Pranay Parinay - 58 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 58

પ્રણય પરિણય ભાગ ૫૮


વિવાન અને સમાઈરાને આ રીતે જોઈને ગઝલને ગેરસમજ થશે એવા ડરથી રઘુ તેની તરફ જતો જ હતો કે ગઝલ પીઠ ફેરવીને ચાલતી થઈ. એ પણ તેની પાછળ ગયો.


ગઝલ આંસુ લૂછતી હોસ્પિટલની બહાર આવી.


'ભાભી..' રઘુએ અવાજ દીધો. ગઝલ અટકી.


'ભાભી.. કાવ્યાનું ઓપરેશન સકસેસ થયું એટલે ભાઈએ સમાઈરાને..' રઘુ બોલતો હતો ત્યાં ગઝલ તેના તરફ ફરી.


'ખૂબ સરસ.. કાવ્યાબેન હવે જલ્દી સાજા થઈ જશે.' ગઝલ એક મ્લાન સ્મિત કરીને બોલી.


'હાં.' રઘુ આંખો લૂછતાં બોલ્યો. ગઝલ ફરીથી જવા માટે વળી.


'ભાભી, તમે કઇ બાજુ જાઓ છો?' રઘુએ પૂછ્યું.


'ઘરે.' ગઝલએ કહ્યુ.


'ચાલો હું મૂકી જાઉં છું.'


'ના, હું જતી રહીશ.' ગઝલ બોલી એટલામાં સામેથી ટેક્સી આવી. તેણે હાથ દેખાડ્યો. ટેક્સી ઉભી રહેતા જ એ તેમા બેસીને નીકળી ગઈ.


રઘુ ફરીથી હોસ્પિટલમાં ગયો. ગઝલ હોસ્પિટલમાં આવી હતી એની રઘુ સિવાય બીજા કોઈને ખબર પણ ન પડી.


ઓપરેશન સફળ રહ્યું છે એ જાણ્યું ત્યારથી વિવાનને કાવ્યા પાસે જવાની ચટપટી હતી. સમાઈરાથી અલગ થતાં જ એ બોલ્યો: 'મારે કાવ્યાને મળવું છે.'


'તે હજુ ભાનમાં આવી નથી.' ડોક્ટર સ્ટીફને કહ્યુ.


'ક્યારે ભાનમાં આવશે?' દાદીએ પૂછ્યું.


'સાંજ સુધીમાં ભાનમાં આવશે.' ડોક્ટર સ્ટીફન બોલ્યાં. અને પછી ડોક્ટર આચાર્ય સામે જોઈને કહ્યું: 'ડોક્ટર, મિસ કાવ્યા હોશમાં આવે એટલે સૌથી પહેલા મને જણાવશો.'


'જી ડોક્ટર.' ડોક્ટર આચાર્યએ કહ્યુ.

ડોક્ટર સ્ટીફન એમની કેબિનમાં જતાં રહ્યાં.


ડોક્ટર આચાર્યએ કાવ્યાને આઈસોલેટેડ આઈ.સી.યુ.માં શિફ્ટ કરાવી. જ્યાં કાવ્યા સિવાય બીજુ કોઈ દર્દી નહોતું અને સમાઈરા ડોક્ટર હોવાથી તેના સિવાય અન્ય કોઈને ત્યાં જવાનું એલાઉડ નહોતું. બીજા બધા માત્ર પારદર્શક કાચમાંથી કાવ્યાને જોઈ શકતાં હતાં.


સવારથી બપોર થઈ ગઈ.


'સમાઈરા.. કાવ્યા હજુ સુધી હોશમાં કેમ નથી આવી?' દાદી અધીરાઇથી બોલ્યા.


'દાદી.. એનુ કેટલું મોટું ઓપરેશન થયું છે! હોશમાં આવતાં સમય લાગશે. આપણા પાસે રાહ જોયા સિવાય બીજો કોઈ ચારો નથી.' સમાઈરા દાદીને સમજાવતા બોલી. પછી બધા સામે જોઈને કહ્યુ: 'એક કામ કરો, તમે બધા ઘરે જઈને થોડો આરામ કરો. હું અહીં જ છું. કાવ્યા હોશમાં આવે એટલે હું ફોન કરીને તમને બોલાવી લઈશ.'


'ના, હું અહીં જ રહીશ.' દાદી બોલ્યા.


'દાદી.. તમારી તબિયત ખરાબ થશે તો કાવ્યા મને જ વઢશે.' સમાઈરાએ કહ્યુ.


'સમીની વાત સાચી છે, માં તમે અને વૈભવી ઘરે જાઓ.' કૃષ્ણકાંતે કહ્યુ.


'હું તો કહું છું કે તમે બધા ઘરે જાઓ. આ આઈસોલેટેડ આઈ.સી.યુ. છે. અંદર તો કોઈ જઈ શકવાનું નથી. નોર્મલ આઈ.સી.યુમાં શિફ્ટ કરશે પછી જ બધા મળી શકશે. હું છું ને અહીં! ડોન્ટ વરી.' સમાઈરાએ કહ્યું.


'પણ ઘરે મારો જીવ ના રહે.' કૃષ્ણકાંત બોલ્યાં.


'ડેડી, હવે કંઈ ઉપાધિ જેવું નથી. એમ છતાં હું છું અહિંયા. તમે બધા ઘરે જાઓ.' કહીને વિવાન રઘુ સામે જોઈને બોલ્યો 'રઘુ, જા બધાને ઘરે લઈ જા.'


'જી ભાઈ. ચલો ડેડી..' રઘુ બોલ્યો.

પછી હાં ના, હાં ના કરતાં બધા ઘરે ગયા. વિવાન અને સમાઈરા હોસ્પિટલમાં રોકાયા.


**


મલ્હારના મોબાઈલ પર રીંગ વાગી.


'બોલ..' મલ્હાર ફોન ઉપાડીને બોલ્યો.


'બોસ, ઓપરેશન સફળ રહ્યું છે એવી બાતમી મળી છે.' સામે છેડેથી કહેવાયું. એ સાંભળીને મલ્હારનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. એ ઝટકો મારીને ચેર પરથી ઉભો થયો.


'તેણે પોલીસને કશું કહ્યું??' મલ્સારે ઉતાવળે પુછ્યું.

'હજુ સુધી એ હોશમાં નથી આવી.'


આપણા માણસોને કહી દે કે એ ક્યારેય હોશમાં ના આવવી જોઈએ. ચાન્સ મળતાં જ એનુ પત્તુ કટ થઈ જવું જોઇએ. મલ્હાર એકદમ ઉશ્કેરાટથી બોલ્યો.


'બોસ, વિવાને ખૂબ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ડોક્ટર સિવાય કોઈ વોર્ડની આજુબાજુ પણ ફરકી શકે તેમ નથી.' સામેવાળો વ્યક્તિ બોલ્યો.


'એ હું કંઈ જાણતો નથી. હું તમને પૈસા શેના આપું છું? કાવ્યા ભાનમાં આવ્યા પહેલા જ સ્વર્ગવાસી થઈ જવી જોઈએ.' ગુસ્સાથી બોલીને મલ્હારે ફોન કટ કર્યો અને સિગરેટ સળગાવી. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેના આગોતરા જામીન આજે રાતે બાર વાગ્યે પૂરા થતાં હતાં. પછી કોઈ પણ ઘડીએ તેની ધરપકડ થઈ શકે તેમ હતી. સિગરેટનો ધુમાડો હવામાં છોડતાં એ કંઈક વિચારમાં પડ્યો.


**


બધાને ઘરે છોડીને તરત રધુ પાછો હોસ્પિટલમાં આવવા નીકળી ગયો.


'ગઝલ બેટા..' બંગલામાં પ્રવેશતાં જ કૃષ્ણકાંતે ગઝલને અવાજ દીધો.


'ભાભી જી તો સવારથી જ બહાર ગયાં છે. હજુ સુધી આવ્યા નથી.' એક નોકરે કહ્યુ. એ સાંભળીને બધાને ચિંતા થઈ.


'શું? વહું સવારની ઘરે નથી?' કૃષ્ણકાંતે ચિંતાથી પૂછ્યું.


'હાં સાહેબ.'


'તે મને ફોન કેમ ના કર્યો?' કૃષ્ણકાંત ચિડાઈ ગયા.


'મને એમ હતું કે ભાભી તમારી પાસે હોસ્પિટલ આવ્યા હશે.' નોકર ગભરાયેલા અવાજે બોલ્યો.


'નહીં, તે હોસ્પિટલમાં તો આવી જ નથી.' દાદીએ કહ્યું.


કૃષ્ણકાંતે ગઝલનો ફોન લગાવ્યો પણ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એટલે તેણે મિહિરને ફોન લગાવ્યો. મિહિરે કહ્યુ કે ગઝલ અહીં જ છે ત્યારે બધાનો જીવ હેઠે બેઠો.


'પણ કીધા વગર એ પિયર કેમ જતી રહી હશે?' દાદી અકળાઈને બોલ્યા.


'તેનો પણ વાંક નથી, પરિસ્થિતિ જ અત્યારે અવળી છે.' કૃષ્ણકાંતના અવાજમાં થોડી નિરાશા ભળી.

જોકે વૈભવી ફઈને ગઝલનું આ વર્તન નહોતુ ગમ્યું.


'પણ ભાઈ, માં.. આપણે સમજીએ કે કાલની વાતની એના મન પર અસર થઈ હોય, તેને ખરાબ પણ લાગ્યું હશે. પણ એમાં આમ કીધા વગર કંઈ થોડું પિયરમાં જઈને બેસી જવાય છે? તમે ભલે વહુને ખિજાઓ નહીં પરંતુ ઠપકો તો દેવો જોઈએ ને.' વૈભવીએ કહ્યું.


'શું તું પણ કંઈ બી બોલે છે વૈભવી? નાની છે એ હજુ.' દાદી ગઝલનું ઉપરાણું લેતા બોલ્યા.


'માં.. એ લગ્ન કરીને આવી છે આ ઘરમાં. વહુ છે તો વહુ તરીકેની કોઈ ફરજ, કોઈ કર્તવ્યની પણ ખબર હોવી જોઇએ ને?'


'બસ, હવે આ વાત પર કોઈ ચર્ચા નહીં જોઈએ. અને વિવાનને પણ કશું કહેવાની જરૂર નથી. નકામો એ ડિસ્ટર્બ થશે. કાવ્યા હોશમાં આવી જાય પછી આપણે ગઝલને તેડાવી લઈશું.' કૃષ્ણકાંતે કહ્યુ.


**


બપોરની સાંજ પડી, સાંજની રાત થઈ. આખો દિવસ વીતી ગયો પણ કાવ્યા હજુ સુધી હોશમાં નહોતી આવી. વિવાન એક ક્ષણ પુરતો પણ વોર્ડ સામેથી હટ્યો નહોતો. તેને ગઝલની પણ ખૂબ યાદ આવતી હતી. આ સમયે ગઝલ તેની સાથે હોવી જોઈએ એવું તેને લાગતું હતું. આખા દિવસમાં તેણે ઘણી વાર ગઝલનો ફોન ટ્રાઇ કર્યો હતો ક્યા તો એનો ફોન લાગતો નહોતો, જો લાગે તો તે રિસીવ કરતી નહોતી.


આ સંજોગોમાં એ કાવ્યાને છોડીને ક્યાંય જઈ શકે તેમ પણ નહોતો. કારણ કે જો મલ્હારને ઓપરેશનની ખબર પડી હોય તો તે અટકચાળું કર્યા વગર રહેશે નહીં એવો વિવાનને ડર હતો.

એ ન હોય અને પાછળથી કોઈ ઉપાધિ થાય તેવું એ નહોતો ઈચ્છતો. એટલે જ એ પોતાની જગ્યા પરથી હલ્યો નહોતો. અને એમ પણ તે ગઝલને શાંત થવા માટે થોડો સમય– થોડી સ્પેસ આપવા માંગતો હતો.


'વિવાન તું થોડું કંઇ ખાઈ લે.' સમાઈરા તેની સામે ઉભી રહીને બોલી.


'ના, મને ભૂખ નથી લાગી.'


'તને શું લાગે છે તું ખાવા પીવાનું છોડી દઈશ તો કાવ્યા જલ્દી હોશમાં આવી જશે?' સમાઈરાએ કહ્યુ. વિવાને ચમકીને તેની સામે જોયું.


'નહી ને? તો પછી શું કામ ભૂખ્યા રહીને તારી એસિડિટી વધારે છે?'


'પણ મને ખરેખર ભુખ નથી લાગી.'


'ઠીક છે, પણ કોફી તો પીશ ને?'


'હમ્મ.'


'તો ચલ'


ના છુટકે વિવાન ઉભો થયો અને બંને જણ હોસ્પિટલના કાફેટેરિયામાં કોફી પીવા ગયાં. આ મોકાનો ફાયદો ઉઠાવીને મલ્હારનો એક માણસ કાવ્યાના આઈ.સી.યુ.માં ઘૂસ્યો. સામેના બેડ પર કાવ્યા સૂતી હતી. તેના માથા પર પાટ્ટીઓ બાંધી હતી. તેની આજુબાજુમાં લાગેલા ઘણા બધા મશીનો બીપ બીપ કરી રહ્યા હતા. તેના મોઢા પર ઓક્સિજન માસ્ક લાગેલો હતો. તે કાવ્યાની નજીક ગયો તેણે એનુ ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું અને બાજુમાં પડેલું ઓશીકું ઉઠાવીને કાવ્યાના ચહેરા પર મૂકયું. તે ઓશીકાં પર દબાણ આપે એ પહેલાં જ તેના પેટમાં કશુંક ધારદાર ભોંકાયું. તે વ્યક્તિ માટે આ અણધાર્યું હતું. આઘાતથી તેના ડોળા ફાટી ગયાં. પેટ પર હાથ મૂકીને એ બે ડગલાં પાછળ હઠ્યો. તેણે જોયું તો તેના પેટમાંથી ભખ ભખ કરતું લોહી નીકળી રહ્યું હતું. તેણે ગભરાઈને કાવ્યા તરફ જોયું. કાવ્યાનો હાથ ધ્રુજી રહ્યો હતો. ઘ્રુજતા હાથે જ કાવ્યાએ પોતાના મોઢા પરનું ઓશીકું ઉઠાવીને નીચે ફેંકી દીધું. તે જોરજોરથી ઉંડા શ્વાસ લેતાં આંખો ઉઘાડ બંઘ કરતી એ વ્યક્તિ તરફ જોઈ રહી હતી. શ્વાસ ખેંચતી વખતે કાવ્યાના ગળામાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તેણે એક હાથ લંબાવીને બાજુમાં રહેલી સ્વીચ દબાવી. એ સાથે જ આખા ફ્લોર પર બેલનો અવાજ ફરી વળ્યો. પેલો માણસ ઘાયલ અવસ્થામાં જ ત્યાંથી ભાગ્યો. બેલનો અવાજ સાંભળીને ડોક્ટર, રઘુ તથા વિવાનના માણસો બધાં એક સાથે કાવ્યાના વોર્ડ તરફ ધસ્યા. પણ ત્યાં સુધીમાં પેલો માણસ વોર્ડમાંથી સરકી ગયો હતો.


'કાવ્યા..' રઘુ કાચનો દરવાજો હડસેલીને એકદમથી તેની બાજુમાં ગયો. કાવ્યા હજુ પણ શ્વાસ લેવા માટે મથી રહી હતી. એ જોર જોરથી શ્વાસ ખેંચી રહી હતી. ફાટેલી આંખે તેણે રઘુ સામે જોયુ.


'મૂવ અવે.' ડોક્ટરે રઘુને દૂર હટાવીને કાવ્યાનો ચાર્જ સંભાળ્યો. તેના ફેસ પર ઓક્સિજન માસ્ક લગાવીને એક ઈન્જેક્શન આપ્યું. કાવ્યા તરતજ સ્ટેબલ થઇને આંખો મીંચી ગઈ.


'શું થયું?' વિવાન સુધી ખબર પહોચતા જ એ વાયુવેગે દોડતો કાવ્યાના આઈ.સી.યુ.માં આવ્યો. તેની પાછળ પાછળ સમાઈરા પણ આવી.


'કોઈકે કાવ્યા પર હુમલો કર્યો..' રઘુ બોલ્યો.


'વ્હોટ? તમે લોકો શું ઉંઘતા હતા?' વિવાન ગુસ્સાથી બોલ્યો અને કાવ્યાની નજીક ગયો.

'કાવ્યા..' એ તેના માથા પર હાથ ફેરવતાં બોલ્યો.

'મિ.શ્રોફ, એ હવે બિલકુલ સ્ટેશન બલ છે. ગભરાવા જેવું કશું નથી.' ડોક્ટર બોલ્યા. પછી ઉમેર્યું: તેને હોશ આવ્યા છે પણ હમણાં જે કંઈ બન્યું એનાથી થોડી હાઈપર થઈ ગઈ હતી. મે ઈન્જેક્શન આપીને એને સુવડાવી દીધી છે.'


'વિવાન રિલેક્સ..' સમાઈરાએ તેને શાંત પાડ્યો.


કાવ્યાનો હાથ ચૂમીને વિવાન બહાર નીકળ્યો. તેની પાછળ પાછળ રઘુ અને તેમના માણસો પણ નીકળ્યા.


'એક વાર કાવ્યાના મોઢે મને બધુ સાંભળી લેવા દે.. પછી હું એ સાલાને છોડવાનો નથી.' વિવાન હાથની મુઠ્ઠીઓ વાળતા બોલ્યો. ગુસ્સાથી તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો.


'બોસ.' એક બોડીગાર્ડ નીચે ફર્શ તરફ ઈશારો કરીને વિવાનનુ ધ્યાન દોરતાં બોલ્યો. વિવાને નીચે જોયું. ફર્શ પર લોહીના ટીપા પડ્યા હતા. તે રઘુ સામે જોઈને બોલ્યો: 'રઘુ.. એ આટલામાં જ ક્યાંક હશે.. શોધ એને.'


રઘુએ ફટાફટ માણસોને દોડાવ્યાં પોતે પણ તપાસમાં લાગ્યો.


થોડી જ મિનિટોમાં તેના માણસોએ હુમલાખોરને ઝબ્બે કરી લીધો.


'ભાઈ, એ મળી ગયો છે. મેડિસિનના સ્ટોર રૂમમાં છુપાયો હતો. પેટમાં વાગ્યું છે એટલે મલમપટ્ટી કરી રહ્યો હતો.' રઘુએ ફોન પર વિવાનને માહિતી આપી.


'આપણા અડ્ડા પર લઇ જઈને તેની બરાબરની મલમપટ્ટી કર..' વિવાન દાંતની વચ્ચે હોઠ દબાવતાં બોલ્યો.

ફોન મુકીને વિવાન પાછો કાવ્યાના આઈ.સી.યુ.માં ગયો.


'સર પેશન્ટને આરામ કરવા દો.' વિવાનને જોઈને નર્સ બોલી.


'હું હવે અહીં જ રહીશ.' વિવાને કહ્યું.


'સર પ્લીઝ્..'


'મેડમ.. તમને મારી વાત સમજાતી નથી કે?' વિવાન ખીજાઈને બોલ્યો.


ઓકે.. તમે પણ જાઓ હું છું અહિ. એમ કહીને સમાઈરાએ નર્સને બહાર મોકલી દીધી. વિવાનને અંદર બેસવા દીધો અને પોતે પણ બહાર નીકળી ગઈ.


વિવાન આખી રાત કાવ્યાની પાસે બેઠો રહ્યો. તે થોડી સળવળી એટલે વિવાને તેનો હાથ પોતાના હાથમાં લીધો. તેના હાથ પર લોહીના છાંટા હતા. એ જોઈને વિવાન તરતજ સમજી ગયો કે કાવ્યાએ પોતાનો બચાવ જાતે જ કરતા પેલાને માર્યો છે. એ ફકત પાંચ મિનિટ માટે કોફી પીવા ગયો અને પાછળથી આ બની ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા.


'આઈ એમ સોરી બચ્ચા.. મારે તને એકલી નહોતી મૂકવી જોઈતી.' એમ બોલીને તેણે કાવ્યાના હાથ ચુમ્યાં અને કાવ્યાના ડોળા ફર્યા તેણે આંખો ખોલી.


'કાવ્યા..!!!' વિવાન ખુશ થયો. કાવ્યાએ ગરદન ઘૂમાવીને તેના તરફ જોયું. કાવ્યાની આંખોમાં પાણી આવ્યાં. વિવાને ડોક હલાવીને જ 'નહી' એમ કહ્યું અને તેના આંસુ લૂછ્યા.


**


કાવ્યા હોશમાં આવી ગઈ છે એ જાણીને બધા હોસ્પિટલમાં આવી ગયાં. હમણાં જ ડોક્ટર સ્ટીફન તેને તપાસી ગયા હતા. પછી પોલીસને સ્ટેટમેન્ટ લેવું હતું એટલે કોઈને અંદર જવા ના દીધા. પોલીસે કાવ્યાનું સ્ટેટમેન્ટ લીધુ પણ તેનું એક્સિડન્ટ કેવી રીતે થયું અને કોણે કર્યું એ બાબતમાં કાવ્યાએ પોલીસને કંઈ જણાવ્યું નહીં. તેની આવી વર્તણુકને લીધે આખી શ્રોફ ફેમિલી મુણવણમાં હતી. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે તેની સાથે આટલું ભયાનક કૃત્ય કરનાર વ્યક્તિને કાવ્યા સાવ આવી રીતે કેમ છોડી શકે? બધા પ્રશ્ન સૂચક નજરે તેની અને વિવાનની સામે જોઈ રહ્યાં હતાં. વિવાન એકદમ શાંત ઉભો હતો. સ્ટેટમેન્ટ લખીને પોલીસ જતી રહી.


'કાવ્યા.. બેટા, આ શું લખાવ્યું તે?' કૃષ્ણકાંતને કાવ્યાના વર્તાવની હજુ પણ ગડ બેસતી નહોતી.


'ડેડ પ્લીઝ..! આઈ એમ સોરી..' કાવ્યા ફકત આટલું જ બોલી.


'કૃષ્ણા.. આ બાબત આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું, અત્યારે એને આરામ કરવા દો. ભગવાને આપણી કાવ્યાને સાજી કરી દીધી એ જ ઘણું છે.' દાદીએ કહ્યુ.


કાવ્યા સાજી થઇ ગઇ એટલે બધા જ ખુશ હતાં. બધાની આંખોમાં આનંદના અશ્રુ હતા.


'મારા માટે મારી ફેમીલીને કેટલી બધી લાગણી છે! બધાં મારા દુખમાં દુખી અને સુખમાં સુખી છે.' કાવ્યા બધા સામે જોઈને વિચારી રહી. તેની આંખો પણ ભરાઈ આવી. એ જોઈને સમાઈરા બોલી: 'કાવ્યા.. તારી આંખમાંથી હવે જો એકપણ આંસુ બહાર નીકળશે તો હું તને આવડું મોટું ઈન્જેક્શન ઠોકી દઈશ..' એ સાંભળીને કાવ્યાએ તેની સામે જોયું અને નાનકડી સ્માઈલ કરી.


આ તરફ મલ્હારના મોબાઈલ પર રીંગ વાગી.

.

.


**


ક્રમશઃ


ગઝલની સાથે શું થયું તે વિવાનને ખબર નથી. શું હજુ તેઓ વચ્ચે ગેરસમજ વધશે?


કાવ્યાએ પોલીસને ખોટું સ્ટેટમેન્ટ કેમ લખાવ્યુ હશે?


કાવ્યાની આ હરકતથી શું મલ્હાર બચી જશે?


કાવ્યાએ આવું કર્યું છતાં વિવાન શા માટે શાંત હતો?


**


❤ મિત્રો, આ પ્રકરણ વાંચીને તમારા પ્રતિભાવ જરૂરથી આપશો. ❤