Reshmi Dankh - 8 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 8

8

સિમરને ઈ-મેઈલમાં જણાવ્યા પ્રમાણે રાજવીર, વનરાજ અને કૈલાસકપૂર મર્સીડીઝમાં ‘બેસ્ટ બજાર' તરફ આગળ વધી રહ્યા હતા, ત્યાં જ અચાનક જ જમણી બાજુની નાનકડી ગલીમાંથી એક કાર નીકળી આવીને તેમની કારની આગળ- રસ્તો રોકીને ઊભી રહી ગઈ હતી. રાજવીરે એકદમથી જ બ્રેક મારી દીધી હતી ને કૈલાસકપૂરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું.

ત્યાં જ અત્યારે હવે એ કારમાંથી સિમરન સફેદ પર્સ સાથે બહાર નીકળી અને જાણે આંધીની જેમ તેમની કાર નજીક, કૈલાસકપૂર બેઠો હતો એ બારી પાસે આવીને ઊભી રહી ગઈ ને આગળ બેઠેલા રાજવીર અને વનરાજ તરફ જોતાં બોલી ગઈ : ‘....તમે બન્ને જણાંએ કોઈ હોશિયારી બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તો તમારા બોસની લાશ ઢાળી દઈશ.’

રાજવીર, વનરાજ અને કૈલાસકપૂર ત્રણેય જણાંએ જોયું તો સિમરને જે સફેદ પર્સ પકડયું હતું એની આડમાં એણે રિવૉલ્વર પકડી રાખી હતી અને એ રિવૉલ્વરની અણી કૈલાસકપૂર તરફ તકાયેલી હતી.

વનરાજ જાણે થીજી ગયો. રાજવીર ગંભીર ચહેરે બેઠો રહ્યો, ત્યાં જ રાજવીરના કાને કૈલાસકપૂરનો અવાજ સંભળાયો : ‘સિમરન ! તું મને મારીશ નહિ. આ બન્ને કોઈ હોશિયારી નહિ બતાવે.'

રાજવીરને હસવાનું મન થયું, પણ તેણે પરાણે હસવું રોકયું. જોકે, તે કૈલાસકપૂરની હાલત જોવાની ઈચ્છાને રોકી શકયો નહિ. તેણે સામે લાગેલા રિઅર-વ્યૂ મિરરમાંથી જોયું. તેને પાછળ બેઠેલા કૈલાસકપૂરનું પ્રતિબિંબ દેખાયું. બિલાડીને જોઈને, ઘેરાયેલો ઉંદર દીવાલ સાથે લપાઈને બેસી રહે એમ કૈલાસકપૂર સીટને દબાઈને બેઠો હતો. એની આંખો બારીમાંથી દેખાતા સિમરનના ચહેરા પર મંડાયેલી હતી.

‘એઈ, રાજવીર !’ રાજવીરના કાને સિમરનનો અવાજ સંભળાયો ને તે વિચારોમાંથી બહાર આવ્યો.

‘ચાવી લાવ !' સિમરને કહ્યું.

‘શું ? !’ રાજવીરે પૂછ્યું.

‘...બહેરો છે ? !' સિમરન તાડૂકી : ‘કહું છું, કારની ચાવી આપ...!''

રાજવીરે ચાવી ફેરવીને કાર બંધ કરી. ચાવી કાઢીને સિમરન તરફ લંબાવી.

સિમરને પોતાના હાથમાંની રિવૉલ્વરની અણી કૈલાસકપૂર તરફ જ તકાયેલી રહે એ રીતે ચાવી લીધી.

‘રૂપિયા કયાં છે ? !’ સિમરને કૈલાસકપૂરને પૂછ્યું.

કૈલાસકપૂરે પોતાની બાજુમાં પડેલી બેગ પર હાથ થપથપાવ્યો : ‘...આમાં છે.'

‘ઠીક છે, પણ...!’ સિમરને કહ્યું : “મેં તને એકલા આવવાનું કહ્યું હતું ને..? !'

‘હા !’ કૈલાસકપૂર બોલ્યો : ‘આ બન્ને તો આગળ ઊતરી જવાના હતા.’

સિમરન મલકી : ‘કંઈ વાંધો નહિ, અહીં સુધી એમને લાવ્યો છે તો એમની પાસે થોડુંક કામ કરાવી લઉં.’ અને સિમરને વનરાજને હુકમ આપ્યો : ‘વનરાજ ! તું બહાર નીકળ અને બેગ લઈને મારી કારની પાછલી સીટ પર મૂકીને પાછો તારી જગ્યા પર આવીને બેસી જા.’

વનરાજ ચાવી દીધેલા પૂતળાની જેમ બહાર નીકળ્યો અને પાછળની સીટ પરથી બન્ને બેગ લઈને, સિમરનની કારની પાછલી સીટ પર મૂકી આવ્યો અને પાછો પોતાની સીટ પર બેસી ગયો.

‘હવે અમને જવા દે.’ કૈલાસકપૂર બોલ્યો.

‘તમે લોકો કેવી રીતના જશો ? ! તમારી કારની ચાવી તો મારી પાસે છે ! પહેલાં હું અહીંથી જઈશ, એ પછી તમારે અહીંથી નીકળવાનું છે.’ અને સિમરન હસી : ‘કૈલાસ ! તું મારો પીછો કરાવવાની મૂરખામી ન કરીશ, નહિંતર પીછો કરનાર તો મરશે જ પણ પછી તું ય નહિ બચે.'

કૈલાસકપૂર ચુપચાપ સિમરન તરફ જોઈ રહ્યો.

‘ચાલ, ગુડબાય, ડીયર !' અને આટલું કહેતાં જ સિમરન એ રીતના પોતાની કાર નજીક પહોંચી કે, એના હાથમાંના પર્સની આડમાં રહેલી રિવૉલ્વર તેમની તરફ તકાયેલી રહે.

સિમરન કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠી. એ કારને ત્યાંથી હંકારી ગઈ અને ચોથી પળે એ ગલીની બહાર નીકળીને, ડાબી બાજુ વળીને આંખ સામેથી ઓઝલ થઈ ગઈ.

‘..ગઈ, સાલ્લી !’ કૈલાસકપૂરે કારમાં છવાયેલી ચુપકીદી તોડી : ‘..એ આપણને ત્રણેયને ઉલ્લુ બનાવી ગઈ !' રાજવીર ગુનેગારની જેમ ચુપચાપ બેસી રહ્યો.

‘કૈલાસ ! આપણે કાર પછી મંગાવી લઈશું.' વનરાજ હળવેકથી બોલ્યો : ‘આપણે ટૅકસીમાં ઘરે પહોંચી જઈએ.’

‘હા !’ કૈલાસકપૂરે કહ્યું.

ત્રણેય ટૅકસીમાં કૈલાસકપૂરના બંગલે પહોંચ્યા, ત્યાં સુધી કૈલાસકપૂર પોતાની પત્ની સિમરનને ભાંડતો રહ્યો.

કૈલાસકપૂરે પાણી પીધું અને પછી થોડોક ઠંડો પડયો, એટલે એણે રાજવીર અને વનરાજ સાથે આખી ઘટનાનું પૃ થકકરણ કર્યું.

કૈલાસકપૂર અને વનરાજ સિમરનને ગાળો ભાંડતા હતા, પણ રાજવીરનો વાંક કાઢતા નહોતા, એટલે રાજવીરને રાહત થતી હતી. સિમરન રૂપિયાથી ભરાયેલી બન્ને બેગ લઈને ગઈ એ પછી રાજવીરને ડર હતો કે, સિમરન આ રીતના તેમને મૂરખ બનાવીને ચાલી ગઈ અને તે સિમરનને પકડવા માટે કંઈ ન કરી શકયો એ બદલ કૈલાસકપૂર તેની પર વિફરશે. પણ કૈલાસકપૂર તો આમાં એના પોતાના જ નસીબનો વાંક જોતો હતો.

કૈલાસકપૂર કહેતો હતો કે, ‘સિમરનની બચ્ચી કેટલી કમબખ્ત નીકળી. આપણને ‘બેસ્ટ બજાર’ પર બોલાવીને પછી રસ્તામાં જ ટપકી પડી અને રૂપિયા લઈ ગઈ. જબરી ચાલાક નીકળી. કોઈ ચોર-ડાકુને પણ નીચું જોવડાવે એવી !’

કૈલાસકપૂર અને વનરાજની આવી વાતોથી રાજવીરને કંટાળો આવતો હતો. અત્યારે તેનું મન તો કૈલાસકપૂર સાથેની આ પહેલી સફળતાભરી પૈસાની લેવડ-દેવડની મુબારકબાદી પાઠવવા માટે સિમરન પાસે પહોંચી જવા થનગની રહ્યું હતું.

અહીં આવીને કૈલાસકપૂરે સિમરનને શોધવા માટે માણસો દોડાવ્યા હતા, પણ રાજવીરને એ ખાતરી હતી કે, એ માણસો સિમરનને શોધી નહિ શકે.

તેને વિશ્વાસ હતો કે, સિમરન રૂપિયા સાથે સહી-સલામત મુંબઈ-ગોવાના હાઈવે પરના ફાર્મહાઉસ પર પહોંચી ગઈ હશે અને આરામથી રૂપિયાના બંડલો ગણતી બેઠી હશે.

‘રાજવીર !' રાજવીરના કાને કૈલાસકપૂરનો અવાજ પડયો એટલે તેણે વિચારોમાંથી બહાર આવતાં કૈલાસકપૂર તરફ ધ્યાન આપ્યું. ‘હવે આપણે શું કરીશું ?' કૈલાસકપૂરે પૂછ્યું.

‘આપણે સિમરનના બીજા ફોન, બીજા ઈ-મેઈલની વાટ જોવી પડશે.' રાજવીરે કહ્યું : ‘આ પહેલા રૂપિયાનો વહીવટ કરીને એ તમારી પાસે બીજા રૂપિયાની- બીજા હપ્તાની માંગણી કરશે.'

‘હા, સિમરન એમ જ કરશે.' વનરાજે સિમરન તરફના ધૂંધવાટ સાથે રાજવીરની વાતમાં સૂર પુરાવ્યો.

‘સાલ્લી ! કેટલી ચબરાક છે.' કૈલાસકપૂર બોલ્યો : ‘તે એમ માની રહી છે કે, હું તેના આ ચાળાં સહન કરી લઈશ.’

અત્યારે તો તમે એ સહન કરી જ રહ્યા છો, છતાં તમે એને કંઈ જ કહી-કરી શકતા નથી.' રાજવીર બોલ્યો : ‘તેને તમારી આ લાચારીનું બરાબર ભાન છે.’

‘તારી વાત સાચી છે.’ કૈલાસકપૂર બોલ્યો : ‘કોઈ બીજી વ્યક્તિ હોત તો હું એને ઠેકાણે પાડવામાં કયારનો સફળ થઈ ગયો હોત. પણ સિમરનને માત કરવામાં હું સફળ થઈ શકતો નથી એનું કારણ એ છે કે, એ મારા સ્વભાવ અને મારી દુઃખતી રગથી વાકેફ છે. મારો સ્વભાવ જાણતી હોવાને કારણે ચબરાક સિમરન પોતાની ચાલ-પોતાનો વ્યૂહ બરાબર ગોઠવી રહી છે. વળી એને મોતનો ડર નથી. કારણ કે, એને બરાબર ખબર છે કે, જ્યાં સુધી મારી લૅપટોપની બેગ એના કબજામાં હશે, ત્યાં સુધી એની જિંદગી સલામત રહેશે. આ બધાંને કારણે સિમરન મારી સામે સફળતાપૂર્વક ચાલ ચાલી રહી છે. જોકે, હજુય મને લાગે છે કે, આમાં એ એકલી નથી.’

અને આ વાતના જવાબમાં રાજવીર કે વનરાજ કંઈ કહે, ત્યાં જ કૈલાસકપૂરના મોબાઈલની રીંગ વાગી ઊઠી. મોબાઈલના સ્ક્રીન પર નંબર જોઈને કૈલાસ-કપૂરે વનરાજ સમે જોતાં કહ્યું : ‘કાબરાનો ફોન છે. એ મિટીંગની વાત કરવા માંગતો હશે.'

‘કૈલાસ ! આપણે હવે રાજવીરને જવા દેવો જોઈએ.' કૈલાસકપૂર રાજવીરની હાજરીમાં પોતાના પાર્ટનરો સાથે વાત કરે એ ઈચ્છતો ન હોય એમ વનરાજે કહ્યું.

‘હા !' કૈલાસકપૂરે વનરાજની વાત સ્વીકારીને, મોબાઈલની રીંગ કટ કરતાં રાજવીરને કહ્યું : ‘રાજવીર ! તું જઈ શકે છે. કામ પડશે એટલે તુરત જ રીંગ કરીશ.'

‘ભલે !’ રાજવીરે કહ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો.

‘તમે કાબરા સાથે વાત કરો, હું આવું છું.' કહીને વનરાજ પણ રાજવીરની પાછળ રૂમની બહાર નીકળ્યો.

રાજવીર !' વનરાજે રાજવીર સાથે બહારની તરફ આગળ વધતાં કહ્યું : ‘તું પણ સિમરનને શોધવા જવા માંગે છે : કે, શું ? !'

‘એકલી સિમરનને જ નહિ, પણ એની સાથે જે કોઈ પણ છે, એને પણ શોધી કાઢવા માંગું છું.' રાજવીરે કહ્યું.

‘સરસ !' અને વનરાજ રાજવીર સાથે બંગલાના મેઈન દરવાજાની બહાર નીકળ્યો.

રાજવીરને એમ હતું કે, અહીં તો હવે વનરાજ રોકાઈને તેને ‘ગુડ બાય’ કહી દેશે, પણ તે પોતાની કાર તરફ આગળ વધ્યો તો વનરાજ પણ તેની સાથે જ ચાલ્યો.

રાજવીર તેની કારની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો અને બારણું બંધ કર્યું, એટલે વનરાજ તેની બારી પાસે નમ્યો : ‘રાજવીર !’ વનરાજ વેધક નજરે તેને જોઈ રહેતાં બોલ્યો : ‘તું સિમરનને પહેલાં કદી મળ્યો છે, ખરો ?’

‘ના !’ રાજવીરે એક શબ્દનો જવાબ આપ્યો.

...તો પછી....' વનરાજે તેની તરફ શંકાભરી ન- જરે જોઈ રહેતાં પોતાનું વાકય પૂરું કર્યું : “….સિમરને તને ઓળખ્યો કેવી રીતના ? !'

....એણે મને ઓળખ્યો હતો ? ! !'

‘હા !’ વનરાજ તેને એ જ રીતના જોઈ રહેતાં બોલ્યો : ‘એણે તારું નામ લઈને તારી પાસે કારની ચાવી માંગી હતી.’

‘એને મારા નામની ખબર કેવી રીતના પડી એની મને ખબર નથી.' રાજવીરે કહ્યું : “મેં તો આજે પહેલીવાર જ એને જોઈ.’

‘હશે, પણ...,’ વનરાજે પોતાની મોટી આંખો ઝીણી કરતાં કહ્યું : ‘સિમરનને તારા નામની ખબર કેવી રીતના પડી ? એ સવાલનો જવાબ તારે શોધવો જ જોઈએ.’

‘..શોધીશ !' રાજવીરે કહ્યું : ‘ચોકકસ જવાબ શોધીશ !'

‘જવાબ મળે તો ચોકકસ મને જાણ કરજે.' વનરાજે કહ્યું : ‘મને આ રહસ્ય જાણવામાં રસ છે.’

‘ઠીક છે !’ રાજવીરે કહ્યું : ‘તો હવે હું નીકળું.'

‘જરૂર !’ અને વનરાજ બારી પાસેથી હટીને સીધો ઊભો

રહ્યો.

રાજવીરે વનરાજ સાથે નજર મિલાવ્યા વિના જ ત્યાંથી કાર હંકારી મૂકી.

વનરાજે રાજવીરને બેચેન કરી મૂકયો હતો.

બંગલાના કમ્પાઉન્ડમાંથી કાર બહાર કાઢતાં રાજવીરે વિચાર્યું : ‘વનરાજ ચાલાક માણસ છે. મારે એની પર ચાંપતી નજર રાખવી પડશે. હા, મારે આજથી જ વનરાજની હીલચાલ પર નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી દેવી પડશે.’ અને તેનું મન અત્યારે સિમરન પાસે પહોંચી જવા માટે અધીરું બન્યું હતું, છતાંય તેણે કારને જગ્ગીના ઘર તરફ વળાવી.

અત્યારે તે જગ્ગી પાસે પહોંચીને, જગ્ગીને વનરાજ પર નજર રાખવાનું કામ સોંપવાની સાથે જ, જગ્ગીએ સિમરન વિશે કોઈ માહિતી મેળવી કે, નહિ ? એ પણ જાણી લેવા માંગતો હતો.

***

રાજવીર પાસેથી છૂટો પડીને વનરાજ પાછો કૈલાસકપૂરના બેડરૂમમાં પહોંચ્યો હતો અને અત્યારે કૈલાસકપૂર સાથે વાત કરી રહ્યો હતો : ‘શું થયું, કૈલાસ ? કાબરા સાથે વાત થઈ ગઈ ?’

‘ના !’ કૈલાસકપૂરે કહ્યું : ‘હજુ સિમરન અને લૅપટોપની વાત આટોપાઈ નથી, એટલે તું જ એની સામે કંઈક બહાનું બનાવીને મિટિંગને બે-ચાર દિવસ માટે પાછી ઠેલી દે ને.’

‘ઠીક છે.’ વનરાજે કહ્યું : ‘તું હવે થોડોક આરામ કર, હું એની સાથે વાત કરી લઉં છું.’ અને વનરાજ કાબરાનો મોબાઈલ નંબર લગાવતો બહાર નીકળી ગયો.

***

રાજવીરે અંધારી આલમના જાસૂસ જગ્ગીના રો-હાઉસની ડૉરબેલ ચોથી વાર વગાડી અને અંદરથી જગ્ગી કે એની પત્ની માયાનો કોઈ જવાબ સંભળાયો નહિ એટલે તેને ધ્રાસકો પડયો.

અંદરથી દરવાજો બંધ હતો. અને અંદરથી કોઈ જવાબ મળતો નહોતો, એટલે જરૂર કંઈક અજુગતું બન્યું હતું.

રાજવીર બે પળ એમ જ ઊભો રહ્યો. આવી સ્થિતિમાં રાજવીર કદિ ઉતાવળ કરતો નહોતો. તેણે ખિસ્સામાંથી હાથમોજાં કાઢયા અને પહેરી લીધાં. તે જગ્ગીના ઘરમાં તેના ફિંગરપ્રિન્ટ પડે એવું ઈચ્છતો નહોતો. તે રો-હાઉસના પાછળના દરવાજા તરફ સરકયો.

પાછળના દરવાજા પાસે પહોંચીને તેણે દરવાજો ધકેલ્યો તો દરવાજો ખૂલી ગયો. તેણે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને સાવચેતી સાથે અંદર દાખલ થયો. પાછળના એ રૂમમાં કોઈ નહોતું. સન્નાટો છવાયેલો હતો.

રાજવીર દબાતા પગલે આગળના રૂમમાં પહોંચ્યો, અને એ રૂમનું દશ્ય જોતાં જ આઘાત ને આંચકાથી તેની આંખો ફાટી ગઈ !

મેઈન દરવાજા નજીક માયાની લાશ પડી હતી. માયાનું કપાળ છૂંદાયેલું હતું. એના માથાના પાછળના ભાગમાં પણ થા પડેલા હતા. હુમલાખોરે માયાના માથા પર ઉપરા-છાપરી ઘા માર્યા હતા, એ સ્પષ્ટ હતું. માયાની લાશ પાસે ફાટી ગયેલી દૂધની થેલી પડી હતી અને એમાંથી નીકળેલો દૂધનો રેલો માયાના લોહીના રેલા સાથે ભળી ગયો હતો. માયાનું લોહી એના જીવનની જેમ જ થંભી ગયું હતું. માયાથી થોડેક દૂર બે- ડનું પૅકેટ પડયું હતું અને પાસે થેલી પડી હતી. માયા બિચારી બ્રેડ-દૂધ લઈને આવી હશે, ત્યારે જ એની પર આ બેરહેમીભર્યો જીવલેણ હુમલો થયો હશે એ સમજતાં રાજવીરને વાર લાગી નહિ.

તે મનમાં દુઃખ ને દર્દ અનુભવતો માયાની લાશ તરફ બે પગલાં આગળ વધ્યો, ત્યાં જ તેનું ધ્યાન જમણી બાજુ પડેલા સોફા તરફ ખેંચાયું.

સોફા પર જગ્ગીની લાશ પડી હતી. જગ્ગીના શરીર પર કોઈ જાતની ઈજા થયેલી દેખાતી નહોતી. જગ્ગીની જીભ મોઢાની બહાર નીકળી આવેલી હતી અને આંખના ડોળા ફાટી ગયેલા હતા.

-જગ્ગીને એનું ગળું દબાવીને મારી નાંખવામાં આવ્યો હતો !

(ક્રમશઃ)

Share

NEW REALESED