Hindu Dharmnu Hard - 25 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 25

Featured Books
Share

હિંદુ ધર્મનું હાર્દ - 25

(25)

૧૦૮. સામુદાયિક પ્રાર્થનાની સાધના

(મુંબઈની સાયં પ્રાર્થનામાં આપેલા ભાષણનો સંક્ષિપ્ત ઉતારો - ‘સાપ્તાહિક પત્ર’માંથી)

આપણે હિંદુ હોઈએ કે મુસલમાન, પારસી હોઈએ કે યહૂદી અથવા શીખ, બધાં એક ઈશ્વરનાં સંતાન છીએ.

ચોવીસે કલાક તેનું સ્મરણ કરવું આપણને છાજે પણ એમ ન કરી શકાય તો ઓછામાં ઓછું પ્રાર્થનાને સમયે તો બધાય ભેગા મળીને એનું નામ લઈએ.

સંયુક્ત પ્રાર્થના એ અખિલ માનવજાતિની એકકુટુંબ ભાવના સાધવાનું સારામાં સારું સાધન છે. સામૂહિક રામધૂન અને તાલ એ સાધનાનાં બાહ્ય ચિહ્‌નો છે.

એ કેવળ યાંત્રિક ન હોય. જ્યારે એ આંતરિક એકતાનો પડધો હોય છે, ત્યારે એમાંથી જે શક્તિ ને માધુર્ય પેદા થાય છે, એ શબ્દો દ્વારા નહીં - અનુભવ દ્વારા સમજી શકાય છે.

૧૦૯. જાહેરમાં પ્રાર્થનામાં મનની એકાગ્રતા થઈ શકે ?

(‘નોંધ’માંથી)

પ્ર. : તમીરી પ્રાર્થનાસભાઓમાં જે હજારો લોકો એકઠા મળે છે, તે

લોકો પ્રાર્થના સમયે કોઈ એક પણ બાબત પર એકધ્યાન થતા હશે યા થઈ

શકે ખરા ?

ઉ. : હું કહું કે થઈ શકે. કેમ કે, સામુદાયિક પ્રાર્થનાને વિશે મને

શ્રદ્ધા ન હોય, તો જાહેરમાં પ્રાર્થના કરવાનું હું બંધ કરી દઉં. મારા અનુભવથી મારી શ્રદ્ધાને પુષ્ટિ મળે છે. આ પ્રાર્થનાની સફળતાનો આધાર

પ્રાર્થનામાં આગેવાન થનારની શુદ્ધતા અને શ્રોતાની શ્રદ્ધા પર અવલંબે છે.

એવા દાખલાઓની મને જાણ છે, જેમાં આગેવાન દંભી ને શ્રોતા શ્રદ્ધાળુ હતા. પણ સૂર્યની જેમ સત્ય અસત્યના અંધકારની વચ્ચે રહીને જ પોતાનો

પ્રકાશ ફેલાવે છે. મારી બાબતમાં કેવું પરિણામ આવ્યું છે, તે ઘણું ખરું મારા

મરણ બાદ સ્પષ્ટ થશે.

૧૧૦. ફરજિયાત પ્રાર્થના

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. : અખિલ ભારત ચરખા સંઘની રાજસ્થાન શાખાનો હું એક કામદાર છું. હું પ્રાર્થનામાં માનનારો છું. પણ મારા કેટલાક સાથીઓને પ્રાર્થના વિશે આસ્થા નથી. છતાં સંસ્થાના નિયમોની રૂએ તેમને પ્રાર્થનામાં જોડાવું પડે છે. તેમને ધાસ્તી લાગે છે કે જો તેઓ પ્રાર્થનામાં હાજરી ભરવાની ના પાડે તો તેમની નોકરી જાય. મને લાગે છે કે સંસ્થા પોતાના નોકરોને જે વેતન આપે તે એમના આઠ કલાકના કામના બદલામાં આપે છે. એ નોકરીના સાટામાં પોતાના નોકરોને સંસ્થાની પ્રાર્થનામાં ફરજિયાત હાજરી ભરવાનો આગ્રહ ધરાવવાનો એને શો હક છે ?

ઉ. : ફરજિયાત પ્રાર્થના જેવી વસ્તુ ન જ હોઈ શકે. પ્રાર્થનાને જો

પ્રાર્થના તરીકે કશી કિંમત હોય તો તે મરજિયાત જ હોઈ શકે એ તો દેખીતું છે. પણ આજકાલ ફરજની બાબતમાં પણ લોકોમાં વિચિત્ર ખ્યાલો પ્રવર્તે છે.

જો તમારી સંસ્થામાં એવો નિયમ હોય કે તેના પગારી-બિનપગારી એકેએક સંસ્થાવાસી વ્યક્તિએ સામાન્ય પ્રાર્થનામાં હાજરી ભરવી જોઈએ તો મારા અભિપ્રાય મુજબ તમે તેવી હાજરી ભરવા બંધાયેલા છો, જેમ બીજી ફરજે અદા કરવા બંધાયેલા છો. તમે સંસ્થામાં જોડાયા એ તમારું મરજિયાત પગલું હતું. જોડાયા ત્યારે તમે સંસ્થાના નિયમો જાણી લઈને જોડાયા હતા અગર તો તમારે જાણી લેવા જોઈતા હતા. તેથી તમે નોકરીને અંગે કબૂલેલી બીજી

બાબતોની જેમ પ્રાર્થનામાં હાજરી ભરવાની વાતને પણ હું તો મરજિયાત પગલું જ ગણું. એકલા પગાર સામું જોઈને જ જો તમે નોકરી સ્વીકારી હોય

તો તમારે જોડાતી વખતે જ વ્યવસ્થાપક જોડે ચોખવટ કરી લેવી જોઈતી હતી કે હું પ્રાર્થનામાં નહીં બેસું. અને જો પ્રાર્થનામાં બેસવા સામે વાંધો છતાં તમે તે વાંધો રજૂ કર્યા વગર જ સંસ્થામાં જોડાયા હો તો તમે ખોટું કર્યું, જે બદલ

તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત બે રીતે થઈ શખે - એક તો સાચા દિલથી પ્રાર્થનામાં જોડાઈને, અગર તો રાજીનામું આપીને તથા એમ એકાએક રાજીનામું દઈને છોડી જવાથી સંસ્થાને થનારી નુકસાની ભરી આપીને. કોઈ

પણ સંસ્થામાં જોડાનાર એ સંસ્થાનો સંચાલક વર્ગ તરફથી વખતોવખત ઘડાતા નિયમોનું પાલન કરવા બંધાયેલો છે. જ્યારે કોઈ નવો બનેલો નિયમ

ત્રાસદાયક લાગવા માંડે ત્યારે માણસ સંસ્થાનાં ધારાધોરણની રૂએ પોતાનું રાજીનામું રજૂ કરીને સંસ્થા છોડી શકે. પણ પોતે સંસ્થામાં છે ત્યાં સુધી એ નિયમોનો ભંગ એણે ન જ કરવો જોઈએ.

૧૧૧. રામનામનો મંત્ર

(મિ. મોરીસ ફ્રાઈડમેને ગાંધીજીને લાંબો કાગળ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે પ્રાર્થના જેવી બાહ્ય ક્રિયાઓ સત્યસાધના અને પ્રેમભાવની કેળવણીનાં અસરકારક સાધનો નથી અને નિરંતર અવલોકનશીલ, સચેત અને સાવધાનીનો માર્ગ અપનાવવા કહ્યું. આ પત્ર ઉપર ગાંધીજીએ કરેલું સ્પષ્ટીકરણ નીચે આપ્યું છે. ‘અખંડ જ્યોતિ એ જ ઉપાય’ મથાળા હેઠળ પત્ર અને સ્પષ્ટીકરણ પ્રગટ થયાં છે.

મિ. ફ્રાઈડમેન આ પ્રમાણે લખે છે. પ્રજા એમને ભારતાનંદના નામથી વધારે સારી રીતે પિછાને છે. તેમના લખાણનું જે કંઈ તથ્ય હોય, તે માટે મેં

તે અહીં ઉતાર્યું છે. હુ એથી આકર્ષાયો નથી કારણ કે, બીજા ઉપાયોની પેઠે આ પણ લોકપ્રિય થયો નથી. જો સાત દિવસનું જ કામ હોત, તો તેની શાખ

પૂરનારા જગતમાં આજે આટલા જૂજ લોકો કેમ છે ? જેટલા પ્રમાણમાં મદદરૂપ છે, તેટલા પ્રમાણમાં એ પ્રચલિત છે અને બીજા અનેક ઉપાયોમાંનો એ પણ એક છે. પછી ચાહો તો તેને અખંડ જાગૃતિ કહો, સાવધાની કહો, ધ્યાન કહો કે સમાધિ કહો. પ્રાર્થના, માળા કે બીજી કોઈ બાહ્ય ક્રિયાનું સ્થાન તે ન લઈ શકે.

પ્રાર્થના અને માળા માત્ર દેખાવ પૂરતાં જ ન હોય, તો અખંડ જાગૃતિ એ ક્રિયાઓમાં ઉમેરા રૂપ છે. સાચે જ, પ્રાર્થના તો પૂરેપૂરી આંતરિક ક્રિયા છે.

રામનામનો મંત્ર જેમને લાધ્યો, તેઓ અખંડ જાગૃતિનો ઉપાય જાણતા હતા.

અનુભવે તેમને જણાયું કે, સત્યના અને અહિંસાના આચરણ માટે રામનામ એ જ સર્વોત્તમ ઉપાય છે.

૧૧૨. સચોટ મદદ

આત્મસંયમને સારુ મદદરૂપ એવી ત્રણ વસ્તુઓ એક પ્રશ્નકાર સૂચવે છે. તેમાં બે બાહ્ય અને એક આંતરિક છે. આંતરિક વસ્તુ તે નીચે મુજબ વર્ણવે છે :

“આત્મસંયમમાં મદદરૂપવ થાય એવી ત્રીજી વસ્તુ તે રામનામ.

કામવાસનાને ઈશ્વરપ્રાપ્તિની લગનીમાં પલટી નાખવાની અજબશક્તિ રામનામમાં છે. અમુભવ પરથી મને લાગે છે કે, વસ્તુતઃ મનુષ્ય પ્રાણીમાં રહેલો કામ એક પ્રકારની કુંડલિની શક્તિ છે. કુદરતની સાથે લડતો આવ્યો છે, તેમ આ કુદરતી વૃત્તિની સામે લડી તેને અધોગામી ન થવા દેતાં ઊર્ધ્વગામી કરવી જોઈએ. કુંડલીની ઊર્ધ્વગામી થતાં તે બુદ્ધિની દિશામાં ઉપર જાય છે, પછી ધીમે ધીમે માણસને બોધ થાય છે કે, તે પોતે અને જે જે વ્યક્તિને તે જુએ છે તે સૌ, એક જ પરમાત્માનાં ભિન્ન ભિન્ન રૂપ છે.”

ઈશાપ્રાપ્તિમાં રામનામ ખાતરીલાયક મદદ આપે છે, તેમાં શક નથી.

હૃદયથી તેનું રટણ કરીએ, તો તે અસદ્‌ વિચારને ભગાડી મૂકે છે અને અસદ્‌

વિચાર જ ન હોય, તો અસદ્‌ આચાર ક્યાંથી સંભવે ? મન નબળું હોય, તો બાહ્ય મદદ નકામી છે. મન શુદ્ધ હોય, તો તેની જરૂર નથી. એનો અર્થ એ નથી કે, શુદ્ધ મનવાળો માણસ ગમે તે છૂટ લઈનેય સુરક્ષિત રહી શકે. આવો

માણસ પોતાની જાતની સાથે છૂટ લે જ નહીં. તેનું આખું જીવન તેની અંતરની શુદ્ધતાની અછૂક સાખ પૂરશે. ગીતામાં એ જ સત્ય કહેલું છે કે,

મનુષ્યનું મન જ તેને તારે છે યા તો મારે છે. એ જ વિચાર અંગ્રેજ કવિ મિલ્ટને બીજી રીતે મૂક્યા છે. તે કહે છે કે,

‘માનવીનું મન ચાહે તો નરકનું સ્વર્ગ અને સ્વર્ગનું નરક કરી શકે છે.’

૧૧૩. નામજપથી પાપહરણ

(આશ્રમની એક બહેનને ગાંધીજીએ ગુજરાતીમાં ઘણા પત્રો લખ્યા છે. આ કાગળો

મથાળા હેઠળ મરાઠીમાં પ્રગટ થયા છે.) નામજપની પાપહરણ આ રીતે તાય છે. શુદ્ધ ભાવથી નામ

જપનારને શ્રદ્ધા હોય જ. નામજપથી પાપહરણ થાય જ એવા નિશ્ચયથી તે આરંભ કરે છે. પાપહરણ એટલે આત્મશુદ્ધિ. શ્રદ્ધાપૂર્વક નામ જપનાર થાકે તો નહીં જ. એટલે જે જિહ્‌વાથી થાય છે એ છેવટે હૃદયમાં ઊતરે છે ને તેથી શુદ્ધિ થાય છે. આવો અનુભવ નિરપવાદ છે. માનસશાસ્ત્રીઓ પણ માને છે કે માણસ જેવું વિચારે છે તેવો થાય છે. રામનામ આને અનુસરે છે. નામજપ ઉપર મારી શ્રદ્ધા અખૂટ છે. નામજપને શોધનાર અનુભવી હતો અને એ શોધ

અત્યંત મહત્ત્વની છે એવો મારો દૃઢ અભિપ્રાય છે. નિરક્ષરને સારુ પણ શુદ્ધિદ્વાર ખુલ્લું હોવું જોઈએ. તે નામજપથી થાય છે. (જુઓ ગીતા ૯-૨૨, ૧૦-૧૧)

૧૧૪. રામનામનો કીમિયો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

રામનામ જેના હૃદયમાંથી નીકળે તેની ઓળખ શી ? જો આપણે આટલું જાણી લઈએ તો રામનામ બહુ વગોવાવાનો સંભવ છે. આમ પણ વગોવાય તો છે જ. માળા પહેરી, તિલક તાણી, રામનામનો બબડાટ કરનાર ઘણા મળે છે. તેમાં વળી હું વધારો તો નહીં કરતો હોઉં ? એ ભય જેવોતેવો નથી. અત્યારના મિથ્યાચારમાં શું કરવું ઘટે ? શું મૌનસેવક ઠીક ન હોય ?

હોઈ શકે. પણ તે કૃત્રિમપણે કદી નહીં. જીવંત મૌનને સારુ પ્રૌઢ સાધના જોઈએ. તેની ગેરહાજરીમાં હૃદયગત રામનામની ઓળખ વિચારીએ.

એક વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્ત અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઈએ કે રામભક્ત પંચ

મહાભૂતોનો સેવક હશે. તે કુદરતને અનુસરશે, તેથી તેને કોઈ જાતનો વ્યાધિ

નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી, દેહનું ભલે હોય. એટલે કે જેને મન દેહ જ દેહી છે, દેહને ભિન્ન દેહધારી આત્મા જેવું કંઈ તત્ત્વ નથી, તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હતો છતો દેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી, દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર-વૈદોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મ કરતો તે આત્માનો જ વિચાર કરે છે, એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.

આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ

જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં.

તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યુ છે.

એ રામને પોતાની પાસે રાખવા સારુ કે પોતાને રામની પાસે રાખવાને સારુ તે પંચ મહાભૂતોની મદદ લઈ સંતોષ પામશે એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ, નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને. આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામને આ સહાયકોની દરકાર નથી.

પણ તેને બદલે જે એક પછી એક વૈદ્ય-હકીમો પાછળ ભમે ને રામનામનો દાવો કરે એ બંધ બેસે તેમ નથી.

એક જ્ઞાનીએ મારું લખાણ વાંચી એમ લખ્યું કે રામનામ એવો કીમિયો છે કે તે શરીરનું પરિવર્તન કરે છે. જેમ કે વીર્યનો માત્ર સંગ્રહ દાટી રાખેલા ધનની જેમ છે. તેમાંથી અમોઘ શક્તિ તો રામનામ જ ઉત્પન્ન કરી શકે. એકલો સંગ્રહ અકળામણ પેદા કરે. એનું પતન ગમે ત્યારે થાય. પણ તે જ્યારે રામનામના સ્પર્શથી ગતિમાન થાય છે, ઊર્ધ્વગામી થાય છે ત્યારે તેનું પતન અલંભવિત થાય છે.

શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ

શુદ્ધ વીર્યશક્તિની જરૂર છે. આને દિવ્યશક્તિ કહીએ, એ શક્તિ બધી

ઈંદ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનામ હૃદયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.

આનું સમર્થન પશ્ચિમમાં પણ મળે છે. કિશ્ચિયન નાંમે સંપ્રદાય એ જ નહીં તો એવું કંઈક કહે છે. રાજકુમારીએ સેવન્થ ડે ઍડવૅન્ટિસ્ટ (ક્વેકરોનો એક પંથ)ના પુસ્તકમાં એવા ઉતારા આ અંકને સારુ કર્યા છે.

હિંદને આ સમર્થનની જરૂર નથી એમ માનું છું કેમ કે હિંદમાં આ દિવ્ય વિદ્યા પ્રાચીન કાળથી ચાલી છે.

૧૧૫. અંધારની ઘડીએ મારો આશરો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

ગાંધીજી કંઈ આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે કે નહીં, અને કાય

પુસ્તકના વાચનમાંથી તેમને મદદ મળી છે એ જાણવાની મિ. મેથ્યુઝને જિજ્ઞાસા હતા.

ગાંધીજી : યોગની ક્રિયાઓ હું જાણતો નથી. હું જે ક્રિયાઓ કરું છું તે બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો એટલે એ

મને કહેતી : “ભૂત જેવું કંઈ છે જ નહીં, છતાં તને ડર લાગે તો રામનામ

લેજે.” હું બાળપણમાં જે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુનો અર્થ તો એક જ છે, ને સમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામસ્મરણ પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ. ધાર્મિક વાચનમાં તો અમે ઼ક્રટક્રઘ્ૅટક્રટ્ટભક્રનો નિત્ય પાઠ કરી છીએ, અને હવે અમે એટલે લગી પહોંચ્યા છીએ કે દરરોજ પ્રાતઃકાળે અમુક નક્કી કરેલા અધ્યાયો વાંચીને અઠવાડિયામાં આખી ગીતા પૂરી કરીએ છીએ. તે ઉપરાંત ભારતવર્ષના અનેક સંતોનાં ભજન ગાઈએ છીએ, ને એમાં ખ્રિસ્તી ભજનો પણ રાખ્યાં છે. હમણાં ખાનસાહેબ અહીં છે એટલે કુરાનમાંથી પણ વાચન ચાલે છે. અમે માનીએ છીએ કે સર્વ ધર્મ સમાન છે. મને તુલસીદાસના રામાયણના વાચનમાંથી સૌથી વધારે આશ્વાસન મળે છે. મને બાઈબલના નવા કરાર તેમ જ કુરાનમાંથી પણ આશ્વાસન મળ્યું છે. હું એ ટીકાકારની નજરે નથી વાંચતો.

એનું મારે મન જેટલું જ મહત્વ છે. જો કે નવકારમાંથી બધું - દાખલા તરીકે પૉલના પત્રોમાંથી બધું - મને નથી ગમતું, તેમ તુલસીદાસમાંથી પણ બધું મારે ગળે નથી ઊતરતું. ગીતા એ શુદ્ધ અને ઓપ ચડાવ્યા વગરનો ધાર્મિક સંવાદ છે. જીવાત્માની પરમાત્મા પ્રત્યેની પ્રગતિનું એ વર્ણન માત્ર છે. એટલે એમાંથી ચૂંટણી કરવાનો સવાલ જ નથી રહેતો.

૧૧૬. અમોઘ આશરો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

લશકમ આગળ નિરાશ્રિતોની છાવણી છે. અને ગાંધીજીના દર્શન કરવાને તથા તેમને સાંભળવાને પ્લેટફૉર્મ પર જમા થયેલા ટોળા મારફતે ગાંધીજીએ નિરાશ્રિતોને ઉદ્દેશીને બે શબ્દો કહ્યા. “હું કોઈ ઝપાટાબંધ પ્રચાર કરવાના પ્રવાસે અહીં આવ્યો નથી. હું તો તમારામાંનો એક થઈને તમારી સાથે રહેવા માટે અહીં આવ્યો છું. મારામાંય પ્રાંતીયતાની સંકુચિત ભાવના નથી. હું તો હિંદી હોવાનો દાવો કરું છું અને તેથી હું ગુજરાતી હોવા છતાં બંગાળી પણ છું. મેં મારા મન સાથે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી ઝેરવેરને છેવટનાં દફનાવવામાં ન આવે અને એક એકલદોકલ હિંદુ કન્યા મુસલમાનો વચ્ચે છૂટથી હરતાંફરતાં ડરે નહીં, ત્યાં સુધી હું અહીં રહીશ અને જરૂર પડશે તો અહીં મરીશ.”

ગાંધીજીએ તેમને કહ્યું કે, “તમારા દિલમાંથી ભયને તમે દૂર કરો તો તમે મને ભારેમાં ભારે મદદ કરી ગણાશે.” પણ કઈ જાદુઈ વસ્તુ તેમનામાં એ વસ્તુ સાધી શકે ? ગાંધીજીનો અમોઘ મંત્ર ‘રામનામ’ એ વસ્તુ છે. “તમે કદાચ કહેશો કે અમને એમાં શ્રદ્ધા નથી. તમને એની ખબર નથી, પરંતુ તેના વિના તમે એક શ્વાસ પણ ન લઈ શકો. ચાહો તો એને ઈશ્વર કહો યા અલ્લા, ગૉડ કે અહરમઝ્‌દ કહો. દુનિયામાં જેટલા માણસો છે તેટલાં અગણિત તેનાં નામો છે. એની સમાન વિશ્વમાં બીજું કંઈ નથી. એ જ એક મહાન છે, વિભુ છે. એનાથી મોટો જગતમાં બીજો કોઈ નથી. તે અનાદિ, અનંત, નિરંજન અને નિરાકાર છે. એવો મારો રામ છે. તે જ એક મારો સ્વામી અને માલિક છે.”

નાનપણમાં પોતે કેવા બીકણ હતા અને પડછાયાનો પણ તેમને ડર લાગતો હતો તથા તેમની આયા રંભાએ ભયા મારણ તરીકે રામનામનું રહસ્ય શીખવ્યું હતું, એ પ્રસંગનો ગાંધીજીએ લાગણીવશ થઈને ઉલ્લેખ કર્યો. રંબા મને કહેતી કે, ‘બીક લાગે ત્યારે રામનામ લેજે. તે તારી રક્ષા કરશે.’ એ દિવસથી રામનામ એ દરેક પ્રકારના ભય માટે મારો અમોઘ આશરો થઈ પડ્યું છે.

પવિત્ર લોકોના હૃદયમાં તે સદાય વસે છે. બંગાળમાં જેમ શ્રી ચૈતન્ય તથા શ્રી રામકૃષ્ણ પરમહંસનું તેમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હિંદુઓમાં જેમનું નામ ઘેર ઘેર પ્રચલિત છે, તે ભક્તશિરોમણિ તુલસીદાસે પોતાના અમર રામાયણમાં આપણને રામનામનો મંત્ર આપ્યો છે. રામનામનો ડર રાખીને તમે ચાલો, તો જગતમાં તમારે રાજા શું કે રંક શું, કોઈનાથી બીવાપણું નહીં રહે.