Runanubandh - 18 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 18

પરેશભાઈનો ગમગીન ચહેરો જોઈને કુંદનબેન તરત જ બોલ્યા, 'શું થયું? કોનો ફોન હતો?'

'ભાઈનો ફોન હતો. બાપુજીની તબિયત અચાનક ખુબ બગડી છે, તો એમને અહીં લઈને આવે છે. હું હોસ્પિટલે એમના માટે બધી વ્યવસ્થા કરવા જાવ છું.' બધું જ એકદમ ફટાફટ પરેશભાઈ બોલતા ગયા અને રૂપિયા તિજોરી માંથી કાઢી બહાર નીકળી ગયા. સાથોસાથ ભલામણ પણ કરી કે, તું અહીં બંને દીકરીઓ છે એની પાસે રહેજે એવું લાગશે તો તને બોલાવીશ.

કુંદનબેન કહી બોલે એ પહેલા જ પરેશભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા. પરેશભાઈને ક્યારેય આટલા વ્યાકુળ એમણે નહોતા જોયા. ખરેખર કેટલી વેદના થાય જયારે આપણું કોઈ અંગત બીમાર હોય! આવી જ સ્થિતિ કુંદનબેનની હતી. કુંદનબેને પ્રીતિ અને સૌમ્યાના રૂમ તરફ નજર કરી હતી. રૂમની લાઈટ બંધ જોઈ એટલે કુંદનબેન ને થયું કે બંન્ને દીકરીઓ ઊંઘી ગઈ લાગે છે. આથી એમને સવારે જ વાત કરવાનું ઉચિત લાગ્યું હતું. કુંદનબેન પોતાના રૂમમાં ગયા અને આરામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વ્યથિત મને આજ એમને ઊંઘ આવતી નહોતી. એકાદ કલાક પછી એમણે પરેશભાઈને ફોન કરીને બાપુજી વિશે માહિતી પૂછી હતી. બાપુજીની તબિયત ખુબ ખરાબ હતી. એમને ICU માં દાખલ કર્યા હતા. એમની એવી પરિસ્થિતિમાં તો અજયના ઘરે હવે જવું શક્ય જ નહોતું.

પરેશભાઈએ વહેલી સવારે હસમુખભાઈને ફોન કર્યો હતો.
'હેલ્લો'

'હેલ્લો પરેશભાઈ! નીકળી ગયા?'

'ના હસમુખભાઈ! મારા બાપુજીની તબિયત સારી નથી એમને ગઈકાલે મોડી રાત્રે અહીં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ICU માં છે. આથી આ કારણે અમે નીકળી શક્યા નથી. તો માફ કરશો.'

'અરે એમાં માફી માંગવાની ન હોય! બાપુજીને સારું થઈ જાય એ પછી આવજો.'

'હા. એમને સારું થાય એ પછી જ નીકળશું. આવશું એ પહેલા ફોન કરીને જણાવશું. ઘરે બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો.'

'હા ચોક્કસ. જય શ્રી કૃષ્ણ.'

પરેશભાઈએ ફોન દ્વારા બધી જ વાતની જાણ કુંદનબેનને પણ કરી અને પ્રીતિને પણ કહેવા કહ્યું હતું.

પ્રીતિ તો આખી રાત વિચારોમાં જ રહી કે, આવતીકાલ એ ફરી અજયને મળશે, એ હરખમાં અને એના વિચારોમાં એ રાત્રે ઊંઘમાં પણ એના જ સપના જોતી રહી હતી. જેવી ઉઠીને તૈયાર થવા જઈ રહી હતી ત્યાં જ કુંદનબેને બાપુજીના સમાચાર આપ્યા, અને અજયના ઘરે જવાનું મુલત્વી રાખ્યું એ કહ્યું હતું.

પ્રીતિ એકદમ ચિંતાતુર સ્વરે બોલી, 'મમ્મી તો ચાલ આપણે હોસ્પિટલ જઈએ. મારે દાદાને જોવા જવું છે.'

'હા, આપણે જરૂર જાશું પણ અત્યારે એ ICU માં છે એટલે ત્યાં મળવા નહીં જવા દે. હોસ્પિટલના વિઝીટર અવરમાં જાશું. અને બાપુજીને બધી જ ટ્રીટમેન્ટ અડધી રાતથી જ ચાલુ થઈ ગઈ છે. તું ચિંતા ન કર દીકરા.'

'મમ્મી હું સૌમ્યાને જગાડીને દાદાની વાત કહું છું.'

પ્રીતિ દાદાની બધી વાત સૌમ્યાને કરે છે. અને બંને દાદાની ચિંતામાં દુઃખી થઈ જાય છે.

આ તરફ હસમુખભાઈ ફોન પર થયેલ વાત સીમાબહેન ને કરે છે. સીમાબેન બોલ્યા, ઓહ્હ તો હવે એ લોકો આવી નહીં શકે ને! મેં કેટલી બધી તૈયારી કરી રાખી હતી.'

'અરે સીમા તને તારી તૈયારીની ચિંતા થાય છે, ત્યાં પરેશભાઈના બાપુજી ICU માં છે...'

સીમાબેન ભોંઠા પડતા વાત સાંભળી ન સાંભળી અને અજયના રૂમ તરફ ગયા.

અજય હજુ ઊંઘતો જ હતો. એમને તેની ઊંઘ બગાડવી ઠીક લાગ્યું નહીં. તેઓ અજયની પાસે બેઠા અને હળવેકથી માથે હાથ ફેરવી અજયના ચહેરાને નીરખી રહ્યા હતા. એકદમ માસુમ લાગતા પોતાના દીકરાના ચહેરાના દુખડા લઈને તેઓ ઉભા થયા અને અજય સેજ સળવળ્યો, એ હજુ ઊંઘમાં જ હતો. એ ઊંઘમાં જ પ્રીતિ નામ ધીરા સ્વરે બોલ્યો, પણ સ્વર એટલો ધીરો નહોતો કે સીમાબેન સાંભળી ન શકે! દરેક માતા આવું અચાનક સાંભળે તો રાજી થાય પણ સીમાબહેનને પ્રીતિથી ઈર્ષા થઈ, સીમાબહેનને અજયનું પ્રીતિ તરફનું ખેંચાણ કાંટાની માફક ડંખ્યું હતું.

પ્રેમમાં ક્યારેય ખોટ આવે એવું બનતું હશે?
માતૃત્વ અન્ય સબંધ સામે હારતું હશે?
શાને પરવરિશમાં શંકા ઉત્તપન્ન કરે છે?
દોસ્ત! મનમાં વેર રાખીને કોઈ સબંધ જીતતું હશે?

સીમાબહેન ઉભા થઈને સડસડાટ રૂમની બહાર નીકળી ગયા હતા. એમને થયું કે હજુ એકવાર જ જોયેલ પ્રીતિ માટે આટલો લગાવ! પોતાની લાગણી એમને ઉતરતી દેખાણી જે એમનાથી સહન થતું નહોતું. ખુબ દુઃખી થઈ ગયા હતા. સ્ત્રીઓને જયારે ઈર્ષાનો રંગ ચડે છે ત્યારે ભલભલા સબંધને એ ઈર્ષાની અગ્નિમાં હોમી નાખે છે. આ એક કડવું સત્ય છે. જે સ્ત્રીઓ ભાગ્યે જ સ્વીકારે છે. અહીં સીમાબહેનના મનમાં પણ સેજ ઈર્ષાનું બીજ અજાણતા જ રોપાઈ ગયું હતું. જેનું ગંભીર પરિણામ ભવિષ્યમાં આખા પરિવારે જોવાનું હતું.

સીમાબહેનના રૂમની બહાર નીકળતા જ એમણે ભાવિનીને જોઈ અને તેમણે પરેશભાઈએ કીધેલ વાત ભાવિનીને કહી હતી.

ભાવિની તો દુઃખી થઈ બોલી, અરે રે! પ્રીતિના મનને કેટલું દુઃખ થતું હશે!

સીમાબહેનના મનમાં ઉઠેલી આગમાં ઘી હોમવાનું કામ જાણે અજાણતા જ ભાવિનીએ કરી નાખ્યું. સીમાબહેન બોલી ઉઠ્યા, એમાં શેનું દુઃખ? એના દાદા મોટી ઉંમરના છે તો બીમાર થાય એ સામાન્ય જ વાત કહેવાય ને?

ભાવિનીથી સવારમાં કોઈ વાત પર બોલાચાલી થાય નહીં આથી એણે ચૂપ રહેવું જ યોગ્ય લાગ્યું હતું.

કુંદનબેન, પ્રીતિ, અને સૌમ્યા હોસ્પિટલે બાપુજીને જોવા પહોંચી જ ગયા હતા. પ્રીતિ પોતાના દાદાને આમ જોઈને સેજ ગભરાઈ ગઈ હતી. પોતાના પરિવારની કોઈ વ્યક્તિને એણે પહેલીવાર આમ જોઈ આથી એનું કોમળ હૃદય આ વાતને સ્વીકારી શક્યું નહીં. એની આંખ સેજ ભીની થઈ ગઈ હતી.
સૌમ્યા થોડી પ્રીતિ કરતા કઠણ આથી એતો દાદાને કઈ કઈ ટ્રીટમેન્ટ ચાલુ છે અને શું એમની હેલ્થનું સ્ટેટ્સ છે એ બધું નોંધવા લાગી હતી. કુંદનબેને પોતાની બંને દીકરીઓની આ બાબતને નોંધી જ લીધી હતી. તેઓ કાંઈજ બોલ્યા વિના પ્રીતિ પાસે જઈને એના માથે હાથ ફેરવવા લાગ્યા હતા. પ્રીતિ દાદાને જોવામાં જ મશગુલ હતી, એને ધ્યાન જ નહોતું કે મમ્મી એની બાજુમાં આવી ગયા હતા.

પ્રીતિ એકદમ વિચારમાં પડી ગઈ કે, દાદા બીમાર થયા તો મને એટલી તકલીફ થાય છે તો જેમને દાદા જોયા જ ન હોય કે એમની લાગણી કે હૂંફ મેળવી ન હોય એ બાળક કેટલા બધા સુખ અને લાગણીથી વંચિત રહેતું હશે! અચાનક એનું મન અનેક વિચારોમાં ઘેરાવા લાગ્યું હતું. વિચાર એવા આવતા હતા કે એ વિચારોનું એના જીવન સાથે કોઈ તથ્ય જ નહોતું છતાં એ વિચાર એને દુઃખી કરી રહ્યા હતા. હોસ્પિટલના સ્ટાફબોયે એમને બધાને બહાર જવાનું કહ્યું ત્યારે પ્રીતિના વિચારો પર બ્રેક લાગી હતી.

પ્રીતિ ઘરે આવી અને મોબાઈલને હાથમાં લીધો સમય ઠીક ૧૧ વાગ્યાનો બતાવી રહ્યો હતો. ગયા રવિવારે ૧૧ વાગ્યે અજયનો પરિવાર આવ્યો હતો એ વાત એને અચાનક યાદ આવી ગઈ હતી. પ્રથમ મુલાકાત અને એની અનુભૂતિ આજ પણ પ્રીતિના રોમ રોમમાં અનુભવાઈ રહી હતી.

તારી યાદમાં જ રોમરોમમાં તું અનુભવાઈ જાય છે,
તને યાદ કરું અને તારા શબ્દો સંભળાઈ જાય છે,
લાગણીકેરું અંકુર એવું ફૂટ્યું હૃદયનાં પટાંગણે..
દોસ્ત! જોને નયન સમક્ષ પ્રત્યક્ષ અસ્તિત્વ તારું રચાઈ જાય છે.

પ્રીતિ પોતાની વિચારોની લાગણીને સમેટી મનના ખૂણામાં મૂકી અને પોતાના કામમાં મન પરોવવા લાગી હતી.

અજયની સવાર ભાવિનીના અવાજથી પડી હતી.
'ઉઠને ભાઈ! જો સવાર પડી! કેટલું ઊંઘે છે જો તો સહી પ્રીતિ પણ આવી ગઈ.'

અચાનક પ્રીતિનું નામ સાંભળતા અજય એકદમ જાગી ગયો. આસપાસ જોવા લાગ્યો. પણ પ્રીતિ કે કોઈનો અવાજ કઈ જ ન સંભળાયું.

'અરે ભાઈ! બહુ ઉત્પાત ન કર. આ તો તું ઉઠતો નહોતો એટલે એવું બોલી. પ્રીતિના દાદાની તબિયત સારી નથી આથી એ લોકો આજ આવશે નહીં.'

'ઓહ્હ! દાદાને ઠીક નથી. તને કોને કહ્યું, કે તું પાછી મારી ફીરકી લે છે?'

'મને મમ્મીએ કીધું. સાચું કહું છું. તું પણ શું ભાઈ... હું આવી મજાક થોડી કરું.'

'ઓકે ઓકે .. તું મોઢું ન મચકોડ હું એમ જ પૂછું છું.'

ક્યારે મળશે ફરી પ્રીતિ અને અજય?
શું થશે આ સમયે કોઈ વિઘ્ન? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻