A book lover's little theory. in Gujarati Children Stories by Jagruti Pandya books and stories PDF | પુસ્તક પ્રેમી નાનકડો સિદ્ધાંત.

Featured Books
Categories
Share

પુસ્તક પ્રેમી નાનકડો સિદ્ધાંત.

પુસ્તક પ્રેમી નાનકડો સિદ્ધાંત

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? શાળાઓ શરૂ થઈ ગઈ છે. નવું શૈક્ષણિક સત્ર, નવુ ધોરણ, નવો ક્લાસ, નવા ક્લાસ ટીચર અને નવી નવી ચોપડીઓ! ખરું ને ? આજે હું તમને એક પાંચ વર્ષના બાળકની વાત કરવાની છું. આ બાળક તમારી જેમ જ ઈંગ્લેન્ડમાં નવી શાળાએ જાય છે અને ત્યાંથી અવનવું શીખીને આનંદમાં રહે છે. ઘરે આવીને ટીચરે કહ્યું હોય તે બધું જ કરે છે. નિયમિત શાળાએ જવું તેને ખૂબ ગમે છે. નિયમિત વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે છે. તો ચાલો જાણીએ, કેવી છે સિદ્ધાંતની શાળા! એવું તો શું છે, જેથી રોજ સિદ્ધાંતને શાળાએ જવું ગમે છે ? સિદ્ધાંત રોજ શા માટે પુસ્તકો વાંચે છે ? વાંચનમાં રસ કેવી રીતે કેળવી શકાય? જાણીએ સિદ્ધાંતની વાતો પરથી!!!!


સિદ્ધાંતની અનોખી શાળા :-

આ બાળકનું નામ છે - સિદ્ધાંત. ઈંગ્લેન્ડમાં, સુરેય શહેરના રેડહીલમાં, મેથેવ્ઝ પ્રાઈમરી શાળામાં અભ્યાસ કરે છે. સિદ્ધાંતની ટિચરનું નામ છે ચીસેમન!! શાળામાં ટીચર તેને રોજ વાંચવાના રૂમમાં એટલે કે પુસ્તકાલયમાં લઈ જાય. પુસ્તકોના ઢગલાંઓની વચ્ચે બેસીને દરેક બાળક જે પુસ્તક વાંચવું હોય તે વાંચે. ટીચર બાળકને મદદ કરે. પુસ્તક વાંચ્યા પછી ટીચર સાથે પુસ્તકમાં શું વાંચ્યું તેની વાત કરે. વાંચનનો તાસ પૂરો થયા પછી ટીચર બાળકોને ઘરેથી પુસ્તક વાંચવા કહે અને બીજા દિવસે શાળામાં આવીને વાંચેલા પુસ્તક વિશે વાત કરવાની.


સિદ્ધાંતનું નાનુ પુસ્તકાલય :-

હવે સિદ્ધાંતને રોજ શાળાએ જવું ગમે છે. વાંચનનો તાસ ખૂબ ગમે છે. રંગબેરંગી અને ચિત્રો સાથેની નાની નાની પુસ્તિકાઓ સાથે મૈત્રી થઈ ગઈ છે. હવે સિદ્ધાંતને પુસ્તકોનું વ્યસન થઈ ગયું છે. સિદ્ધાંતના પેરેન્ટ્સે હવે તેને મનપસંદ પુસ્તકો લાવી આપ્યાં છે. સિદ્ધાંતને ઘરે રોજ રાત્રે પુસ્તકો વાંચવાનો સમય ફાળવવામાં આવ્યો છે. સિદ્ધાંત રોજ તેની મમ્મી સાથે વાંચવા બેસે છે. બીજે દિવસે શાળાએ જઈને ટિચરને વાત કરે છે. નિયમિત વાંચવાની ટેવથી નવાં નવાં પુસ્તકો ખરીદવા પડ્યા છે. હવે તેના ઘરે નાનું પુસ્તકાલય જોઈને સિદ્ધાંત ખુશ ખુશ થઈ ગયો છે.

પસંદગીનાં પુસ્તકો વાંચો :-

તમને બાળવાર્તાઓ ગમતી હોય તો જુદા જુદા પ્રકારની બાળવાર્તાઓનાં પુસ્તકો ખરીદો. વિજ્ઞાન વિષયમાં રસ હોય તો વિજ્ઞાનનાં પુસ્તકો ખરીદવા. તે જ રીતે ગણિત, ઇતિહાસની જાણકારી, સામાન્ય જ્ઞાન, સાહસ કથાઓ, રામાયણ મહાભારતની કથાઓ વગેરે જેવાં રસનાં વિષયો મુજબ પુસ્તકો ખરીદવા. જેથી કરીને વાંચવું ગમે. વાચનમાં રસ કેળવાય. સિદ્ધાંતની પસંદગીનું પુસ્તક 'હેરી પોટર ' છે.

વાર્તાનો ઓડિયો સાંભળો:-

તમારી પાસે જે કંઈ પણ વાર્તાનું પુસ્તક હોય તે વાર્તાનો ઓડિયો સાંભળો. અધવચ્ચેથી બંધ કરીને કેટલે સુધી આવ્યા તે શોધીને આગળ વાંચવાનો પ્રયત્ન કરો. આ રીતે વાચનમાં રસ કેળવાશે. વાર્તાઓ સિવાય અન્ય વિષયોના ઓડિયો સાંભળો અને વાંચો. વાંચનમાં રસ કેળવવાનું સાથે સાથે એકાગ્રતા વધારવાનું આ એક અગત્યનું સાધન છે.



ઈતર વાંચન માટે સમય ફાળવો :-

આમ જોઈએ તો વાંચન ગમે તે સમયે કરી શકાય. નવરાશના સમયે કરી શકાય. પરંતુ જો તમે એક ચોક્કસ સમય રાખો તો નિયમિત પણે વાચન કરી શકાય છે. વાંચન માટે સમય નથી મળતો એવું એક બહાનું હોય છે તેના માટે એક ચોક્કસ સમય નક્કી કરવો. અને હા, ઘરનાં સભ્યો સાથે બધાં જ એક સમયે વાચન કરે તો ખૂબ આનંદ આવે છે અને નિયમિત વાચન થાય છે. માટે ઈતર વાંચન માટે બધાં સાથે નક્કી કરીને એક સમય નક્કી કરી લો. સિદ્ધાંત રોજ રાત્રે તેનાં મમ્મી પપ્પા સાથે અંગ્રેજી ચિત્ર વાર્તાઓ વાંચવા બેસે છે.

સારા પુસ્તકોની ફિલ્મ જોવી :-

એવાં ઘણાં પુસ્તકો છે જેની ફિલ્મો બની છે. અથવા તો વાર્તાઓના વિડિયો પણ જોઈ શકાય. જો તમે ફિલ્મ જોઈને પુસ્તક વાંચો અથવા તો પુસ્તક વાંચીને ફિલ્મ જુવો તો તમને ખૂબ રસ પડશે. તમારી પસંદગીની વાર્તાઓ અને રામાયણ મહાભારતની કથાઓ પણ વિડિયો કે ફિલ્મ જુવો. શિવાજીની શૌર્ય કથાઓની સિરિયલ આવે છે તે જુવો અને બાકીનું વાચન કરી જુવો. તમને વાંચનમાં ખૂબ રસ પડશે.


શિક્ષકો, માતા પિતા અને મિત્રો સાથે ચર્ચા :

તમે વાંચેલા પુસ્તકોની ચર્ચા કરો. એકબીજાની પસંદગીનાં પુસ્તકો વાંચો અને ચર્ચા કરો. સારા સારા પુસ્તકોની ચર્ચા કરો અને વાંચો. એકબીજા સાથે પસંદગીનાં પુસ્તકોની ચર્ચા કરવાથી, વાંચવા લાયક અન્ય પુસ્તકોનો ખ્યાલ આવે છે. માતા પિતા અને શિક્ષકો પાસેથી બીજા વાંચી શકાય તેવાં પુસ્તકો વિષે જાણો અને વાંચો. સારા પુસ્તકોની ચર્ચા કરી તેવાં પુસ્તકો વાંચો. આમ, વાંચનમાં રસ કેળવવા માટે ચર્ચા એ પણ અગત્યનો મુદ્દો છે.

તો જોયું ને બાળકો, સિદ્ધાંતની વાત પરથી તમને ખ્યાલ આવ્યો ને કે વાચનમાં રસ કેળવવા માટે શું કરી શકાય ? તમને પણ વાંચવું ગમે છે પરંતુ કેવી રીતે વાંચવું? શું વાંચવું ? ક્યારે વાંચવું ? આ બધી બાબતોની મૂંઝવણ હતી. તો આજે સમજ્યા ને ? છો ને તૈયાર? પુસ્તકોને મિત્રો બનાવવા?