Satya ae j Ishwar chhe - 7 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 7

૭. ઇશ્વર અને કુદરત

ભગવાનના સર્વ કાયદા તેમ જ તેનો અમલ આપણે સમજતા નથી. વિદ્રાનમાં વિદ્રાન વિજ્ઞાન કે જ્ઞાનીનું જ્ઞાન રજના પરમાણું જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યકિત નથી, તો તે એના કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતમાં એનુંં શાસન ચાલે છે. પાન પણ એની ઇચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરશઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે.

હરિજનબંધુ, ૧૮-૨-’૩૪

તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદો, અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવધિ વસ્તુ છે.

હરિજનબંધુ, ૧૮-૨-’૩૪

કુદરતના નિયમો બદલાતા નથી, બદલી શકાતા નથી અને તેથી કુદરતના નિયમના ભંગના અથવા તેના ખંડિત થવાના અર્થમાં ચમત્કારોની હસ્તી નથી. પણ આપણે અધૂરા માણસો અનેક કલ્પનાઓ કરીએ છીએ અને આપણા અધૂરાપણાનું અથવા આપણી મર્યાદાઓનું ઇશ્વર પર આરોપણ કરીએ છીએ. આપણે ઇશ્નરનું અનુકરણ કરીએ. પણ તે થોડું જ આપણું કરે ? આપણે તેને નામે અથવા તેને ખાતર કાળના ભાગલા ન પાડીએ. તેને માટે કાળનું સ્વરૂપ શાશ્વતીનું છે. આપણે માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ભાગોમાં વહેંચાયેલું છે. અને અનાદી, અનંત એવા શાશ્વત કાળની સરખામણીમાં માણસની સો વરસથીયે ટૂંકી જિંદગી બિંદુથીયે અલ્પ નથી કે ?

હરિજન, ૧૭-૪-’૪૭

ખુદ ઇશ્વરે પોતાના કાનૂનોમાં સુધારોવધારો કરવાનો અધિકાર રાખ્યો નથી અને તેને એવી જાતનો સુધારોવધારો કરવાની જરૂર પણ નથી. તે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. કોઇ પણ પ્રકારની કોશિશ વગર તેને એકી વખત ભૂત, ભવિષ્ય અને વર્તમાનનુંજ્ઞાન હોય છે તેથી તેને કશુંયે ફરી વિચારપણું, સુધારવાવધારવાપણું, બદલાવાપણું કે ફેરફાર કરવા પણું હોતું નથી.

યંગ ઇન્ડિય, ૨૫-૧૧-’૩૪

આપણું આ મનુષ્યજીવન બંગડી કરતાંય વધારે બટકઅણું છે. બંગડીને તો પેટીમાં સાચવી રાખો ને કોઇ અડે નહીં એવી રીતે રાખો તો તેે હજારો વરસ રહે. પણ આ પાર્થિવ જીવન તો એવું ક્ષણભંગુર છે કે એનો પલક વારમાં નાશ થઇ જાય. એટલે હજું આપણો કંઇક શ્વાસ લેવાનો વખત છે એટલામાં આપણે ઊંચનીચના ભેદ ભૂંસી નાખીએ, આપણાં હ્ય્દય શુદ્ધ કરીએ, અને જ્યારે ધરતીકંપ, કંઇક કુદરતી કેર અથવા સ્વાભાવિક મૃત્યુ આપણને ગળી જાય તે વખતે આપણા સરજનહારની સામે ઊભા રહેવાને તૈયાર થઇ રહીએ.

હરિજનબંધુ, ૨૫-૨-’૩૪

સુધરેલું અને નહીં સુધરેલું આખું જગત માને છે તેમ હું પણ માનું છું કે (બિહારના જેવી) આપત્તિ મનુષ્યજાતિ પર તેના પાપની સજારૂપે આવી પડે છે. જ્યારે એ દૃઢ માન્યતા હ્ય્દયમાંથી ઊગેલી હોય ત્યારે લોકો પ્રાર્થના કરે છે, પશ્ચાત્તાપ કરે છે, ને શુદ્ધ બને છે.... ઇશ્વરના હેતુ વિશેનું મારું જ્ઞાન અતિ મર્યાદિત છે. આવી આફતો એ કંઇ ઇશ્વરના કે કુદરતના મનના તરંગો નથી. જેમ ગ્રહગણ તેમની ગતિને વિશે નિર્મેલા નિયમોને અનુસરીને ફરે છે તે જ પ્રમાણે આ આફતો પણ નિશ્ચિત નિયમોને અનુસરે છે. માત્ર આપણે આ ઘટનાઓને લગતા નિયમો જાણતા નથી, અને તેથી એને આફતે અથવા ઉત્પાત કહીએ છીએ.

હરિજનબંધુ, ૧૧-૨-’૩૪

દરેક ભૌતિક આપત્તિની પાછળ ઇશ્વરનો હેતું રહેલો હોય છે. સંપૂર્ણતાએ પહોંચેલું વિજ્ઞાન આજે જેમ ગ્રહણો વિશે આપણને કહે છે તેમ એક દિવસ ધરતીકંપ ક્યારે થવાના છે એવી પણ અગાઉથી ખબર આપી શકે એ સંભવિત છે. એ માનવી બુદ્ધિનો એક નવો વિજય થશે. પણ એવા અનંત વિજયો થાય તોયે તેથી આત્માની શુદ્ધિ થવાની નથી. એ શુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી.

હરિજનબંધ, ૯-૬-’૩૫

જેઓ અંતરશુદ્ધિની જરૂર માને છે તેમને મારી વિનંતી છે કે તેઓ પ્રાર્થના કરે કે આપણે આવી આફતોની પાછળ રહેલો ઇશ્વરી હેતું સમજી શકીએ, એ વિપત્તિઓ આપણને નમ્ર બનાવે, અને જ્યારે આપણા સરજનહારનું તેડું આવે ત્યારે તેની સામે ઊભા રહેવાને આપણને તૈયાર કરે, અને આપણાં માનવી ભાઇભાડું ગમે તે હોય તોયે તેમની આપત્તિમાં ભાગ લેવાને આપણે હંમેશાં તત્પર રહીએ.

હરિજનબંધ, ૯-૬-’૩૫

એમ કહેવું કે નરસાનો સ્વામી પણ ઇશ્વર છે એ કાનને કઠોર લાગે છે. પણ જો એ સારાનો સ્વામી હોય તો નરસાનો પણ એ જ. રાવણે અનહદ શક્તિ બતાવી એ પણ ઇશ્વરે બતાવવા દીધી તો જ ના ? મારી દૃષ્ટિએ આ બધી તકલીફનું મૂળ ઇશ્વરતત્ત્વ ન સમજવામાં છે, ઇશ્વર કંઇ પુરુષ નથી, વ્યક્તિ નથી. એને વિશેષણ લાગુ પાડી શકાય એમ નથી. ઇશ્વર એ પોતે જ કાયદો, કાયદાકાર અને કાજી છે. એવું આપણે જગતમાં સુસંગત રીતે જોતાં નથી. પણ જ્યારે એવું કોઇ મનુષ્ય કરે છે તે વખતે આપણે એને શહેનશાહ નીરો (શેતાન) તરીકે જોઇએ છીએ. જેને આપણે ઇશ્વર તરીકે પૂજીએ છીએ તેને સારુ તો એ સ્થિતિ શોભતી છે એટલું જ નહીં પણ વાસ્તવિક રીતે એ સ્થિતિ છે.

હરિજનબંધ, ૨૪-૨-’૪૬

ખૂનીના ખંજરમાં ને સર્જનની સોયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઇશ્વર છે; પણ પ્રાકૃત અને વ્યવહાર દૃષ્ટિએ એકમાં દેવ છે, બીજામાં અસુર; એકનો પ્રેરક રામ છે, બીજાનો રાવણ છે; એકમાં ખુદા છે, બીજામાં શેતાન; એકમાં ઓરમઝદ, બીજામાં અહરિમાન છે.

હરિજનબંધ, ૨૪-૧-’૩૭

ઇશ્વરને હું વ્યક્તિ તરીકે જોતો નથી. મારે સારુ સત્ય એ જ ઇશ્વર છે અને જે અર્થમાં એક દુન્યવી રાજા અને તેનો કાનૂન બે જુદી વસ્તુ અગર હકીકત છે તે રીતે ઇશ્વર અને તેનો કાનૂન જુદી વસ્તુ અગર હકીકત નથી. એનું કારણ એ કે ઇશ્વર તત્ત્વ છે, કાનૂન છે, પોતે જ છે. તેથી ઇશ્વર પોતાના કાનૂનનો ભંગ કરે એવી કલ્પના કરવી અશક્ય છે. એટલે તે આપણી ક્રિયાઓ પર હકૂમત ચલાવી આઘો રહેતો નથી. આપણાં કામો પર તે શાસન ચલાવે છે એવું કહેવામાં આપણે કેવળ આપણા માણસોને સમજાય એવી આપણી ભાષા વાપરી તેના પર મર્યાદા મૂકવાની કોશિશ કરીએ છીએ. બાકી ખરું જોતાં તે અને તેનો કાનૂન સર્વ સ્થળે ચાલે છે અને સર્વનું શાસન કરે છે. આથી આપણી દરેક માગણી પૂરેપૂરી વિગતે તે પૂરી પાડે છે એમ મને લાગતું નથી પણ તે આપણી દરેક ક્રિયામાત્રનો શાસક છે અને તેની ઇચ્છા વગર તૃણનો અંકુર સરખો ઊગતો કે હાલતો નથી એ વાત હું અક્ષરશઃ માનું છું. આપણે જે સ્વતંત્ર ઇચ્છાનો ઉપભોગ કરીએ છીએ તે ભીડમાં વહાણના તૂતક પર મુસાફરી કરનારા પ્રવાસીને ઇચ્છાથીયે ઓછી સ્વતંત્ર છે.

“ઇશ્વર સાથેના તમારા અનુસંધાનમાં તમને પોતે સ્વતંત્ર છો એવું ભાન રહે છે ?”

રહે છે. ભીડમાં વહાણ પર પ્રવાસીને લાગે છે તેમ હું ભિડાઇ ગયો છું એવું મને નથી લાગતું. આવા મુસાફરના કરતાંયે મને ઓછી સ્વતંત્રતા છે એવું મને ભાન છે છતાં એટલી સ્વતંત્રતા પણ મારે મન કીમતી છે કેમ કે પોતાની સ્વતંત્રતાનો કઇ ઢબે ઉપયોગ કરવો તે બાબતમાં પસંદગી કરી લેવાની માણસને સ્વતંત્રતા છે તેટલા પૂરતો તે બાબતમાં પસંદગી કરી લેવાની માણસને સ્વતંત્રતા છે તેટલા પૂરતો તે પોતાના ભાવિનો ઘડવૈયો છે એવી ગીતાની મુખ્ય શીખ મેં પૂરેપૂરી પચાવેલી છે. પણ પરિણામ પર માણસનો કાબૂ નથી. પોતાનો પરિણામ પર કાબૂ છે એવો વિચાર કરતાંની સાથે તે ગોથું ખાય છે.

હરિજનબંધ, ૨૩-૩-’૪૦

Share

NEW REALESED