Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 64 and 65 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 64 અને 65

(૬૪) કોલ્યારી ગામમાં

         યુધ્ધની તૈયારી માટે જ્યારે મંત્રાણા ચાલતી હતી ત્યારે મહારાણાજીએ કેવળ વિજયની અપેક્ષાએજ વ્યૂહની ગોઠવણ કરી ન હતી. તેઓ જાણતા હતા કે, હલદીઘાટીના યુદ્ધ પછી પણ સંઘર્ષની લાંબી પરંપરા ચાલવાની છે. જે હારશે તે સંઘર્ષ માટે તૈયારી કરશેજ. કદાચ હલદીઘાટીના જંગમાં મેવાડી સેનાને પીછેહઠ કરવી પડે તો ? જોકે આ વિચારને શરૂઆતમાં હસી કાઢવામાં આવ્યો હતો. પરંતુ મહારાણાએ જ્યારે એની સમજાવી ત્યારે ભીલ સરદાર પૂંજાજી બોલી ઉઠ્યો.

         “મહારાણાજી, ગોગુન્દા પાછા ફરવાનો સવાલ ઉઠતો જ નથી. કારણ કે મોગલસેના ગોગુન્દા તરફ જવા રવાના થશે. આવા સમયે અરવલ્લી પહાડીની ગોદમાં મારા વતનના ગામ પાનખાથી થોડે દૂર કોલ્યારી ગામ છે. આ ગામ એવું ગીચ ઝાડીઓ વચ્ચે સુરક્ષિત છે કે, ત્યાં દુશ્મનો પહોંચી જ ન શકે. ત્યાંથી અગમ્ય ઘાટીઓમાં, થોડાક કલાકોમાં આપણે ઓળંગી જઈએ તો દુશ્મન શોધવા જતા એવો તો ભૂલો પડી જાય કે, જંગલી પ્રાણીઓનો શિકાર જ બની જાય.

         આવી દુર્ગમ જગ્યાઓ અમે વનવાસીઓજ જાણીએ છીએ. રાજા માનસિંહ, કુંવર શક્તિસિંહ કે મોગલસેનાના અન્ય રાજપૂતવીરો પણ તેનાથી અજ્ઞાત છે.

         બીજું, મારાં ભીલ સ્ત્રી પુરૂષો આપના એક એક સૈનિકને એવી જગ્યાએ સંતાડી શકશે કે, જેને ખોળવા મોગલો અસમર્થ નીવડશે.

         જો જંગ લાંબો ચાલે અને મહારાણાના પરિવારને સુરક્ષિત રાખવું પડે તો એવી દુર્ગમ જગ્યાઓ અમે તૈયાર કરાવી રાખી છે. વર્ષોના વર્ષો વીતી જાય છતાં રાજપરિવારનો છાંયો પણ મોગલસેનાના હાથમાં ન આવે. એવી તૈયારી થઈ ચૂકી છે.

         અમો ભીલોએ અમારૂં સર્વસ્વ કુરબાન કરીને પણ મહારાણાજીના પરિવારના રક્ષણની જવાબદારી સ્વીકારી છે. ફક્ત જરૂર રહેશે, કોલ્યારી ગામ ઓળંગીને પેલે પાર જવાની.”

          અને જ્યારે હલદીઘાટીનું યુદ્ધ ત્રીજા તબક્કામાં પ્રવેશ્યું. એનો રણરંગ પલટાયો ત્યારે પૂંજા ભીલે પોતાના ભીલ વીરોને કામે લગાડ્યા. થોડીજ પળોમાં મહારાણા ગાયબ થયા એટલે સંગ્રામ કરતા કાલુસિંહ અને ગુલાબસિંહને લઈને તે કોલ્યારી પહોંચ્યો, જો શક્તિએ ક્ષમા માંગવાને બદલે શમશેર ઉપાડી હોત તો વીર પૂંજાનું તીર તેને વીંધત. હલદીઘાટીના મેદાનમાં આઠ હજાર રાજપૂતો વીરગતિ પામ્યા. ૧૪ હજાર મેવાડીઓને જંગે મેદાનમાંથી હરાવવા માટે ભીલસેના કામે લાગી ગઈ.

         એ કામ એટલી સફળતા અને સરળતાથી પાર પડી ગયું કે, મોગલ સેનાપતિ રાજા માનસિંહને પણ એનો અંદાઝ ન આવ્યો. પરિસ્થિતિની સમીક્ષા કરવા સૌ કોલ્યારી ગામમાં ભેગા થયા. વીરગતિ પામેલા મહારથીઓને અંજલી આપવામાં આવી.

         ઘાયલોને જુદેજુદે અજ્ઞાત સ્થળોએ પહોંચાડી દીધા. પછી નક્કી કરવામાં આવ્યું કે, મહારાણા અને શેષ સેના કોમલમેર પહોંચી જાય.

 

 

  મોગલસેના-ગોગુંદામાં

          મોગલસેના ગોગુન્દા તરફ આગળ વધી. મહારાણાની સેના આયોજન મુજબ એવી કુશળતાથી વિખરાઈ ગઈ કે, મોગલસેનાને એની ખબર જ ન પડી. ગોગુન્દામાં પ્રવેશ્યા પછી મોગલસેનાને કાયમ ડર રહેતો હતો કે, ક્યાંકથી મેવાડીઓ આક્રમણ કરશે અને પોતે માર્યા જાશે.

રાત પડી, સેનાનો પડાવ વ્યવસ્થિત કરવામાં આવ્યો ત્યારે રાજા માનસિંહને ખબર પડી કે, વિશાળ સેનાને ખાવા માટેનો અન્નપુરવઠો હવે ઝાઝો રહ્યો નથી.

“વિજય તો મળ્યો પણ સેના થાકીને લોથપોથ થઈ ગઈ છે. દરેકનું મન હતાશાથી ઘેરાઈ ગયું છે આપણો ડર મેવાડીઓને હોવો જોઇએ એના બદલે આપણા દળમાં હતાશા ફેલાઈ ગઈ છે.” બદાયુની બોલ્યા.

રાજા માનસિંહ અને સેનાનાયકોએ મંત્રણા કરી. “કદાચ રાત્રે પ્રતાપ ઓચિંતા આક્રમણ કરે અથવા ગોગુન્દાની પ્રજા બળવો કરે તો ?

“મહારાજ, આપણા સૌનિકોમાં આ ડર ઘૂસી ગયો છે. એવો નિરાંતે ઉંઘી શક્તા પણ નથી.” જગન્નાથ કછવાહા બોલ્યા.

“એનો પણ ઉપાય છે.” રાજા માનસિંહ બહારની સ્વસ્થતાથી જવાબ વાળ્યો. મનમાં ડરી ગયા કે, ફોજમાં આ ગ્રંથિ પેસી જશે તો ?

“ગોગુન્દાને ફરતી ખાઈ ખોદાવો, ખાઈ ખોદેલી માટી દિવાલ બની જશે. આ આવરોધને પ્રતાપના સાથીઓ કે ગોગુન્દાની પ્રજા જલ્દી અવરોધી નહિ શકે.”

જ્યારે ખાઈ અને દિવાલ બની ગયા ત્યારેજ મોગલસેનામાંથી હતાશા દૂર થઈ. નિરાંતે ઉંઘવા લાગ્યા.

“મહારાજ, વણઝારાઓની પોડો આવતી નથી. સ્થાનિક પ્રજા પાસે અનાજનો જથ્થો છે જ નહિ. બહારથી આવનાર અન્નપુરવઠાને શત્રુઓ બંધ કરી દીધો છે.”

“તો એનો અર્થ એ થયો કે, ગોગુન્દામાં આપણે કેદી બની ગયા છીએ.”

“હા, કોઇપણ ઉપાયે સ્થાનિક પ્રજાનો આપણને સાથ-સહકાર સાંપડતો નથી.”

થોડા દિવસો વીત્યા. પશુઓ મારી મારીને સેનાને ખવડાવવામાં આવ્યા. કેટલાયે સૈનિકો આથી બીમાર પડ્યા.

પહાડીઓની પેલેપાર જતાં સેનાનાયકો પણ ગભરાતા હતા. ગોગુન્દાની બહાર પગ મુક્યો એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે એમ સૈનિકો માનતા.

અબુલફઝલ વિચારતો, આપણી ફોજની અવદશા થઈ રહી છે. આપણે વિજેતા હોવા છતાં મહારાણાની ફોજનો પીછો કરી શક્યા નહિ. આપણાં સિપાહીઓ પર મહારાણા પ્રતાપની છાયા તો એવી બૂરી રીતે ફરી વળી છે કે, તેઓ હંમેશા ફફડતા જ રહે છે. એમને સદાયે ડર રહે છે કે, ક્યાંકથી મહારાણા આવી પડશે. યમદૂત સમાન મૈવાડીના નામથી કંપારી છૂટે છે. એ આ વખતે રહીમ ખાનખાનન સાથે અજમેરમાં હતો.

ફતેપુર સિકરી હલદીઘાટીના વિજયના સમાચાર આપવામાં આવ્યા. આ વખતે શહેનશાહ અકબરે પહેલોજ સવાલ પૂછ્યો.

“હલદીઘાટીના યુદ્ધમાં કીકો રાણો પકડાયો ?”

“ના, તેઓ જંગે મેદાનમાંથી નાસી ગયા.”

તેઓની ખુવારી વિષે પૂછતા જણાયું કે,

મહારાણાની સેનાના બાવીસ હજાર વીરો માંથી આઠ હજાર વીરો આ યુદ્ધમાં ધરાશાયી થયા હાતા પરંતુ બાકીની સેના, ઘાયલ સૈનિકો અને સ્વયં મહારાણા સહીસલામત નીકળી ચૂક્યા હતા.

“આવો વિજય તો પરાજય કરતાં ભૂંડો છે. મેવાડની પ્રતિકાર શક્તિ હું ખતમ કરવા માંગતો હતો. મેવાડ રાણાને મોગલ દરબારમાં પરાસ્ત થયેલો જોવા માંગતો હતો. મારી મુરાદ તો બર આવીજ નહિ.”

આ જ વખતે મૌલાના મહંમદહુસેન બોલી ઉઠ્યા.

“આપણે કહીએ છીએ કે, રાણાની સેના હારી છતાં એ સમયે જ પ્રતાપ યુદ્ધમાંથી સહીસલામત રીતે નીકળી જાય છે. એ બે વાતો કેટલી વિરોધી છે?”

બાદશાહ અકબરને ગોગુન્દાની પરિસ્થિતિ જાણવાની ઇંતેજારી જાગી. તેઓએ પોતાના વિશ્વાસુ સરદાર મહંમદખાનને તાત્કાલિક ગોગુન્દા જવા રવાના કર્યો.