Guhilot dynasty and Maharana Pratap in Indian history - 6 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 6

મેવાડ્પતિ બાપ્પાદિત્ય

          પરાક્રમી બાપ્પા દિનપ્રતિદિન ચિત્તોડ માં લોકપ્રિય થવા લાગ્યો. જૂના સરદારો માં ઇર્ષાગ્નિ લાગી પરંતુ પરાક્રમી કાલભોજ આગળ કોઈનુંયે ચાલતું ન હતું. રાજા પણ પોતાના ભાણેજને ખૂબ ચાહતો હતો, કારણ કે પોતે નિ:સંતાન હતો. બાપ્પા પણ તન, મનથી રાજકાજમાં ધ્યાન આપતો હતો.

          દિવસ આથમવાની વેળા હતી. ચિત્તોડનો રાજદરબાર વિસર્જનની પળો ગણતો હતો. પશ્ચિમમાં સંધ્યાદેવી પોતાના પાલવમાં સિંદૂર લઈને ઉભી હતી. અને સિંદૂર લુંટાવવાની અધીરતા હતી. દરબારીઓ ઘર તરફ જવાના મધુર સોણલાંમાં રાચતા હતા. તેવામાં દ્વારપાળ ઉતાવળે આવ્યો, મસ્તક નમાવી, મહારાજને નિવેદન કર્યું.

 “એક યુવાન પોતાના બે સાથીદારો સાથે આવ્યો છે. આપની મુલાકાત માંગી રહ્યો છે. તેણે પોતાની ઓળખાણ સિંધના રાજકુમાર તરીકે આપી છે.” “મહેમાનને સન્માનપૂર્વક દરબારમાં આવવા દો.” રાજાએ આદેશ આપ્યો. ગણતરી ની પળોમાં પોતાના સાથીદારો સહિત સિંધનો રાજકુમાર દરબારમાં આવી પહોંચ્યો. “ રાજકુમાર, અમે તમને આવકારીએ છીએ. સાથે સાથે આપના આકસ્મિક આગમનના પ્રયોજનની ઇન્તેજારી પણ રોકી શકતા નથી.” રાજા બોલ્યા. “મહારાજ, હું સિંધુરાજ દાહિર નો પુત્ર છું. બાદશાહ સુલેમાનના સેનાપતિ મોહમ્મદ-બિન-કાસિમે મેં અમારા સિંધ પર આક્રમણ કર્યું. આરબો સાથે આપણી મિત્રતા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પરંતુ ઈરાકના હાકેમ અલહજ્જની સેવામાં જતા વહાણોને સિંધના દેવળબંદર આગળ ચાંચિયાઓએ લૂંટી લીધા. આ ઘટના માટે હાકેમેં મારા પૂજ્ય પિતાજીને જવાબદાર ઠેરવી અને નુકસાની માંગી. મારા પિતાજીએ આ નુકસાની આપવાનો ધરાર ઈનકાર કર્યો. પરિણામે આરબ સેના સિંધ પર ઉતરી પડી. યુદ્ધમાં મારા પિતાજી વીરગતિ પામ્યા. મારી બે બહેનો કેદ પકડાઈ, જેને બાદશાહ સુલેમાનની તહેનાતમાં મોકલવામાં આવી છે. હું બદલો લેવાના ઈરાદાથી, માંડ માંડ જીવ બચાવીને નાઠો છું. આપને શરણે આવ્યો છું.”

 “રાજકુમાર, દાહિર મારા મિત્ર હતા. તમે આક્રમણના ભોગ બન્યા છો. અમે તમારી સાથે છીએ. અમે આક્રમણખોરોનો સામનો કરવા સર્વદા તૈયાર જ હોઈએ છીએ. અમને અમારા રાજ્યથી પૂર્ણ સંતોષ છે. અમે કદી બીજાનું છીનવી લેવાની લાલસા સેવી નથી. પરંતુ સાથે સાથે, જે અમારું છીનવી લેવાનો વિચાર કરે તેમના દાંત ખાટા કરવાની અમારામાં પૂર્ણ ક્ષમતા છે. જો કોઈ વિના કારણે બીજાનું છીનવી લેવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો ભોગ બનેલાઓનો પક્ષ લેવો અમારી પવિત્ર ફરજ છે. હું વચન આપું છું કે, અમે તમારા દુશ્મનોને સખ્ત લડત આપીશું. તમારી પ્રતિશોધની કામના ભગવાન એક્લિંગજી પૂર્ણ કરશે.” અને સમગ્ર દરબારને એક નજરથી માપીને રાજવી બોલ્યા. “રાજકુમાર, અતિથિગૃહમાં આરામ કરો. બાપ્પા, રાત્રિએ મંત્રણાગ્રુહમાં મને મળ.”

સૌ વિખરાયા. વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. મંત્રણાગૃહમાં માત્ર બે જ વ્યક્તિ હતી. રાજા માનસિંહ મોરી અને બાપ્પાદિત્ય. “સિંધની આ ઘટના સમગ્ર ભારતવાસીઓની આંખો ખોલવા પૂરતી છે. હવે આપણે સાવધાન થઈ જવું જોઈએ, ભારતની સમૃદ્ધિપર વિદેશીઓની કુદ્રષ્ટિ પડી ચૂકી છે. જેમ કામી માણસની વાસના એના નેત્રોમાં નિહાળી રૂપાળી સ્ત્રીને રેઢી ન મુકાય તેમ હવે આ દેશની રક્ષા વ્યવસ્થા નબળી હોય એ ચાલે જ નહીં. જે આજે સિંધમાં બન્યું, આવતીકાલે મેવાડ સાથે બની શકે. મારવાડ સાથે બની શકે. અજમેર સાથે  બની શકે. સૌરાષ્ટ્ર સાથે બની શકે. આપણી મોટામાં મોટી શક્તિ સંગઠન છે. વિદેશી શાસકોનો પગ પેસારો આ દેશના ભયંકર ભાવિના એંધાણ છે. જો આપણે આ વખતે એક નહીં થઈ શકીએ તો કદી એક થઈ શકીશું નહીં. માટે આ અભિયાનની તૈયારી અને નેતૃત્વ તારે શિર સોંપું છું. મારી મનોકામના છે કે દુનિયામાં તારી કીર્તિ અમર તપે. તારી બહાદુરીના યશોગાન ગવાતા રહે. મેવાડની આબરૂ બમણી વધે.” રાજા માનસિંહે કહ્યું.

 “મહારાજ, મને ખ્યાલ છે કે, આ દેશની મોટામાં મોટી કમજોરી વિઘટન છે. અને તાકાત સંગઠન છે. મારા લોહીના છેલ્લા બૂંદ સુધી હું દેશ ની મર્યાદા, માન અને સંગઠન માટે લડતો રહીશ. આપની અભિલાષા મારા માટે ધર્મ, ઈમાન અને કર્તવ્યપથની પ્રેરણા બની રહેશે. હું ભગવાન એકલિંગજીને પ્રાર્થના કરું છું કે, આપના વિશ્વાસ અને શ્રદ્ધાને પાત્ર બનું.”

 દેશના વિવિધ ભાગમાં ચરો ફરી વળ્યા. બધા રાજવીઓની ભવાં ખેંચાઈ. આરબફોજને રોકવા, શિકસ્ત આપવા ચાલુક્યો, પ્રતિહારો, રાષ્ટ્રકુટોના દળો પોતાના રાજવીઓના આદેશથી પોતાના નાયકો સાથે ચિત્તોડ ભેગા થયા. સૌએ વિચારણાને અંતે આરબસેનાનો સામનો કરવા જે સેના દોરવી પડે એના સેનાપતિ તરીકે બાપ્પાદિત્ય ઉર્ફે કાલભોજને પસંદ કર્યા.

ભગવાન એકલિંગજી ના પ્રખર ભક્ત, વીરતાની મૂર્તિ શા બાપ્પાદિત્યે ધર્મની રક્ષા માટે પ્રાણના અંત સુધી સામનો કરવાના શપથ લીધા.

 યુદ્ધનીતિ અનુસાર સંગ્રામ પહેલા બાપ્પાના જાસૂસો સિંધ અને શત્રુ પ્રદેશમાં ફરી વળ્યા. સિંધના રાજા દાહિરની બે સુંદર કન્યા અતિ સ્વરૂપવાન હતી. ગુણવતી હતી. લક્ષ્મીની છોળોમાં આળોટતા બાદશાહ સુલેમાનને આ કન્યાઓ નજરામાં મોકલાવી. વૈભવી અને વિલાસી બાદશાહ સુલેમાન આ કન્યાઓ જોઇને મોહિત થઈ જશે. પોતાપર તેની કૃપા ઉતરશે એવું માનીને યુવાન સેનાપતિ મહમ્મદ-બિન-કાસીમે આ પગલું ભર્યું હતું. બાદશાહી હરમમાં દુનિયાભરની સુંદર સ્ત્રીઓ રહેતી. બાદશાહની શાન તેના હરમની શાનથી અંકાતી.

 રાજકન્યાઓ કેદ પકડાઇ. એકે આત્મહત્યા કરવાનો વિચાર પોતાની સહોદર આગળ પ્રગટ કર્યો પરંતુ બીજી રાજકન્યાએ પિતાના હત્યારા મોહમ્મદ-બિન-કાસિમ ને ખતમ કર્યા વગર નહીં મરવાનો નિર્ણય કર્યો. પિતાના હત્યારાને દંડ આપ્યા વગર મોત પણ કડવું બની જાય. રાજકુંવરી કેદ થઇ બાદશાહ સુલેમાનના હરમમાં પહોંચી.

સૌંદર્યની મૂર્તિ, રૂપરૂપના અંબાર જેવી બેરાજકન્યાઓને જોઈને બાદશાહ સુલેમાન મોહાંધ બની ગયો. તેણે સુંદરીઓને માનાવવા માંડી.

 “તમે માની જાઓ. મારા જનાનખાનાની શોભા બનો. હું તમને સુખના સાગરમાં ડુબાડી દઈશ. પ્રેમના સાગરમાં તરાવીશ. દુનિયાની દોલત તમારા કદમોમાં પેશ કરીશ.”

રાજકુમારીઓ મૌન રહી, બાદશાહે દિવસો સુધી સમજાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. રૂપવતી માનુનીઓ ના ગર્વને બાદશાહ ગૌરવથી સાચવી રહ્યો હતો, કારણ કે એ મોહાંધ હતો. આજે નહીં તો કાલે રાજકુમારીઓ સ્વયમ જીવનની લિજ્જત માણવા પોતાને તાબે થશે એ વિચારે તે બળપ્રયોગ આદરતો ન હતો. એ જાણતો હતો કે, સ્ત્રીને જીતવા બળની નહીં પ્રેમની જરૂર છે. બળથી જીતાયેલી સ્ત્રી આત્મા વગરની લાશ જેવી હોય છે. એ ઘોરખોદિયો ન હતો. રાક્ષસ ન હતો, બાદશાહ હતો.

 રાજકુમારી મારી જીતનો, મારા પ્રેમનો સ્વીકાર કરો. દુનિયા મારી પાસે ભીખની ઝોળી ફેલાવે છે. અને હું તમારી સમક્ષ પ્રેમ ની ભીક્ષા યાચી રહ્યો છું. મોટી રાજકુમારીએ મૌન તોડ્યું. “જહાંપનાહ, અમારી વાણી, તમારી શાંતિ, અમન, ચેન છીનવી લેશે. અમારું મૌન જ તમારા હિતમાં છે.”

 “શું તમારી કોઈ ફરિયાદ છે? તો તો તમારે મૌન તોડવું જ પડશે.” બાદશાહે આગ્રહ સેવ્યો.

“તો સાંભળો, તમે અમારા હૈયાને જીતવા ચાહો છો પરંતુ તમને ખબર નથી કે, તમારા ઘરમાં જ આગ લાગી ચૂકી છે. ઇસ ઘર કો આગ લગ ગઈ ઘર કે હી ચિરાગ સે.” કડવું હાસ્ય રેલાવતાં નાની રાજકુમારી બોલી. બાદશાહ ચોંક્યો, એના પગ નીચેથી ધરતી સરકી જવા માંડી હોય એવું અનુભવવા લાગ્યો. “તમે બંને સાફ સાફ કહી દો, આમ ગોળ ગોળ વાતો મને સમજાતી નથી.”

“જહાંપનાહ, તમે જેને પોતાનો માનો છો એ તમારો નથી. આપને ખબર નથી કે, અમે ફાટેલા દૂધ સમાન છીએ. આપના સેનાપતિએ અમારા કૌમાર્યને ખંડિત કર્યું છે. બોલો હવે અમે આપ જેવા મહાન બાદશાહને ચરણે શું ધરી શકીએ? અમારી મૂડી તો ખતમ થઈ ગઈ છે. શું સલ્તનતનો બાદશાહ અમારા ખંડિત…… અને સેનાપતિ તો ભવિષ્યમાં આપની વિરુદ્ધ બળવો પણ કરનાર છે.

 સાંભળતાંવેંત બાદશાહ ગુસ્સાથી તપી ગયો. પોતાના વિશ્વાસુ સેનાપતિની બેઅદબી અને મેલી મુરાદની વાત સાંભળી એ ભાન-સાન ગુમાવી બેઠો. તપેલા લોખંડને વધારે તપાવવા રાજકુમારીઓએ કહ્યું. “બાદશાહ, અમારે મરવાની ઇચ્છા ન હતી. નહીંતો મોતને ભેટવા વાર ન હતી. અમે તો ભવિષ્યની શાનદાર જિંદગી ગુજરવાની મધુર કલ્પનાએ કેદી બન્યા. પરંતુ આપના હવસખોર સેનાપતિએ અમારા દામનમાં દાગ લગાડ્યો. અમે આપની શરણમાં જીવવાને પણ લાયક ન રહી.” આદ્ર્સ્વરે વ્યક્ત થયેલા નિવેદનથી બાદશાહ પર ધારી અસર થઈ.

 સેનાપતિ મોહમ્મદ-બિન-કાસિમે પર બાદશાહને ગર્વ હતો. એની દિલેરી, જવામર્દીના કિસ્સા સર્વત્ર જાણીતા હતા. તેજ જો બેવફા નીવડે તો? બાદશાહે કોપાયમાન થઈને હુકમ કર્યો. “ગદ્દારને ચામડાની ખાલમાં સીવીને મારી સમક્ષ હાજર કરો.”

 મોહમ્મદ-બિન-કાસિમ ખૂબ કડક હતો. સિંધમાં બાદશાહની એવી હાક વગાડી કે, કોઈ બગાવતનો વિચાર સુદ્ધાં ન કરી શકે. સિંધ એને ગમી ગયું હતું. પરંતુ ખુદાની મરજી કંઈક જુદીજ હતી. બાદશાહી ફરમાને તેને મોત આપ્યું. ચામડાની ખાલમાં સેનાપતિનું શબ બાદશાહ પાસે હાજર થયું. તે જ વેળા દાહિરની બે પુત્રીઓએ બાદશાહી હોજમાં ડૂબીને પોતાનો પ્રાણ આપ્યો.

 જ્યારે સમગ્ર ઘટના બાદશાહના જાણવામાં આવી ત્યારે તેને પોતાની ઉતાવળ માટે ભારે પસ્તાવો થયો. પોતાના યુવાન, યોગ્ય અને વફાદાર સેનાપતિ મોહમ્મદ-બિન-કાસિમના આવા ક્રુર મૃત્યુથી આઘાત તો લાગ્યો. હવે બધું જ ખતમ ચૂક્યું હતું. તેણે ભારતમાંની આરબસેનાને આગળ વધવાનો આદેશ આપ્યો. આ આરબફોજ પંચનંદના પ્રદેશ તરફથી મેવાડ, મારવાડ, મળવા ભિન્નમાળ અને ઠેઠ ભરૂચ સુધી આક્રમણ કરવા આવી પહોંચી. પરંતુ એમને ખબર ન હતી કે, એમનું રણક્ષેત્રમાં જ સ્વાગત કરવા માટે ચાલુક્યો, પ્રતિહારો, રાષ્ટ્રકુટો અને ભારતના વિવિધ રાજ્યોના બનેલા સંયુક્ત દળનું નેતૃત્વ મહાપરાક્રમી બાપ્પારાવળ કરી રહ્યા હતા. બંને સેનાનો મુકાબલો અજમેર આગળ થયો. આ યુદ્ધમાં આરબસેનાનો કચ્ચરઘાણ નીકળી ગયો. આ વિજયથી બાપ્પારાવળનું નામ દિક્દિગંતમાં ગાજતું થયું. આક્રમણખોરોનો ખાત્મો બોલાવીને કાલેભોજ થોડો પોરો ખાવા વિચારે છે ત્યાં તો ગુપ્તચરે સમાચાર આપ્યા. “ચિત્તોડને સુનો, રેઢો માનીને નાગદાના આ રાજાએ આક્રમણ કર્યું છે.” આ સાંભળી બાપ્પારાવળ હસી પડ્યો. “મને આ વાતનો પણ ખ્યાલ તો હતો જ, મારા મિત્રો બાલીય, દેવ અને કરણની ભીલ સેના કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળે એવી છે.” બાપ્પા તરત ચિત્તોડ રવાના થયો. એની ધારણા સાચી હતી. “બાપ્પા, તારામાં માત્ર રણકૌશલ્ય જ નથી પરંતુ કૌટિલ્યની દૂરદર્શિતા પણ છે.”

“મહારાજ, નાગદા પણ જીતાઇ જશે. રાજાનો અહંકાર ઓગળી જશે.” બાપ્પારાવળે નાગદા પર આક્રમણ કર્યું. એ તો સહજ રીતે જિતાઇ ગયું. સમય જતાં ચિત્તોડનરેશ રાજા માનસિંહ મોરીએ બાપ્પારાવળને મેવાડનું રાજ્ય સોંપી દીધું. અને પોતે નીકળી પડ્યો આત્માના કલ્યાણાર્થે હિમાલય તરફ.

 બાપ્પાદિત્ય પોતાના બાળમિત્રો કરણ, બાલીય અને દેવને ભૂલ્યો નહોતો. કરણે રાજ તિલક કર્યું. પોતાની આંગળી કાપીને બાલીય અને દેવે પણ તેનું અનુકરણ કર્યું. બાપ્પાદિત્યે જાહેર કર્યું. આજપછી ચિત્તોડની ગાદીએ આવનાર મારા વંશના પુરુષને રાજ્તિલક મારા મિત્રોના વંશજો જ કરશે.”

“ચિત્તોડગઢને ચારે બાજુથી અભેદ બનાવે એવા કિલ્લાની રચના કરવી જોઈએ.” બાપ્પાદિત્યે નિર્ધાર કર્યો. મેવાડની અસ્મિતા એનું સ્વપ્ન હતું. ભારતના ખૂણેખૂણેથી શિલ્પશાસ્ત્ર વિશારદો અને યુદ્ધશાસ્ત્ર વિશારદો બોલાવવામાં આવ્યા. સૌને કુતુહલ હતું કે, આપણને બધાંને શામાટે ભેગા કર્યા છે? દરબાર ભરાયો. મેવાડ પતિ બાપ્પાદિત્ય ઊભા થયા. “મેવાડના ભાલની બિંદીયા ચિત્તોડ છે. ચિત્તોડગઢના કિલ્લાને ભારતભરમાં અજેય બનાવાય એવી મહેચ્છા છે. મેવાડના ધનપતિઓ ધનનો ઢગ વાળી દેશે. હું ઈચ્છું છું કે, અહીં ભેગા થયેલા વર્તમાન સમયના ભારતભરના શિલ્પશાસ્ત્ર વિશારદો અને યુદ્ધશાસ્ત્રના વિશારદો સમન્વયના ધોરણે એક એવી યોજના બનાવી. ચિત્તોડના કિલ્લાના નિર્માણનું આયોજન કરે કે જેથી દુનિયા દંગ થઈ જાય.”

 સૌના હૈયામાં અસ્ખલિત આનંદની ધારા વછૂટી. “મેવાડપતિ બાપ્પાદિત્યનો જય હો, કાલભોજ અમર રહો. જય એકલિંગજી.” અને આમ ચિત્તોડના અજય કિલ્લાની રચના થઈ. એ જ્યારે બની રહ્યો ત્યારે કહેવાયું.

‘ગઢમાં ગઢ ચિત્તોડ. બાકી સબ ગઢૈયાં.’

 એકલિંગજીનું નાનકડું શિવાલય કાલભોજને યાદ આવ્યું. તેણે ત્યાં ભવ્યમંદિર બનાવડાવ્યું. તેની આજુબાજુ કોટ ચણાવ્યો. એને નામ આપ્યું કૈલાશધામ, ભગવાન એકલિંગજીની કૃપાથી જ બાપ્પારાવળને અનેક સિદ્ધિઓ મળી હતી એટલે મેવાડના રાજવંશના કૂળદેવી તરીકે તેમની પૂજા કરવામાં આવે છે.

 “હે ભગવાન એકલિંગજી, આ મેવાડ રાજ્યના ખરા માલિક તો આપ છો. હું તો માત્ર એનો દિવાન છું.” બાપ્પારાવળ આમ કહેતા.

 બાપ્પારાવળ ભગવાન એકલિંગજીના દર્શન કર્યા વગર અન્નજળ લેતા ન હતા. પ્રાતઃકાળે કલાકો સુધી એ રુદ્ર સ્તવન કરતા અને શિવપૂજામાં સમાધિસ્થ બની જતા.

ભગવાન એકલિંગજીની કૃપાથી કાલભોજે કાબુલ, કંદહાર પર વિજય મેળવ્યો હતો. એમની ‘અંબાભવાની’ શમશેર ઈરાન સુધી ચમકી હતી.

 ક્ષત્રિયોં મેં બૂં રહેગી, જબ તલક ઈમાન કી,

કંદહાર તક ચમકેગી, સમશેર કાલભોજ કી.

બાપ્પાદિત્યે ‘ચક્રવર્તી’, ‘હિન્દુસૂર્ય’, અને રાજગુરુ એવા બિરુદોધારણ કર્યા. તેઓએ મેવાડની કૂળદેવી અંબાભવાનીએ એક ખડ્ગ આપ્યું હતું.

 ઇસ મેં જલતે અંગારે ઇસ મેં ધક ધક  જલતી જવાલા,

 ઇસ મેં બસ શોલે, ચિંગારી,…………………………………

 યહ તીન લોકમેં હૈ ન્યારા

 ચિત્ત તોડ દિયે અરિ કે ઇસને, ચિત્તોડ ઈસલીયે નામ પડા.

 વહ કૌન શક્તિ જગમે જિસ સે,

હો નહીં વીર ચિત્તોડ લડા, બાપ્પા કી બોલી બોલ રહી.

to be continued.........