DHULO TO HARKHPADUDO (DTH) - 7 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 7

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 7

ધૂલો તો હરખપદૂડો (DTH): પ્રકરણ ૭


આપણે જોયું કે સોનકી સણસણાટ ધૂલાને મિત્ર ભાવે ફોન કરીને ઈશા પર બધા સામે ગુસ્સો કરવા માટે ખખડાવે છે. આ ફાયર બ્રાન્ડ સોનકીને ધૂલો વાતોમાં ભરમાવીને ચાલાકીથી એ સણસણાટ વિનીયા વિસ્તારી, એટલે કે એના વર પર ટ્રાન્સફર કરી દે છે. હવે આગળ...


હરખપદુડા ધૂલાએ સોનકી સણસણાટને ગજબની ચાવી મારી દીધી, વિનીયા વિસ્તારીની રંગીન કરતૂતોથી સાવધ રહેવાની.


હવે આ સોનકીએ એની સોનકી ખુફિયા એજન્સીને પૂર્ણ રીતે કાર્યવન્ત કરી નાખી. આ તો ઈજ્જતનો સવાલ છે. આ વિનીયાને આટલી મજબૂત પાંખો આવી કેવી રીતે! રખેને આવુ કાંઇક થાય તો આખા ગ્રુપ સામે નીચે જોવાનું થાય. હા, સોનકીને એ ચિંતા વધારે.


હવે મિશન વિનીયા ભાંડાફોડ જોરશોરમાં શરૂ થઈ ગયું. વળી આ મિશન એકદમ ખુફિયા. એટલે રખે કોઈ ખબર પડી જાય એવી સાવધાનીથી આરંભાયુ.


એના માટે વિનિયાની આખા દિવસની હાલચાલ કામગીરી પર સતત નજર રાખવી પડે. એ ઘરે હોય ત્યાં સુધી તો ઠીક છે પણ એકવાર એ ઘર બહાર નીકળી ગયો પછી શું?


એની બોલ ચાલ, એક એક ક્રિયા સાથે એના હાવભાવ બધું જ વ્યવસ્થિત રીતે સ્ટડી કરવુ પડે. જેમ કે એ દિવસ દરમ્યાન કેટલી વાર માથું ઓળે છે! કેટલી વાર અરીસા સામે ઉભો રહે છે! પોતાને અરીસામાં જોઈ સીટી વગાડે છે કે નહિ! કપડાં કેવા પહેરવાનું નક્કી કરે છે! અને સૌથી મહત્વનું મોબાઇલ પર કોની જોડે વાતો અથવા ચેટિંગ કરે છે, વગેરે વગેરે...


બીજી તરફ વિનીયો તો બિચારો આ મિશનથી સાવ અજાણ.


મિશનના પ્રથમ પગલાં તરીકે સોનકીએ સવાર સવારમાં વિનિયાને તદ્દન ના ગમતું મખમલી ગ્રે શર્ટ પહેરવા કાઢ્યું. બિચારા વિનીયાએ આ શર્ટ જોઈને છણકો કર્યો "આ શર્ટ શું કામ કાઢ્યું છે આજે? તને ખબર છે ને કે આ શર્ટ મને જરાય ગમતુ નથી. પેલું લાઈટ સિલ્વર પીંકીશ ડબલ શેડ શર્ટ કાઢ."


તો આમ થઇ સોનકીની પહેલી સફળતા સાથે શરૂઆત. તો આમ વાત છે. પણ પાછી એ વિનીયાની નસેનસ ઓળખે. એને ધરપત એ હતી, 'આ તો લગ્ન પહેલાં પણ ક્યાંય ફસાયો નહોતો એટલે તો અમારા એરેન્જડ મેરેજ થયા. વળી પાછો મારી સામે તો એ સાવ સીધો હતો. છતાં પણ પાછો ભોળો પણ ખરો એટલે કોઈ એને ફસાવી ના જાય એ ધ્યાન રાખવું જોઈએ ને! આ તો મારો પત્ની ધર્મ છે. એટલે મિશનને હવે ચાલુ રાખવું જ પડશે.' એવો નિર્ણય લેવાઈ ગયો.


આજે વિનીયાએ વાળ તો રોજની જેમ જ ઓળ્યા. પણ આ શું જૂતા પર પોલિશ બરાબર છે કે નહિ એ જોઈને ફરી એકવાર અકારણ બ્રશ ફેરવી લીધુ.


સોનકીએ તાગ મેળવવા કહ્યું, "હજી બરાબર ચમક્યા નથી."

વિનીયો ભાવુક થઈ ગયો, "હા સોનુ, બહાર સરસ પોલિશ કરાવી લઇશ."

સોનકીનો સણસણાટ ઊપડ્યો, "હાસ્તો, એકદમ બરાબર ચમકવા જોઈએ."


બિચારા વિનીયાને ખબર નહોતી કે એની ગેમ થઈ રહી છે, "જેવો હુકમ, બોસ. બીજો કોઈ હુકમ?"


સોનકી છણકી, "હા, જરા પરફયુમ, સારાવાળું, સ્પ્રે કર. આ લે 'ફ્રોગ'."


વિનીયો રંગીન થઈ ગયો, "બોસ, પછી બીજી કોઈ પાછળ પડી જાય તો દોષ મને નહિ આપવાનો, બરાબર?"


સોનકી સમસમી, "એમ?" એણે મનમાં નક્કી કર્યુ, 'આ મેટર તો હાથની બહાર જાય એ પહેલાં જ સંભાળી લેવી પડશે.'


વિનીયો મરવાનો થયો હતી, "કેમ, ટીવી પર જાહેરખબરો નથી જોતી? આજકલ ઇન્ડિયા મેં કૌન કુદતા હૈ? - ફ્રોગ."


સોનકીએ વળતો પ્રહાર કર્યો, "મારા દેડકાના કુદકા મને કન્ટ્રોલ કરતા આવડે છે. શું સમજ્યો?"


વિનીયો મસ્તીમાં આવી એને છંછેડવા ગીત ગાવા લાગ્યો, "ક્યા હૈ ભરોસા! આશિક દિલ કા, ઔર કિસી પે યે આ જાયે. આ ગયા તો બહોત પછતાયેગી તું…"


સોનકી ચમકી પણ ચહેરા પર સ્વસ્થતા ધારણ કરી, સહેજ મરકીને બોલી, "ચાલ, જા હવે ચુપચાપ." મનમાં બબડી, 'આ તો વોટ્સએપ સ્ટેટસ વાળું જ ગીત.' બેખબર વિનીયો સીટી પર એ જ ગીત વગાડતા વગાડતા બહાર નીકળી ગયો.


સોનકી વિચારમાં પડી ગઈ, 'નક્કી કાંઈક ગડબડ તો છે જ. ભલું થાય આ ધૂલાભાઈનું કે સમયસર ચેતવી દીધી મને. આવા, ધૂલાભાઈ જેવા, સાચુકલા માણસો મળે ક્યાં આ જમાનામાં? પોતાના મિત્રનું ઉપરાણું લેતા લોકો તો ઘણા જોયા છે પણ આ ધૂલાભાઈ તો મારા સંસારની ભલાઈ મિત્રતાથી વિશેષ જુએ છે." આમ ધૂલાનો તુક્કો હવે એક તીર બની ગયો હતો.


વિનિયો તો બહાર નીકળી ગયો હતો. શક સોનકી પર છવાતો જતો હતો, 'ફોન કરવા દે.' સોનકીએ તરત જ વિનીયાના મોબાઈલ પર કોલ કર્યો. જોકે 'કર્મની ગતિ ન્યારી' એવા નિયમે, ફોન એન્ગેજ આવ્યો. કાંઈ વાંધો નહિ કોઈ કામનો કોલ હશે. બે મિનિટ પછી ફરી કોલ કર્યો. પરિણામ એ જ, 'આપ જિસ વ્યક્તિ સે સમ્પર્ક કરના ચાહતે હૈ, વહ કિસી અન્ય કોલ પે વ્યસ્ત હૈ. કૃપયા પ્રતીક્ષા કરેં.'


સોનકી વિચારે ચડી ગઈ, 'આ લે લે, મારો ફોન નથી લેતો તો એવો કોની સાથે લપ કરતો હશે?' એણે ધીરજપૂર્વક રાહ જોઈ. લગભગ અડધો કલાક થઈ ગયો પણ એનો ફોન હજી વ્યસ્ત હતો. હવે સોનકીનો પિત્તો ગયો. એણે એને એસએમએસ કર્યો, 'કોનો ફોન ચાલુ છે? કોલ મી બેક નાવ (મને તરત જ ફોન કર).' પણ તો ય ફોન ના આવ્યો. હવે સોનકીની શંકા સોનાની લંકા કરતાં વધારે ઘેરી થવા લાગી. આ કોની સાથે ચીપક્યો હશે?


સોનકી છાપું ખોલીને ખોટેખોટું વાંચવા બેઠી. એમાં પણ આવા જ સમાચાર છપાયા હતા કે એક અભિનેત્રીએ એક પરણિત માણસ સાથે બીજા લગ્ન કરી લીધા, લો બોલો? સોનકીએ ગુસ્સામાં છાપું ફેંકી દીધું. એણે મનોમન નક્કી કરી લીધું કે આ વાત બહાર ફેલાય એ પહેલાં જ પતાવી દેવી પડશે. એ બબડી, 'પણ તકલીફ એ વાતની છે કે વિનીયો જ્યારે ઘરની બહાર હોય તો તેની એક એક પળની વાત મારા સુધી કોણ પહોંચાડે? ધૂલાભાઈ, બીજું કોણ!'


એણે તરત જ ધૂલા મને ફોન કર્યો, "ધૂલાભાઈ, તમારી વાત થોડી થોડી સાચી લાગે છે. હવે મારે તમારા આ હવામાં ઉડતા દોસ્ત પર ચાંપતી નજર રાખવી જ પડશે અને તેમાં તમારી મદદ પણ જોઈશે જ."


સોનકી એટલે સીધી વાત, તડ ને ફડ.

ધૂલો પણ મજાકના મૂડમાં હતો, "એ તો તમારો આપસનો પ્રોબ્લેમ છે. એમાં હું શું કરી શકું?"


સોનકી થોડી ઢીલી પડી, "ધનેશભાઈ, હું આ વખતે એકદમ સિરિયસ છું. શું તમારા મિત્ર રસ્તો ભટકે તો એમાં તમારી કોઈ જવાબદારી નહિ?"


આ સોનકી તડને ફડ હોય ત્યારે એને ધૂલાભાઈ કહેતી પણ નરમ પડે કે તરત ઘનેશભાઈ તરીકે સંબોધન કરતી એ ધૂલો જાણતો. ધૂલો હરખાઈ ઊઠ્યો. હવે વાત જામી, "ના ભાઈ ના. તું હુકમ કર કે મારે શું કરવાનું છે?"


સોનકી બોલી, "એનો પીછો. એને રંગે હાથ પકડવો છે. પછી એને અમારા ગામનું પાણી યાદ ના અપાવું તો મારુ નામ સોનકી નહિ. પણ એને આ વાતની ખબર ના પાડવી જોઈએ. એટલે મારી પાસે પૂરો ભરોસો કરી શકાય એવું કોઈ હોય તો એ તમે જ છો. ધૂલાભાઈ, તમારે આ મિશનમાં મારી મદદ કરવી જ પડશે. શું સમજ્યા?"


ધૂલાએ ઠાવકાઈથી જવાબ આપ્યો, "ઠીક છે. તને તો મારો ફૂલ સુપોર્ટ છે. પણ મારો મિત્ર નિર્દોષ નીકળ્યો તો?"


સોનકી સણસણી, "તો તમને બેઉને, એટલે તમને ને ઈશાને, મારા તરફથી ઊંધિયા પાર્ટી. બોલો?"


ધૂલો તો સમય જોઈને હથોડો ઝીંકવામાં એક્સપર્ટ એટલે એણે દાણો દાબી જોયો, "પણ એને ખબર પડી જાય તો અમારી દોસ્તીમાં દરાર આવી જાય એનું શું?"


સોનકી ભડકી, "રહેવા દો હવે, મારુ મોઢું ના ખોલાવો, તમારા વિનીયાને પટાવતાં મને આવડે છે, ઓકે?"


આમ વિનીયા ઉપર ખુફિયા જાળ નાખવામાં સોનકીએ ધૂલાની મદદ માંગી. વિનીયાનું થશે? એ ફસાઈ જશે કે નિર્દોષ જાહેર થશે? આપના દરેક સવાલના જવાબ મળશે. આ અનોખા સફરમાં સાથે રહેજો. આભાર (ક્રમશ).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).