Reshmi Dankh - 10 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 10

10

‘‘રાજવીર, નતાશા અને રાજવીરની મા સુમિત્રાને મારી નાંખવાથી આપણાં બન્નેની સલામતી સચવાશે. આપણે બન્ને કૈલાસના પચાસ કરોડ રૂપિયા સાથે ખૂબ જ નિરાંતે અને મોજ- મજા સાથે જિંદગી જીવી શકીશું.” સિમરન મોબાઈલ ફોનમાં સામેવાળી વ્યક્તિને કહીને થોડી પળો સુધી સામેવાળી વ્યક્તિની વાત સાંભળી રહી, પછી બોલી : ‘સારું, એ વ્યવસ્થા હું ગોઠવી લઈશ. પણ બાકીનું બધું કામ તારે કરવાનું રહેશે.' અને સામેવાળી વ્યક્તિની વાત સાંભળીને સિમરને કહ્યું : ‘ચોકકસ હું પૂરી સંભાળ રાખીશ, પણ તુંય ખૂબ જ સાવચેતી સાથે કામ લેજે.’ અને સિમરને અવાજમાં પ્રેમની મીઠાસ ઘોળતાં કહ્યું : ‘હું તને ખૂબ જ ચાહું છું, ડાર્લિંગ !' ને આ સાથે જ તેણે મોબાઈલ ક્ટ્ કરી દીધો.

તેના ચહેરા પર એટલી ખુશી આવી ગઈ કે, જાણે અત્યારે જ તેની નજર સામે રાજવીર, નતાશા અને રાજવીરની મા સુમિત્રાની લાશ ઢળી ચૂકી હોય અને કૈલાસકપૂર પાસેથી તેના હાથમાં રોકડા દસ કરોડ અને ચાળીસ કરોડ રૂપિયાના હીરા આવી ગયા હોય ! ! !

***

સિમરન પાસેથી કારમાં નીકળેલો રાજવીર જગ્ગીના ખૂન પાછળનો ભેદ જાણવા માટે ‘નૉબલ ઑટો’ પર પહોંચ્યો, ત્યારે સવારના સાડા નવ વાગ્યા હતા.

‘નૉબલ ઓટો’માં ઘણી-બધી જૂની કાર પડી હતી. નજીકમાં જ, સ્ટૂલ પર વીસેક વરસનો યુવાન બેઠો હતો.

રાજવીર કારમાંથી ઊતર્યો એટલે એ યુવાને ઊભા થતાં પૂછ્યું : ‘ફરમાવો, સાહેબ ! આ વસંત તમારી સેવામાં હાજર છે.'

‘મારે આ જૂની કાર વેચવી છે અને..' રાજવીરે વસંતને તાકી રહેતાં કહ્યું : ‘એની સામે એક મર્સીડીઝ કાર ખરીદવી છે.’

‘...તમે અડધો કલાક મોડા પડયા.' વસંત બોલ્યો : ‘ત્રણ- ચાર દિવસથી એક અનટચ મર્સીડીઝ કાર આવી હતી, એ અડધો કલાક પહેલાં જ વેચાઈ ગઈ. એનો નંબર પણ સારો હતો.' અને વસંત નંબર બોલી ગયો.

એ સિમરનની મર્સીડીઝનો જ નંબર હતો. ‘ઓફફ !' રાજવીરે અફસોસ જતાવીને પૂછ્યું : ‘એ કોણ લઈ ગયું એ કહે, હું એને થોડાં વધારે રૂપિયા આપીને એની પાસેથી એ મર્સીડીઝ કાર ખરીદી લઈશ.'

‘એ માટે તમારે મારા માલિક એન્થની સરને મળવું પડશે.’ વસંત બોલ્યો : ‘એ અત્યારે એમની ઑફિસમાં જ બેઠા છે.’

‘ઠીક છે !’ અને રાજવીર જમણી બાજુ આવેલી કૅબિન તરફ આગળ વધી ગયો.

તે કેબિનનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો.

ટેબલ પાછળ ચાળીસેક વરસનો, ઊંચો-પાતળો એન્થની બેઠો હતો. ‘યસ...!' એ બોલ્યો.

‘મને બહાર તમારા માણસ વસંતે કહ્યું કે, અડધો કલાક પહેલાં મર્સીડીઝ કાર વેચાઈ ગઈ.’ રાજવીરે એન્થનીની સામેની ખુરશી પર બેસતાં કહ્યું : ‘મને એ ખરીદવામાં રસ હતો.'

‘તમે મોડા પડયા,’ એન્થની બોલ્યો : ‘પણ કંઈ નહિ, મારી પાસે એનાથી વધુ સારી...’

ના-ના, મને મર્સીડીઝમાં જ રસ છે.' રાજવીરે કહ્યું : ‘તમે એ મર્સીડીઝ લઈ ગયો એ ભાઈનું નામ-સરનામું મને આપો. હું એને થોડાં વધુ રૂપિયા આપીને એની પાસેથી ખરીદી લઈ લઈશ.’

‘એ શકય નથી.’ એન્થનીએ કહ્યું : ‘એ ભાઈ એવો છે કે, તમને મર્સીડીઝ નહિ આપે.’

‘છતાં મને એનું નામ-સર...'

“તમે નાહકના મારું મગજ ખાઈ રહ્યા છો.' એન્થની એકદમથી ગુસ્સે થઈ ગયો : “મેં તમને ના પાડીને કે, તમને એનું નામ-સરનામું નહિ મળે.’

‘ઠીક છે.’ કહેતાં રાજવીર ઊભો થયો અને ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને એન્થનીના કપાળ તરફ તાકી દીધી.

‘ના-ના !’ એન્થની ગભરાઈ ઊઠયો : ‘મને મારશો નહિ, નહિતર મારી જુલી વિધવા થઈ જશે. હું-હું તમને એ માણસનું નામ કહું છું !'

‘ગુડ !’ રાજવીર મલકયો : ‘તો બોલી નાંખ એનું નામ.’

એન્થનીએ પોતાના પાતળા હોઠ પર જીભ ફેરવી : ‘હા, પણ તમે એને કહેતાં નહિ કે મેં તમને એનું નામ આપ્યું હતું, નહિતર એ મને જીવતો નહિ છોડે.’

‘તું બિન્ધાસ્ત થઈને એનું નામ બોલી નાંખ.' રાજવીર બોલ્યો : ‘કલાક પછી તો એ માણસ આ દુનિયામાં જ નહિ હોય. હું એની લાશ ઢાળી દેવાનો છું.'

એન્થનીનો ભય બેવડાયો. ‘વનરાજ !' એ બોલ્યો : ‘વનરાજ એ મર્સીડીઝ લઈ ગયો !' ‘વનરાજ એટલે...,’ અને રાજવીરે કૈલાસકપૂરના પાર્ટનર

અને દોસ્ત વનરાજની આગળ-પાછળની ઓળખાણ આપીને

પૂછ્યું : ‘તું આ વનરાજની જ વાત કરી રહ્યો છે ને ? !'

‘હા !’ એન્થની બોલ્યો : ‘વનરાજ અહીં એ મર્સીડીઝ મૂકી ગયો હતો ને આજે એ જ આવીને એ મર્સીડીઝ લઈ ગયો. મર્સીડીઝ અહીં છુપાવી રાખવાના એણે મને એક લાખ રૂપિયા આપ્યા હતા.’

‘હું,’ બોલતાં રાજવીર એન્થની તરફ રિવૉલ્વર તાકેલી રાખતાં એની પાસે પહોંચ્યો.

‘મને મારશો નહિ, મેં તમને એનું નામ તો કહી...,' ‘હા, પણ હું તારી પાસેથી આ માહિતી લઈ ગયો છું, એ વાત તું એને ફોન કરીને કહી દે તો !'

‘નહિ કરું ! મારી જુલીના સોગંધ !'

‘ઠીક છે.’ રાજવીર બોલ્યો : ‘હું તારી પર ભરોસો રાખું છું. પણ તારે થોડા સમય માટે બેહોશ તો થવું જ પડશે.’ અને રાજવીરે એના માથા પર રિવૉલ્વરનો ફટકો માર્યો. બરાબર એ જ વખતે વસંત કેબિનનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો. રાજવીરે એન્થનીને બેહોશીમાં સરતો-ખુરશી પર ઢળી પડતો છોડીને વસંત તરફ રિવૉલ્વર તાકી.

‘નહિ-નહિ !’ બોલતાં વસંત જમીન પર બેસી પડયો. રાજવીર વસંત નજીક પહોંચ્યો. વસંત ધ્રુજી રહ્યો હતો.

‘તારે જો જીવતા રહેવું હોય તો એક વાત યાદ રાખવી પડશે.’ રાજવીર બોલ્યો : કોઈને તારે કયારેય કહેવાનું નથી કે, હું અહીં આવ્યો હતો. સમજ્યો.'

‘હા !’ વસંત પરાણે બોલ્યો.

રાજવીર કેબિનની બહાર નીકળી ગયો.

તે કારમાં બેઠો અને થોડેક દૂર કાર પહોંચાડીને ઊભી રાખી.

બીજું કોઈ નહિ પણ વનરાજ સિમરનની મર્સીડીઝ કાર લઈને ગયો હતો, એ સાંભળીને રાજવીર ચોકયો નહોતો, એની પાછળનું કારણ હતું. તેની નજર સામે સિમરનને મદદ કરનારી વ્યક્તિની જે ઝાંખી આકૃતિ ઊપસી હતી, એ વનરાજની જ હતી અને અત્યારે તેને એન્થની પાસેથી, ‘સિમરનનો સાથી વનરાજ છે' એ વાતની ખાતરી થઈ ગઈ હતી.

જોકે, આજે સવાર-સવારના પહોરમાં વનરાજ એ મર્સીડીઝ કેમ લઈ ગયો હતો ? ! એ સવાલ તેને પરેશાન કરી રહ્યો હતો.

અને અત્યારે આ પળે જ તેના મગજમાં જે જવાબ જાગ્યો, એનાથી તે ભયભીત થઈ ઊઠયો.

‘વનરાજ સિમરનની મર્સીડીઝ કાર લઈ ગયો હતો એનો મતલબ સાફ હતો. સિમરનને એટલે કે નતાશાને ખતમ કરી નાંખવાનું નકકી થઈ ચૂકયું હતું.

‘સિમરને બનાવેલી યોજના પ્રમાણે, બે દિવસ પછી તેણે નતાશાનું મર્સીડીઝમાં અકસ્માત કરીને, એની લાશને સિમરન તરીકે કૈલાસકપૂર સામે રજૂ કરવાની હતી. પણ તે સવારના સિમરનથી છુટો પડયો એના અડધો-પોણો કલાકમાં જ વનરાજ એન્થની પાસેથી સિમરનની મર્સીડીઝ કાર લઈ ગયો, એનાથી એ વાત સાબિત થઈ જતી હતી કે, સિમરન અને વનરાજ હવે તેની વાટ જોવાના નહોતા. વનરાજ હવે નતાશાનું ઍકસીડન્ટ કરીને, એની લાશ કૈલાસકપૂર સામે રજૂ કરી દેવાનો હતો.

જોકે, તે વનરાજને એવું નહિ કરવા દે, પણ..' અને રાજવીરના વિચારે પલટો ખાધો : ‘...પણ વનરાજ અને સિમરન આવું કંઈ કરે તો તે એમને જીવતા નહિ છોડે એવી એમની ગણતરી હોય જ, છતાં એ બન્ને આવું કરવા તૈયાર કેમ થયા ? !' અને આ વખતે જાણે રાજવીરના મનમાંથી અવાજ ગૂંજ્યો : ‘રાજવીર ! હજુય તું વિચારે છે શું ? ! વનરાજે અને સિમરને જો નતાશાને ખતમ કરી નાંખવાનું નકકી કરી રાખ્યું હોય તો પછી તું એમને પરેશાન કરવા-એમને ખતમ કરવા માટે જીવતો રહે એવી બેવકૂફી તેઓ કરે ખરાં ? ! એ તનેય જીવતો ન છોડે અને નતાશાને તારી મા સુમિત્રા પાસેથી ઊઠાવી લાવવા માટે તેઓ જશે, ત્યારે શું તેઓ તારી મા સુમિત્રાને પણ જીવતી રાખશે એવું તને લાગે છે, ખરું ? !’ અને મનની આ વાતે રાજવીરને ખળભળાવી નાંખ્યો. અત્યારે હવે તેનો, નતાશાનો અને તેની મા સુમિત્રાનો જીવ જોખમમાં હતો. રાજવીરે કાર ચાલુ કરી.

મા સુમિત્રા અને નતાશા પાસે પહોંચીને વનરાજ એમના જીવને નુકશાન પહોંચાડે એ પહેલાં જ એમની પાસે પહોંચી જવા માટે રાજવીરે કારને મા સુમિત્રાના ઘર તરફ દોડાવી મૂકી.

***

રાજવીર પૂનામાં આવેલા મા સુમિત્રાના ઘરના દરવાજે પહોંચ્યો, ત્યારે બપોરનો એક વાગ્યો હતો.

રાજવીરે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને દરવાજે કાન માંડયા. અંદર શાંતિ છવાયેલી હતી. રાજવીરને ધ્રાસકો પડયો. ‘કયાંક વનરાજ મા સુમિત્રાને ખતમ કરીને, નતાશાને ઊઠાવી નહિ ગયો હોય ને ?' તેણે ડૉરબેલ વગાડી. તેને પગલાંનો અવાજ સંભળાયો. તેણે મજબૂતાઈ સાથે રિવૉલ્વર પકડી. પાંચમી પળે દરવાજો ખુલ્યો અને મા સુમિત્રા દેખાઈ. રાજવીર રિવૉલ્વર સાથે અંદર દાખલ થયો.

તેને આ રીતના રિવૉલ્વર સાથે અંદર આવેલો જોતાં જ સોફા પર બેઠેલી નતાશા એક ચીસ પાડતી ઊભી થઈ ગઈ.

ડર નહિ, આ મારો દીકરો છે.' સુમિત્રાએ દરવાજો બંધ કરતાં નતાશાને કહ્યું અને પછી રાજવીરને ખખડાવ્યો : ‘રાજુ ! તું આ રીતે રિવૉલ્વર સાથે કેમ અંદર આવ્યો ? ! નાહકના તે બિચારીને ગભરાવી નાંખી.'

રાજવીરે જોયું તો હજુ પણ નતાશાના ચહેરાનો ગભરાટ ઓછો થયો નહોતો. તેણે રિવૉલ્વર ખિસ્સામાં મૂકી. મા અને નતાશાને જીવતી જોઈને તેના મનને રાહત થઈ. ‘તમે બન્ને ઠીક છો ને ? !' રાજવીરે પૂછ્યું.

‘હા !’ સુમિત્રાએ પૂછ્યું : ‘પણ તું કેમ આવું પૂછે છે, રાજુ ? કોઈ આફત-મુસીબત...’

‘તું બાજુના રૂમમાં આવ.' કહેતાં રાજવીર સુમિત્રાને લઈને બાજુના રૂમમાં દાખલ થયો અને અંદરથી રૂમનો દરવાજો બંધ કર્યો. ‘મા !’ તેણે સીધું જ કહ્યું : “તારે અને નતાશાએ અહીંથી નીકળી જવાનું છે ?'

‘કેમ ? અહીં...’

ગયો.

‘...અહીં તમારી લાશો પડે એમ છે.' રાજવીર બોલી

સુમિત્રા રાજવીરને તાકી રહી.

‘મા !’ રાજવીર બોલ્યો : ‘જગ્ગીઅંકલ અને માયાઆન્ટીનાં ખૂન થઈ ગયાં છે.’

‘શું ? !' સુમિત્રાની આંખો પહોળી થઈ ગઈ.

‘મા !’ તેણે સુમિત્રાને ખભે હાથ મૂકયો : ‘તું મારી વાત ધ્યાનથી સાંભળ. હું ફસાયો છું. નતાશાને મારી નાંખવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું.’

‘...એને મારતાં પહેલાં તારે મને મારવી પડશે.' સુમિત્રા બોલી ઊઠી : “નતાશા સાથે મારો જીવ મળી ગયો છે. હું 277...'

‘મા ! હું એને મારવા નથી ઈચ્છતો, હું...' ‘માંડીને વાત કર. તેં શું જવાબદારી સ્વીકારી છે, રાજુ ? પેલી એ દિવસે તારી સાથે આવી હતી એ નતાશાની બહેન હતી ને ? શું તમે બધાં ભેગા મળીને કોઈ કાવત્રું કરી રહ્યાં છો ?’

‘મા ! માંડીને વાત કરવાનો સમય નથી. હા, હું એ ષડયંત્રનો ભાગીદાર હતો. પણ હવે નથી. હવે પરિસ્થિતિએ પલટો ખાધો છે. હવે મારે એકલા હાથે ઝઝૂમવાનું છે.’ રાજવીરે કહ્યું : ‘હું તારા સોગંદ ખાઈને કહું છું મા, નતાશાને મારી નાંખવાની મારી કયારેય ઈચ્છા નહોતી. પરતું એના રક્ષણ માટે મારું હિત જતું કરવાની પણ મારી તૈયારી નહોતી. હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. હવે એના રક્ષણમાં જ મારું હિત છે. મા ! હું સાચું કહું છું, નતાશાને હું નહિ મારું. એટલું જ નહિ, હું એનો વાળ પણ વાંકો નહિ થવા દઉં.'

‘તું પોતે આ ઝંઝટમાંથી બહાર નીકળી શકે એમ નથી.'

‘ના, મા ! હું મરિયે છું. સમજદારી અને સાવચેતીભર્યા પ્રયત્નો કર્યા સિવાય મારાથી બહાર નીકળી શકાય એમ નથી. દુશ્મન ખતમ થાય તો જ હું બચી શકું એમ છું, અને એટલે જ હું તમને બન્નેને સલામત સ્થળે ખસેડી દેવા માંગું છું.’

‘અમને કયાં લઈ જઈશ ? !'

‘મુંબઈની એક હોટલમાં.’ રાજવીર બોલ્યો : ‘ત્યાં તમારે સંતાઈ રહેવું પડશે. પણ ત્યાં નતાશા તોફાન નહિ કરે ને ?’ ‘..નહિ કરું.' બંધ દરવાજાની પેલી બાજુથી અવાજ

સાંભળીને રાજવીર અને સુમિત્રા ચોકયા.

એ નતાશાનો અવાજ હતો. એ બંધ દરવાજાની પેલી તરફથી કહી રહી હતી : ‘મેં તમારી વાતો સાંભળી છે, હું તમને પૂરો સાથ-સહકાર આપીશ.'

રાજવીર અને સુમિત્રાની આંખો ખુશીથી ઝળકી ઊઠી. સુમિત્રાએ દરવાજો ખોલ્યો એટલે નતાશા અંદર આવી અને દીકરી માને ભેટે એટલા ઉમળકાથી સુમિત્રાને વળગી પડી.

રહ્યો. રાજવીર આનંદ અને રાહત અનુભવતો આ દશ્ય જોઈ

સુમિત્રાએ નતાશાને અળગી કરી. ‘હું સૂટકેસમાં બે જોડી કપડાં ભરી લઉં.'

‘ત્યાં સુધી હું તમારા રાજુ માટે પાણી લઈ આવું.' કહેતાં નતાશા રાજવીર તરફ પ્રેમભરી નજર નાંખીને રસોડા તરફ ચાલી ગઈ.

‘તમે બન્ને ઊતાવળ કરજો,’ રાજવીરે કહ્યું : ‘એ લોકો આ તરફ આવતા જ હશે.’

‘હા !’ મા અને નતાશા બન્નેએ એકસાથે જવાબ આપ્યો.

અને દસમી મિનિટે રાજવીર કારમાં સુમિત્રા અને નતાશાને લઈને મુંબઈ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે તેના મગજમાં વિચારો ચાલતા હતા, ‘સિમરન અને નતાશા વચ્ચે કેટલું અંતર હતું ? ! બન્ને સગી બહેનો હતી, બન્નેનો દેખાવ સરખો હતો, પણ બન્નેના સ્વભાવમાં જમીન-આસમાનનો ફરક હતો. સિમરન લુચ્ચી અને હત્યારી હતી, જ્યારે નતાશા ભોળી અને નિર્દોષ !

***

અત્યારે બપોરનો દોઢ વાગ્યો હતો. કૈલાસકપૂર તેની બેવફા પત્ની સિમરને મોકલેલો ઈ-મેલ વાંચી રહ્યો હતો-

માય ડીયર-ડીયર ડાર્લિંગ !

ચોવીસ કલાકમાં, એટલે કે, કાલ બપોરના એક વાગ્યા સુધીમાં ચાળીસ કરોડ રૂપિયાના હીરા અને રોકડા દસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી રાખ.

હીરા અને રૂપિયા મને મળશે એટલે તને તારી લૅપટોપની બેગ પાછી મળી જશે.

મારા માલ અને તારા લેપટોપની લેવડદેવડ કયા સમયે અને કેવી રીતના થશે ? એ પછી તને જણાવું છું.

-એ જ તારી વહાલી વાઈફ,               

-સિમરન

 

(ક્રમશ)