Mara Swapnnu Bharat - 22 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 22

પ્રકરણ બાવીસમુ

જમીનના ખેડૂ

આપણા સમાજે શાંતિને માર્ગે સાચી પ્રગતિ કરવી હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જે આત્મા તેમના પોતાનામાં છે તે જ ખેડૂતો માં પણ વસે છે ;અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકત ના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને માટે વાપરવી જોઈએ. પછી તેઓ પોતાની મહેનતના કમિશન તરીકે વાજબી કરતાં વધારે રકમ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગના સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમની કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી. આદર્શ જમીનદાર ખેડૂતોનો આજનો બોજો ઘણોખરો ઓછો કરી નાખશે. તે ખેડૂતોના નિકટના સંપર્કમાં આવશે અને તેમની જરૂરિયાતો જાણી લેશે અને આજે તેમનો પ્રાણ નિચોવી રહેલી નિરાશાને બદલે તેમનામાં આશાનો સંચાર કરશે. ખેડૂતો સ્વચ્છતા અને આરોગ્ય-ના નિયમો વિષે અજ્ઞાન છે એમ કહીને તે સંતોષ નહીં માને. ખેડૂતોને જીવનની જરૂરિયાતો મળી રહે તે માટે તે પોતે ગરીબાઈ સ્વીકારશે. પોતાના ખેડૂતોની આર્થિક સ્થિતિની તે તપાસ કરશે, શાળાઓ કાઢશે જેમાં ખેડૂતનાં બાળકો સાથે પોતાનાં બાળકોને ભણાવશે. તે ગામનાં કૂવા તળાવ સાફ કરશે. તે ખેડૂતોને રસ્તા વાળવાનું ને જાજરૂ સાફ કરવાનું, પોતે આવશ્યક શ્રમ કરી બતાવીને, શીખવશે. તે પોતાના બગીટા ખેડૂતોના મુકત ઉપયોગ માટે કશા સંકોચ વગર ખુલ્લા મૂકશે. તે પોતાની મોજ માટે જે બિનજરૂરી ઈમારતો રાખી મૂકે છે તે બધાનો ઉપયોગ શાળાઓ, ઈસ્પિતાલો વગેરે માટે કરશે. જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપતિ પરના ઈશ્વરદત અધિકાર વિષેની કલ્પના બદલે તો થોડો જ વખતમાં આજે જે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદાર જાપાનના સેમુરાઈનું અનુકરણ કરે તો તેમને ખરેખર કંઈ ખોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્યતાઓ છે : એક તો, મૂડીદારો પોતાનો વધારાનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે સર્વ લોકો સાચું સુખ પ્રાપ્ત કરે; બીજી એ કે જો મૂડીદારો વખતસર ન જાગે તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે-આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિંદુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે. ૧

ખેડૂત પોતે ભૂમિહીન મજૂર હોય કે જાતે મજૂરી કરનારો જમીન-

માલિક હોય, તેનું સ્થાન સૌથી મોખરે છે. તે ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઈએ-ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં. પણ અહિંસક પદ્ધતિમાં મજૂર જમીનદારને બળ- જબરીથી કાઢી મૂકી નહીં શકે. પણ તેણે એવી રીતે કામ કરવું જોઈએ કે જેથી જમીનદાર તેનું શોષણ કરી જ ન શકે. ખેડૂતો વચ્ચે ગાઢ સહકાર હોવો જરૂરી છે. એ ઉદ્દેશ પાર પાડવા માટે ખેડૂતોનું સંગઠન કરનારાં ખાસ મંડળો કે સમિતિઓ ન હોય ત્યાં રચવી જોઈએ અને હોય ત્યાં તેમાં સુધારો કરવાની જરૂર હોય તો કરવો જોઈએ. ખેડૂતો મોટે ભાગે નિરક્ષર છે. પ્રૌઢો તથા શાળામાં જવાની ઉંમરનાં બાળકોને કેળવણી આપવી જોઈએ-આમાં સ્ત્રીપુરુષ બન્ને આવી જાય. ભૂમિહીન ખેતમજૂરોના મજૂરીના દર એટલા વધારવા જોઈએ કે જેથી તેઓ સારી રીતે જીવન ગાળી શકે એટલે કે તેમને યુક્તાહાર મળે અને તંદુરસ્તીની દ્રષ્ટિએ સંતોષકારક ઘર અને વસ્ત્ર મળી રહે. ૨

જો આપણું સ્વરાજ લોકશાહી સ્વરાજ હોય-જો સ્વરાજ અહિંસા દ્વારા મેળવ્યું હશે તો તે લોકશાહી જ હશે-તો મને બિલકુલ શંકા નથી કે કિસાનની પાસે રાજકીય સત્તા સહિત બધા પ્રકારની સત્તા હશે જ. ૩

જો બધા લોકોના પ્રયત્નથી સ્વરાજ આવશે, અહિંસામાં તેમ જ થાય, તો કિસાનોને પોતાનું યોગ્ય સ્થાન મળશે અને તેમનો અવાજ સૌથી ઉપર હશે. પણ એમ ન થાય અને મર્યાદિત મતાધિકારના પાયા પર પ્રજા અને સરકાર વચ્ચે કોઈ પ્રકારનું કામચલાઉ સમાધાન થાય તો જમીન ખેડનારાઓના હિતની ખાસ સંભાળ રાખવી પડશે.

ધારાસભાઓ ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં અસમર્થ નીવડી તો ખેડૂતો પાસે અસહકાર અને સવિનયભંગનો રામબાણ ઉપાય તો હંમેશા હશે જ.પણ..છેવટે અહિંસક સંગઠન, શિસ્ત અને બલિદાનની તાકાત જ અન્યાય અને જુલમ સામે રક્ષણ આપી શકશે; કાગળ પરનો કાયદો,જુસ્સાદાર શબ્દો અને ઉશ્કેરણીભર્યાં ભાષણો એ નહીં આપી શકે.