Prem - Nafrat - 82 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૮૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૨

આરજી ન્યૂ મોબાઈલની ખપતથી ખુશ હતો. તેને અપેક્ષા ન હતી એનાથી વધુ વેચાણ થઈ રહ્યું હતું. થોડી ખોટ જઈ રહી હતી પણ એ વાતનો આનંદ હતો કે મોબાઇલના બજારમાં સફળ પ્રવેશ મેળવી લીધો હતો. આટલા બધા મોબાઈલ બજારમાં મૂક્યા હોવા છતાં લોકો મોબાઈલ મળી રહ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા હતા.

જી ન્યૂ મોબાઈલની માંગ વધી જ રહી હતી ત્યારે રચના એક મોટો ઓર્ડર પૂરો કરવા લોન લેવાની હતી એનો આરવને વાંધો ન હતો પણ એ વેપારીની ઓળખ તે છુપાવી રહી હતી એની નવાઈ લાગી રહી હતી. એના આ પગલાં પાછળનું કારણ એને સમજાઈ રહ્યું ન હતું. રચનાને એણે પૂછ્યું ત્યારે એટલું જ કહ્યું હતું કે એ વેપારીએ ના પાડી છે. આરવે લાંબા વિચાર પછી એવું અનુમાન બાંધ્યું કે એ વેપારીનું નામ જાહેર થવાથી હિરેન અને કિરણ એમની ઓલ એન વન મોબાઈલ કંપનીના મોબાઈલ માટે પણ વાત કરી શકે છે એવી રચનાને શંકા હશે અથવા પેલો વેપારી બે નંબરના પૈસા લગાવવા માગતો હોવાથી નામ જાહેર કરી રહ્યો નથી.

આરવ અને રચનાએ બે-ત્રણ ફાઇનાન્સ કંપની પાસે લોનની માંગણી કરી. કંપનીએ લોન આપવાની તૈયારી બતાવી પણ કંપનીના પ્રોડકશન વિભાગની મુલાકાત લીધા પછી ના પાડી દીધી હતી. એમણે કારણ આપ્યું ન હતું પણ સાચું કારણ એ હતું કે કંપની દ્વારા પડતર કિંમતથી ઓછા ભાવથી વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હોવાથી ફાઇનાન્સ કંપનીઓ જોખમ લેવા માગતી ન હતી. આરવ ગભરાઈ ગયો હતો. એણે રચનાની ના છતાં ખાનગીમાં પિતાને કોઈ ખાનગી ફાઇનાન્સ કંપની વિશે પૂછ્યું હતું. લખમલભાઈએ બે દિવસ પછી એક ધીરધાર પેઢી અંબાલાલ એન્ડ જમનાલાલ કંપનીનું નામ આપ્યું હતું. એ પેઢીએ લખમલભાઈની ઓળખાણને લીધે નાણાં ધીરવાનું મંજૂર રાખ્યું હતું. આરવે લખમલભાઈએ નહીં પણ પોતે કંપની શોધી હોવાનું રચનાને જણાવ્યું તેથી એ ખુશ થઈ હતી.

અંબાલાલ એન્ડ જમનાલાલ કંપનીએ નાણાં પૂરા પાડ્યા પછી જી ન્યૂ મોબાઈલનું પ્રોડકશન શરૂ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં મોબાઈલ બનાવીને બજારમાં વેચવા મૂકી દેવામાં આવ્યા હતા. આ વખતે પણ ઝડપથી વેચાણ થઈ ગયું. રચનાએ ડિલ કરી હતી એ વેપારીએ જ મોટો જથ્થો ઉપાડી લીધો હતો. આરવ ખુશ હતો કે એની કંપનીની શરૂઆત જબરદસ્ત થઈ હતી. રચના પણ ખુશ હતી કે લખમલભાઈને જ નહીં હિરેન અને કિરણને પણ નવા મોબાઇલની સફળતાથી જવાબ આપી દીધો હતો.

આરવે પહેલા મોબાઇલની સફળતા પછી બીજો નવો મોબાઈલ લોન્ચ કરવાનું આયોજન કરવાનું શરૂ કર્યું. હવે મોબાઈલ ઊંચી કિંમતે વેચવાનું નક્કી કર્યું હતું. જેથી અગાઉની ખોટની ભરપાઈ થઈ જાય. હવે નવો મોબાઈલ નામને કારણે જ વેચવાનો હતો. ત્યારે ખ્યાલ આવ્યો કે નવા મોબાઇલના પ્રોડકશન માટે પૂરતી મૂડી નથી. અને નાણાં ઉછીના લીધા હતા એમાંથી થોડા ચૂકવવાના હજુ બાકી છે.

આરવ અને રચના મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. શરૂઆત તો કરી દીધી હતી પણ આગળ વધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ હતું. એમને ખબર ન હતી કે મોબાઈલ સસ્તામાં વેચવાનો નિર્ણય ધંધા માટે મોંઘો સાબિત થઈ રહ્યો હતો. બંનેની પરિવાર સામે તો લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી સ્થિતિ હતી. એ પોતાની સમસ્યા કોઈને કહી શકે એમ ન હતા. એક સપ્તાહથી બંને મૂંઝાતા હતા. ઘરમાં કોઇની સાથે સરખી વાત કરી શકતા ન હતા. આરવને થયું કે રચનાને દોષ આપીને કોઈ ફાયદો નથી. રચનાને થયું કે પોતે ભૂલ કરી છે પણ સ્વીકારી શકે એટલું મોટું દિલ નથી. વચ્ચે અહમનો પર્વત છે.

આગળ કેવી રીતે વધવું એની વિચારણમાં એક મહિનો વીતી ગયો અને કંપની બંધ રહેતી હોવાથી માથા પર ખર્ચ ચઢવા લાગ્યો હતો. દેવું વધતું જતું હતું. રચનાને થયું કે હવે એક જ રસ્તો છે. એણે જ્યારે આરવને પોતાનો વિચાર જણાવ્યો ત્યારે તે ચોંકી ગયો.

ક્રમશ: