Reshmi Dankh - 7 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 7

Featured Books
Categories
Share

રેશમી ડંખ - 7

7

‘હું.., તો ઠીક છે. ન રહેગા બાંસ, તો ન બજેગી બાંસૂરી !' હસીને, મોબાઈલમાં સામેની વ્યક્તિને આવું કહીને સિમરને મોબાઈલ ફોન કટૂ કર્યો, એ જ પળે તેને સામેના મકાનમાંથી ભાડૂતી હત્યારો રાજવીર બહાર નીકળતો દેખાયો.

રાજવીર કાર પાસે આવી પહોંચ્યો. રાજવીરે કારની પાછલી સીટનો દરવાજો ખોલતાં જોયું. સીટ પર પડેલી નતાશા હજુ પણ બેહોશ હતી.

‘તું કારમાં જ બેસ, હું હમણાં આવ્યો,’ સિમરનને કહેતાં રાજ્વીરે બેહોશ નતાશાને કારની બહાર કાઢીને ખભા પર ઊઠાવી અને પોતાની મા સુમિત્રાના ઘરના પાછલા દરવાજા તરફ આગળ વધી ગયો.

મા સુમિત્રા દરવાજા પર આવીને ઊભી હતી.

સિમરન સુમિત્રાને પગથી માથા સુધી નીરખી રહી.

રાજવીર સુમિત્રાની નજીક પહોંચ્યો, એટલે સુમિત્રા રાજ્વીર સાથે ઘરની અંદર ગઈ. થોડી વાર થઈ અને રાજવીર નતાશાને અંદર મૂકીને બહાર નીકળ્યો. સુમિત્રાએ તુરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો.

રાજવીર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. તેણે કાર ચાલુ કરી અને મુંબઈ-ગોવા હાઈવે પરના તેમના છુપા રહેઠાણ- ફાર્મહાઉસ તરફ આગળ વધારી.

‘રાજ,’ કાર સુમિત્રાના ઘરથી થોડે દૂર પહોંચી એટલે સિમરન બોલી : ‘શું એ કદાવર ઓરત તારી મા છે ?’ ‘હા !' રાજવીર બોલ્યો.

‘તારી જેમ તારી મા પણ શક્તિશાળી લાગે છે.’ સિમરન બોલી : ‘એના પંજામાંથી નતાશા છટકી નહિ શકે.’

‘હા !’ રાજવીર બોલ્યો : ‘એટલે જ તો મેં નતાશાને એની પાસે રાખી.'

‘હા, પણ...,’ સિમરને પૂછ્યું : “તુ પછીથી નતાશાને મારી નાંખવાનો છે, એવી કોઈ વાત તો તે તારી માને કરી નથી ને ? !'

‘ના ''

‘સરસ !' બોલતાં સિમરને બગાસું ખાધું : ‘મને ઊંધ આવી રહી છે. આપણું ઘર આવે એટલે જગાડજે.’ અને સિમરને સીટ પર માથું ટેકવ્યું ને આંખો મિંચી.

રાજવીરે કાર ચલાવવાનું ચાલુ રાખતાં વિચારવા માંડયું. ‘નતાશાને આમ જીવતી કેદમાં રાખીને એક કાંકરે બે પક્ષી મારવાની તેની ગણતરી હતી. તેને વિશ્વાસ હતો કે, નતાશા જીવતી હશે ત્યાં સુધી જ સિમરન તેના કબજામાં રહેશે. વળી સિમરન જીવતી હશે, ત્યાં સુધી જ કૈલાસકપૂર તેનો ભાવ પૂછે એમ હતો. કૈલાસકપૂર પાસેથી સિમરન જે રૂપિયા પડાવવાની હતી, એમાંથી તેને ભાગ મળવાનો હતો. બીજી બાજુ સિમરનનું ખૂન કરવા માટે કૈલાસકપૂર પણ તેને બાકીના બીજા પાંચ લાખ રૂપિયા આપવાનો હતો. આમ બન્ને બાજુથી તેને ફાયદો હતો.

‘સિમરન અને કૈલાસકપૂર પાસેથી પૂરતાં રૂપિયા પડાવ્યા પછી નતાશાનું ખૂન કરવાની તેની યોજના હતી, પણ આ દરમિયાન જો કૈલાસકપૂરની એ રહસ્યમય હૅપટોપની બેગ તેના હાથમાં આવી જાય તો પછી નતાશાનું ખૂન કરવાની તેની ઈચ્છા નહોતી.

‘ટૂંકમાં તેની સામે જે પરિસ્થિતિ હતી, એમાં જ તેણે ખૂબ જ સફાઈથી કામ કરવાનું હતું અને સલામતિ ને સફળતાપૂર્વક પાર ઊતરવાનું હતું !'

**

કૈલાસકપૂરની પત્ની સિમરનના ભૂતકાળ તેમજ એના દોસ્તો વિશેની માહિતી મેળવવાનું કામ સોંપીને રાજવીર ગયો, એ પછી અંધારી આલમના જાસૂસ જગ્ગીએ પોતાની રીતના કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં તે ત્રણ ફોન લગાવી ચૂકયો હતો.

અને અત્યારે હવે તેણે સિમરન વિશેની માહિતી મેળવવા માટે ચોથો ફોન લગાવવા માંડયો.

***

નતાશા બેહોશીમાંથી હોશમાં આવી. તેના કપાળ પર કોઈ હાથ ફેરવી રહ્યું હતું. તેણે આંખો ખોલી તો એક ઘરડી સ દેખાઈ.

‘ક...ક...કોણ છો, તમે ? !' નતાશાએ પૂછ્યું. ‘તું મને મા કહી શકે.’ સુમિત્રાએ નતાશાના માથા પર હાથ ફેરવવાનું ચાલુ રાખતાં કહ્યું.

‘અત્યારે હું કયાં...?’

સુમિત્રાએ નાક પર આંગળી મૂકીને નતાશાને ચુપ રહેવાનો ઈશારો કર્યો : ‘બધું સારું થઈ જશે. તું આરામ કર.'

નતાશા બેઠી થઈને ચારે બાજુ જોવા લાગી. તે કોઈ બારી વિનાના, બંધિયાર રૂમમાં હતી એનો ખ્યાલ આવતાં જ તે ધ્રુજી ઊઠી. તેણે બેહોશ થતાં પહેલાંની વાત યાદ કરવાનો પ્રયત્ન કર્યો ને તેને એ વાત યાદ આવી ગઈ.

તે હોટલ પરથી છુટીને સ્કૂટી પર ઘરે જઈ રહી હતી, ત્યાં જ એક દાઢી-મૂછ અને કૅપવાળા માણસે તેને હાથ બતાવીને રોકી હતી. તે પોતાના પરગજુ સ્વભાવને કારણે રોકાઈ હતી અને એ માણસે અચાનક તેના કાન નીચે કોઈ વસ્તુનો ફટકો માર્યો હતો ને તે બેહોશ થઈ ગઈ હતી. અત્યારે તે હોશમા આવી હતી.

હું...હું કર્યા છું ? !' નતાશાએ સુમિત્રાને પૂછયું : ‘પ્લીઝ, મને કહો !’

‘હું તને બધું જ કહું છું.’ સુમિત્રાએ કહ્યું. : ‘પહેલાં તું આ શરબત પી લે. તને સારું લાગશે.' સુમિત્રાએ બાજુમાં પડેલો ગ્લાસ લઈને નતાશાને આપ્યો.

નતાશાએ આનાકાની કરી નહિ. તે ગ્લાસમાંનું શરબત પી ગઈ અને પાછી પલંગ પર લેટી.

‘સાંભળ, દીકરી !' સુમિત્રાએ પ્રેમાળ અવાજે કહ્યું : ‘અહીંયા આપણે બે જણાં જ છીએ. તું મારા કહ્યામાં રહીશ તો અહીં તને કોઈ તકલીફ પડશે નહિ.’

‘પણ...પણ...’ નતાશાએ પૂછ્યું : ‘મને અહીં શા માટે લાવીને રાખવામાં આવી છે ? !’

‘એ તો હું પણ નથી જાણતી. તને અહીં રાખવાની મને સૂચના મળી છે.' સુમિત્રા બોલી : “તું આ ઘરના નિયમો પાળીશ, તો હું તારું રક્ષણ કરીશ. હું તને ખવડાવીશ અને તારી સરભરા પણ કરીશ. પણ હા, તારે અહીં મારી કેદી તરીકે રહેવું પડશે.'

‘પણ શા માટે ? !’ નતાશા પૂછી ઊઠી : મહત્વની વ્યક્તિ નથી !' “હું કોઈ

‘કોઈકને માટે તું મહત્વની છે એટલે જ તને અહીં લાવવામાં આવી છે.’ અને સુમિત્રાએ નતાશાને માથે હાથ ફેરવ્યો.

નતાશાને ઘેન જેવું લાગવા માંડયું : ‘મને ડર લાગે છે.’ તારે ડરવાની જરૂર નથી.' સુમિત્રા ઊભી થઈ : ‘તું અહીંથી ભાગી છુટવાનો પ્રયત્ન નહિ કરે તો તારી સલામતીની જવાબદારી મારી પર રહેશે અને ભાગવાનો પ્રયત્ન કરીશ પણ નહિ, એમાં તને સફળતા નહિ મળે.' અને સુમિત્રા રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

બીજી જ પળે નતાશાને બંધ દરવાજા બહારથી તાળું બંધ થવાનો અવાજ સંભળાયો.

‘તેને અહીં કોણ ? શા માટે લઈ આવ્યું હશે ? !' નતાશાના મગજમાં આ સવાલો જાગ્યા, ત્યાં જ તેના માથે ઊંધ સવાર થવા માંડી. સુમિત્રાએ શરબતમાં ઊંઘની ગોળી મિલાવી હતી, એ વાતનો નતાશાને ખ્યાલ આવ્યો, ત્યાં તો તે ઊંઘમાં સરી ગઈ.

***

સોમવારના બપોરના બે વાગ્યા હતા. રાજવીર કૈલાસ- કપૂરના બંગલામાં બેઠો હતો. તેની સામે સોફા પર કૈલાસકપૂર અને એનો પાર્ટનર વનરાજ બેઠો હતો.

‘તમે મારી પર ભરોસો રાખો, કૈલાસજી !' રાજવીરે કહ્યું : ‘હું ચોકકસ સિમરનને શોધી...’

‘...તું એને શોધીશ ત્યાં સુધીમાં એ મને બરબાદ કરી નાંખશે.’ ને કૈલાસકપૂરે રાજવીરને એક કાગળ આપ્યો : ‘લે, વાંચ.

રાજવીરને ખબર જ હતી કે, એ શું હતું. પણ છતાંય તેણે બેખબર હોવાના ઢોંગ સાથે એ કાગળ કૈલાસકપૂરના હાથમાંથી લઈને એની પર નજર નાંખી.

-એ સિમરન તરફથી કૈલાસકપૂરને મળેલો ઈ-મેઈલ હતો. એમાં લખાયેલું હતું,

“માય ડીયર-ડીયર ડાર્લિંગ !

મને આશા છે કે, મેં આપેલા શૉકમાંથી તું થોડો-ઘણો બહાર નીકળી આવ્યો હોઈશ.

‘તો હવે તારે મારું એક કામ કરવાનું છે. તારે આજે સાંજના છ વાગ્યે, ‘બેસ્ટ બજાર'માં પાંચ કરોડ રૂપિયા પહોંચાડવાના છે. આ રૂપિયા હું તારી લૅપટોપની બેગ સાચવી રહી છું, એના છે.

લૅપટોપ પાછું મેળવવાના તારે મને કેટલા રૂપિયા આપવાના છે ? અને કયારે આપવાના છે ? એ પછી હું તને જણાવીશ.

‘અત્યારે તારે આટલા રૂપિયા પહોંડવાના છે. રૂપિયા તારે જાતે ને એકલાએ લઈને આવવાના છે.

‘તું ‘બેસ્ટ બજાર’ના પાર્કિંગમાં કાર ઊભી રાખીને, એમાં જ રૂપિયા રહેવા દઈને બજારની અંદર ચાલ્યો જજે. તું તારી મનપસંદ બ્લેક ફૉરેસ્ટ આઈસ્ક્રીમ ખાઈને બહાર નીકળજે, ત્યાં સુધીમાં તારી કારમાંથી રૂપિયા ઊપડી જશે.

‘શાંતિ જાળવજે. તબિયત સાચવજે. બ્લડપ્રેશર ન વધારીશ.

‘-તારી લાઈફ માટે જોખમ બની ગયેલી તારી વહાલી વાઈફ...

-સિમરન

ઈ-મેઈલ વાંચીને રાજવીરે કૈલાસકપૂર સામે જોયું : ‘સિમરને તમને બ્લેકમેઈલ કરવાનું ધાર્યા કરતાં વહેલું શરૂ કરી દીધું.’

‘મને લાગે છે કે, એને કોઈનો સાથ છે.' કૈલાસકપૂરે કહ્યું. ‘મને પણ એવી શંકા છે.' વનરાજે કૈલાસકપૂરની વાતમાં સૂર પુરાવ્યો.

‘આ...’ રાજવીરે કહ્યું : ‘….સિમરન તમારા લૅપટોપની બેગ કેવી રીતના લઈ ગઈ ?'

અને કૈલાસકપૂરે રાજવીરને આખી વાત કરી.

‘હું, તો તમે બેન્કમાંથી ફાર્મહાઉસ પર પહોંચ્યા એટલી વારમાં સિમરને તમારી લૅપટોપની બેગ બદલી નાંખી અને પછી તમે એણે બદલેલી લૅપટોપની બેગ લઈને વિક્રાંત સાથે બેડરૂમમાં ગયા ત્યાર સુધીમાં એ તમારી મર્સીડીઝ લઈને ભાગી ગઈ.'

‘હા !'

તમે પોલીસને જાણ કેમ ન કરી ?’

‘એ લૅપટોપમાં મારા ખાનગી હિસાબો છે. જો એ પોલીસના હાથમાં જાય તો હું બદનામ-બરબાદ થઈ જાઉં. મને જનમટીપ થાય. ટૂંકમા હું ખતમ થઈ જાઉં.' કૈલાસકપૂરની આંખોમાં ગુસ્સો આવી ગયો : ‘સાલ્લી, બદમાશ. હજુય લખે છે, તારી વહાલી વાઈફ ! ડાકણ સાલી ! મેં એને કીચડમાંથી બહાર કાઢી, એની સાથે લગ્ન કર્યા અને એ નાગણે મને ડંખ માર્યો.'

રાજવીર કૈલાસકપૂર સામે જોઈ રહ્યો, એને સાંભળી રહ્યો. ‘મારી સાથે દગો કરનારને હું જીવતી જોવા ઈચ્છતો નથી.’ કૈલાસકપૂરે કહ્યું : ‘રાજવીર ! મારે સિમરનની લાશ જોઈએ.'

‘અને...,’ રાજવીરે કહ્યું : ‘...લૅપટોપની બેગ પણ જોઈએ ને ?!'

‘હા !'

‘તો આ દરમિયાન તમે એણે માંગેલા પાંચ કરોડ રૂપિયા આપવા માંગો છો કે, નહિ ?’

...આપવા જ પડશે ને !'

“બસ, તો તમે જ્યારે એ રૂપિયા આપવા માટે ‘બેસ્ટ બજાર' જશો અને સિમરન કે એનો સાથી તમારી કાર પાસે રૂપિયા લેવા આવશે, ત્યારે હું એને પકડી લેવામાં જરૂર સફળ થઈશ. પણ આ માટે મારે એક સાથી જોઈશે.’

કૈલાસકપૂરે વનરાજ સામે જોયું. ‘આ વનરાજ ચાલશે ?’

‘હા, ચાલશે.’ રાજવીરે કહ્યું.

‘ઠીક છે !' વનરાજ બોલ્યો : ‘તો હું તારી સાથે છું. આપણે આમાંથી હેમખેમ પાર ઊતરવાનું છે.'

‘ચોકકસ !' રાજવીરે કહ્યું.

પણ બધું હેમખેમ પાર ઉતરશે એ વાતમાં કૈલાસકપૂરને શંકા હતી !

***

સાંજના સવા પાંચ વાગ્યા હતા. રાજવીર વનરાજને લઈને, વનરાજના છ આદમીઓને ‘બેસ્ટ_બજાર' પાસે ગોઠવી આવ્યો હતો. એ છ એ જણાંનાં ખિસ્સામાં સાઈલેન્સર ચઢાવેલી રિવૉલ્વરો હતી. રાજવીરે એમને કૈલાસકપૂરની કારમાંથી બેગ લેવા આવનારી સિમરન કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય એને પકડી લેવાની સૂચના આપી હતી, સાથે જ કૈલાસકપૂરની સલામતીનું ધ્યાન રાખવાનું પણ કહી દીધું હતું.

આ કામ પતાવી આવીને રાજવીર અત્યારે વનરાજ સાથે કૈલાસકપૂરના બેડરૂમમાં પહોંચ્યો, એટલે કેલાસકપૂરે બેચેની સાથે પૂછ્યું : ‘... શું થયું ? !'

‘અમે છ આદમીઓને ત્યાં ગોઠવી આવ્યા છીએ.' રાજવીરે કહ્યું : ‘રૂપિયા તૈયાર છે, ને ? !’

‘હા !’ કૈલાસકપૂરે બાજુમાં પડેલી મોટી બે બેગ તરફ આંગળી ચિંધી.

‘ઠીક છે, તો આપણે પંદર મિનિટ પછી નીકળીએ છીએ.’

રાજવીરે કહ્યું અને બાથરૂમ તરફ આગળ વધી ગયો. જોયું. એ બાથરૂમમાં ગયો, એટલે કૈલાસકપૂરે વનરાજ સામે

‘કૈલાસ,’ વનરાજે વિશ્વાસભેર કહ્યું : ‘તું ચિંતા ન કર. આજે આપણે સિમરનની ગરદન સુધી પહોંચવામાં સફળ થઈ જ જઈશું.’

કૈલાસકપૂર કંઈ બોલ્યો નહિ. તે કદી કોઈ વાતથી ગભરાયો નહોતો. પણ તેનો જીવ, તેની જિંદગી અત્યારે સિમરનની મુઠ્ઠીમાં હતી અને એટલે જ તે આટલો બેચેન હતો.

***

સાડા પાંચ વાગ્યે, રાજવીર મર્સીડીઝની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ચૂકયો હતો. એની બાજુમાં વનરાજ બેઠો હતો. પાછળની સીટ પર કૈલાસકપૂર બેઠો હતો. કૈલાસકપૂરની બાજુમાં રૂપિયાથી ભરાયેલી બે બેગ પડી હતી. કૈલાસકપૂરના ચહેરા પર તંગદિલી છવાયેલી હતી.

‘આપણે જઈશું ?’ વનરાજે રાજવીરને પૂછ્યું.

‘હા !’ રાજવીરે કહ્યું અને કાર આગળ વધારી.

કાર જેમ-જેમ બેસ્ટ બજાર' તરફ આગળ વધવા માંડી, તેમ-તેમ કૈલાસકપૂરના ચહેરા પરની બેચેની વધતી જતી હતી.

‘રાજવીર ! સિમરને મને જાતે જ રૂપિયા આપવા કેમ બોલાવ્યો હશે ?' કૈલાસકપૂરે પૂછ્યું : ‘એને તો રૂપિયાથી મતલબ છે. એ બીજા કોઈની પાસે પણ રૂપિયા મંગાવી શકી હોત ને ? ''

‘કદાચને એ તને પરેશાન કરવા માંગતી હોય, તારી હાંસી ઊડાવવા માંગતી હોય.' આ વખતે વનરાજ બોલ્યો, અને આના જવાબમાં કૈલાસકપૂર કંઈ કહે એ પહેલાં જ રાજવીરે કહ્યું : ‘આપણે હવે ‘બેસ્ટ બજાર'ની નજીક આવી પહોંચ્યા છીએ. તમે મારી વાત ધ્યાનથી સાંભળો !' અને રાજવીરે કૈલાસકપૂરને કહ્યું : ‘કૈલાસજી ! આપણી કાર આ ગલીના નાકે પહોંચશે એટલે હું અને વનરાજ કારમાંથી ઉતરી જઈશું. તમે કારમાં ‘બેસ્ટ બજાર’ તરફ આગળ વધી જશે. તમે આગળના સર્કલ પરથી કાર વળાવીને પાછા ‘બેસ્ટ બજાર' પાસે પહોંચશો એ પહેલાં જ અમે રોડ ક્રોસ કરીને, ‘બેસ્ટ બજાર’ નજીક ગોઠવાઈ જઈશું.'

‘હું !’ કૈલાસકપૂરે કહ્યું, ત્યાં જ અચાનક જમણી બાજુની નાનકડી ગલીમાંથી એક કાર બહાર નીકળી આવી અને તેમની કારની આગળ-રસ્તો રોકીને ઊભી રહી ગઈ.

રાજવીરે એકદમથી બ્રેક મારી દીધી. ચિઈંઈંઈંઈંના ચિચિયારી સાથે તેમની કાર ઊભી રહી ગઈ.

કૈલાસકપૂરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

(ક્રમશઃ)