Pranay Parinay - 52 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 52

પ્રણય પરિણય ભાગ ૫૨


ગઝલ તૈયાર થઈને નીચે આવી રહી હતી ત્યારે સામેનો સીન જોઈને દાદરા પર જ થંભી ગઈ.


નીચે એક છોકરી વિવાનના ગળે લટકીને તેના ચહેરા પર કિસ કરી રહી હતી. અને વિવાનને પતિદેવ કહીને સંબોધી રહી હતી.

એ છોકરી હતી સમાઈરા.


સમાઈરા.. કૃષ્ણકાંતની માનેલી બહેન વૈભવીની દિકરી, એના પપ્પાના અવસાન પછી માં દિકરીને કૃષ્ણકાંત પોતાના ઘરે લઈ આવ્યા હતા. એ વિવાન કરતાં નાની અને કાવ્યા કરતાં મોટી હતી. પણ બધા સાથે જ મોટા થયા હતાં. સમાઈરા બચપણથી જ વિવાનને પ્રેમ કરતી હતી અને વિવાન સાથે લગ્ન કરવાના સપના જોતી હતી. વિવાનને તે હંમેશાં પતિદેવ કહીને બોલાવતી. વિવાનને જો કે એ પસંદ નહોતું. એ હંમેશાં એનાથી ચિડતો હતો. સમાઈરા અત્યારે અમેરિકામાં રહીને એમ એસ કરી રહી હતી. અને આજે અચાનક આવી ગઈ હતી. ગઝલ તેના વિશે સાવ અજાણ હોવાથી તે આઘાતમાં હતી.


'ઘરવાળી? પતિદેવ? આ બધું શું છે?' ગઝલ ભયંકર ગડમથલથી એ લોકો સામે જોઈ રહી હતી.


રઘુનું ધ્યાન દાદારા પર ઉભેલી ગઝલ તરફ ગયું અને તેણે વિવાનને હાથનો ઠોંસો મારીને તેનું ધ્યાન એ તરફ દોર્યું.


વિવાને દાદરા તરફ જોયું તો ત્યાં ગઝલ સ્તબ્ધ થઈને એના સામે જોઈ રહી હતી. ગઝલનાં ચહેરા પર આઘાતનાં ભાવ આવીને થીજી ગયાં હતાં. વિવાનના ચહેરા પર ડર ફરી વળ્યો.


'સમાઈરા.. સ્ટોપ ઈટ યાર..' વિવાને અકળાઈને સમાઈરાને હડસેલો મારીને થોડી દૂર કરી. તેણે ગઝલ સામે જોયુ.


ફઈ અને દાદી પણ ગઝલ સામે તાકી રહ્યા.

'અરે વહુ બેટા!' દાદી ગઝલ સામે જોઈને બોલ્યાં.


'તમે મને વહુ કહીને બોલાવી એના માટે થેન્ક યુ દાદી.. આ મારા અજડ જેવા પતિને પણ થોડું સમજાવો ને!' સમાઈરા વિવાનનો હાથ હાથમાં લઈને બોલી. એને એમ કે દાદીએ તેને વહુ કહીને બોલાવી હતી. એટલી વારમાં ગઝલ દાદરો ઉતરીને દાદી અને ફઈ ઉભા હતાં ત્યાં આવી.


'સમાઈરા.. દિકરા, આ ગઝલ છે.' વૈભવી ફઈ એકદમ પ્રેમથી બોલ્યા.


'ગઝલ કોણ?'


'ગઝલ વિવાનની પત્ની છે, બેટા.' દાદીએ કહ્યુ. એ સાંભળીને સમાઈરા હો હો કરીને હસવા લાગી.


'સમાઈરા..!?' વૈભવીના અવાજમાં ચિંતા ભળી.


'મોમ.. આ જોને દાદી પણ હવે જોક મારવા લાગ્યા.' કહીને સમાઈરા ફરીથી હસવા લાગી.


'સમાઈરા.. બેટા, આ જોક નથી. ગઝલ સાથે વિવાનના લગ્ન થયા છે.' વૈભવી ફઈ ભારે કંઠે બોલ્યા.


'તમે બધા શું લગન લગન મંડાયા છો? બચપણથી જ મારા અને વિવાનના લગ્ન નક્કી છે તો વચમાં આ ક્યાંથી આવી?' સમાઈરા ગુસ્સાથી ગઝલ સામે જોઈને બોલી. તેણે હજુ પણ વિવાનનો હાથ પકડી રાખ્યો હતો.


'સમાઈરા.. લિસન ટુ મી.. મેં ગઝલ સાથે લગ્ન કરી લીધાં છે.' વિવાન તેના હાથમાંથી હાથ છોડાવતા બોલ્યો.


'તારા લગ્ન બીજી કોઈ છોકરી સાથે થાય એ વાત જ મને બિલકુલ સ્વીકાર્ય નથી.. આપણે પ્રેમ કરીએ છીએ એકબીજાને.. હું તને મનથી વરી ચૂકી છું, મારા સ્વામીનાથ..' સમાઈરા વિવાનના ગાલ પર હાથ મૂકીને બોલી.


'નહીં સમુ.. હું ફક્ત ગઝલને પ્રેમ કરુ છું.'


'શક્ય જ નથી વિવાન.. તું જૂઠુ બોલે છે ને? આપણે નાનપણથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. તને યાદ છે, આપણે ઘર ઘર રમતાં ત્યારે પણ આપણે જ પતિ પત્ની બનતા હતા? એ વખતે જ આપણે લગ્ન પણ કરી લીધા હતાં.' સમાઈરા આંખોમાં પાણી સાથે ગળગળા સાદે બોલી.


'સમાઈરા.. આપણે નાના હતા ત્યારે રમતા એ બચપણનો એક ખેલ હતો, હું કાવ્યા માટે થઈને તારી સાથે રમતો. બાકી મને તો ત્યારે પણ એ નહોતુ ગમતું.' વિવાને શબ્દો ચોર્યા વિના કહ્યુ.


'પરંતુ મારા માટે એ કોઈ રમત નહોતી વિવાન, હું તો ત્યારે પણ એને હકીકત માનતી હતી અને આજે પણ માનું છું. મારે તો તારી સાથે લગ્ન કરીને સંસાર માંડવો છે અને તું કહે છે કે એ ખેલ હતો? તું આવું બોલી પણ કેમ શકે વિવાન? મે મારી આખી જીંદગીમાં તારા સિવાય બીજા કોઈ છોકરા વિશે વિચાર્યું સુધ્ધાં નથી. કારણ કે તું જ મારો એકમાત્ર પ્રેમ છે. આપણે મોટા થઈને લગ્ન કરીશું અને આપણો રૂડો સંસાર વસાવશું એ સ્વપ્ન જોઈને જ હું મોટી થઇ છું. અને તું કહે છે કે એ બધુ ખેલ સમજીને ભૂલી જઉં?' સમાઈરા વિવાનનો કોલર પકડીને રડવા લાગી. વૈભવીની આંખમાં પણ આંસુ હતા, કેમ ન હોય! તેની એકની એક દીકરી હતી એ.


'સમાઈરા, આઈ એમ સોરી.. આઈ ડોન્ટ, રાધર નેવર લવ્ડ યુ. હું ગઝલને પ્રેમ કરુ છું અને અમારા લગ્ન થઈ ગયા છે એ જ સત્ય છે.' વિવાને તેના માથા પર હાથ ફેરવતાં કહ્યુ.


'આઈ હેટ યુ વિવાન.. આઈ હેટ યુ..' કહીને સમાઈરા રડતી રડતી તેના રૂમમાં જતી રહી.


'સમી બેટા સાંભળતો..' કહેતી વૈભવી તેની પાછળ ગઈ.


**


આ બધામાં ગઝલની હાલત સૌથી કફોડી હતી. આ દ્રશ્ય જોઇને તેને એવું લાગતું હતું કે જાણે પોતે વિવાન અને સમાઈરાના પ્રેમની વચ્ચે આવી ગઈ. પણ આમા તેની તો કોઈ ભૂલ જ નહોતી. સમાઇરાના અસ્તિત્વથી જ તે તો અજાણ હતી.

તેની બાજુમાં ઊભેલા દાદીને કદાચ તેની મનોવ્યથાનો અણસાર આવ્યો. તેણે ગઝલના માથા પર હાથ ફેરવ્યો.


'વહુ બેટા, તું વધારે વિચાર નહી કર, સમાઈરાને તમારા લગ્ન સ્વીકારવા માટે થોડો સમય આપવો પડશે. તે ડાહી છોકરી છે, જરૂર સમજી જશે.' દાદીએ કહ્યું. પણ ગઝલ કંઈ બોલી નહીં. તેને તો ગિલ્ટ ફીલ થતું હતું. તે પોતાની રૂમમાં પાછી જતી રહી.

વિવાન ઊભો રહીને તેને જતી જોઇ રહ્યો હતો. દાદીએ ઈશારો કર્યો એટલે તે ગઝલની પાછળ ઉપર ગયો.


ગઝલ બાલ્કનીમાં જઈને ઉભી હતી. વિવાન તેની નજીક જઈને ઉભો રહ્યો. થોડી પળો એમ જ શાંતિમાં વીતી. છેવટે ગઝલએ ખામોશી તોડી


'તમે આવુ શું કામ કર્યું વિવાન..?'


'મારી વાત સાંભળ ગઝલ, સમાઈરાને..'


વિવાનનું વાકય પુરુ થાય તે પહેલાં ગઝલ બોલી: 'તમે દગો આપ્યો ને?'


'ના, મે ક્યારેય તેને ચાહી નથી. હંમેશાંથી હું તેને આ વાત કહેતો આવ્યો છું.'


'પણ એ તો ચાહતી હતી ને?'


'હશે! પણ હું તેને પ્રેમ નહોતો કરતો. મેં તો ફક્ત તને જ પ્રેમ કર્યો છે.' વિવાન તેના ખભા પકડીને બોલ્યો. તે નીચુ જોઈને ઉભી રહી.


'સમાઈરાને મેં ફક્ત મારી મિત્ર તરીકે જ જોઈ છે. એ ભલે મારા ફઈની દિકરી કહેવાય પણ અમારી વચ્ચે લોહીનો સંબંધ ન હોવાથી બાળપણમાં અમારી ઉંમરના બાળકો અમને પતિ પત્ની કહીને ચિડવતા. બસ એટલું જ. અને નાનપણથી એ અને ફઈ અમારી સાથે રહેતા હોવાથી અમે ભેગા રમતાં રમતાં સાથે મોટા થયાં. ટ્રસ્ટ મી ગઝલ, મેં ફક્ત તને જ પ્રેમ કર્યો છે.' વિવાને ગઝલનો હાથ હાથમાં લઈને કહ્યુ. ગઝલની આંખોમાંથી આંસુ ખરી રહ્યા હતા. વિવાને તેને આલિંગનમાં લીધી.


આ બાજુ સમાઈરાએ તેના રૂમમાં આવીને ગુસ્સામાં બધો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો.


'હાઉ કેન હિ ડુ ધીસ? મને છોડીને બીજી છોકરી વિષે વિચારી જ કેમ શકે?' સમાઈરા રીતસર બરાડી.


તેની પાછળ પાછળ વૈભવી રૂમમાં અંદર આવી અને દરવાજાની સ્ટોપર લગાવીને બોલી: 'સમી બેટા, આ શું ગાંડપણ કરે છે?'


'મોમ, તું શું કામ આવી? મને એકલી છોડી દે..' સમાઇરા વૈભવી પર ગુસ્સો કરતાં બોલી.


'અરે પણ! તું મારી વાત તો સાંભળ..'


'શું સાંભળુ? તને તો ખબર છે ને કે હું વિવાનને કેટલો ચાહું છું? તું તો અહીં જ હતી ને? તો તે આ લગ્ન થવા જ કેમ દીધા? મને પણ અંધારામાં રાખી? તે પણ મને ના કીધું?'


'અમને પણ નહોતી ખબર.. વિવાન કોઈને કીધા વગર સીધો લગ્ન કરીને જ ગઝલને ઘરે લઈ આવ્યો.'


'પણ ત્યારે તો તારે પૂછવું જોઈતું હતું કે હવે મારી દીકરીનું શું થશે?' સમાઇરા રડતા રડતા બોલી.


'એ બંને એકબીજાને પ્રેમ કરે છે બેટા.. ગઝલના ઘરવાળા તેને બીજા છોકરા સાથે પરણાવવાના હતા એટલે વિવાન એને ભગાડી લાવ્યો. અમને પણ લગ્નના ચાર દિવસ પછી, જ્યારે એ ઘરે આવ્યાં ત્યારે ખબર પડી.. અને મને અંદાજ હતો કે વિવાન તને ફક્ત એક મિત્ર તરીકે જુએ છે, પછી એને કશું કહીને શો ફાયદો હતો?'

વૈભવીની વાત સાંભળીને સમાઈરા ફસડાઈને બેડ પર બેસી પડી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતા.


'આમ જો બેટા, વિવાનને ભૂલી જા.. ગઝલ હવે તેની પત્ની છે. જે થઈ ગયું છે તે બદલી શકાય તેમ નથી. એ બંને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તું જેટલી જલ્દી આ વાત સ્વીકારી લઈશ એટલું તારા માટે સારુ છે.' વૈભવી તેના માથા પર હાથ ફેરવતાં બોલી.


'મોમ..' સમાઈરા વૈભવીને વળગીને રડવા લાગી.


'શાંત થઈ જા બેટા.. અને એક વાત સમજી લે કે આમ જોર જબરદસ્તીથી પ્રેમ ના મળે, રાધર પ્રેમ એ મેળવવાની વસ્તુ નથી. પ્રેમ તો આપવાનો હોય છે. સાચો પ્રેમ તો ત્યાગમાં છે બેટા. જેના નસીબમાં જે લખાયેલું હોય એજ એને મળે છે. તારા નસીબમાં વિવાન નહોતો એટલે તને ના મળ્યો. પણ એનો મતલબ એવો નથી કે તું એના પર ગુસ્સો કાઢે અને ખુદ નફરતની આગમાં જલતી રહે. આપણને ક્યાં ખબર છે કે કદાચ તારા નસીબમાં વિવાન કરતાં પણ સારો છોકરો હોય!' વૈભવી તેની પીઠ પસવારતાં બોલી.


'પણ હંમેશા મારી સાથે જ કેમ આવું થાય છે? નાનપણમાં ડેડીનો પ્રેમ ના મળ્યો, બચપણથી લઈને આજ સુધી જેને મારા જીવન સાથી માનીને પ્રેમ કર્યો એ પણ મને પ્રેમ નથી કરતો.. શું હું એટલી બધી ખરાબ છું? મોમ, તું જ કહે કે મારામાં એવી તો શું કમી છે કે મને કોઈ જ પ્રેમ નથી કરતુ? શું હું સુંદર નથી? હોશિયાર નથી? ભણેલી ગણેલી નથી? શું મારામાં સંસ્કાર નથી? શું ઘટે છે મારામાં?'


'સમી બેટા..' વૈભવીનો કંઠ ભરાઈ આવ્યો. એ કશું બોલી ન શકી.


'મોમ, તું ભલે ના બોલે પણ આજ મને ખબર પડી ગઈ છે કે હું જ કમનસીબ છું. એટલે જ મને કોઈનો પ્રેમ નથી મળતો.'


'એવું કશું નથી બેટા.. હું, મામા, દાદી, કાવ્યા.. અમે બધા તને કેટલો પ્રેમ કરીએ છીએ..'


'અને વિવાન? એ તો નથી કરતો ને? એટલે જ તો તેણે પેલી ગઝલ સાથે લગ્ન કરી લીધાં ને?' સમાઈરા હીબકાં ભરતી બોલી.


'એ પણ તને પ્રેમ કરે છે. પણ તારે જે જોઇએ છે એવો નહીં. વિવાન તારા અને કાવ્યામાં લેશ માત્ર ફરક નથી કરતો. ભણવામાં તું હોશિયાર હતી, તારે ડોક્ટર બનવું હતું એટલે તેણે તારી પાછળ એટલો ખર્ચ કરીને તને ભણાવી. તારા એક શબ્દ પર તેણે તને અમેરિકા મોકલી. તને ત્યાં પણ કશી તકલીફ ના પડે તે માટે ઘરથી લઇને ઝીણી મોટી બધી વ્યવસ્થા પણ તેણે જ કરી ને? એ પ્રેમ નથી તો શું છે?' વૈભવી તેને સમજાવતી રહી. સમાઈરા હીબકાં ભરી ભરીને રડતી રહી.


તમે બાળપણથી એક સપનું જોયું હોય, તેને ધીરજનું ખાતર અને અશ્રુનું પાણી પાઈને ઉછેર્યું હોય, એક દિવસ અચાનક કોઈ આવીને તેના પર કબજો જમાવી લે, તેની પીડા કેવી હોય એ તો જેના પર વીતે તેને જ ખબર પડે.


**


'હું તને ભાઇના ઘરે મૂકી જઉં કે?' વિવાન ગઝલને આલિંગન મુક્ત કરીને બોલ્યો.


'ભાઈના ઘરે કેમ?' ગઝલએ પૂછ્યું.


'ત્યાં તને થોડું રિલેક્સ લાગશે. હું સાંજે તને લેવા આવીશ. આપણે ડિનર બહાર કરીશું, પછી ઘરે આવતાં રહીશું.' વિવાન બે હાથ વચ્ચે ગઝલનો ચહેરો લઇને બોલ્યો.


'હું આ પરિસ્થિતિમાં ભાઈના ઘરે જતી રહું તો ફઈને ખરાબ લાગે. એ શું વિચારે?'


'એમને કશું ખોટું નહીં લાગે, ફઈ ખૂબ સમજદાર છે.' વિવાને કહ્યુ. ગઝલ કશું બોલી નહીં.


'તું તૈયાર થઈને નીચે આવ.' વિવાને તેના કપાળ પર હોઠ અડાડીને કહ્યુ. પછી તે નીચે જતો રહ્યો.

થોડીવારમાં ગઝલ તૈયાર થઈને નીચે ગઈ.

હોલમાં વિવાન સાથે દાદી, ફઈ અને કૃષ્ણકાંત બેઠા હતા.


'ડેડ, હું ગઝલને મિહિર ભાઈના ઘરે મૂકતો જઉં છું, સાજના આવતી વખતે તેડતો આવીશ.' વિવાન સોફા પરથી ઉભો થતાં બોલ્યો.


'ઠીક છે. અને વહું બેટાં તુ સમાઈરાની વાતનું બહુ મનમાં નહીં લેતી. આ બધું અચાનક તેની સામે આવ્યું એટલે તેણે આવું રિએક્ટ કર્યું.' કૃષ્ણકાંત બોલ્યાં.


'આઈ કેન અંડરસ્ટેન્ડ પપ્પા..' ગઝલ હળવું સ્મિત કરીને બોલી.


'ગઝલ બેટા, મેં સમાઈરાને સમજાવી છે, ચાર પાંચ દિવસ અહીં રોકાઈને એ પાછી યુ.એસ. જતી રહેશે.' વૈભવી ફઈ ભીના અવાજે બોલ્યાં.


'ફઈ, ખરેખર મને તેનાથી કોઈ ફરિયાદ નથી. સ્વપ્ન તૂટવાથી શું થાય એ મને સમજાય છે.' ગઝલ બોલી.


'ગઝલ, તારે બે ચાર દિવસ રોકાવું હોય તો રોકાઈ શકે છે. તને સારુ લાગશે.' દાદીએ કહ્યુ.


'આ શું બા? તમે તો મને પારકી કરી દીધી.. સમાઈરા સાથે રહેવાનું તો મને ગમશે. તે અહીં રહે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તેનુ પણ તો ઘર છે. સાથે રહેવાથી કદાચ ગેરસમજણ દૂર થઈ જાય અને અમે બંને ફ્રેન્ડ બની જઈએ એવું પણ બને!'

દાદીને ગઝલની આ સમજદારી પર માન થયું.


'ગઝલ બેટા, તારી વાત સાંભળીને ખૂબ સારુ લાગ્યું. તારામાં ખાનદાન કુટુંબના સંસ્કાર છે એટલે આટલા સારા વિચારો છે તારા. બાકી બીજી કોઈ છોકરી હોત તો તેણે આખું ઘર માથે લીધુ હોત..' દાદી ખુશ થઈને બોલ્યા.


'ઓકે, આવીએ અમે..' વિવાન ઘડિયાળમાં જોઈને બોલ્યો.


'હાં, સંભાળીને જાઓ.' દાદીએ કહ્યુ.


સમાઈરા પણ બહાર આવીને તેના રૂમનાં દરવાજાને ટેકે ઉભી રહીને બધી વાતચીત સાંભળી રહી હતી. ગઝલએ તેની સામે જોઈને એક સ્માઈલ કરી પણ સમાઈરાએ કશો પ્રતિસાદ ના આપ્યો. તેનો ચહેરો એકદમ નિર્વિકાર હતો.


**


ગઝલ અને વિવાન, મિહિરના ઘરે જવા નીકળ્યા. આખે રસ્તે ગઝલ એકદમ શાંત હતી. વિવાન ડ્રાઈવિંગ કરતાં કરતાં વચ્ચે તેની સામે જોઈ લેતો હતો. તેઓ મિહિરના ઘરની નજીક પહોંચ્યા. વિવાનને મોડું થયું હોવાથી ગાડીને અંદર નહીં લેતા બહાર જ ઉભી રાખી. ગઝલ નીચે ઉતરી. બીજી સાઈડથી વિવાન ઉતરીને તેની પાસે ગયો અને તેને આલિંગી.


'ખોટા વિચારો કરીને ટેન્શન નહીં લે.' વિવાને તેનુ માથુ ચુમીને કહ્યુ.


'હમ્મ..'


'બાય.. સાંજે ડિનર માટે લેવા આવીશ, તૈયાર રહેજે.' વિવાન તેનાથી અલગ પડતાં બોલ્યો.

ગઝલએ ફક્ત માથું હલાવીને 'હાં' કહ્યુ.


વિવાન ગાડી તરફ જવા વળ્યો કે ગઝલએ અવાજ દીધો: 'વિવાન..'


'હં..' એ પાછળ ફરીને નજીક આવ્યો


'ડોન્ટ વરી, આઈ એમ ઓકે..' કહીને ગઝલએ તેના ગાલ પર કિસ કરી.


વિવાન ખૂબ ખુશ થયો.

તેણે 'આઈ લવ યૂ.' કહીને ગઝલના કપાળ પર ચુંબન કર્યું અને બાય કરીને ત્યાંથી નીકળી ગયો.


.

.


**


ક્રમશઃ


આ બધું થયું એની પાછળ ગઝલ પોતાને જવાબદાર કેમ માને છે?


વિવાન સાથે લગ્ન ના થવાના કારણે સમાઈરાનુ દિલ તો તૂટ્યું જ છે સાથે તેનો અહમ્ પણ ઘવાયો છે. હવે એ શું કરશે?


શું વિવાનની જીંદગીમાં આવેલું આ તોફાન શાંત પડશે કે બધું ઉજાડી નાખશે?


શું ગઝલની સમજદારી કંઈ કામમાં આવશે?


**


મિત્રો, આ પ્રકરણ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. 🙏


❤❤