Satya ae j Ishwar chhe - 4 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 4

૪. સત્ય એ જ ઇશ્વર છે

(લંડનમાં મળેલી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતાં સ્વિટ્‌ઝલૅન્ડમાં થયેલી એક સભામાં પૂછવામાં આવેલા એક જવાબમાં ગાંધીજીએ નીચે મુજબ કહ્યું હતું.)

ઇશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એેવું તમે મને પૂછયું. મારા બચપણમાં હિંદ ધર્મશાસ્ત્રોમાંથી વિષ્ણુસહસ્ત્રનામથી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઇશ્વરના હજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેના બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે એ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઇશ્વરનાં નામ છે અને ઇશ્વરની આપણે એમ પણ કહીએ છીએ કે ઇશ્વર નામરહિત છે. અને ઇશ્વરનાં અનેક રૂપો છે તેથી તે રૂપરહિત છે એમ પણ આપણે કહીએ છીએ. વળી, તે અનેક બોલીમાં આપણી સાથે વાત કરી છે તેથી આપણે તેને બોલી વગરનો કહીને ઓળખાવીએ છીએ. એ જ પ્રકારે તેનાં બીજાં વર્ણના પણ થાય છે. આથી ઇસ્લામનો અભ્યાસ કર્યો ત્યારે મેં જોયું કે ઇસ્લામ પણ તેને પાર વગરનાં નામો વડે ઓળખાવે છે. જે લોકો ઇશ્વર પ્રેમ છે. એમ કહે છે તેમની સાથે હું પણ કહીશ કે ઇશ્વર પ્રેમ છે. પણ મારા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાં હું કહેતો કે ઇશ્વર પ્રેમ ભલે હોય પણ સૌથી વિશેષ તો તે સત્ય છે. માણસની બોલીમાં ઇશ્વરનું પૂરેપૂરું વર્ણન થઇ શકતું હોય તો હું મારી જાતપૂરતો એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઇશ્વર સત્ય છે. પણ બે વરસ ઉપર હું એથીયે એક ડગલું આગળ જઇ કહેવા લાગ્યો કે સત્ય એ જ ઇશ્વર છે. ઇશ્વર સત્ય છે અને સત્ય એ જ ઇશ્વર છે એ બંને વિધાનો અથવા વર્ણનો વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ તમે જોઇ શકશો. અને આજથી લગભગ પચાસ વરસ ઉપર શરૂ થયેલી સત્યની એકધારી કઠોર ખોજને અંતે હું એ નિર્ણય પર પહોંચ્યો છું. એ ખોજ કરતાં હું સમજ્યો કે સત્યની પાસેમાં પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમનેમાટે કાંઇ નહીં તો અંગ્રેજીમ૩ાં વપરાતા લવ શબ્દના અનેક અર્થો થાય છે અને કામને નામે ઓળખાતો માણસ માણસ વચ્ચેના ખેંચાણમો તીવ્ર આવેગ માણસનું અધઃપતન કરનારો પણ નીવડે છે. વળી, મેં એમ પણ જોયું કે અહિંસાના અર્થમાં પ્રેમને ઓલખનારા પ્રેમનાભક્તોની સંખ્યા દુનિયામાં ઝાઝી નથી. પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં કદી આવ્યો નથી. અને ઇશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઇશ્વરનો ઇનકાર કરતાં અચકાયા નથ. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઇ શક્યો કે ઇશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઇશ્વર છે એમ કહેવું જોઇએ. અહીં મને ચાર્લ્સ બ્રેડલૉનું નામ યાદ આવે છે. તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં આનંદ માનતા. પણ હું તેમને ઇશ્વરથી ડરીને ચાલનારા માણસ તરીકે ઓળખાવું. મારા આવા દાવાનો તે ઇનકાર કર્યા વગર ન રહે એ હું જાણું છું. હું તેમને કહું કે “મિ. બ્રૅડલો, તમે સત્યથી ડરીને ચાલનારા માણસ છો, અને તેથી ઇશ્વરથી ડરીને ચાલનારા માણસ છો,” તો તેમનું મોં લાલચોળ થઇ જાય. તે છતાં સત્ય ઇશ્વર છે એમ કહીને હું સહેજમાંતેમની ટીકાને રોકી શકું કેમ કે એવી જ રીતે કેટલાયે ટીકા કરવાવાળા જુવાનિયાઓને મેં નિરુત્તર કર્યા છે. આ ઉપરાંત લાખો લોકોએ ઇશ્વરનું નામ લઇ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી. માણસો પ્રાણીશરીરની રચના સમજવાને કે સમજાવવાને પ્રાણીઓનું દેહછેદનું કેર છે ત્યારે સત્ય અને વિજ્ઞાનને નામે તેમના પર કેવી અમાનુષી ક્રૂરતા કરે છે તે હું જાણું છું. આમ ઇશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધુરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા તત્ત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડયા વગર રહેતી નથી.

આ ઉપરાંત અમારી હિંદુ ફિલસૂફીમાં બીજી એક વાત છે કે એક ઇશ્વર જ છે અને બીજું કશું નથી. ઇસ્લામના કલમામાં પણ એ સત્ય ભાર દઇને જણાવવામાં આવેલું જોવાનું મળશે. તેમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે એક ઇશ્વર જ છે અને બીજું કશુંયે નથી. હકીકતમાં સત્યને માટે વપરાતા સંસ્કૃત સત્‌ શબ્દનો શબ્દાર્થ જ જ ેછે તે અથવા જેની હયાતી છે તે એવો થાય છે. આ અને બીજાં તમને બતાવી શકું એવાં ઘણાં કારણોસર હું એવા નિર્ણય પર આવ્યો છું કે ‘સત્ય એ જ ઇશ્વર છે’ એ વ્યાખ્યા વડે વધારેમાં વધારે સમાધાન મળે છે. અને સત્યને તમેે ઇશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એકમાત્ર અનિવાર્ય સાધન પ્રેમ એટલે કે અહિંસા છે. અને વળી હુપં માનનારો છું કે આખરે સાધન અને સાધ્ય, એક જ અર્થના બે શબ્દો છે, બલ્કે બંને એક જ વસ્તુ છે તેથી ઇશ્વર પ્રેમ છે એવું કહેતાં પણ હું અચકાતો નથી.

‘ત્યારે હવે સત્ય શું છે ?’ એ સવાલ થયો.

સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો ઉકેલ મેં કાઢયો છે. તો પછી તમે પૂછશો કે જૂદા જૂદા લોકો જુદાં જુદાં અને એકબીજાની વિરોધી સત્યો કેમ વિચારતા હશે ? પણ વધારે વિચાર કરતા સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપો આપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય; અને તે જ કારણસર સત્યને માટે આ જાતના પ્રયોગો કરનારાઓએ નિર્ણય આપ્યો છે કે એવા પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલિમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઇએ. એટલે અનુભવને આધારે અમારે ત્યાં એેવી માન્યતા દૃઢ થયેલી છે કે જે લોકો પોતાની જાતે અંગત રીતે સત્યને ઇશ્વર તરીકે શોધીને પામવા માગતા હોય તેમણે કેટલાંક વ્રતો પાળીને સિદ્ધ કરવાં જોઇએ. દાખલા તરીકે તેમણે સત્યવ્રતનું, સત્ય અને ઇશ્વર માટેનો આપણો પ્રેમ બીજી કોઇ વસ્તુને માટે આપણે વહેંચી શકતા નથી તેથી બ્રહ્મચર્ય અથવા શુદ્ધિના વ્રતનું, અહિંસાવ્રતનું અને અપરિગ્રહ અને ગરીબીના વ્રતનું પાલન કરવું જોઇએ. આટલાં પાંચ વ્રતો અંગીકાર કર્યા વગર સત્યની શોધના પ્રયોગમાં ન પડવું વધારે સારું થાય. બીજી પણ કેટલીક શરતો આને અંગે મુકવામાં આવી છે, પણ તે બધી અહીં તમારી આગળ ગણાવી જવાની જરૂર નથી. આ પ્રયોગો કરનારા લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે અને વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે. વળી, કોઇ પણ જાતની યમનિયમની તાલિમમાંથી પસાર થયા વગર આજે હરેક જણ પોતાના અંતઃકરણના અવાજ મુજબ ચાલવાનો હક આગળ ધરે છે અને આજની મુંઝવણમાં પડેલી દુનિયાને એટલું બધું અસત્ય વહેંચવામાં આવે છે કે સાચી નમ્રતાથી હું તમને એટલું જ સૂચન કરી શકું કે જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઇથી સત્યની શોધ થઇ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળતાપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઇએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.

યંગ ઇન્ડિયા. ૩૧-૧૨-’૩૧