા વગર અર્જુન સમાન લક્ષને વીંધી ચૂક્યું હતું.

છતાં પણ બહારથી ગંભીર થઇને, દરેક પત્નીની જેમ, ઈશા ઠાવકાઇથી બોલી, "તમને તો રખડવા જ જોઈએ. પણ ઠીક છે જો તમને બહુ અભરખા હોય તો ફરી આવીએ. જોકે ખર્ચો બહુ નથી કરવો, ઠીક છે?" બોલો આમાં કોણ શિકાર છે ને કોણ શિકારી છે એ ખબર પડે?

આમ, છેવટે ધૂલાની ઈચ્છા(?) પ્રમાણે બહાર ફરવા જવાનું નક્કી થયું.

હવે બીજો સવાલ સામે આવ્યો, 'જવું ક્યાં?'
"રાણીબાગ જઈએ?"
"....." ઈશા કોઈ પણ જાતની પ્રિતિક્રિયા આપ્યા વગર ટીકી ટીકીને એની સામે જોઈ રહી.
ધૂલો સમજી ગયો - ગલત જવાબ.
"ચોપાટી જઈએ?"
"..."
"ગેટ વે ઓફ ઇન્ડિયા ?"
"..."
"એલિફન્ટા ?"
"..."
હવે ધૂલો અકળાયો, "તારે જવું ક્યાં છે?" જવાબ, "તમે લઇ જાઓ ત્યાં." પતિ પત્ની વચ્ચે આવી કબડ્ડીની મેચ ચાલતી જ હોય છે. ધૂલાએ ગુસ્સા પર મહામુશ્કેલીએ કાબુ રાખવો પડ્યો. પણ આમાં બીજું કોઈ ઓપ્શન પણ ક્યાં હોય છે?
"ના ડાર્લિગ, તને જ્યાં જવું હશે ને ત્યાં જ આપણે જઈશું." પણ આમ ભલી ભોળી દેખાતી ઈશા, પત્નીઓના પકડ દાવમાં એક્સપર્ટ હતી.
'તમને ક્યાં ખબર છે કે મને ક્યાં ફરવા જવાનું ગમે છે?' એણે છણકો કર્યો.
'હવે સરખા હલવાણા. ગુરુજી માર્ગ બતાવો.' એ ગુરુજીના ફોટા સામે જોઈ રહ્યો. એણે વિચાર વિશ્વમાં પ્રવેશ કર્યો, 'આ ગુરુજી ફોટામાં પણ કેવું હસે છે! મરક મરક.
અહીંયા જીવ બળે છે. હે મહાન ઈશ્વર... તું કૈક રસ્તો સુઝાડ.' અને ચમત્કાર થઈ ગયો,
'હેં, મળી ગયો! હા, મળી ગયો. થેન્ક યુ, ગુરુજી. થેન્ક યુ, ભગવાન.'
એ વિચારી રહ્યો હતો.
'હે મહાન ઈશ્વર, જીવ બળે છે.'
'મહાન બળે ઈશ્વર..'
'મહાબળેશ્વર! હા, હા, હા.'

હવે મરક મરક હસવાનો વારો ધૂલાનો હતો, "લે મને ના ખબર હોય તો કોને ખબર હોય? આપણે મહાબળેશ્વર જવાનું છે."
ઈશા તો ખુશીથી ઊછળી પડી. એક પત્નીની અગ્નિ પરિક્ષામાં ધૂલો સીતા માતાની જેમ પાસ થઈ ગયો હતો, 'હા આમને મારી કેટલી બધી ફિકર છે. મારી પસંદ નાપસંદ બધું જ એમના ધ્યાનમાં છે.'

(ક્રમશ.)

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).