A field without a fence and a man without values in Gujarati Motivational Stories by Rasik Patel books and stories PDF | વાડ વગરનું ખેતર અને મૂલ્યો વગરનો માણસ

Featured Books
Share

વાડ વગરનું ખેતર અને મૂલ્યો વગરનો માણસ

વાડ વગરનું ખેતર અને મૂલ્યો વગરનો માણસ બન્ને જોખમી છે, દરેક પાકના રક્ષણ માટે કાંટાળી વાડ ખેતર ફરતી હોવી જોઈએ.. નહિતર કોઈ જાનવર જેમ કે રોઝડા.. ભૂંડ.. કાળિયાર... ખેતરના પાકને ખેદાન મેદાન કરી મોટું નુકશાન પહોંચાડી શકે છે, ખેતરની સુરક્ષા વાડ કરે છે તેમ આપણા જીવનમાં પણ એક "વાડ" નું આવરણ જરૂરી છે જે આવરણ આપણા જીવનને સંપૂર્ણ સુરક્ષિત કરે છે, વાડ એ એક લક્ષ્મણ રેખા પણ છે અને સુરક્ષાની દીવાલ પણ છે, ક્રોધ.. ઈર્ષા.. વેરભાવ.. લોભ... દૂષિત મનોવૃત્તિવાળું મન..આ બધા આપણા જીવનના રોઝડા ભૂંડ અને કાળિયાર છે, જે આપણા જીવનને ખેદાન મેદાન કરી નાખે છે, જેને આપણા "સદગુણો" રૂપી વાડથી રક્ષણ આપવું જરૂરી છે, ધન માટે દોડા દોડી કરતો માણસ ધાન્યના ગુણોથી અવગત થતો નથી અને છેવટે બીમાર પડે છે અને ધાન્ય ખાઈ શકાય તેવી સ્થિતિમાં પણ રહેતો નથી, ધન મેળવવાની આંધળી દોડમાં માણસ.. શરીરને ખોખલું કરી નાખે છે અને એજ શરીર બળવો પોકારે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે, ખેતર ફરતે કાંટાળી વાડની વચ્ચે આવેલું છીંડું જો ખુલ્લું રહી જાય તો આવા છીંડા દ્વારા જ આપણા જીવનમાં દુષણો- દુર્ગુણો વાજતે ગાજતે આપણા ઘરમાં પધારે છે અને જે વાડનું સુરક્ષાકવચ ઉભુ કર્યું હોય છે તે આવા છીંડા દ્વારા જ તૂટે છે તે નિર્વિવાદ છે.
એ જ રીતે નીતિવાન સજ્જને પોતાના સદગુણોની આજુબાજુ પણ એક એવું મજબૂત સુરક્ષા કવચ ઉભુ કરવું જોઈએ કે દુર્જનોના દુર્ગુણોના હુમલા એ સુરક્ષા કવચ ને ભેદી ના શકે. સજ્જન માણસના સદગુણ ઉપર હુમલા થવાના... તેની પ્રમાણિકતા નીતિમત્તા ઉપર પણ હુમલા થવાના .. આમેય ભષ્ટ વ્યક્તિઓનો સમુદાય ઘણો મોટો હોવાનો ..ઉપરાંત આવા લોકો શકિતશાળી પણ હોવાના..જૂઠનું જૂથ ઘણું મોટું પણ હોવાનું, કાગડાઓના ટોળામાં કોયલના મીઠા ટહુકાની અસર કેટલી રહે?? ૧૦૦ માણસોનું જૂઠ ક્યારેક સત્યની ખૂબ નજીક પહોંચીને સત્ય ને ધૂંધળું અને ઝાંખું તો કરી જ દે છે, એ વાત અલગ છે કે આખરે કાળમીંઢ પથ્થર તોડીને પણ સત્ય અવશ્ય બહાર આવે છે તે નિર્વિવાદ છે.
આપણા વ્યક્તિત્વની ઉણપો.. ખામીઓ..બીજાઓ દ્વારા ક્યારેય પ્રમાણિત થતી નથી,આપણા જીવનમાં બનતી દરેક સારી નરસી ઘટનાને કેવો વળાંક આપવો..કેવો મોડ આપવો...કેવો નિર્ણય કરવો તે દરેક બાબતમાં આપણા સદગુણો અને દુર્ગુણોની ઝલક દેખાતી હોય છે, અસામાન્ય પરિસ્થિતિમાં પણ જે પોતાની નૈતિકતા પ્રમાણિકતા અને જીવનના મૂલ્યોને નીચે પડવા દેતા નથી તેવી વ્યક્તિઓ કે સંસ્થા મૂલ્યવાન બને છે અને હજારો વર્ષો સુધી તેમની શાખ પ્રતિષ્ઠા અકબંધ રહે છે તે નિર્વિવાદ છે.
માણસ જે સ્થળે ફિઝિકલ રીતે હાજર નથી હોતો ત્યાં તેના સદગુણ તેનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, એક જ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ પોતાના સદગુણ મુકી શકે છે, તેના સદગુણ જ તેની ઓળખ બની જાય છે સાથે સાથે દરેક વ્યક્તિની વાણી પણ તેની ઓળખ બનતી હોય છે, દરેક વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા.. શાખ પોતાના સદગુણ થકી ઊભી કરી શકે છે, આભાસી પ્રતિષ્ઠા પત્તાના મહેલની માફક તૂટી પડે છે, કોક્રિંટ અને મજબૂત પ્રતિષ્ઠા શાખ પોતાના સદગુણ થકી જ ઊભી થઈ શકે,
કોઈ પણ વાતની સચ્ચાઈના મૂળ સુધી પહોંચ્યા વગર અભિપ્રાય કે મંતવ્ય બાંધી લેવું તે ભૂલ ભરેલું હોય શકે છે,પૂર્ણ રીતે ભરેલો પાણીનો ઘડો જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે,અધૂરો ઘડો ક્યારેય નહી, અધૂરો ઘડો છલકાય બહુ.. પરંતુ તે પૂર્ણતા ક્યારેય પ્રાપ્ત કરી ના શકે,આપણા જીવનમાં અલ્પ વિરામ છે ત્યાં સુધી આપણે અપૂર્ણ જ છીએ,પૂર્ણ વિરામ પછી જ આપણે પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ છીએ, સૂકા રણમાં બે બુંદ પાણીથી તૃપ્તિ ક્યારેય થાય નહિ એના માટે તો પૂર્ણ રીતે ભરેલો ઘડો જ તૃપ્તિ આપી શકે,તરસની પૂર્ણતા પાણીના ઘડાથી જ પૂરી થઈ શકે, જે અધૂરું છે તે અપૂર્ણ જ છે,મૂલ્યો વગરનું જીવન પણ આવું જ અધૂરું હોઈ શકે,આપણા જીવનને પણ પૂર્ણતા આપવી જરૂરી છે અને તે જીવનના આદર્શો..મૂલ્યો વગર શક્ય નથી. ઉપરછલ્લું દેખાદેખી કે કોઈ આડંબર વાળું વ્યક્તિત્વ એ અપૂર્ણતાની નિશાની છે, મૂલ્યો આધારિત જીવન જ દોષ રહિતનું હોઈ શકે અને તેવું વ્યક્તિત્વ જ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે અને તેવું પૂર્ણ વ્યક્તિત્વ છીંડા વગરની વાડ જેવું હોય છે..
--રસિક પટેલ
લેખક ( matrubharati.com)
M.9825014063