Mara Swapnnu Bharat - 19 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 19

પ્રકરણ ઓગણીસમુ

ભારતની અહિંસાની સાધના

હિંદુસ્તાન સમક્ષ મેં જૂનો આત્મબલિદાનનો કાયદો મૂકવાની હિંમત કરી છે. કારણ કે સત્યાગ્રહ અને તેની શાખાઓ-અસહકાર અને સવિનય પ્રતિકાર એ સહન કરવાના કાયદાનાં નવાં નામ સિવાય બીજું શું છે ?જે ઋષિઓએ અહિંસાનો કાયદો શોધ્યો તે ન્યૂટન કરતાં વધારે બુદ્ધિશાળી હતા. તેઓ પોતે વેલિંગ્ટન કરતાં મહાન યોદ્ધા હતા. શસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા હતા એટલે તેની નિરુપયોગિતા તેમણે જોઈ લીધી અને થાકેલી દુનિયાને શીખવ્યું કે તેની મુક્તિ હિંસામાં નહીં પણ અહિંસામાં રહેલી છે.

સક્રિય અહિંસા એટલે જ્ઞાનપૂર્વક સહન કરવું તે. એનો અર્થ દુષ્ટ માણસની મરજીને ચૂપચાપ તાબે થવું એવો નછી; પણ જાલિમની ઈચ્છાનો પોતાની તમામ આત્મશક્તિથી મુકાબલો કરવો એવો છે.મનુષ્ય-જાતિના આ કાયદા પ્રમાણે વર્તતાં એકલો માણસ પણ પોતાના સ્વમાન, ધરમ અને આત્માના રક્ષણ માટે અન્યાયી સામ્રાજ્યના સમગ્ર બળનો સામનો કરી શકે, અને સામ્રાજ્યના પતન કે તેના પુનર્જીવનનો પાયો નાખી શકે. તેથી હિંદને હું અહિંસાનું પાલન કરવા કહું છું તે હિંદ નબળું છે તે કારણે નહીં પણ તે પોતાની શક્તિ અને સતાના ભાન સાથે અહિંસાનું પાલન કરે એમ હું ઈચ્છું છું તેથી કહું છું. એને એની શક્તિનું ભાન કરાવવા માટે શસ્ત્રોવાપરવાની તાલીમની જરૂર નથી. આપણને એની જરૂર લાગે છે કારણ કે આપણે માનીએ છીએ કે આપણે કેવળ માંસના લોચા છીએ. હું હિંદને એ વાતનું ભાન કરાવવા માગું છું કે તેને આત્મા છે જે અમર છે અને દરેક પ્રકારની શારીરિક નબળાઈ-ઓથી પર થઈ શકે છે તેમ જ આખી દુનિયાની સંયુકત શારીરિક સક્તિનો સામનો કરી શકે છે. ૧

હિંદુસ્તાનને નપુંસક કે નામર્દ ગણી કાઢવાનો અવકાશ આપવાપણું નથી. જાટ અને મરાઠાઓ, મુસલમાનો, શીખો અને ગુરખાઓની સિપાઈ- ગીરી અને અંગત બહાદુરીથી દુનિયા આજે અજાણ નથી. મારો મુદોે માત્ર એટલો જ છે કે લડવાનો અને સામાની જાન લેવાનો ખૂની જુસ્સો હિંદુસ્તાનના હાડમાં નથી ; અને દુનિયાની ઉત્ક્રાન્તિમાં એને કોઈ ખાસ ઉચ્ચતર ભાગ ભજવવાનું નિર્માયું હોય એ કારણે પણ આમ હોય. એ નિર્માણ શું છે તેની તો કાળે કરીને જ ખબર પડે. ૨

ભારતને એટલે કે ભારતની આમજનતાને યુગોથી જે તાલીમ મળતી આવી છે તે હિંસાની વિરુદ્ધ છે. ભારતમાં માનવસ્વભાવનો એટલો વિકાસ થયો છે કે સામાન્ય જનસમાજ માટે હિંસાના સિદ્ધાંત કરતાં અહિંસાનો સિદ્ધાંત વધુ સ્વભાવિક થઈ ગયો છે. ૩

ભારતે કદી કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી. કેવળ સ્વરક્ષણ માટે કોઈ કોઈ વાર અસંગઠિત કે અર્ધસંગઠિત પ્રતિકાર કર્યો છે. તેથી તેને શાંતિ માટેની ઈચ્છા પેદા કરવાની રહેતી નથી. ને ઈચ્છા તો ભારતને ખબર હોય કે ન હોય, તેમાં વિપુલ પ્રમાણમાં પડેલી જ છે. પોતાના શોષણ-નો શાંતિમય સાધનોથી સફળ સામનો કરીને તે શાંતિ સ્થાપવાના કામમાં મદદરૂપ થઈ શકે. મતલબ કે તેણે પોતાનું સ્વતંત્ર્‌ય શાંતિમય સાધનોથી મેળવવું જોઈશે. જો ભારત તેમ કરી શકે તો કોઈ પણ એક દેશ વિશ્વશાંતિમાં વધારેમાં વધારે જેટલો ફાળો આપી શકે તેટલો તેણે આપ્યો હશે.