Mara Swapnnu Bharat - 12 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 12

પ્રકરણ બારમુ

બેકારીનો સવાલ

એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખાધા વગર રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઈએ. ૧

પોતાની મરજીથી નહીં પણ સંજોગોને વશ થઈને દિવસના સરેરાશ માંડ પાંચ કલાક કામ કરતી પ્રજાની કલ્પના કરો એટલે તમારી આગળ ભારતનું ખરું ચિત્ર ખડું થશે.

વાચકે સાચા ચિત્રની કલ્પના કરવી હોય તો તેણે શહેરની ધાંધલ અથવા કારખાનામાં કામ કરતા મજૂરોનો પીસી નાખનારો થાક અથવા ખેતરો પર કામ કરતા મજૂરોની ગુલામી વગેરે મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એ તો હિંદના માનવસમુદ્રમાં બિંદુ સમાન છે. તેણે હિંદનાં હાડપિંજરોની કલ્પના કરવી હોય તો તેની એંસી ટકા વસ્તીનો વિચાર કરવો જોઈએ જે પોતાનાં ખેતરોમાં ખેતી કરે છે અને જેમને વરસમાં ઓછામાં ઓછા ચાર મહિના સુધી લગભગ કંઈ કામ હોતું નથી. અને તેથી તેઓ લગભગ ભૂખે મરે છે. આ સામાન્ય સ્થિતિ છે અને વારંવાર પડતા દુકાળો આ પરાણે વેઠવી પડતી બેકારીમાં ઠીક ઠીક ઉમેરો કરે છે.

આપણું સરાસરી આયુષ્ય બહુ જ ઓછું છે, આપણી ગરીબાઈ દિવસે દિવસે વધતી જાય છે, એનું કારણ એ છે કે આપણે આપણાં સાત લાખ ગામડાંની દરકાર નથી રાખી. આપણે એમનો વિચાર કર્યો તો છે જ, પણ તે તેમને લૂંટવા પૂરતો જ. આપણે ભારતવર્ષની જાહોજલાલીનાં રસિક વર્ણનો વાંચીએ છીએ ;આ દેશમાં એક કાળે ધનધાન્યની છોળ હતી એમ વાંચીએ છીએ ; પણ આજે એ ભૂખે મરતાં કરોડોનો દેશ બની ગયો છે.

આપણે આ સુંદર મંડપમાં વીજળીના દીવાઓના ઝગમગાટમાં બેઠા છીએ, પણ આપણે જાણતા નથી કે આ દીવા આપણે ગરીબને પૈસે બાળીએ છીએ. એ દીવા માટે આપણે ગરીબના ઋણી છીએ એ વાત જો ભૂલી જઈએ તો એ દીવા વાપરવાનો આપણને કશો અધિકાર નથી.

પૂર્વની-ભારતવર્ષની-અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે ભેદ છે. એ ભેદ શેમાં રહેલો છે એની સામાન્યપણે ખબર પડતી નથી. આપણી ભૂગોળરચના જુદી છે, આપણા ઈતિહાસ જુદા છે, આપણી રહેણી જુદી છે. આપણો ખંડ વિશાળ છતાં ભૂતળ પર એક બિંદુ સમાન છે ; પણ ચીનને બાદ કરતાં એમાં ઘાડામાં ઘાડી વસ્તી છે. હવે જે દેશમાં જમીન પર વસ્તીનું દબાણ વધારેમાં વધારે હોય તે દોશનાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિ એ દબાણ જ્યાં ઓછામાં ઓછું હોય તે દેષના કરતાં જુદાં છે ને હોવાં જોઈએ. એમેરિકામાં વસ્તી ઓછી રહી, એટલે ત્યાં કદાચ યંત્રોની જરૂર હોય. હિંદુસ્તાનને એની જરૂર કદાચ બિલકુલ ન હોય. જ્યાં કરોડો માણસો કામ વિનાના બેસી રહ્યા છે ત્યાં મજૂરી બચાવનારાં યંત્રોનો વિચાર કરવાથી કશો લાભ નથી. જો કોઈ માણસ આપણા હાથને ખાવાની મહેનત બચી જાય એવું યંત્ર કાઠે તો ખાવું એ આનંદ ની વસ્તુ મટી જાય ને ત્રાસરૂપ થઈ પડે. આપણા ઉધોગોનો નાશ થઈ ગયો અને પરિણામે બેકારી આવી એ જ આપણી ગરીબાઈનું કારણ છે. કેટલાંક વરસ પહેલાં હિંદુસ્તાનની ખેતી પર નભનારી વસ્તી સિતેર ટકા ગણાતી ;આજે તે ન્વું ટકા ગણાય છે. એનો અર્થ એ નથી કે નેવું ટકા ખેડૂત છે ; પણ જમીન પર આધાર રાખનાર સિતેર ટકાહતા તેને બદલે હવે નેવું ટકાને લાચારીથી જમીન પર આધાર રાખવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો થોડાક વખત પહેલાં વીસ ટકાને ભરણપોષણ આપે એટલા ઉધોગધંધા હતા, તે હવે રહ્યા નથી, અને લોકોને પરાણે ખેતીની મજૂરીમાંથી ગુજારો ખોળવો પડે છે. આમ તેઓ આજીવિકા ચોરે છે; એનું કારણ એ નથી કે એમને એમ કરવાનું મન થાય છે, પણ હવે વધારે જમીન રહી જ નથી.

આપણા પાંત્રીસ કરોડને અન્ન આપે એટલી જમીન આપણા દેશમાં નથી એમ નહીં. હિંદુસ્તાનમાં વસ્તી હદબહાર વધી ગઈ છે ને તેથી વધારાની વસ્તીએ મરી જવું જોઈએ, એમ કહેવું એ હસવા જેવી વાત છે.

મારી ખાતરી છે કે જેટલી જમીન છે તેટલી બધીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને એમાંથી ઉપજાવી શકાય એટલો પાક ઉપજાવવામાં આવે તો તેથી આખી વસ્તીનું પોષણ જરૂર થાય. માત્ર આપણે ઉધોગી થવું જોઈએ, ને જ્યાં આજે ઘાસનું એક તરણું ઊગે છે ત્યાં બે ઉગાડવાં જોઈએ.

આનોઈલાજ એ છે કે આપણે ગરીબ ગ્રામવાસીની સાથે તદ્રૂપ બનવું, એની જમીનમાંથી ઘણું અનાજ ઉગાડવામાં એને મદદ કરવી, તે જે પેદા કરે તે વાપરીને સંતોષ માનવો, અને તેને ખોરાક અને રહેણીની વધારે સારી રીતો અનુસરવાને સમજાવવો.

આપણે મિલનો દળેલો લોટ ખાઈએ છીએ, અને ગામડાનો ગરીબ

માણસ પણ માથે અધમણ અનાજનો બોજો મૂકીને નજીકમાં નજીકને સંચે દળાવવા જાય છે. તમને ખબર છે ખરી કે આપણે પુષ્કળ અનાજ પેદા કરીએ છીએ છતાં આપણે પરદેશથી ઘઉં મંગાવીએ છીએ અને ઑસ્ટ્રેલિયાથી આવેલો મેંદા જેવો લોટ ખાઈએ છીએ ? આપણે હાથે દળેલા

લોટ નથી ખાતા, અને ગરીબ ગ્રામવાસી પણ બેવકૂફીથી આપણું અનુકરણ કરે છે. આમ આપણે ધાનને ધૂળ બનાવીએ છીએ, અમૃતનું વિષ બનાવીએ છીએ. કેમ કે, પૂર્ણ ઘઉંનો લોટ એ જ યોગ્ય ખોરાક છે. મિલના દળેલા લોટમાંથી એનો પ્રાણ-વિટામિન-ઊડી જાય છે, એટલું જ નહીં પણ એ નર્યું ઝેર બની જાય છે. પણ આપણે રોજરોજ તાજો લોટ ખાવો જોઈએ તે દળી લેવાની મહેનત કરતા નથી, અને ઓછી પુષ્ટિકારક વસ્તુઓ માટે પૈસા આપીને બદલામાં માંદગી ખરીદીએ છીએ. આ કંઈ અટપટું આર્થિક સત્ય નથી, એ આપણી નજર સામે રોજ બનતી હકીકત છે. એ જ પ્રમાણે ચોખા, ગોળ અને તેલનું છે. આપણે છડીને સત્વ કાઢી નાખેલા ચોખા ખાઈએ, ઓછા સત્વવાળી ખાંડ ખાઈએ, અને એને માટે વધારે સત્વવાળા ગોળ કરતાં વધારે પૈસા આપીએ. આપણે ગામડાના ધાંચીને પાયમાલ થવા દીધો છે, ને આપણે ભેગવાળાં તેલ ખાઈએ છીએ. આપણે ગાયની પૂજા કરીએ છીએ, પણ એને ધીમે મોતે મારીએ છીએ. આપણે મધ ખાઈએ છીએ ને મધમાખીને મારી નાખીએ છીએ, એને પરિણામે મધ એવી દુર્લભ વસ્તુ બની ગઈ છે કે મારા જેવા ‘નહાત્મા’ને જ મળી શકે, અથવા વૈદ અનુપાન તરીકે બતાવે તો દરદી વૈદ પાસેથી ખરીદે ત્યારે તેને મળે. જો આપણે મધમાખીના ઉછેરની સશાસ્ત્ર અને નિર્દોષ રીત શીખવાની તકલીફ લઈએ તો આપણને તે સોંઘું પડે, અને આપણાં બાળકોને જેટલા કાર્બોહાઈડ્રેટ જોઈએ તે બધા એમાંથી મળી રહે. આપણા બધા આહારમાં આપણે કૂચાને સત્વ માનવાની ભૂલ કરીએ છીએ, સત્વવાળા રંગીન ગોળને બદલે ધોળી ખાંડ ખાઈએ છીએ, અને સત્વવાળી આખા ઘઉંના લોટની રોટી મૂકીને ઝાંખી સફેદ રોટી ખાઈએ છીએ.

આપણે નિત્ય સ્નાન કરનારાઓની પ્રજા કહેવાઈએ છીએ. નિત્ય સ્નાન તો આપણે કરીએ જ છીએ, પણ એથી આપણને લાભ કશો થતો નથી. કેમ કે આપણે મેલા પાણીથી નાહીએ છીએ; આપણાં તળાવ અને નદીને આપણે મેલથી ગંદા બનાવીએ છીએ અને એ પાણીને પીવા નાહવા માટે વાપરીએ છીએ. આપણે વકીલો, ડિગ્રીધારીઓ ને ડૉકટરો સ્વચ્છતાનાં મૂળતત્વો પણ શીખતા નથી. મળને ઠેકાણે પાડવાની સૌથી લાભકારક રીત હજુ આપણે શોધી કાઢી નથી, અને આપણે આપણી ખુલ્લી આરોગ્યદાયી જગ્યાઓને રોગનાં ઉત્પતિસ્થાનો બનાવી મૂકીએ છીએ.

મારી તમને વિનંતી છે કે તમે જડતાં ફેંકી દો, જાગ્રત થાઓ, આ પાયાની વસ્તુઓનો અભ્યાસ કરો, વધારે બુધ્દિપૂર્વક જીવન ગાળો, અને ધૂળમાંથી ધાન કેમ પેદા કરવું એ શીખો. મેં તમને કેટલાં સાદાંસત્યો કહ્યાં છે. આપણે જો યુગોથી જામેલી જડતા ફેંકી દઈશું તો આપણને એ સત્યો તરત સમજાશે અને આપણે એનો અમલ કરીશું. પણ આપણે તો શરીરશ્રમનો ત્યાગ કર્યો છે, તેથી આપણાં મગજને પણ હાનિ થઈ છે.

એટલે આપણઁ ખોરાક અને રહેણીની અવિચારી રીતોને અનુસરીને સંતોષ

માનીએ છીએ. આપણે હવે જાગવું જોઈએ અને આપણાં શરીર ને મગજને વધારે સતેજ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ૩

એક અર્થમાં આપણા દેશની બેકારીનો પ્રશ્ન બીજા દેશના જેટલો કઠણ નથી. રહેણીની ઢબ એ મોટી વસ્તુ છે. પશ્ચિમમાં તો બેકાર મજૂર ને બીજા લોકોની પેઠે જ ગરમ કપડાં, બૂટ કે જોડા ને મોજાં જોઈએ, હૂંફ

આપી શકે એવું ઘર જોઈએ, ને ઠંડી હવામાં જેના વિના ન ચાલી શકે એવી બીજી ઘણી ચીજો જોઈએ. આપણને એ બધી ચીજોની જરૂર નથી પડતી. આપણા દેશમાં ઘોર દારિદ્ર ને બેકારી જોઈને હું રડ્યો છું,પણ મારે કબૂલ કરવું જોઈએ કે એને માટે આપણાં પોતાનાં બેદરકારી ને અજ્ઞાન જ

મોટે ભાગે જવાબદાર છે. આપણે શરીરશ્રમનું ગૌરવ સમજતા નથી.

એટલે મોચી જોડા સીવવા સિવાય બીજું કશું કામ નહીં કરે. તે માનશે કે બીજું બધું કરવામાં હલકાઈ છે. એ ખોટો ખ્યાલ જવો જોઈએ. સાચી દાનતથી હાથપગ ચલાવવા માગતા હોય તે બધાને માટે હિંદુસ્તાનમાં પૂરતું કામ પડેલું છે. ઈશ્વરે દરેક માણસને કામ કરીને રોજના રોટલા કરતાં વધારે કમાવાની શક્તિ આપેલી છે, ને એ શક્તિ વાપરવા રાજી હોય તે દરેકને કામ મળી જ રહેશે. જે માણસ શુદ્ધ કોડી કમાવા માગે છે તે કોઈ પણ જાતની મજૂરીને હલકી નહીં ગણે. માત્ર ઈશ્વરે આપણને આપેલા હાથપગ વાપરવાની તૈયારી જોઈએ.

મારી કલ્પના એવી છે કે જેમ મૂડીવાળાની મૂડી તેનો પૈસો છે તેમ મજૂરની મૂડી તેની મજૂરી કરવાની વિવિધ શક્તિ છે. ધનવાનને થોડેઘણે અંશે પણ મજૂરીની જરૂર પડવાની જ છે, તેમ મજૂરની મૂડી રૂપ મજૂરીને ધનની જરૂર પડવાની છે. જો બંનેમાં બુદ્ધિ હોય ને પોતાની મૂડીની બીજાઓને જરૂરિયાત હોવા વિષે સામાન્ય નિશ્ચિતતા હોય તો બંને પક્ષ એકબીજા પ્રત્યે માનની નજરે જોશે. જેમ ધનવાન પોતાનું સંગઠન કરી શકે છે તેમ મજૂર પોતાનું. પોતાને નિરાધાર માને છે કેમ કે તેમની બુધ્દિનો વિકાસ થયો ને તેમનું સંગઠન થયું નથી. તેમને પોતાની શરીરરૂપી મૂડીની કિંમતનું ભાન નથી થયું. બુધ્દિવિકાસ થાય, સંગઠન થાય ને મૂડીની કિંમત સમજાય તો મજૂરો ધનવાનના જેટલા જ નિશ્ચિત થઈ શકે.

પૈસા જગતમાં બધું કરી શકે છે અને મજૂર પૈસાના દાસ છે એ બંને ઘોર ભ્રમણા છે. અજ્ઞાનની નિશાની છે. આ બેવડી ભ્રમણા દૂર કરવાનો પ્રયાસ મજૂર મહાજનના સેવકો કરી રહ્યાં છે. એ પ્રયાસમાં મજૂરોએ કંઈ પણ મદદનીશ ધંધો શીખી લેવો એ અતિ આવશ્યક વસ્તુ છે.

Share

NEW REALESED