Satya ae j Ishwar chhe - 5 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 5

૫. ઇશ્વર પ્રેમ છે

જગતના નિયમો જાણનારા શાસ્ત્રીઓ કહે છે કે જો આ આકર્ષક શક્તિ પરમાણુમાત્રમાં ન હોય તો આ આપણો પૃથ્વીનો ગોળો ભરભર ભૂકો થઇ જાય એટલે આપણે જીવવું અશકય થઇ પડે. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાનો શક્તિ છે તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં એટલે આપણામાં હોવી જોઇએ. આકર્ષક શક્તિનું નામ પ્રેમ છે આપણે પિતાપુત્ર વચ્ચે, ભાઇબહેને વચ્ચે, મિત્રમિત્ર વચ્ચે અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ ત્યાં જ ક્ષેમ છે. જ્યાં વેર ત્યાં નાશ છે.

નવજીવન, ૨૫-૪-’૨૦

કુદરતમાં પદાર્થો એકબીજાને એકબીજાથી અળગા કરતા ઘણા પ્રમાણમાં જોવાના મળે છે છતાં સાચું જોતાં કુદરત પોતે આકર્ષણથી નભે છે. પદાર્થ પદાર્થ વચ્ચેના પ્રેમને આધારે કુદરતનો ખેલ ચાલ્યા કરે છે. માણસ પણ નાશ કરવાની વૃત્તિ વડે ટકી ન શકે. પોતાને માટેના પ્રેમમાંથી જ બીજાને માટેના પ્રેમની ફરજ ઊભી થાય છે. રાષ્ટ્રોના સંપીને રહી શકે છે. રાષ્ટ્રોના અંગરૂપ વ્યકિતઓમાં પરસ્પર લાગણી હોય છે તેથી જ રાષ્ટ્રો સંપીને રહી શકે છે. જેમ કુટુંબને એક રાખનારો નિયમ રાષ્ટ્ર સુધી એટલે કે વધારે વ્યાપક કુટુંબ સુધી વિસ્તારીને આપણે રાષ્ટ્રો નિર્માણ કર્યાં તેમ કોક દિવસ રાષ્ટ્રને એકતાના બંધનમાં રાખનારો નિયમ આપણે વિશ્વ સુધી વિસ્તાર્યા વિના ચાલવાનું નથી.

યંગ ઇન્ડિયા, ૨-૩-’૨૨

મેં જોયું છે કે જીવન વિનાશની વચ્ચે જ ટકી રહ્યું છે, તેથી વિનાશ કરતાં બીજો કોઇ મોટો નિયમ હોવો જોઇએ. તે નિયમ તળે જ સુવ્યવસ્થિત સમાજ જેવી વસ્તુ હોઇ શકે, જીવન જીવવા યોગ્ય રહે અને જો તે જીવનનો નિયમ હોય તો આપણા રોજના વ્યવહારમાં પણ તેને અમલમાં મુકવો જોઇએ. જ્યાં જયાં ઘર્ષણ પેદા થાય, જયાં જયાં તમારી સામે વિરોધી આવીને ઊભો રહે ત્યાં તેને પ્રેમથી જીતજો - આવી સાદી રીતે મેં તેને મારા જીવનમાં આચર્યો છે. તેનો અર્થ એ નથી થતો કે મારી બધી મુશ્કેલીઓ ઊકલી ગઇ છે. પરંતુ મને એટલું ચોક્કસ દેખાયું છે કે વિનાશનો નિયમ નહીં નીવડ્યો હોય તેટલો આ પ્રેમનો નિયમ સફળ નીવડ્યો છે.

નવજીવન, ૪-૧૦-’૩૧

હું માનું છું કે માનવજીતિની પ્રવૃત્તિ એકંદરે આપણને આપણને પાડવા માટે નથી પણ ચડાવવા માટે છે, અને એ પ્રેમધર્મની ગૂઢ પણ ચોક્કસ અસરનું પરિણામ છે. માનવજાતિ ટકી રહી છે એ બતાવે છે કે વિનાશ કરતાં જીવનની શક્તિ મોટી છે.

નવજીવન, ૧૫-૧૧-’૩૧

પ્રેમ અથવા અહિંસા એ જો જીવનધર્મ ન હોય તો... ફરી ફરીને ફાટી નીકળતાં ને દર વખતે ખૂનરેજીની ભયાનકતામાં વધતાં જતાં યુદ્ધોમાંતી છૂટવાનો રસ્તો રહેતો જ નથી.

હરિજનબંધુ, ૨૭-૯-’૩૬

જગતમાં થઇ ગયેલા સર્વ ધર્મગુરુઓએ ઓછાવત્તા જોશથી એ પ્રેમધર્મનો ઉપદેશ આપ્યો છે. પ્રેમ એ જો જીવનધર્મ ન હોત તો ચોમરે મૃત્યુ વ્યાપેલું હોવા છતાં જીવન ટકી રહ્યું છે તે ટકી ન શકત. જીવન એ મૃત્યુ પરનો નિરંતર વિજય છે. મનુષ્ય અને પશું વચ્ચે ધરમૂળનો કંઇ ભેદ હોય તો તે એ છે કે મનુષ્ય આ જીવનધર્મને ક્રમશઃ ઓળખતો ગયો છે ને તેને પોતાના આચરણમાં ઉતારવાનો એણે પ્રયત્ન કર્યો છે. જગતના પ્રાચીન તેમ જ અર્વાચીન સર્વ સાધુસંતો, પોત પોતાનાં જ્ઞાન અને સામર્થ્ય પ્રમાણે, આપણા એ પરમ જીવનધર્મની જીવતીજાગતી પ્રતિમારૂપ હતા. આપણા હ્ય્દયમાં રહેલી આસુરી વૃત્તિ ઘણી વાર સહેજે જીવ મેળવતી દેખાય છે એ સાચું છે. પણ એથી એ જીવનધર્મ ખોટો સિદ્ધ નથી થતો. એ તો બતાવે છે કે એનું આચરણ કેટલું આકરું છે. જે ધર્મ સત્યના જેટલો જ પરમ કોટિનો છે તેનું આચરણ અઘરું કેમ ન હોય ? એ ધર્મનું આચરણ સર્વવ્યાપી થશે ત્યારે ઇશ્વર જેમ સ્વર્ગમાં રાજ્ય કરે છે તેમ ધરણી પર કરશે. સ્વર્ગ અને ધરણી આપણાં હ્ય્દયમાં જ છે એ વસ્તુ મને યાદ દેવડાવવાની જરૂર નથી. આપણે આપણાં હ્યદયમાં રહેલી ધરણીને ઓળખીએ છીએ, હ્ય્દયમાં પ્રતિષ્ઠિત થયેલી સ્વર્ગથી અજાણ્યા છીએ. પ્રેમધર્મનું આચરણ કેટલાકને માટે શક્ય છે એમ કબૂલ કરીએ, તો સૌને માટે શક્ય નથી એમ કહેવામાં અહંકાર છે. હજુ થોડાજ જમાના પર આપણા પૂર્વજો નરભક્ષણ કરતા ને એવાં બીજાં ઘણાં કામો કરતા જેથી આજે આપણને ચીતરી ચડે. એ દિવસોમાં પણ ડીક શેપર્ડ જેવા માણસો પડ્યા હશે. જીવતા મનુષ્યોને ખાવાની ના પાડવાનો એ જમાનાના લોકોને વિચિત્ર લાગતો સિદ્ધાંત ઉપદેશતા માટે એવા માણસોને લોકોએ હસી કાઢયા હશે ને કદાચ ફાંસીએ પણ ચડાવ્યા હશે.

હરિજનબંધુ,૨૭-૯-’૩૬

ઇશ્વર વાદળાંઓમાં વસતી શક્તિ નથી. ઇશ્વર અણછતી શક્તિ છે અને આંગળીના નખ માંસની જેટલા સમીપ છે તેના કરતાંયે તે આપણી વધારે સમીપ છે. આપણામાં અણછતી રીતે રહેલી અનેક શક્તિઓ છે અને એકધારી જહેમતથી જ આપણે તે ખોળી શકીએ છીએ.એ જ રીતે, એ પરમ શક્તિને ખોળવાને માટે અટલ નિશ્ચયથી આપણે ખંતપૂર્વક ખોજ કરતા રહીએ તો આપણે તેને ખોળી શકીશું. એવો એક રસ્તો અહિંસાનો રસ્તો છે. એ બહું જ જરૂરી છે, કેમ કે, ઇશ્વર આપણા સૌમાં રહેલો છે અને તેથી એક પણ અપવાદ વિના પ્રત્યેક મનુષ્ય સાથે આપણે એકરૂપ થઇ જવું જોઇએ. વિજ્ઞાનની ભાષામાં અને આકર્ષણ કહે છે. લોકોની સામાન્ય ભાષામાં એને પ્રેમ કહેવામાં આવે છે. પ્રેમ કહેવામાં આવે છે. પ્રેમ આપણને એકબીજા સાથે તેમ જ ઇશ્વર સાથે બાંધે છે. અહિંસા અને પ્રેમ એક જ વસ્તુ છે.

(તા. ૧-૬-’૪૨ના એક ખાનગી પત્રમાંથી)

હરિજનબંધુ, ૪-૪-’૫૩