The fault of the elders books and stories free download online pdf in Gujarati

વડીલોનો વાંક

ઉમર થઈ એટલે હંમેશા વડીલોનો વાંક ? આ વાક્ય,’ આજકાલ’ હવામાં ઘુમરાય છે. ઠંડે કલેજે વિચાર કરવાનો સમય કોની પાસે છે ? ખેર, વડીલો જો પોતાની ખેરિયત ચાહતા હો, તો, “મૌનં પરં ભૂષણં” ની નીતિ અખત્યાર કરજો. વગર વાંકનું ટિપાઈ જશે. આ વાત માત્ર આપણા માટે સત્ય છે એવું નથી. આજે મારી એક ફ્રેન્ચ મિત્ર ગાડીમાં ઘરે મૂકવા આવી, એણે પણ મોઢા પર તાળું મારી ચાવી ફેંકી દેવાનું ઈશારાથી સમજાવ્યું ! બાળપણમાં “વડીલોના વાંકે” કરીને સરસ ગુજરાતી ભાંગવાડીનું નાટક જોયું હતું. એ સમયે સ્ત્રી ના પાત્રો પુરુષો ભજવતા. ‘ગીતા” પર હાથ મૂકીને સોગન ખાય કહું છું,’ તેનો એક પણ અક્ષર યાદ નથી’. પછી નાટકના સંવાદ તો ક્યાંથી યાદ હોય. આજે અચાનક બાળપણ અને યુવાની હાથતાળી દઈને વિદાય થઈ ગઈ છે. માનો ન માનો વડીલના પાત્રની ભૂમિકા સહજ અને સરળતા પૂર્વક નિભાવવાનો મનોમન સંકલ્પ કર્યો છે. બાળકો સમજે, યા માને કે ન માને કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી આપણે વફાદારી પૂર્વક કામ કરતા હોઈએ પછી કોઈના સહી સિક્કાની શું જરૂર ? પછી તે ભલે ને પરિવાર પણ કેમ ન હોય !

‘વડીલ હોવું એ જ વાંક હોય તો તે મેં કર્યો છે’ !

વડીલો થાય એટલે જાણે નાટકનો અંતિમ અંક ચાલુ થયો. જો કે વડીલ વાંકમાં ન આવે એવું માની લેવું યોગ્ય નથી. તેનું પણ યોગ્ય કારણ છે. ‘તેમને એમ છે કે અનુભવને કારણે, મને બધી ખબર છે’. આ ૨૧મી સદી છે, રોજ નવા વિચાર કમપ્યુટર પર જોવા મળે છે. આપણા અનુભવ અને બુદ્ધિ આપણા સુધી સિમિત રાખવાની.

શરીરના અંગોની શી વાત કરવી.

મુખ્ય કારણ કાન ગયા હોય કાનપુર .

યાદદાસ્ત જીવનની ‘યાદવા સ્થળી’માં ઝઝૂમીને ક્યાં તેજીલી બની હોય કાં ઘાયલ થઈ હોય !

“બાય પાસ ” કરાવી એટલી ગાડીનું નવું એન્જિન અને જૂની ગાડી.

કેન્સર થયું એટલે “સ્ત્રીનું’ અંગ કાઢી નાખ્યું.

કાનમાં મૂક્યું હોય “હિયરિંગ એઈડ”.

આંખમાં ઉતરાવ્યો”મોતિયો”.

દાંતમાં પુરાવ્યું “સોનું”.

માથામાં “કાળાના ધોળા કર્યા યા નકલી વાળ પહેર્યા”.

હાથમાં આવ્યો વા,કે ‘ઓસ્ટિયોપરોસિસ’.

પગમાં બદલાવ્યા “બન્ને ઘુંટણ”.

એક “મુત્રાશય ” (કિડની) કામ ન કરતું હોવાથી કાઢી નાખ્યું.

બાળકો થયા પછી, ‘ગર્ભાશય’ને વિદાય આપી.

હવે જો ઘરના વડીલોની આવી સ્થિતિ થાય ત્યારે વાંક ન પડે તો જ નવાઈ લાગે.

વડીલો પાસેથી ઘણું શીખી હતી. બાળપણમાં ભલે તોફાની હતી પણ શિખવા માટે આંખ અને કાન હંમેશા ખુલ્લા રહેતા. જો કે એ બૂરી આદત આજે ખર્યું પાન થઈ છતાં એટલી જ જોરદાર છે. એક ઠેકાણે વાંચ્યું હતું, જે દિવસથી વ્યક્તિ માનવા લાગે કે મને બધું આવડે છે. હવે કશું શીખવાનું બાકી નથી રહ્યું ! ખેલ ખતમ. તમારું શેષ જીવન વ્યર્થ જશે! બા અને દાદી ગામથી આવતા. તેમની પાસેથી ધીરજના પાઠ ભણતી. મંદીરના મુખ્યાજી બારસને દિવસે ‘સીધુ’ લેવા આવતા. મમ્મીની કેળવણી એવી હતી કે ‘સીધુ’ ખૂબ સરખી રીતે આપવું. કોઈ પણ કાર્ય હોય, ખૂબ ચોકસાઈ પૂર્વક કરવું. પિતાજીના પૂ. મામા દેશમાંથી આવતા,દિલમાં હમદર્દીનું સામ્રાજ્ય છવાઈ જતું.

રોજ બગીચામાં લટાર મારવા જવું. ફૂલ, પાન, અને ફળ સાથે વાત કરવી. ભમરાના સમાચાર પૂછવા. ખરી પડેલા પાનની વેદના જાણવી. આકાશમાં નિખરી ઉઠેલી રંગોની લહેજત માણવી. સહુનો વિચાર આવતો, એમાં મારા મનનો કે ઉંમર નો શું વાંક ? વાંક માત્ર એટલો જ કે ગામ ગપાટા ન કરતાં ,સારા પુસ્તક વાંચુ. ગામની પટેલાઈ ન કરતા, જાત સાથે દોસ્તી બાંધું. નવરાશની પળોમાં સુવા અથવા ફોન પર ‘ચેટ’ કરવા કરતાં સિલાઈ કે ભરત કામ કરું. કુદરત સાથે તો જાણે જનમ જનમ નો નાતો ન હોય.

વડીલથી આવું બધું થાય ? પેલા ચંપક ભાઈ તો રોજ સવારે મંદિરે જાય દર્શન કરવા. આખા ગામની પંચાત કરે અને નવા સમાચાર મીઠું ,મરચું ઉમેરી ગપગોળા ફેલાવે. મને ગમે આકાશ સામે નિરખી તેનું નિતનવા રૂપનું મધુરું દર્શન કરવાનું. નભમાં તારા કેટલા છે તે ગણવાનું. આકાશમાં પૂનમની રાતે ચંદ્રમા સાથે ગોષ્ઠી કરવાની.

વળી બાજુમાં રહેતી સરલા બેઠી બેઠી આખો દિવસ ફાક્યા કરે. ઉપરથી કહે, ‘આ ઉંમરે મારાથી બહુ ખવાતું નથી’ ! એવી ફરિયાદ કરે.

પેલા બેરિસ્ટર મિ. ગોપાલનાથની હું પ્રશંશક હતી. લગભગ ૮૦ વર્ષની ઉમર હશે. સવારના પહોરમાં લટાર મારવા નીકળે. આરામથી ઉગતો સૂરજ નિહાળે. આંખ બંધ રાખીને ધ્યાનમાં બેસે કે ભૂતકાળમાં ડૂબકી લગાવે, આજ સુધી હું જાણી શકી નથી. પૈસા પાત્ર હતા એટલે રામજી ચા અને નાસ્તો લાવે. આરામથી વરંડામાં બેસીને આનંદથી તેની મોજ માણે. બાળકોને તેમની જીંદગી હોય ! જેને જ્યારે સમય મળે ત્યારે પિતાજીની ખબર પૂછે. બે વર્ષ પહેલાં ટુંકી માંદગીમાં પત્ની વિદાય થઈ, પછી શાંત થઈ ગયા હતા.

તેમનો મનગમતો સમય સાંજના ચાર વાગ્યા પછીનો બગીચામાં બેઠા હોય અને જુવાનિયાઓ તેમની સલાહ લેવા આવે. જુવાનિયા પોતાની મુશ્કેલીઓ જણાવે. સહુને પ્રેમથી સમજાવે. જરૂરિયાત વાળાને છુપી મદદ કરતાં પણ ન અચકાય. આમ ઉમરને શોભાવે અને શાન બઢાવે તેવી જીંદગી જીવે. કોણે શું આપ્યું કે શું કર્યું તેનાથી અલિપ્ત.

પેલા જાડેજા સાહેબ.ઉગતા સૂરજનું મધુરું ગીત સાંભળી પોતાના બેસુરા રાગે તેમાં સૂર પુરાવે. આ એનો વાંક,’ દીકરો આવીને કહે છે, તમને કેટલી વાર કહ્યું સવારના પહોરમાં રાગડાન તાણો” !

નીચી મુંડી રાખી ભૂલ કબૂલ કરી લે.’ હવે ધ્યાન રાખી, મનમાં ગણગણીશ’.

આમ શું વડીલ થયા એટલે મનગમતું કરવાની છૂટ નહી ? માત્ર બધું જુવાનિયા કહે તેમ જ કરવાનું ? વડીલો ને પોતાની મરજીથી જીવવાનો હક ખરો કે નહીં ? જુવાનિયા ભૂલી જાય છે, વડીલો પણ એક દિવસ જુવાન હતા. ઉમર, એ તો માત્ર આંકડા છે. હા, શરીરને તેની અસર જણાય તે કુદરતી છે. બાકી આ મન અને દિલમાં ઉમંગ તો રતિભાર ઓછા થતા નથી. “મરવાના વાંકે, વડીલ થયા પછી બચેલી જિંદગી ન જીવાય “.

જ્યાં સુધી હાથમાં ‘પેલી રેખા’ જણાય છે ત્યાં સુધી શ્વાસ તો આ ધરતી પર પૂરા કરવાના ને ?

એક વાત કરીશ તો તમારા રૂંવાડા ઉભા થઈ જશે. બે વર્ષ પહેલાં મુંબઈ ગઈ હતી.

‘ભાભી, પેલા બાજુવાળા કીર્તન કાકા કેમ છે?’

‘અરે એ તો ગુજરી ગયા.’

‘ ભાભીએ કહ્યું તો ખરું, પણ બે આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ‘

‘શું થયું ભાભી. તેની તો તબિયત સારી હતી, હસમુખ હતા.’

‘અરે તું સાંભળે, તો તારા કાન તારું કહ્યું નહીં માને.’

તને ખબર છે, એકનો એક દીકરો હતો. જૂની જગ્યા વેચી નવો બ્લોક લીધો ઘરમાં જગ્યા તો ઘણી હતી. બ્લોક દીકરાના નામ પર લીધો હતો. દીકરી ના પાડતી રહી પણ તેણે સાંભળ્યું નહીં. તો પણ પોતાની પાસે ૨૦ લાખ રોકડા હતા. રહેવાનું તો વહુ અને દીકરા સાથે જ હોય ને. ઘરમાં નોકર હતો. તે તેનું ધ્યાન રાખતો. દીકરો ઓફિસે જાય પછી રોજ ઘરમાં કટકટ ચાલુ થાય.

‘હવે આ ઉંમરે ખાવાના ધખારા છોડો’.

“આટલું બધું ખાશો ને ઝાડા થશે તો’ ?

જાતજાતના વાગ્બાણ રોજ છૂટે. હવે પેટ તો સહુને હોય. ભરાય તેટલું ખાવા તો જોઈએ કે નહીં ?

એક દિવસ તબિયત સારી ન હતી ને નોકર પાસે મોસંબી મંગાવી રસ કાઢવાનું કહ્યું. બસ ,ઘરમાં ધમપછાડા ચાલુ થઈ ગયા. કંટાળીને વહુ કીટી પાર્ટીમાં ગઈ ત્યારે બારીએથી ભૂસકો માર્યો.

હવે, આ વડીલોનો વાંક શું ?

ઘણીવાર જુવાનિયા ,જુવાનીના જોરમાં બધો વાંક વડીલોનો જુએ તે સારું ન કહેવાય.

વડીલો મોટું મન રાખે અને બાકીની જીંદગી શાંતિથી ગુજારે. જો કે ઘણા વડીલો ઘરની વાત બહાર બધાને કરતા ફરે છે તે સારું ન કહેવાય. તેમણે ધીરજ અને સહનશીલતા કેળવવા જરૂરી છે. વાણીનો વ્યર્થ વિનિયોગ ન કરવો. તેના કરતાં મૌન વ્રત અને ધ્યાનની આદત પાડવી.

“વડીલ”ની ઉપાધી ખૂબ મહેનત પછી પ્રાપ્ત થાય છે. આખી જિંદગીના કાર્યનું એ સુંદર મધુરું, મીઠું “ફળ” છે.

સંસ્કારી બાળકો વડીલોને ખૂબ પ્રેમથી સન્માન આપે છે. વડીલોની આમન્યા જાળવે છે. વડીલો નો ‘વાંક’ નહીં તેની આગવી પ્રતિભા નિહાળી હરખાય છે. તેમણે ‘જીંદગીભર બાળપણમાં આપેલા સંસ્કારની’ પ્રશંસા કરે છે.

જે ઘરમાં વડીલો ઈજ્જત ભેર જીવે છે એ ઘર મંદિર સમાન છે. વડીલોનું કરેલું ઉપાર્જન હરખભેર વાપરવામાં આખા કુટુંબને ગર્વ થાય છે. બાળકો પર સુંદર સંસ્કાર પડે છે. એક વાત યાદ આવી ગઈ.

જીગર જ્યારે દસ વર્ષનો થયો ત્યારે ગેરેજમાં વારે વારે જતો હતો. મમ્મી વિચાર કરે, ગાડી તો નથી ચલાવતો ને ? માત્ર દસ વર્ષનો હતો એટલે કૂતુહલ થયું. ડ્રાઇવર આવે કે તરત જ તેને શાળામાં મૂકવા જાય છે. શું કામ ફોગટના આંટા મારતો હશે. જો પૂછે તો ગલ્લા તલ્લા મારે. એક દિવસ તેની નજર ચૂકવીને તેની પાછળ ગેરેજમાં ગઈ. જોઈને તો આભી થઈ ગઈ. જીગર આ ‘બધું શું ભેગું કરે છે ?’

‘શેની વાત કરે છે મમ્મી’.

‘આ કોડિયા નો ઢગલો’.

જીગર જોતો હતો, મમ્મી રોજ કોડિયામાં દાદીને ચા અને છાશ આપતી. તેણે પોતે એક વખત પ્રયત્ન કર્યો પણ ભાવતું ન હતું.

અરે મમ્મી, તું કેમ સમજતી નથી, દાદી ૮૫ વર્ષની થઈ. હવે કેટલા વર્ષ? તેમના ગયા પછી જ્યારે તું એ ગામમાં આવીશ ત્યારે તને એ બધું કામ માં આવે ને ?

યાદ રાખજો આવી પરિસ્થિતિમાં ન મૂકવું પડે તેનો ખ્યાલ રાખજો. બાળકો ધાર્યા કરતા ખૂબ હોંશિયાર હોય છે !

કદાચ વડીલોનો વાંક પડે ને તો પણ ઉદાર દિલ રાખી જવા દેવું જોઈએ. શું બાળપણમાં તમારા કોઈ વાંક ન હતા. કેટલી વાર મમ્મી પપ્પાજીથી અને પપ્પાએ મમ્મીના મારથી તમને બચાવ્યા હતા. અરે જમવા બેસતા ત્યારે કલાક થતો. ક્યારેય માતા કે પિતાએ તમારા પર ગુસ્સો કર્યો હતો. તમને સાઈકલ શીખવાડવા પપ્પા તમારી પાછળ કેટલું દોડ્યા હતા ? બીજગણિત આવડતું ન હતું, સમજાવવા પપ્પાજી કેટલી રાતોના ઉજાગરા કર્યા હતા.

વડીલોના આશીર્વાદ હંમેશા લો નહીં કે તેમના – – જોવાના !