Mrugjadi Dankh - 4 books and stories free download online pdf in Gujarati

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 4


પ્રકરણ ૪

કવિતા ભાનમાં આવી અને આંખો ખોલી છે એની જાણ થતાં જ વસંતભાઈ સીધા એની પાસે જવા દોડ્યા. ઉચાટ, ગુસ્સો, ફરિયાદ બધું જ મનનાં કોઈ ખૂણે ધરબાઈ ગયું અને પિતૃવાત્સલ્ય અશ્રુરૂપે છલકાઈ ગયું.
કવિતાએ અશ્રુ ભરેલી આંખે હોઠ ફફડાવ્યાં પણ એને ગળે વાગેલા ઘામાં અતિશય દુઃખી આવ્યું અને આંસુ સરી પડ્યાં. એ અવિરત વહેતાં આંસુ ઘણું બધું કહેવા માંગતા હતાં. ઘણીબધી લાગણીઓની મિશ્ર અભિવ્યક્તિ એ આંસુઓના ધસમસતા પ્રવાહ સાથે વહી રહી હતી. વસંતભાઈએ દીકરીની આંખો લૂછતાં કહ્યું, " બધું સારું થઈ જશે ચિંતા ન કરતી. તારી મમ્મી પણ આવી છે એ સોનુ સાથે ઘરે છે. હું જઈશ પછી એને તારી પાસે મોકલીશ." ગળગળા અવાજે માંડ આટલું બોલી વસંતભાઈ ત્યાંથી સડસડાટ બહાર નીકળી ગયા.

કવિતા એકલી પડી, ટ્રીટમેન્ટ ચાલતી હોવા છતાં એને ઠેર ઠેર દુઃખી રહ્યું હતું. હેવી પેઇનકીલર્સને કારણે અસહ્ય તો નહોતું પરંતું હાલની મનોદશા સુધારવા માટેની કોઈ અસરકારક મેડિસીન નહોતી! કવિતા માટે પપ્પાને આમ ઢીલાં પડતાં જોવા કંઈ પહેલું દ્રશ્ય નહોતું પરંતું ઢીલા પડી આમ પરિસ્થિતિથી ભાગતા જોવા એ પહેલીવાર હતું. એમના જેવા હિંમતવાળા વ્યક્તિને આમ ઢીલાં પાડનાર એ જ હતી.. એમની પ્રતિષ્ઠા પર ધબ્બો લગાવ્યો તો પણ એમની આંખોમાં જોવા મળતા એ પ્રેમમાં જરાય ફેર ન દેખાયો. જ્યારે એ નાની હતી અને એકવાર સ્કૂલમાં પડી ત્યારે માથામાંથી લોહી નીકળતું જોઈને પપ્પાને ચક્કર આવી ગયાં હતાં, ઘરે આવી બાથરૂમમાં જઈ રડી આવ્યાં હતા એ વાતની ચાડી એમની લાલ આંખોએ મક્કારી બતાવી કરી દીધી હતી. કવિતા એમને જોઈ અસહ્ય દુઃખ હોવા છતાં સ્મિત આપતી કે એમને રાહત થાય. આજે કોણ જાણે એમ કેમ નથી થતું?

મીનાબેન ઑટોમાંથી ઉતરી સડસડાટ દાદર ચડી આઇસીયુનાં પેસેજમાં આવી પહોંચ્યાં. આમ દોડીને આવવાને કારણે સખત રીતે હાંફતા હતાં, ડિસેમ્બરી ઠંડીના દિવસોમાં પણ સખત પરસેવે રેબઝેબ થઈ ગયાં હતાં. બહાર પરમ દેખાયો નહિ એટલે એને ફોન કરવા એમણે પાંચ મિનીટ રાહત કામગીરી બજાવતાં એ સ્ટીલને બાંકડે બેસવું પડ્યું. આજુબાજુનાં ચહેરાઓ જાણે એમને જ તાકી રહ્યાં હોય એવું એમને લાગતું હતું. એમણે એ બધું પ્રયત્ન પૂર્વક અવગણતાં પરમને ફોન લગાવ્યો. પરમ અંદર નહોતો એ કોઈ કામ માટે બહાર ગયો હતો. મીનાબેન અંદર કવિતા પાસે જવા માટે આગળ વધ્યા અને વિચારવા લાગ્યા, પુરુષ બિચારો..આટલાં દુઃખમાં પણ સ્વસ્થતા રાખીને દરેક મોરચો સંભાળતો ફરે. ત્રણ નંબરનો બેડ જ કવિતાનો હતો એટલે થોડું ચાલતાં જ એ દેખાઈ. મીનાબેન એને જોઈને જ ભાંગી ગયાં છતાં ખોંખારો ખાઈ પોતાની જાતને મક્કમ બનાવી અને ધીમે રહી કવિતાનાં માથા પર હાથ મુક્યો. કવિતાએ આંખો ખોલી સામે મમ્મીને જોઈ જોરથી એનો હાથ પકડી રડવા જ માંડી. મીનાબેને પણ કંઈ પણ બોલ્યાં વગર એનો સાથ આપ્યો. પછી પાસે પડેલાં નેપકીનથી એનાં આંસુઓ લૂછયાં. માથે હાથ ફેરવતાં બોલ્યા, " બકા, જે થયું એ થયું હવે તું જલ્દી સારી કઈ રીતે થશે એ તરફનું વિચારતી થા તો રિકવરી જલ્દી આવશે. ઘરે સોનુ એની મેલેરિયા થયેલી મમ્મી ક્યારે ઘરે જલ્દી પાછી ફરશે એ રાહ જોતી બેઠી છે." સોનુનું નામ સાંભળી કવિતા ફરી રડી પડી, મારી સોનુ, કેટલી નિર્દોષ, ભોળી, ડાહી અને પ્રેમાળ પણ મારાં સ્વાર્થ માટે મેં એનાં તરફ પણ બેધ્યાનપણું દાખવ્યું હતું. બિચારી છોકરી, મમ્મીને મેલેરિયા થયો છે એમ જાણે છે. કોઈપણ બિમાર હોય અને હોસ્પિટલમાં એડમીટ હોય એને જોવા ન જવાય એવું પરમે શીખવાડ્યું હતું એનો પાક્કો અમલ કરતી હશે મારી ડાહી દીકરી. થોડીવાર મા-દીકરી ચૂપચાપ બેસી રહ્યાં. કવિતાને બોલવાનું નહોતું અને મીનાબેને મનનો ધૂંધવાટ ઠાલવવાનો નહોતો.

આજે રવિવારની રજા હોવાથી સોનુ નાનાજી સાથે રમવામાં મશગૂલ હતી. ઘડીમાં નાનાજીને ઘોડો બનાવે તો વળી, થોડીવારે ઉભા કરી દે કહે," મારો ઘોડો થાકી ગયો હશે ને લે ઘોડા ચણા ખા, પાણી પી." પછી ખિલખિલાટ હસે. વસંતભાઈને કવિતાનું બાળપણ યાદ આવ્યું, એ પણ આમ જ ઘોડો બનાવતી હતી ને જ્યારે હું દોડું ને પડી જાય તો કેવી એની રીબીનની ચાબુક બનાવી ફટકારતી, "કેમ ઘોડા પાડી નાંખી? ખબર નથી પડતી ધીમે દોડાય ને!" પછી કહેતી, " પપ્પા તમને નહિ આ ઘોડાને જ મારું છું." અને હું અને એની મમ્મી કેવા ખડખડાટ હસી પડતાં! માણસ બહાર ભલે ગમે એટલો મોટો હોય, ગમે એટલી શાખ અને પૈસો હોય પણ દીકરી સામે નાનકડું બાળક બની જાય! દીકરીનાં ખોળામાં માનાં ખોળાની હૂંફ અનુભવવા મથે. દીકરીને સુખ આપવા, દરેક સારાં સંસ્કારો અને ગુણોની પૂર્તિ કરી એક આદર્શ સ્ત્રી બનાવવા પોતાનાથી બનતું બધું કરી છૂટે છે.

કવિતા દવાઓની અસરથી થોડી જ વારમાં સૂઈ ગઈ. મીનાબેન એને સૂતેલી જોઈને વિચારી રહ્યાં, કેવી નિર્દોષતા! સૂતેલો દરેક ચહેરો કેવો નિર્દોષ દેખાય! અમારી દુનિયા આ જ ચહેરાથી શરૂ અને અહીં જ પૂરી થતી હતી. ઉઠીએ એટલે પહેલું નામ કવિતા અને સૂઈએ ત્યારનું છેલ્લું નામ પણ કવિતા જ રહેતું. કેમ ન હોય? પથ્થર એટલાં દેવ પૂજીને લગ્નનાં પૂરા પાંચ વર્ષે એને મેળવી હતી. ઘરમાં સૌની લાડકી પણ સંસ્કારો આપવામાં અને અમુક નિયમો લાદવાની વાતે કોઈ ખોટાં લાડ નહોતું કરતું. એની મીઠી બોલી અને સૌ સાથેનાં પ્રેમાળ વ્યવહારથી દોસ્તો બનાવવામાં પણ બહુ આગળ રહેતી પણ દાદાજીનાં નિયમ મુજબ ઘર સુધી કોઈને નહોતી લાવતી. આમ, તો મારી કવિતા બહુ ડાહી. લાગણીનાં આવેશમાં મીનાબેને એનો હાથ ચૂમી લીધો.

મિતેષ ગોવાથી આવી ગયો હતો. હેમા પાસેથી આખી વાત સાંભળી તમતમી ઉઠ્યો, " વાંક તો નેવું ટકા કવિતાનો જ છે આપણે કેસ કરીએ તો પણ બદનામી સિવાય કંઈ હાથ ન આવે. સમાજમાં સ્ટેટ્સ જાળવી રાખવાની દોડમાં જ હતો ને પરમ, એ ઘર પ્રત્યેની જવાબદારી જ નિભાવતો હતો ને? દીકરીને અને સાથે કવિતાને પણ ગમતી લાઈફ સ્ટાઈલ આપવા માંગતો હતો. બાકી હું વર્ષોથી ઓળખું છું કે પરમ મસ્ત મૌલા અને ઓલિયા પીર જેવી લાઈફમાં પણ ખુશ રહી શકે છે. કવિતા આ સમજવામાં કઈ રીતે નિષ્ફળ ગઈ એ સમજાયું નહીં. ખેર, જે હોય એ પણ મારું મગજ શાંત ન થાય ત્યાં સુધી હું હોસ્પિટલ નહિ જાઉં, નહિ તો ત્યાં પણ કંઈક બોલી બેસીશ. " હેમાએ એને શાંત કરતાં કહ્યું, " જુઓ, મિતેષ કોઈની પણ માનસિક પરિસ્થિતિથી વાકેફ થયાં વગર એમ મન ફાવે એ વિચારો ન કરી શકાય, હું તો કહું કે એકવાર તમે પરમભાઈને ખાતર પણ જઈ આવો તો સારું." મિતેષ પોતાની સમજદાર પત્નીને પ્રેમ પૂર્વક જોઈ રહ્યો હાથ ખેંચી પાસે લાવતાં બોલ્યો, " હું બહુ નસીબદાર છું મને તારાં જેવી સર્વગુણ સંપન્ન પત્ની મળી." હેમા ખડખડાટ હસી પડી, " આજે આમ કહેશો અને વળી, કાલે ઝગડીશું તો કહેશો સાવ કકળાટીયણ છે, ક્યાંથી ભટકાઈ ગઈ?...અને.." મિતેષને આજે એની પર એટલું વ્હાલ આવતું હતું કે એણે એને આખું વાક્ય પૂરું પણ ન કરવા દીધું એને જોરથી ભીંસીને હોઠ પર હોઠનું સીલ લગાવી અટકાવી દીધી. હેમાની મૂક સંમતિ જોઈ એટલે મિતેષ અઠવાડિયાની જુદાઈનો એક અંક પૂરો કરવા એને ઊંચકીને રૂમમાં લઈ ગયો.

દોડાદોડીમાં પડેલાં પરમને સામે છેડેથી વસંતભાઈના મોબાઈલથી સોનુનો ફોન આવ્યો.

" હૅલ્લો, પરમકુમાર હું નાનાજી બોલું છું."

"ઓહકે, હમ્મ.. બોલો નાનાજી શું કામ પડ્યું?"

"તમે મારી દીકરીને સંભાળવામાં તમારી દીકરીને ભૂલી ગયાં છો એવી ફરિયાદ છે"

"ઓહોહો, સૉરી સૉરી નાનાજી, હું આજે જ મારી દીકરી માટે ઢગલો ગ્રેપ્સ અને ચૅરી લઈને આવું છું."

"યેહ..પપ્પા …મારાં પપ્પા બહુ સારા…પણ પપ્પા મોડું થાય ને કંઈ નહીં લાવો તો ચાલશે, મમ્મી પણ પાસે નથી તો તમે તો આવશો ને..?"

અને સામે છેડે પરમની આંખ ભરાઈ ગઈ, " યસ માય ડાર્લિંગ ડૉલ આજે તો હું ચોક્કસ તું જાગતી હોય ત્યારે જ મળી જઈશ. લવ યુ બચ્ચાં, હવે કયુટ નાનાજી તમે ફોન સાચા નાનાજીને આપી દેજો"

"હેહેહેહે…હા, માય ડાર્લિંગ પપ્પા..બાય.." કહી હસતાં હસતાં સોનુ એ ફોન નાનાજીને આપ્યો.

ડોર બેલ વાગ્યો…વસંતભાઈ ને થયું આ સમયે કોણ હશે?

ક્રમશ:

(મેગેઝિનમાં એડિટર સરે ત્રણ part ભેગા કરી સાથે મૂક્યા છે. કારણકે મેગેઝિન હવે માસિક થઈ ગયું છે. એટલે પેજ વધ્યાં છે. પરંતુ હું અહીં એક એક part અલગ અલગ મૂકીશ જેથી વાચકોને સરળતા રહે.)