DHULO TO HARKHPADUDO (DTH) - 9 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 9

Featured Books
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 9

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૯

આપણે જોયું કે ધૂલાએ મજાકમાં વાવેલ શંકાના બીજ સોનકીને ચિંતામાં નાખી દે છે. એ વિનીયા વિસ્તારી પર જાસૂસી કરવા એના મોબાઈલ કોલ પોતાના ફોન પર ફોરવર્ડ કરી એને આખો દિવસ કઈ છોકરીઓ ફોન કરે છે એ જાણીને ધૂલાની મદદ માંગે છે. એ લીસ્ટની અગિયાર છોકરીઓમાં દસ તો માર્કેટિંગ વાળી છે પણ એક અગિયારમી છોકરી સામે આવવાનું ટાળે છે. હવે આગળ...

એણે વિનીયાને ફોન લગાડ્યો. પણ એ કોલ સોનકીના ફોન પર ફોરવર્ડ થઈ ગયો. એણે સાંજ સુધી, વિનીયો ઘરે પહોંચી જાય અને કોલ ફોરવર્ડ કેન્સલ થઈ જાય ત્યાર સુધી, રાહ જોવાનુ નક્કી કર્યુ.

એ રાત્રે એણે વિનીયાને ફોન લગાડ્યો. આ વખતે એ ફોરવર્ડ થયા વગર એના મોબાઈલ પર રિંગ વાગી એટલે એને ધરપત થઈ. સામે વિનીયો તો એના દોસ્તનો ફોન જોઈને ખુશ થયો, "બોસ, આજ કટપ્પાને બાહુબલી કો કીસ ખુશી મેં યાદ કિયા?"

એનો બદલાયા વગરનો અંદાજ સાંભળીને ધૂલો રંગમાં આવી ગયો, "સોનીસ્મતિ કી રાજમાતા શિવગામી કા હુકમ હૈ કી બાહુબલી કો અગર કોઈ કન્યા પસંદ આયી હો તો પતા કરો."

વિનીયો એના જ અંદાજમાં ધૂલાના જવાબને કારણે હરખાયો, "બાહુબલી કો દેવસેના પસંદ આ ગયી ઔર ઉસસે શાદી ભી કર લી હૈ. કટપ્પા સહી કારણ બતાઓ."

ધૂલો આગળ વધ્યો, "દેવસેના તો ઘર પે હૈ. લેકિન કોઈ ઔર અવંતિકા ભી પસંદ આ ગઈ હો તો બતા દો આજ રાજમાતા શિવગામી બહોત મૂડ મેં હૈં."

વિનીયો થોથવાયો, "મતલબ?"

ધૂલો ખિલ્યો, "મતલબ, હમારે વિનયેન્દ્ર બાહુબલી કો કોઈ ઓર ભી પસંદ આ ગઈ હો તો બતાઓ."

વિનીયો અકળાયો, "રહેવા દેને ભાઈ. ક્યોં બાહુબલી કા બલી ચઢાને પે લગે હો?"

ધૂલો અટક્યો, "ના ના, આ તો જરા મજાક કરી લીધી કે બધું બરાબર છે ને?"

વિનીયો વિસ્તાર્યો, "જિન કે ઘર શીશે કે હોતેં વોહ કપડે બેઝમેન્ટમેં બદલતે હૈં, કટપ્પા. મેરી છોડો અપની સુનાઓ." હવે ધૂલાને ધરપત થઇ કે કોઈ અજ્ઞાત વાત નથી.

ત્યાં જ વિનીયો બોલ્યો, "તુમ્હારી સોનીસ્મતી કી રાજમાતાને આજ હમારા ફોન કોલ્સ અપને સેલ પે ફોરવર્ડ કર લિયા થા. કહીં ઈસી વિષય મેં તો બાત નહીં કર રહે હો, કટપ્પા?"

ધૂલો કહે, "હા યાર, શું લફડું છે આ? આ નંબર કોનો છે? કેમ તને ફોન કરે છે ને હું કરું તો ઉપાડતી નથી? સાચું બોલજે વિનીયા, નહિ તો આજે તારી ખેર નથી."

વિનિયો બગડ્યો, "ધૂલા, તું પણ શું બૈરાંઓની જેમ મંડી પડ્યો છે? એક સાથે આટલા સવાલ? મને ખબર છે આ આગ પણ તેં જ લગાડી છે. મારી સોનકીને હું સોએ સો ટકા ઓળખું છું. એ એની જ મદદ લે જેણે એને આમાં ફસાવી હોય. બોલ સાચી વાત શું છે?"

હવે ધૂલો શાંત થયો ને એને આખી કથા સંભળાવી કે કેવી રીતે સોનકીએ એને ખખડાવવા ફોન કર્યો હતો એણે બચાવમાં મેટર ફેરવીને કેવી રીતે બાજી પલ્ટી નાખી. બેઉ દોસ્ત ખૂબ હસ્યા. આ તો સાલું, આવ પાણાં ને પડ મારા પગ પર, જેવું થયું? હવે બંનેએ મળવાનું નક્કી કર્યું. સમય બગાડીને કોઈ અર્થ નહોતો એટલે ધૂલાએ વિનીયાના ઘરે જવાનું નક્કી થયું એ પણ એ જ ઘડીએ. એ તરત વિનીયાના ઘરે ગયો. એને અચાનક આવેલો જોઈને સોનકીના ભંવા ચડી ગયા. પણ બંને મિત્રો હસવા લાગ્યા.

વિનીયો ભાવુક થઈ ગયો, "કિટ્ટી, આ તારો બોસ, આ કરમચંદ જાસૂસ, તને રિપોર્ટ આપવા આવ્યો છે." સોનકીએ ધૂલા સામે ડોળા કાઢ્યાં.

ધૂલો આત્મવિશ્વાસથી છલોછલ જણાયો, "સોનલ, આ તારો પપ્પુ, પાસ થઇ ગયો. પણ..."

સોનકી ને વિનીયો, બંને એક સાથે પૂછી બેઠાં, "પણ શું?"

ધૂલો ફરી મરક્યો, "બોસ, દસ ઠીક છે, પણ હજી એક નંબરનું રહસ્ય અકબંધ જ છે."

સોનકી ભડકી, "શું?" હવે એની નજર વિનિયાને વીંધી રહી હતી. "આ શું છે સીધેસીધો જવાબ આપીશ?"

એટલીવારમાં વિનીયાના ફોનની રિંગ વાગી અને એ પણ એ અગિયારમા નંબર પરથી જ. હવે સોનકીનો પિત્તો ગયો, "ભગવાનનો પાડ માન કે ધૂલાભાઈ છે ઘરમાં, પછી તો તારી ખેર નથી આજે."

વિનીયાએ ચુપચાપ પોતાનો ફોન સોનકીને આપી દીધો.

સાવધ સોનકી મનમાં ફડફડાટ સાથે માંડ માંડ પૂછી શકી, "હલો, કોણ?"

સામે કોઈ છોકરી હતી, "હલો, ફોન વિનયને આપ."

સોનકી ડઘાઈ ગઈ, આની આટલી હિંમત? એ સ્વસ્થતા ધારણ કરી બોલી, "પણ બોલે કોણ છે?"

સામેથી ઉત્સાહિત અવાજ આવ્યો, "શું બોલે કોણ છે! હું કરુણા."

સોનકીએ ફરી આંખોથી વિનીયાને ડરાવ્યો અને બોલી, "કોણ કરુણા?"

કરુણા સહેજ ભોંઠી પડી ગઈ, "એ સોનલ, હું તારા વિનીયાની કાકી કરુણા."

સોનકી પણ ભોંઠી પડી ગઈ, "સોરી, કાકી. તમારો નંબર સેવ્ડ નહોતો ને એટલે, બાકી કેમ છો તમે બધાં?"

કરુણાકાકી કરડ્યા, "અરે મારી બંને આંખોમાં મોતિયો આવી ગયો છે. ને મારે ઓપરેશન કરાવવું નથી એટલે વિનીયાની સલાહ લેવી છે. ફોન આપ એને."

સોનકી મનમાં મલકાઈ, પણ સામે નજર ઝુકાવીને ફોન વિનીયાને આપી દીધો. હવે વિનીયાની અંદર સૂતેલો ડોક્ટર જાગી ગયો એટલે એ ફોન પર જામી ગયો. સોનકીએ ધૂલાને નાસ્તો આપ્યો. ત્યારબાદ બંને એના જવાની રાહ જોઈ રહ્યાં હતાં. ધૂલાને આ ખબર એટલે એ ખાસ બેસી રહ્યો. એ ઊભો થવાનું નામ ના લે. ઊલટાનું એ તો મારે ટીવી પર ૮.૩૦ વાગે પૂરક કહેતાની સીરિયલ જોઈને જ જવું છે એમ કહી આરામથી બેસી ગયો.

વિનીયાએ હવે ચુપચાપ ઈશાના નંબર પર એક મિસ્સડ કોલ આપી દીધો. એટલે તરત સામેથી ઈશાનો ફોન આવ્યો.

વિનીયો ખુશ થઈ ગયો, "બોલ ઈશા, કેમ છે?" ધૂલો શાનમાં સમજી ગયો. મને એક અર્જન્ટ કામ યાદ આવી ગયું એમ બોલીને ત્યાંથી નીકળી ગયો.

વિનીયાએ વાત વાળી લીધી, "ના ઈશા, આ તો ભૂલમાં ફોન તને લાગી ગયો. બાકી કાંઈ ખાસ કામ નહોતું." આમ એણે ફોન કોલ સાથે ધૂલા નામની બલાને પણ પતાવી દીધો હતો.

એના ગયા બાદ વિનીયો પ્રશ્નાર્થ નજરે સોનકી સામે જોવા લાગ્યો.

સોનકી શરમાઈ, "સોરી." એ કાન પકડીને બોલી, "ફરી બીજી વાર શંકા નહિ કરૂં, ઓકે?"

વિનીયો આ પ્રકરણનો અંત લાવવા માંગતો હતો એટલે એક સુપ્રસિદ્ધ મરાઠી ગીત ગાવા લાગ્યો, "સોનુ, તુલા માઝા વર ભરોસા નાહી કા?" અને બંને હસી પડ્યાં. આજ તો મજા છે લગ્નજીવનની.

બીજી તરફ ધૂલો વિચાર માં પડી ગયો કે સોનકીની જગ્યા એ જો ઈશા હોત તો! એક લખલખું પસાર થઇ ગયું ધૂલાના શરીરમાં. ફાયર બ્રાન્ડ ઈશા શું કરત એ કલ્પના કરતાં કરતાં એ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો ત્યાં ઈશાનો ફોન આવ્યો, "ક્યાં છો?"

ધૂલો ઠરી ગયો, "બસ ડાર્લિંગ, રસ્તામાં જ છું, હમણાં આવ્યો."

ઈશા બોલી, "આ શનિવારે તમારી ગેંગને આપણાં ઘરે બોલાવવાની છે કે નહિ?"

ધૂલો હલવાણો, "આ શનિવારે વારો તો આપણો નથી છતાં પણ ગ્રુપમાં કનફર્મ કરીને કહું છું." ધુલાએ એમના મિત્રવર્ગ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યો, 'આ શનિવારે કોનો વારો કાઢવો છે!' ને બધાએ મળીને ભાવલો ભૂસ્કોનો નંબર કાઢ્યો.

ધૂલાએ પ્લાનિંગ કરી નાખ્યું કે ભાવલાને ત્યાં કઈ નવી ધમાલ કરવી. એણે ખાનગીમાં બાકી બધાને એ મેસેજ મોકલી દીધો. અને આ જે મઝા છે એ જ તો ખાસિયત છે ધૂલા હરખપદુડાની.

ધૂલો કઈ ગડમથલ ભરી શરારત કરવાનો છે? આ ભાવલો ભૂસ્કો કોણ છે? શું આ મિત્રવર્ગ સપરિવાર દર શનિવારે મળે છે? આપના દરેક પ્રશ્નનો ઉત્તર ચોક્કસ મળશે, જોડે રહેજો. આભાર (ક્રમશ).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).