Satya ae j Ishwar chhe - 6 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 6

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 6

૬. ઇશ્વર સચ્ચિદાનંદ છે

‘સત્ય’ શબ્દ સત્માંથી છે. સત્‌ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્‌’ એટલે ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અમે રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.

અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન - શુદ્ધ જ્ઞાન - છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર નામની સાથે ચિત્‌ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય. શોક હોય જ નહીં. અને સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ પણ શાશ્વત હોય આથી જ ઇશ્વરને આપણે સચ્ચિદાનંદ નામે પણ ઓળખીએ છીએ.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી, તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છ્‌વાસ લઇએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઇ પડે. સત્ય વિના કોઇ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.

સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ યોજયો છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઇ જાણવાપણું નથી રહેતું. કેમ કે જ્ઞાનમાત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઇએ તો આપણને તુરત ખબર પડે કે કઇ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઇ ત્યાજય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી.

પણ સત્ય જે પારસમણિ રૂપ છે, જે કામધેનુરૂપ છે તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છેઃ અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ ધાલાવેલી તે અભ્યાસ. તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરીશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જયાં શુદ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો ? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી જેને સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી એટલું જ નહીં, પણ તે જ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તોપણ તે સુધરી જવાની છે જ. કેમ કે સત્યની શોધની પાછળ તરશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય. એટલે તેમાં સ્વાર્થની તો ગંધ સરખીયે ન હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિ તે ‘શીશતણું સાટું’ છે; અથવા તે હરિનો મારગ હોઇ તેમાં કાયરતાને સ્થાન નથી. તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.

આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહ્‌લાદ, રામચંદ્ર, ઇમામ હસન, હુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દૃષ્ટાંતો વિચારી જવાં જોઇએ. આ રટણ સહુ, બાળક, મોટાં સ્ત્રીપુરુષ ચાલતાં, બેસતાં, ખાતાં પીતાં, રમતાં બધું કરતાં કર્યાં જ કરે ને તે કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તો કેવું સારુ ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણા બધાંને સારુ નીવડો.

મંગલપ્રભાત, પ્રકરણ ૧