Satya ae j Ishwar chhe - 1 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 1

****

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણી વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

ગાંધીજી

૧. મારી ખોજ

હું સત્યનો એક વટેમાર્ગુમાત્ર છું. એ સત્યનો માર્ગ મને જડ્યો છે એમ કહું છું અને તેને શોધી વળવાને હું સતત પ્રયત્ન કરી રહ્યો છું એટલો જ દાવો કરું છું. હું એ પણ કબૂલ કરું છું કે હજુ એ સત્ય મને સાંપડ્યું નથી. પૂર્ણ સત્ય સાંપડવું એટલે આત્મસાક્ષાત્કાર કરવો અને પોતાના જીવનનું નિર્માણ લાધવું, એટલે કે પૂર્ણાવસ્થાએ પહોચવું. મારી અપૂર્ણતાઓનું મને દુઃખદ ભાન છે અને એમાં જ મારું બધું બળ સમાયેલું છે, કારણ કે પોતાની અપૂર્ણતા અને પોતાની ત્રુટિઓ જાણવી એ આ દુનિયામાં દુર્લભ વસ્તુ છે.

નવજીવન, ૨૦-૧૧-’૧૨

જો હું પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલો હોત તો મારા પાડોશીનાં દુઃખ જોઇ અત્યારે હું જે રીતે દુઃખી થાઉં છું તેવો દુઃખી થાત નહીં. પૂર્ણ મનુષ્ય તરીકે હું તે ધ્યાનમાં લેત, તેનો ઉપાય બતાવત અને મારામાંના અજેય સત્યના સામર્થ્ય વડે હું તે ઉપાયો બીજાઓની પાસે લેવડાવત. પણ હજી તો હું કાચમાંથી જોતો હોઉ તેમ ઝાંખું જ જોઇ શકું છું અને તેથી ધીરજપૂર્વક અને મહેનતભરી રીતોથી મને સૂઝે છે તે વસ્તુ મારે સામાને ગળે ઉતારવી પડે છે. આવી સ્થિતિ હોવાથી આજે મટાડી શકાય તેવા આધિવ્યાધિઓમાં દેશ આખાને ડુબેલો જાણવા છતાંઅને પ્રત્યક્ષ જગન્નાથની છાયા હેઠળ સુધ્ધાં હાડપિંજર બનેલાં હજારોલાખો દેશબાંધવોને જોવા છતાં જો હું એ બધાના દુઃખથી દુઃખી ન થાઉં તો મારી માણસાઇ લાજે.

નવજીવન, ૨૦-૧૧-’૧૨

હું મથામણ કરવાવાળો સામાન્ય જીવ છું, અને સંપૂર્ણપણે સારો થવાને, સંપૂર્ણપણે સાચો થવાને અન મન, વાણી તેમ જ કર્મથી સંપૂર્ણપણે અહિંસક થવાને ઝંખું છું, છતાં જે આદર્શને સત્ય માનું છું તેને પહોંચવામાં નિત્ય નિષ્ફળ જાઉં છું, આ ચઢાણ સીધું ને કઠણ તેમ જ કષ્ટદાયક છે, પણ એ કષ્ટ મને ખરેખરો આનંદ આપે છે. એ ચઢાણ પર આગળ પગ માંડતો જાઉં છું તેમ તેમ દરેક પગલે હું વધારે મજબૂત અને તેથીયે આગળનું પગલું માંડવાને વધારે લાયક થતો જાઉં છું એવું મને લાગે છે.

યંગ ઇન્ડિયા, ૯-૪-’૨૫

માર્ગ હું જાણું છું. એ સાંકડો અને તલવારની ધાર જેવો દુર્ગમ છે. મને એ પંથે જવામાં આનંદ આવે છે. એમાંથીજ્યારે જ્યારે સ્ખલન થાય છે ત્યારે મને રોવું આવે છે. પણ ઇશ્વરનું અભયવચન છે કે, ન હિ કલ્યાણકૃત કશ્ચિત્‌ દુર્ગતિ તાત ગચ્છતિ - કલ્યાણમય પ્રયત્ન કરનારની કદી દુર્ગતિ નથી.એ અભયવચનમાં મારી નિઃશંક શ્રદ્ઘા છે. એટલે મારી દુર્બળતાને લીધે મારી હજારો ભૂલ થતી હોય તોપણ, મારી શ્રદ્ઘા કદી ઓછી થવાની નથી. અને હું સદાય આશા રાખીશ કે જ્યારે મારા તમામ વિકારો શાંત થઇ મારા આત્માને સંપૂર્ણપણે વશ થયા હશે, ત્યારે મને પ્રેમળ જ્યોતિનાં દર્શન થયા વિના નહીં રહે,

નવજીવન, ૨૦-૬-’૨૬

અંતર્યામીને મેં જોયો નથી, જાણ્યો નથી. જગતની ઇશ્વર વિશેની શ્રદ્ઘાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઇ રીતે ભૂંસી શકાય એવી નથી, તેથી તેને શ્રદ્ધારૂપે ઓળખતો મટી અનુભવરૂપે જ ઓળખું છું. છતાં એને એમ અનુભવરૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે, તેથી તેને શુદ્ધ રૂપે ઓળખાવનારો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય.

આત્મકથા (૧૯૫૨), પા. ૨૭૬

બાળપણથી જ સત્યનો ઉપાસક હોવાનો મારો દાવો છે. મારે માટેએ સૌથી સહજ વસ્તુ હતી. મારી ભક્તિભરી ખોજને પરિણામે ‘ઇશ્વર સત્ય છે’ એ પ્રચલિત સૂત્રને બદલે ‘સત્ય એ જ ઇશ્વર છે’ એ વસ્તુસ્થિતિનું હાર્દ પ્રગટ કરનારું સૂત્ર મને લાધ્યું. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઇશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું; મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલો અનુભવું છું. હરિજનબંધુ, ૯-૮-’૪૨

અહિંસા મારો ધર્મ છે, મારો ઇશ્વર છે; સત્ય મારો ધર્મ છે, મારો ઇશ્વર છે. સત્યને ઢુંઢું છું ત્યારે અહિંસાને ઢુંઢું છું ત્યારે અહિંસા કહે છે કે મારી મારફત ઢુંઢો.

નવજીવન, ૩૧-૫-’૨૫

વ્યાપક સત્નનારાયણનાં પ્રત્યક્ષ દર્શનને સારુ જીવનમાત્રની પ્રત્યે આત્મવત્‌ પ્રેમની પરમ આવશ્યકતા છે. અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો તેથી જ સત્યની મારી પૂજાઅને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઇ છે. ધર્મને રાજ્યપ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતાં મને સંકોચ નથી થતો, એમ કહેવામાં હું અવિનય નથી કરતો.

આત્મકથા (૧૯૫૨), પા.’૨૭

માનવજાતની સેવા કરી તે દ્ધારા હું ઇસ્વરને અનુભવવા મથું છું કેમ કે હું જાણું છું કે ઇશ્વર ઉપર સ્વર્ગમાં નથી કે અહીં નીચે નથી પણ હરેકમાં છે.

યંગ ઇન્ડિયા, ૪-૮-’૨૭

મને પૃથ્વીના નસ્વર નથી, મારો તો સ્વર્ગનું રાજ્ય, એટલે કે મોક્ષ મેળવવાનો પ્રયાસ છે. અને એ સાધ્ય પ્રાપ્ત કરવાને ગુહાનો આશ્રય લેવાની કશી જરૂર નથી, એક ગુહ નિત્ય નિરંતર હું સાથે લઇને ફરું છું જો મને તેનું જ્ઞાન રહ્યા કરતું હોય તો. અને ગુહાવાસી તો મનના મહેલ પણ રચે, જ્યારે મહેલમાં રહેનાર જનક જેવાને કોઇ મહેલ રચવાની જરૂર પણ ન રહે. જે ગુહાવાસીનું ચિત્ત સદાય સંસારમાં ભમ્યા સંસારમાં ભમ્ય કરતું હોય તેને શાંતિ નથી પણ અનેક રાજ્યવૈભવ ભોગવતા છતાં જનકને એવી શાંતિ હોય કે જેનો પાર નહીં પામી શકાય. મારે માટે તો મોક્ષનો માર્ગ મારા દેશની અને તે દ્ધારા જનસમાજની સેવામાં અનવરત પરિશ્રમ કરવામાં જ રહેલો છે. મારે પ્રાણીમાત્રની સાથે અભેદબાવ અનુભવવો છે.

નવજીવન, ૬-૪-’૨૪

માણસોને નામે ઓળખાય છે તે જીવો સાથે જ નહીં, જીવમાત્ર સાથેે, ભોંય પર પેટે ચાલનારા તુચ્છ મનાતા જીવો સાથે પણ મારે આત્મીયતા અથવા અભેદ અનુભવવો છે. તમને આઘાત લાગે તોયે મારે કહેવું જોઇએ કે ભોંય પરપેટ ઘસડીને ચાલનારા જીવો સાથે પણ હું આત્મીયતા અથવા અભેદ ઝંખું છું કેમ કે એક જ ઇસ્વરમાંથી ઊતરી આવ્યાની આપણે વાત કરીએ છીએ અને તેથી હરકોઇ દેખાતું ચેતનમાત્ર તત્ત્વતા એક જ હોવું જોઇએ.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯

‘ગાંધીવાદ’ જેવી કોઇ વસ્તુ છે જ નહીં; અને મારે મારી પાછળ કોઇ સંપ્રદાય મૂકી જેવો નથી. મેં કંઇ નવું તત્ત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યાં આવે છે. મેં તો માત્ર મારાથી બન્યું એટલા વિશાળ પ્રમાણમાં એ બંનેના પ્રયોગો કર્યા છે. એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે ને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. એટલે જીવન અને પ્રશ્નોમાંથી મને તો સત્ય અને અહિંસાના આચરણના પ્રયોગો કરવાનો અવકાશ મળી ગયો છે.

હરિજનબંધુ, ૨૯-૩-’૩૬

સત્ય અને અહિંસા પર મારી શ્રદ્ધા પળે પળે વધતી જાય છે અને મારા જીવનમાં તેમને ઉતારવાને હું પળે પળે મથું છું. તેથી મારો પણ પળે પળે વિકાસ થયા કરે છે, મને તે બંને વિશે નવા નવા અર્થ સૂઝતા જાય છે. દરરોજ મને તે બંનેનું નવું નવું દર્શન થયા કરે છે અને તેમનો નવો નવો અર્થ મારા દિલમાં ઊગે છે.

હરિજન, ૨-૨-’૪૦