Mrugjadi Dankh - 11 books and stories free download online pdf in Gujarati

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 11

પ્રકરણ ૧૧


નર્સ સુમનબેન દ્વારા બોલાયેલો નસીબદાર શબ્દ કવિતાને હથોડાની જેમ મગજમાં વાગ્યો. હા, આમ તો સાચે જ નસીબદાર, દાદા-દાદી અને મમ્મી-પપ્પાનાં લાડમાં ઉછરેલી ગર્ભ શ્રીમંત ઘરની એકની એક દીકરી, સોહામણા અને સમજદાર પતિની વ્હાલી પત્ની, ડાહી અને મીઠડી દીકરીની મા! આમ, મનફાવે એમ જીવી કહેવાઉં પણ ખરેખર, મન ફાવે એમ જીવી છું ખરી? સૌના મનને ફાવતું એ મારાં મનને ફાવ્યુ એમાં કોઈનો વાંક ખરો? જ્યારે આલાપને મળી ત્યારે કેમ બધું જ ભૂલી ગઈ હતી? એ ક્યાં પરમને ટક્કર આપે એવો દેખાય છે? સામાન્ય ઘઉંવર્ણો, કાળી ભરાવદાર દાઢી અને સાધારણ આકર્ષક કહી શકાય એવો ચહેરો હતો. હા, એની આંખો ગજબ ચમકદાર ઘાટી ભૂરી કીકીઓ જોઈને ખબર નહિ ત્યાં ઓળઘોળ થઈ જવાતું. જ્યારે કહેતી કે તારાં વાળ તો જો કાળા જાડા, જરાય જગ્યાએથી ન હાલે એવા છે. ત્યારે એ કેવો ખોટે ખોટો ભડકતો! અને એને હસતી જોઈ હાથ પકડીને હાથ ચૂમી લેતો. કેવી અજબ અનુભૂતિ! ત્યારે એ સાચે સોડષી લાગણીઓ અનુભવતી માત્ર એક યુવતી બની જતી હતી. ન પરમ યાદ આવતો કે ન સોનુ યાદ આવતી! કદાચ, એ ફક્ત હું જ હોઈશ. "કવિતાબેન, ડ્રેસિંગ ટાઈમ.." કરતાં સુમનબેને કવિતાને સૂતેલી સમજીને જગાડી.


આલાપ મમ્મી સાથેની વાતચીત પતાવી ફરી બોલવા લાગ્યો. " જૈનિશ, મારાં દોસ્ત એને એની દીકરી સાથે જોયા પછીની મારા મગજની સ્થિતિ તદ્દન ડામાડોળ થઈ ગઈ હતી. માંડ બાઈક ચલાવી ઘરે આવ્યો એકવાર તો થયું હું સ્યુસાઈડ કરી લઉં પણ મમ્મીનો હસતો ફોટો જોઈ રોકાઈ ગયો. માયાનો ફોન નંબર ડિલિટ કરી નાંખ્યો. ફોનમાંથી તો થયો પણ મગજમાંથી કઈ રીતે થાય? " આટલું બોલતાં આલાપની આંખ ભરાઈ ગઈ.


"હું સમજી શકું છું તારી વ્યથા અને તારી તકલીફો દોસ્ત." પછી ઉભા થઇ એને ભેટ્યો એટલે આલાપ અશ્રુઓ ઠાલવી ફરી મન ઠાલવવા જેટલો સ્વસ્થ થયો.


"હવે મારુ મન એને માટે જબરજસ્ત તિરસ્કારથી ભરાવા માંડ્યું હતું. ખરેખર, કોઈ ડિપ્રેશન જેવું તો હતું જ નહિ પણ દવાઓ મમ્મીને બતાવવા પૂરતી લેતો અને એ ન હોય ત્યારે ફેંકી દેતો હતો. એટલે રાતની ઉંઘ લેવાતી જ નહોતી અને મારું મગજ સખત ને સતત ઉંધા વિચારો કરતું થઈ ગયું. મારે બસ હવે એવી ચિટર બાઈને એકવાર મળવું છે, એને મારી અને મારી મમ્મીની હાલત વિશે જણાવી મીઠી વાતો કરી, એનાં ઘરનું એડ્રેસ માંગી એનાં પતિ સામે ઉઘાડી પાડવી છે. એ કઈ રીતે કરવું એનો પ્લાન કરતો રહેતો. ત્યાં જ એક દિવસ બીજે નંબરથી એનો મેસેજ આવ્યો. એણે મને મળવું હતું મેં વાંચ્યો કે એ તરત ડિલિટ ફોર એવરિવન થઈ ગયો. અને મેં ફટાફટ પ્લાન બનાવ્યો કે હું એને એમનેમ તો નહિ જ મૂકું મારી સાથે જે કર્યું છે એના બદલામાં મારે મારી એ સાચી લાગણીઓની કિંમત તો જોઈશે જ. અને હું ઘરેથી મોટી ખાખી ટેપ લઈને ગયો." " ઓહઃ આલાપ એ તું હતો, એવું વિચારી પણ નથી શકાતું મારાં દોસ્ત." જૈનિશ બોલ્યો. એના મામીનો ફોન આવ્યો અને વાત અધૂરી રહી.


સુમનબેને કવિતાને ડ્રેસિંગ કર્યું અને ડ્યુટી પૂરી કરી ઘરે જવા નીકળ્યા. ડૉકટર આશુતોષ એ તરફથી જ નીકળતા હતાં તો એમને બેસાડી ગયાં. સુમનબેન વિચારી રહ્યા હતા, આવા સરળ ડૉકટર ક્યાંય ન મળે. સુમનબેન નું ઘર આવ્યું એટલે ડૉક્ટરે સામેથી કહ્યું, "સુમનબેન ઘર નહિ બતાવો તમારું?" સુમનબેન છોભીલા પડી ગયાં." આવો, આવો સર…" કહી પર્સમાંથી ચાવી કાઢી ઘર ખોલ્યું અને ઘરમાં બોલાવ્યા. બહારથી નાનકડું દેખાય એવું ડુપ્લેક્સ બેઠા ઘાટનું ઘર, બહાર થોડી ખુલ્લી જગ્યા, ત્યાં જમણી બાજુ તુલસીનો છોડ અને ડાબી બાજુ જાત જાતનાં ફૂલછોડ. ઘરમાં દાખલ થતાં હૉલમાં એલ આકારે ગોઠવેલાં જૂની ઢબના સોફા, એક મોટી ટીપોઈ અને સાઈડમાં ગોઠવેલી ખુરશીઓ. સોફાની બરાબર સામેની દીવાલ પર ગોઠવેલો જૂની ઢબનો શૉ કેસ અને મોટું એલઇડી ટીવી. સુઘડતા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવા હતાં. ઘરની ડાબી બાજુની દીવાલ પર બે ફોટા લટકતાં હતાં. એક હારવાળો સુમનબેનનાં પતિનો હતો અને બીજા ફોટો સુમનબેન અને એમના દીકરાનો હતો. ડૉકટર આશુતોષની નજર થોડીવાર ત્યાં સ્થિર થઈ ગઈ. એટલીવારમાં સુમનબેન પાણી લઈ આવ્યાં. "તમારા દીકરાને હવે કેવું છે?" ડૉક્ટરે સવાલ કર્યો. સુમનબેન કહે, "અંદર સૂતો હશે, હું એને બોલાવી લાવું." ડૉક્ટરે કહ્યું, "ભલે સૂતો, હું નીકળું છું મારે ઉતાવળ છે બીજીવાર મળી લઈશ." અને ફટાફટ નીકળી ગયાં. સુમનબેન ઘરેથી નીકળ્યા ત્યારથી એમનું મન ભારે થઈ ગયું હતું. ઘરે પહોંચતાં સુધી એમનાં મગજમાં વિચારોનો ચક્રવાત સર્જાયો.


આજે દસમો દિવસ થયો, કવિતાનાં ગળા પરનાં ટાંકા ઓગળી ગયાં હતાં. ખભાની સ્થિતિ પણ ઠીક કહી શકાય એમ હતી. હવે જાતે પડખું ફરી શકતી હતી એટલો સુધારો પણ આવ્યો હતો. ડૉક્ટરે બે-ત્રણ દિવસ બોલવાની ના કહી હતી પણ ત્યાંની નસો ખેંચાવાની અસહ્ય પીડા સાથેની માનસિક પીડાએ કવિતાને મૌન જ કરી દીધી હતી. પરમ સહિત સૌ એને એના દુઃખને કારણે બોલવા માટે કોઈ આગ્રહ નહોતાં કરતા. હવે આજનાં ડ્રેસિંગમાં પાટો છૂટી ગયો હતો અને ફક્ત પટ્ટીઓ જ રાખી હતી. થોડું ઢીલું ખાવાની છૂટ મળી હતી. દસ દિવસમાં કવિતાનું સારું એવું વજન ઉતરી ગયું હતું. મીનાબેન એને જોઈ જીવ બાળતા બોલ્યા, " કવિ, તું ઘરે આવે પછી હું જે કહું એ ખાવાનું છે. ખાઈ પી ને ફરી પહેલાં જેવી થઈ જજે." એ બેઠી થઈ અને મીનાબેનને ઈશારાથી પાસે બોલાવ્યાં. એ ઝડપથી ઉભા થઈ, "શું થયું?" કરતાં એની પાસે આવી ગયાં. કવિતાએ એક હાથ મમ્મીની કમરે વીંટાળ્યો અને છાતી પર માથું મૂકી રડવાનું શરૂ કર્યું, મીનાબેન "કવિ, કવિ…છાની રહી જા દીકરા..તને દુઃખશે.." બોલતાં રહ્યાં પણ કવિતાને કાને કોઈ શબ્દ અથડાતાં નહોતાં. એને તો બસ, બધી પીડા, પશ્ચાતાપ અશ્રુધારામાં વહાવી નાંખવી હતી. કવિતા માટે જ્યૂસ લેવા ગયેલા વસંતભાઈ પણ આવી રહ્યાં. આ દ્રશ્ય જોઈને એમની આંખ પણ ભરાઈ ગઈ…" કવિ..કવિ..બેટા બસ કર.. તને દુઃખશે..શાંત થઈ જા.." વસંતભાઈ એટલું બોલ્યા જ કે કવિતા, " પપ્પા…" બોલતી એમને ભેટી પડી..મીનાબેન સાઈડ પર ખસી ગયાં ને એની પીઠે હાથ પસવારવા લાગ્યાં. " બસ…કવિ…બસ…" કહેતા તો હતા પરંતુ એમની આંખેથી પણ આંસુ ક્યાં અટકતાં હતાં? થોડીવાર આમ રડી લીધાં પછી કવિતાને એકદમ ચક્કર આવવા લાગ્યાં. એ સંતુલન ગુમાવી રહી હતી કે વસંતભાઈએ એને પકડીને સુવડાવી દીધી. મીનાબેને ફટાફટ બેલ માર્યો, સુમનબેન તરત હાજર થયાં અને પરિસ્થિતિ જોતાં આસિસ્ટન્ટ ડૉકટરને બોલાવી લાવ્યાં. કવિતાને સ્ટ્રેસ ન લેવા સમજાવી જ્યૂસ પી ને એક નાની ટેબ્લેટ લેવા કહ્યું.


આ બાજુ કવિતાની કીટી ફ્રેન્ડ સુરુચી ઉંચી નીચી થતી હતી. કવિતાનો ફોન લાગતો નહોતો. છેલ્લી કીટીમાં તો એ આવી જ નહોતી અને રૂપિયા પણ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. કેટલાંય દિવસથી એની પાસેથી કોઈ ચટપટી વાતો પણ સાંભળવા મળી નહોતી. એ સીધી ઘરે આવી. ઘરે પરમ અને સોનુ જ હતાં. હેમાએ એને ગેટ પરથી આવતાં જ જોઈ લીધી હતી એટલે એ લિફ્ટ ખુલી કે તરત ઓહો.." સુરુચિબેન તમે? કેમ અચાનક? આવો આવો " કહીને હાથ પકડીને પોતાના ઘરે ખેંચી ગઈ.


ક્રમશ: