DHULO TO HARKHPADUDO (DTH) - 10 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 10

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 10

ધૂલો તો હરખપદૂડો (DTH) પ્રકરણ ૧૦

આપણે જોયું કે સોનકી સણસણાટ અને વિનીયા વિસ્તારી વચ્ચે ધૂલાએ લગાવેલી શંકાની આગ સુખરૂપ ઠરી ગઈ હતી. આ અનોખું મિત્ર વર્તુળ સપરિવાર મહિનાના છેલ્લા શનિવારે કોઈ પણ એક મિત્રના ઘરે ભેગા થઈ મોજ મસ્તી કરતાં. આ નિયમને લીધે તેઑ મહિનામાં એક વાર તો મળતાં જ. હવે પછીના શનિવારે ભાવલા ભૂસ્કાના ઘરે પ્રોગ્રામ નક્કી થયો હતો. હવે આગળ...

ભાવલો ભૂસ્કો ધૂલા હરખપદૂડા તથા ઈશા હરણીના સપરિવાર મિત્ર વર્તુળનો એક સક્રિય મિત્ર સભ્ય હતો. આ ભાવલો એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. અને એટલે જ કદાચ એ થોડો સુપિરીયોરીટી કોમ્પ્લેક્ષમાં એક ફ્લેટ લખાવી ગુરુતા ગ્રંથીથી પિડીત હતો.

એ મિત્રોની ચર્ચા દરમ્યાન થોડો અતડો રહેતો. એના માટે આ મિત્ર વર્ગ વચ્ચે થતી નિર્દોષ હસી મજાક બિનજરૂરી હતી. પણ કોઈક વાર એ આવી ચર્ચાઓમાં અચાનક કૂદી પડતો અને સૌથી અગ્રેસર થઈ જતો એટલે એનું નામ ભાવલો ભૂસ્કો. એ વાર કોઈ વાદવિવાદમાં કૂદી પડે એટલે જામી જાય.

આમ એની વચ્ચે કૂદી પડવાની આદતને લીધે એને ભૂસ્કા તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી. એની ઘરવાળી સંધ્યા, એ સધકી સંધિવાત પણ ગજબનું પાત્ર હતી. આ સંધ્યા આમ તો એકદમ ભોળી હતી પણ જો એક વાર કોઈ વાત પર અટકી કે અડી ગઈ તો શરીરના સાંધા જકડાઈ જાય એવા રોગ એટલે કે સંધિવાતની જેમ જડ થઈ જાય. વળી અંગ્રેજી માધ્યમમાં ભણેલી આ સધકીને સંધિવાત શબ્દનો અર્થ ખબર નહોતી એટલે ધૂલાએ એને સમજાવી હતી કે સંધિવાત એટલે સંધિ અને વાત. આ સંધિ વાતનો મતલબ પીસ ટોક એટલે કે શાંતિ વાટાઘાટ એવો થાય. એટલે એને આ ગૃપ દ્વારા આપાયેલા નામ માટે કોઈ વાંધો નહોતો.

જોકે ધૂલાને ખબર હતી કે જે દિવસે આ સંધિવાતનો સાચા અર્થની જાણ એને થશે એ દિવસે એ સધકી સંધિવાતમાંથી સધકી સનેપાત થઈ જશે. પણ એ દિવસે જોયુ જશે. ધૂલાને પોતાની વક્તવ્ય કળા પણ સંપૂર્ણ ભરોસો હોવાથી એને આ વાતની ધરપત હતી.

આ ભાવલા ભૂસ્કા અને સધકી સંધિવાતના ઘરે આ મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક ગોઠવાઈ હતી. આ મિત્ર વર્ગમાં ભાવલા પાસે અને ધૂલા પાસે પોતાની કાર હતી જ્યારે વિનીયા વિસ્તારી અને મૂકલા મુસળધાર પાસે પોતીકું સ્કૂટર હતુ. જોકે કેતલો કીમિયાગાર પાસે કોઈ વાહન નહોતુ. જોકે એ એના બંને પગને અગિયાર નંબરની બસ કહેતો. એટલે એ એકલો હોય ત્યારે આ અગિયાર નંબરની બસ દ્વારા મુસાફરી કરતો અને એની પત્ની પિતલી પલટવાર સાથે હોય તો એ રિક્ષા ભાડે કરી પહોંચી જતો.

આ કેતલા કીમિયાગારની કરતબી વિચાર ધારાઓ પ્રમાણે પોતાનું વાહન એટલે ખર્ચા વધારનાર સાધન. એ જાણતો હતો કે જરૂર હોય ત્યારે માત્ર હાથ બતાવવાથી કોઈ પણ રિક્ષા કે ટેક્સી ઊભી રહી જાય છે. એટલે એ સ્વતંત્ર વાહન વસાહત વિશે જરાય ઉત્સુક નહોતો.

પણ એ શનિવારીય બેઠકના દિવસે એણે સાંજે એમના આ મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યો, 'સોરી ભાઈલોગ, પ્રિતીની મમ્મીની તબિયત બરાબર નથી એ મતલબનો પપ્પાજીએ ફોન કર્યો હતો. માટે અમે બંને એમને મળવા જઈએ છીએ. એટલે આજે પાછા આવવુ શક્ય નથી. તમે બધાં એન્જોય કરજો.'

ભાવલા ભૂસ્કાનો મૂડ થોડો બગડી ગયો પણ એણે ટૂંકમાં જવાબ આપ્યો, 'ઓકે.'

વિનીયાએ તરત જ મેસેજ કર્યો, 'આઈસીયુમાં છે? કોઈ તકલીફ હોય તો જણાવજે. આપડે હાજર થઈ જશુ.'

બાકી બધાના 'ટેક કેર.' 'ગેટ વેલ સૂન.' વગેરે મેસેજ, સ્ટિકર્સ તથા જીઆઈએફ નિર્મિત નાનકડા વિડિઓ પોસ્ટ થઈ ગયાં.

ધૂલાએ છેલ્લે મેસેજ નાખ્યો, 'કોઈ પણ જાતની કટોકટી હોય તો બેધડક રીતે જણાવજે. અમે માત્ર એક ફોન કોલ દૂર છીએ. અને બધુ ઓકે હોય તો હું અડધી રાતે તમને લેવા કાર લઈને આવી જઈશ.'

કેતલાનો મેસેજ આવ્યો, 'તમે બધાં છો એટલે અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી.'

મૂકલો મુસળધાર કેમ બાકી રહી જાય!. મૂકલાએ મેસેજ મૂક્યો, 'પિતલીની મમ્મીએ વિલ બનાવી લીધુ હશે.'

પ્રિતીએ ગુસ્સાની ઈમોજી મૂકી, 'મૂકેશભાઈ, મારી મમ્મીએ સાંજના જમવામાં બપોરના વધેલા ભાત વઘારીને ખૂબ દબાવીને ખાધાં એટલે એમને અસુખ જેવુ થઈ ગયુ છે. આ તો એ અમને સતત યાદ કરે છે. એટલે પપ્પાએ ફોન કર્યો હતો.'

વિનીયાએ સામે મેસેજ મૂક્યો, 'ઓહો, એમાં કઈ મોટી વાત છે! બોસ, એમને થોડીવાર માટે શીર્ષાસન કરાવો એટલે અસુખ સાથે પિત્ત પણ બહાર.'

ધૂલો હરખપદૂડો બાકી કેમ રહી જાય! એણે ટાપસી પુરી, 'આ શીર્ષાસન કરતી વખતે તુલસી પત્ર મોઢામાં મૂકવાથી ઊલટી ગંગા નહીં વહે એટલે કે ઊલટી નહીં થાય.'

એના વિસ્તારમાં ધૂલાએ સર્જીકલ સ્ટ્રાઇક કરી એટલે વિનીયાએ સામે જવાબ મૂક્યો, 'બોસ, શીર્ષાસનથી ઊલટી નથી થતી પણ શાતા વળે છે.'

હિરકી હણહણી, 'પણ આ શીર્ષાસન ચાલુ હોય ત્યારે વળેલી શાતા જાય ક્યાં? ઉપર તો જઈ નહીં શકે?'

વિનીયાએ તરત જવાબ ટાઈપ કર્યો, 'જેમને જરૂરી જ્ઞાન નથી એમણે મેસેજ કરવા નહીં.'

સોનકી સણસણાટ, હિરકી હણહણાટની મદદે આવી, 'બોસ, શરૂઆત આપણાથી કરાય. એક ખરાબ અક્ષર સિવાય ડોક્ટર સાહેબ બનવાના કોઈ ગુણ નથી. છતાં પણ વોટ્સએપ હોસ્પિટલમાં ધણા મુન્ના ભાઈઓ પોતાનું દવાખાનુ ચલાવે છે.'

વિનીયાએ આ ઘા હસતાં હસતાં ઝીલી લીધો, 'મારી ઘરવાળી એવી કાતિલ છે કે એને જોઈને બંદાથી બીમાર પડી જવાય. એમાં આપણુ દવાખાનુ ચારોખાને ચિત્ત થઈ જાય છે. ઈશ્કને કર દીયા નિકમ્મા બોસ, વરના હમ ભી ઈનશા થે કામ કે.'

ધણી વારથી શાંત બેઠેલા ભાવલાએ ભૂસ્કો લગાવ્યો, 'હવે અટકો, વાત ઝટકો અને ઘરેથી છટકો.'

'જો હોય સ્વાદિષ્ટ જમવાનો હોય ચટકો' ધૂલાએ શાયરી આગળ વધારી.

પણ મૂકલાએ આ મેસેજ કાંડ પર બંધી જાહેર કરી, 'ભાવલાની વાતને ઝટકો. વોટ્સએપમાં ના ભટકો, મોબાઈલ જમીન પર પટકો, નહીં તો પડશે મારો ફટકો.'

બધાંના નેટવર્ક ફટાફટ ઓફ થઈ ગયાં, ફક્ત થોડી ક્ષણો માટે.

વોટ્સએપ ગ્રુપમાં શાંતી શોરબકોર કરતી હતી. ત્યાં મૂકલાનો મેસેજ આવ્યો, 'મારૂ સ્કૂટર થોડુ રિપેરીંગ માંગે છે. એટલે ગેરેજમાં બતાવી સીધો ભાવલાના ઘરે ભૂસ્કો લગાવુ છું.'

ભાવલાએ ઠેંગો દબાવ્યો.

થોડો સમય પસાર થયા બાદ મૂકલાનો ફરી મુસળધાર મેસેજ આવ્યો, 'મારૂ ઠોઠયુ ઠોકાઈ ગયુ. એની બ્રેક ફેઇલ હતી. મને પગમાં જોરદાર વાગ્યુ છે. ડોક્ટર પાસે રિક્ષામાં જાઉ છું.'

વિનીયાએ વળતી પળે મેસેજ કર્યો, 'તારૂ મોબાઈલ લોકેશન ચાલુ રાખ હું તારી મદદે આવ્યો સમજ.'

એમાં સોનકીએ પણ મેસેજ ઠપકારી દીધો, 'ગેટ વેલ સૂન.'

સધકી સંધિવાત સહમી, 'મારૂ જમવાનુ બનાવવાની મહેનત માથે ના પડે!'

સોનકી ભડકી, 'અહીં ભીષણ અકસ્માત થયો છે ને તને તારી વાનગીનો વલોપાત થયો છે?'

થોડા સમયમાં વિનીયાએ જાણકારી આપી, 'બોસ, મુકલાના પગે ફ્રેક્ચર છે એટલે અમે બંને હાડકાની હોસ્પિટલમાં જઈએ છીએ.'

સધકી કરગરી, 'ધૂલાભાઈ તમે તો આવો અમે બંને રાહ જોઈએ છીએ.'

ધૂલાએ જવાબ આપ્યો, 'અમે નીકળી ગયાં છીએ અને સીધા તમારા ઘરે આવીએ છીએ. આમ પણ હાર્ટએટેક જેવી કટોકટી નથી એટલે મૂકલાની તબિયત આવતીકાલે સવારે જોઈ લઈશું.'

થોડીવારમાં ઈશા હરણીનો મેસેજ આવ્યો, 'અમારી ગાડીનું ટાયર ફાટી ગયું છે. એ મેકેનિક ગોતવા ગયા છે. ગાડી રિપેર થાય એટલે આવી જશુ.' ટૂંકમાં પાર્ટી પડી ભાંગી હતી.

ભાવલાએ ભાલ કૂટ્યુ. સધકી ધધકી. એમની આજની પાર્ટી હવે ફોક? સધકીએ આટલી મહેનતથી જમવાની તૈયારી કરી હતી એ ગઈ પાણીમાં? મૂકલાની હાલત ગંભીર તો નહીં હોય? કેતલાની સાસુને ઠીક થઈ જશે? આપના દરેક સવાલનો જવાબ મળશે ફક્ત જોડે રહેજો. આભાર (ક્રમશ...)

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)