DHULO TO HARKHPADUDO (DTH) - 6 books and stories free download online pdf in Gujarati

ધૂલો તો હરખપદૂડો (DTH) - 6

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૬

આપણે જોયું કે આપણાં DTH એટલે કે ધૂલા હરખપદૂડાના મિત્રો એકમેકથી ચડીયાતા છે. એમાં સોશિયલ મીડિયાને લીધે મળેલો મિત્ર વિનીયો વિસ્તારી અને એની પત્ની સોનકી સણસણાટ તો અનોખા જ છે. હવે આગળ...

એમાં એક વાર વિનીયાના સસરા એને ભટકાઈ ગયા. આમ જોવા જઇએ તો આપણો વિનીયો સંસ્કારી ને ખાનદાની. કોઈ ખોટી આદત નહિ છતાં પણ ક્યારેક છાંટો પાણી થઇ જાય તો ચાલે. છતાં પણ મૂળમાં સંસ્કારી ને ખાનદાની એટલે એ આ લત માટે પોતાના ગાંઠના પૈસા વાપરે નહિ. પણ જો કોઈ દાતાશ્રી મળી જાય તો જ..., સમજ્યા ને?

આ વાતની વિનીયાના સસરાને ક્યાંકથી ખબર પડી એટલે એ વિનિયાને સમજાવવા, પોતાના ગામથી ખાસ એને મળવા આવ્યા હતા, "જુઓ જમાઈરાજ, આ છાંટા પાણીની લત એ આદત જ ખોટી. આમાં ખાલી પોતે જ નહિ પણ આખો પરિવાર બરબાદ થઈ જાય, એવા ઘણાં દાખલા છે. અને એમાં પણ મારી સોનકી તો ક્યારે પણ ના ચલાવી લે, (લો બોલો, વિનીયો છે પૂરો વિસ્તારી, પણ હજુ સુધી સોનકીને આ લત વિશે ખબર પણ નથી!) આમ નહિ ચાલે. મારી ફૂલ જેવી દીકરી આપી તમને ને તમે અમને અંધારામાં રાખ્યા? પહેલાં કહી દીધું હોત તો મારી દીકરીનો હાથ તમને આપ્યો જ ન હોત."

આમાં પણ વિનીયાનું સોશિયલ મીડિયા જ્ઞાન કામ આવ્યું, "બાપુજી, તમે મને પહેલાં કીધું'તું કે તમારી દીકરી ભોળી નથી પણ સણસણાટી છે. એણે મારી બધી આઝાદી છીનવી લીધી છે બોલો! મને દબડાવીને રાખે છે. (વિનીયો ભાવુક થઇ ગયો) મને નચાવે છે બોલો! તમે મને પહેલાં કીધું'તું કે તમારી દીકરી લોઈ પિયે છે, લોઈ!"

ભાવનાના પ્રવાહમાં લોહીને લોઈ કહેવાય. આમાં એના સસરા સામે ભાવુક થઇ ગયા, "તમારી વાત સાચી છે, વિનયચંદ્ર કુમાર. પણ તમે સમજો તમને મેં જે પાંખડી આપી છે ને એનો આખો ગલગોટો મારા ઘરે છે."
હવે બંને સમદુ:ખી, મિત્રો બની ગયા.

એમાં વિનીયાએ તો વાત વાતભાં પૂછી જ લીધું, "બોસ, એક વાર કહી તો દેવાય. આ તો છેતરપીંડી થઈ કે નહિ?"

એમાં તો વિનીયાના સસરા રડી પડ્યા, "વિનયચંદ્ર કુમાર, તમે તો મને આ સવાલ પૂછો શકો છો, પણ મારે ક્યાં જવું? મારે કોને પૂછવું? મારા સસરા તો ગયા ઉપર."

વિનીયો કહે, "હતા ત્યારે પૂછી લેવું'તું ને?"
તો ધ્રુસકે ચડી રડી પડ્યા, "એ (એટલે એમના સસરા) મારા સાસુથી બહુ ડરતા, એટલે પૂછું તોય મારા સાસુને કહી દે કે જમાઈરાજા આવું પૂછતાં હતા અને બીજી ઘડીએ તમારા મમ્મીજીને ખબર પડી જાય."

હવે વિનીયાએ એમને માફ કરી દીધા કે માણસ તરીકે સાવ ખોટા નથી. આમ બંને સમદુખીયા, તેરી બી ચૂપ ને મેરી ભી ચૂપના ધોરણે સફેદ વાવટા ફરકાવી (છૂપું સમાધાન કરીને) છુટા પડ્યા. પણ એ પહેલાં બંને સાથે પીવા બેઠા અને બીલ આગ્રહ કરી સસરાએ ભર્યુ. આમ આપણા વિનીયાની સંસ્કારીતા અને ખાનદાનીની લાજ રહી ગઈ. અંતમાં ઘી, ધીના ઠામમાં જ રહી ગયું.

આમ છતાં પણ સોનકીનો આતંક ભારે (પાછો ખાલી વિનીયા પૂરતો નહિ) પણ જે આવ્યો એ ગયો દેકારે.

આપણાં ધૂલાના જેટલા મિત્રો હતા એમનુ અને એ બધાની પત્નીઓનું એક મોટું મિત્ર વર્તુળ. આ બધા મિત્રોની પત્નીઓ એટલે જાણે અંગત સહેલીઓ. આમ ધુલો ને ઈશા, બંને મિત્રોના મામલામાં નસીબના બળીયા. આ બધા જ ફેમિલી ફ્રેન્ડ્સ, એક જ ગૃપ.

આ બધા પોતપોતાની દુનિયામાં ગમે તેવા અટવાયેલા હોય પણ હર મહિનાના છેલ્લા શનિવારની રાતે કોઈ એકના ઘરે ભેગા થવું એટલે થવું. એટલે મોટા ભાગે મહિનામાં એક વાર તો આ બધા ભેગા થાય જ.

એમાં પણ વિનીયો એકલો જ દુઃખી. જોકે આ માસિક સભામાં પણ સોનકી આવે તો જ વિનીયો આવી શકે, બાકી નહિ.

ઘણીવાર બાકી મિત્રો સોનકીને મીઠી ફરિયાદ કરે કે તું આ વિનીયાને બહુ વધારે દાબમાં રાખે છે. તો સોનકીનો તરત જ સણસણાટ આવે, "દાબમાં છે એટલે જ હજી તમારા મિત્રનું ઘર ભાંગ્યું નથી. જરા દાબમાં ના રાખું કે ફાટીને ધુમાડે ચડે એવો તમારો મિત્ર છે. આખા ગામમાં કોની કોની સાથે મોબાઇલ પર લાઈવ ચેટિંગ કરે છે. અને ગમે તેને ફિલ્મી શાયરીઓ ને ડાયલૉગ ને વૉટ્સએપના ફોટા ને વિડિયો વગેરે બધાને મોકલાવ મોકલાવ કરીને બધે લટુડા પટુડા કરતો હોય છે. આ તો હું હતી ભોળી એટલે નભી ગઈ, બાકી બીજી કોક હોત તો તમારા લાડકાને ખબર પડત કેટલા વીસે સો થાય છે! એટલે એની વકીલાત મારી પાસે મહેરબાની કરીને કરતા નહિ, ભાઈસાબ."

જોકે વિનીયો એટલે વિનીયો, જરા પણ ભોંઠા પડ્યા સિવાય જવાબ આપે, "આપણે તો બોસ, સમાનતામાં માનવાવાળા. પત્નીને જરા પણ ઓછી માનવી નહિ. એમાં પણ જીવ છે. આપણે તો 'જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે.' શું સમજ્યા, બોસ? અને ગ્રુપમાં બધી સખીઓના નેણ ઉપર થઈ જાય એમના વર સામે, 'જરા શીખો, કાંઈ શીખો આ વિનયભાઈ પાસે.'

આમ આ સહેલીઓમાં સોનકી બધાની લીડર. પણ સોનકીનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ પણ ખરો. મોઢા પર તડ ને ફડ કરનારી સોનકીના મનમાં કોઈ કપટ નહિ. કોઈને એની વાતથી માઠું લાગ્યું હોય તો માફી પણ તરત જ માંગે અને એ પણ દિલથી. આમ બધાં જ એના સણસણાટથી પરિચિત.

એક વાર આપણો ધૂલો, ઈશા પર કોઈ વાતે ગુસ્સે થઈ ગયો (બધા મિત્રો સામે) અને આ વાત સોનકીને ખબર પડી એટલે તરત એનો ફોન આવી ગયો ધૂલાને. "કેમ ધનેશભાઈ, (હા ધૂલાનું સાચું નામ ધનેશ, આ તો પ્રેમથી બધા એનું નાનપણનું નામ, ધુલો કહીને જ બોલાવે.) આજકાલ બહારનું ખાવાનું બહુ મન થાય છે? ઈશાને બોલાવી લઉં મારા ઘરે, મહિના માટે?"

ધૂલો હલવાણો, "કેમ? શું થયું એને?"

સોનકી સણસણી, "એને તો કાંઈ નથી થયું પણ તમે બધા સામે હુશિયારી મારવા એને જેમ તેમ બોલો છો તો તમને એમ હશે કે એનું કોઈ નથી?"

ધૂલો ભોંઠો પડ્યો, "એ તો જરા એમ જ, વાત વાતમાં, બાકી બધા ઘરના જ હાજર હતાં."

સોનકી ગરજી, "તો શું?"

ધૂલો બેકફૂટ પર આવી ગયો, "ના સોનલ, એ મેટર તો ક્યારની પતી ગઈ છે. એ તો જરા કારણ વગર વચ્ચે, સાવ ફાલતુ, બોલી એટલે..."

સોનકી ભડકી, "તમારી મેટર પતી ગઈ હોય તો એમાં મારા કેટલા ટકા! પણ આ તમારો વિનીયો પણ આવું શીખે તો?"

ધૂલો દાઢમાં બોલ્યો, "તો આવી જજો અહીંયા, ઈશાના ઘરે, મહિનો રોકાવા."

સોનકીનો સણસણાટ શમ્યો, "ના ભાઈ ના, એવુ જોખમ હું ના લઇ શકું, આ તમારા દોસ્તને મારા વગર ફાવી જાય તો? એ પાછો તમારા જેવો સીધો નથી."

હવે ધૂલાના હાથમાં ગેમ આવી, "તમે પણ શું યાર, એનાથી બહુ ડરવું નહિ. એ ગમે તેટલો ઊડે પણ દોરી તો તમારા હાથમાં જ હોય છે એની. ખાલી કોઈ કોઈ વાર જરા નબળો પડે. બાકી સ્વભાવે જરા રંગીન ખરો ને?"

સોનકી ચમકી, "રંગીન? શેનો રંગીન? ઘરમાં ટાંટિયો ટકતો નથી ને આખો દિવસ મોબાઈલ પર ચીટકેલો હોય નવરો થાયને મોબાઈલ. મારી સાથે તો વાત પણ પરાણે કરે છે."

ધૂલો હવે રંગમાં આવી ગયો, "હા સોનલ, હમણાં એના વૉટ્સએપ પર સ્ટેટ્સ પણ શું છે એ ખબર છે તને? 'ક્યા હૈ ભરોસા! આશિક દિલકા, ઔર કિસી પે યે આ જાયે. આ ગયા તો બહોત પછતાયેગી તું...' વાંચ્યુ છે કે નહિ?"

સોનકી મૂંઝવણમાં મૂકાઈ ગઈ, "એમ?"

ધૂલો મરક્યો, "હા, થોડું ઘરમાં પણ ધ્યાન આપ."

સોનકી અવાક. ફોન મુકાઈ ગયો.

હવે ધૂલો ખુશ. પોતાની પર આવેલી (અથવા આવવાની હતી તે) આફતને એણે વિનીયા વિસ્તારી પર ખો આપી દીધો હતો.

હવે ધૂલો ઈશાને સંબોધીને નિરાંતે બોલ્યો, "ઈશુ ડાર્લિંગ, એક કપ મસ્ત, તારા જેવી ટનાટન, ચા પીવડાવને યાર, બહુ મન થયું છે."

વાચકમિત્રો આશા છે આપને આ મિત્ર વર્તુળની ચટપટી મજેદાર બ્રેકિંગ ન્યૂઝ ઘટનાઓ પસંદ પડે છે. એક એક પાત્ર સાથે આત્મીયતા વધશે એમ મજા આવશે. આપના પ્રતિભાવ આવકાર્ય છે. આભાર. (ક્રમશ).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).