Shamanani Shodhama - 44 - Last Part books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 44 - છેલ્લો ભાગ

સપ્ટેમ્બર 21, 2017

          શ્યામ ન્હાઈને બહાર આવ્યો. પિતાજી, અર્ચના અને કાજલના ફોટા ઉપર ફૂલ હાર લગાવ્યા. અગરબત્તી જલાવી. કાજલનો જે ફોટો એના ગુજરાતના ઘરમાં એના રૂમમાં લટકતો એ જ ફોટો એ થોડા દિવસ પહેલા ગુજરાત જઈને લઇ આવ્યો હતો. એ ઘરમાં રામેશ્વર શાસ્ત્રીની અવાજ એના કાનમાં ગુંજતી હતી એટલે એ બે દિવસથી વધુ ત્યાં રોકાઈ શક્યો ન હતો પણ રામેશ્વર શાસ્ત્રી આજે ફોટામાં એની સામે મલકતાં હતા. જાણે કહેતા હોય શ્યામ હવે કાજલ અહી રાજી છે હું એની જોડે છું ચિંતા ન કરતો!

          “આજ સે નવરાત્ર શુરુ હોતે હે. પૂજા કા સામાન ઔર માતાજી કે લિયે ચુનરી લેકે આ જા.” ચાર્મિનો અવાજ સાંભળી એ ચમક્યો, આંખના ખૂણા લુછી એ હસ્યો.

          શ્યામને અર્ચના યાદ આવી. એ જ શબ્દો એ પણ બોલી હતી માત્ર આ જા ના બદલે આ જાઓ. ચાર્મિ એને રીસ્પેક્ટ આપીને બોલાવતી નથી. એણે અને ચાર્મિએ ભેગી સિગારેટો પીધી, ભેગો દારુ પીધો હતો એટલે તેઓ પતિ-પત્ની કરતાં  મિત્રો વધુ હતા.

          લગ્નના દિવસે જ ચાર્મિએ સિગારેટને બાય બાય કહી દીધું. ડોકટરે એને સખ્ત સુચના આપી હતી કે સિગારેટ બંધ કર્યા પછી જ પ્રેગનેન્સીનો વિચાર કરજે. ચાર્મિ એક જ દિવસમાં સિગારેટ છોડી શકી કેમકે એ હાર માનનારામાંની ન હતી. એને ધ બેસ્ટ રહેવું પસંદ હતું, બેસ્ટ એજન્ટ, બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ વાઈફ બન્યા પછી એ બેસ્ટ મધર ન બને તો એને ખુદને જ અપમાન જેવું લાગે તેમ હતું.

          શ્યામ તૈયાર થઇ બજાર ગયો. એણે પૂજાનો સામાન ખરીદ્યો. એને અર્ચના યાદ આવી. એણે માતાજી માટે બે ચુંદડી ખરીદી. એક અર્ચના તરફથી બીજી ચાર્મિ તરફથી.

          ચાર્મિએ પોતાના હાથથી બંને ચુંદડી માતાજીને અર્પણ કરી. ચાર્મિ જાણતી હતી કે અર્ચના જીવે છે હજુ પણ એના હ્રદયમાં. તેમણે પ્રાથના કરી.

          “ક્યા માંગા તુને..?” એણે પૂછ્યું .

          “તું સોચ કયા માંગા હોગા...?”

          ચાર્મિ મા બનવાની હતી એટલે એણે અનુમાન લગાવતાં કહ્યું, “બેટા..?”

          “નહિ, મેને બચ્ચા માંગા. બેટા હો યા બેટી.”

                                                                                                         *

          અર્ચના (સુરભી) જયારે પણ શ્લોકને જોતી એના મનમાં એકજ વિચાર આવતો- પોતાના શ્લોકને જોઇને શ્યામ કેટલો ખુશ થયો હોત? શ્લોક એક બે મહિનાનો થયો ત્યાં સુધી તેને લાગ્યા કરતુ કે તે પહોચી વળી શકે તેમ ન હતી. આખી રાત જાગીને શ્લોકને ધવરાવવાનો. એ જેવી ઊંઘવા જાય એવો શ્લોક રડવાનું ચાલુ કરે. પોતાના પગ પર ઉભા ન રહી શકનારી એક હેન્ડીકેપ યુવતી માટે એ એક અગ્નિ પરીક્ષા હતી. ડાયપર બદલવાના. એને નવરાવવાનો. એને તેડવો. એ એને તેડીને હલન ચલન મહામુશ્કેલીએ કરી શકતી.

          પ્રાયમરીની બાળાઓ એની મદદે ન હોત તો એ આ અગ્નિપરીક્ષા પાસ કરી શકે તેમ ન હતી. એક મહિના પછી એણીએ સ્કુલમાં ક્લાસ લેવા જવાનું શરુ કર્યું. એણીએ ગામમાંથી એક કામવાળી રાખી હતી. કામવાળીને કોઈ જ કામ કરવાનું ન હતું.

          એ સ્કુલમાં હોય એટલો સમય શ્લોકનું ધ્યાન રાખવા, ઘોડિયાને હીંચકા નાખવાના એ મહીને બે હજાર ચુકવતી હતી. ચાલુ સ્કુલે પણ એ એની કોઈ એકાદ વિદ્યાર્થીનીને ઘરે મોકલતી. શ્લોક કેમ છે એ જોઈ આવવા કહેતી. સ્કુલના સ્ટાફ અને આચાર્યએ પણ એને પૂરો સહયોગ આપ્યો હતો. શ્લોક પાંચેક મહિનાનો થયો ત્યારે જાણે દુનિયા ફરી વળવા બેચેન હોય એમ ઘોડિયામાંથી પલટીઓ મારીને નીકળી જતો.

          એ કઈ રીતે પલટી મારીને નીકળી જતો એ સુરભી માટે એક કોયડો બની ગયો હતો. એ વિચારમાં પડી જતી. છ મહિનામાં ઘોડિયામાંથી બહાર નીકળી જાય છે. એ એક વર્ષનો થશે, બે પછી પાંચ પછી દસ. એને એક ડરામણો વિચાર આવ્યો. એ એક દિવસ પૂછશે કે મારા પિતા કોણ છે? એણીએ વિચાર્યું એ સાચે સાચું કહી દેશે. પછી..? પછી શ્લોકમાં બદલાની ભાવના જાગશે. એ એક પુખ્ત પુરુષ થતાં જ મને છોડીને નીકળી જશે વિક્ટરની શોધમાં. નહિ હું શ્લોકને શ્યામ વિશે જણાવીશ પણ કેટલાક ફેરફાર સાથે.

          શું કહીશ એને?

          સમય આવશે ત્યારે જોયું જશે. આખરે કંટાળીને એ પોતાના સવાલો પર પડદો પાડી દેતી.

                                                                                                            *

નવેમ્બર 9, 2017

          શ્યામ અને ચાર્મિ હોસ્પિટલથી ઘરે આવ્યા. સવારમાં એ અને ચાર્મિ બે જણ ગયા હતા. ઘરે તેઓ ત્રણ જણ આવ્યા. એ, ચાર્મિ અને રાનો. એણે નામ નક્કી કરેલ હતું કે છોકરો હશે તો શ્લોક અને છોકરી હશે તો રાનો. તેઓ બંને ખુશ હતા કેમકે અર્ચનાએ જોયેલાં સપના તેઓ પુરાં કરી રહ્યા હતા.

          “રાનો ઔર અર્ચના કા બર્થ-ડે સેમ હે. અર્ચના વાપસ આ ગઈ. પ્લીઝ અબ કભી ઉદાસ મત હોના.”

          ચાર્મિને અર્ચનાનો જન્મદિવસ યાદ હતો. ચાર્મિ પણ અર્ચનાને પ્રેમ કરવા લાગી હતી.

          રાનોનો જન્મ અર્ચનાના જન્મ દિવસે થયો એટલે શ્યામને ખાતરી થઇ ગઈ કે અર્ચના પાછી આવી ગઈ છે. 

          એ ચાર્મિ પાસે સુતેલી રાનો સામે જોતો. એ એની નાની નાની આંખોથી એને ટગર ટગર જોઈ રહેતી. એ મલકતો. અર્ચના જીવે છે. એના હ્રદયમાં... રાનોની ટગર ટગર જોઈ રહેલી દ્રષ્ટીમાં... ચાર્મિના એના તરફના પ્રેમમાં.

          એકવાર અર્ચનાએ કહ્યું હતું કે તું આપણા પ્રેમની કહાની લખજે અને દુનિયાને એનાથી વાકેફ કરાવજે. અર્ચનાની ઈચ્છા હતી એટલે છેલ્લા છ મહિનાથી શ્યામ પોતાની પ્રેમ કહાની લખી રહ્યો હતો. એ હેપી એન્ડની રાહ જોઈ રહ્યો હતો. આજે એને થયું કે રાનોના જન્મ સાથે વાર્તા પૂરી કરે તો હેપી એન્ડ ગણાય. કારણ કે ભલે અર્ચના ન હતી પણ એણીએ કલ્પનાઓમાં જોયેલી રાનો એની જોડે હતી. એણે લેપટોપ ચાલુ કરીને કહાની પૂરી કરી. 

                                                                                                        *

          અર્ચનાના દરેક શબ્દો સાચા પડતા હતા. અર્ચના ઘણીવાર કહેતી, “આપ અગર હમારે પ્યારકી કહાની લીખ દોગે તો ભી અમીર હો જાઓગે.”

          “કયુ...?”

          “જબ તક ઇસ દુનિયામે પ્યાર શબ્દકા અસ્તિત્વ રહેગા તબ તક હમારી કિતાબ બિકતી રહેગી.” એ શબ્દો તો અર્ચનાના અંતરના ઊંડાણમાંથી આવ્યા હતા. એમાં માત્ર અર્ચના જ નહિ કાજલ પણ હતી ક્યાંક ક્યાંક....

          “પેસો કે લિયે મેં અપને પ્યાર કી બાતે કયું બેચું..?”

          “મેં ચાહતી હું કી આપ લીખો તાકી મેરે જેસી કઈ અર્ચના કો શ્યામ મિલ જાએ....”

          ત્યારે કહેવાનું તો મન થયું હતું કે કાજલને પણ મળશે પણ શ્યામે ક્યારેય અર્ચનાને કાજલની વાત કહી નહોતી. એ નહોતો ઈચ્છતો કે અર્ચના એના પ્રેમને દયા કે ભીખ સમજે...

          “ઓકે. લીખ દુંગા..”

          ચાર્મિએ પણ એને લખવામાં ઘણી મદદ કરી હતી. 14 નવેમ્બરે એ પ્રથમવાર અર્ચનાને મળ્યો હતો એટલે નવેમ્બર 14, 2017ના રોજ એણે નવલકથા પ્રગટ કરી. એણે નવલકથા અર્ચનાને અર્પિત કરી હતી.

                                                                                                           *

          સુરભી (અર્ચના) જોડે સમય વિતાવવા માટે ઓછા વિકલ્પો હતા. સવારના આઠથી બે સ્કુલમાં ક્લાસ લેવામાં વીતી જતા. બે વાગ્યા પછી એની જોડે સમય વ્યતીત કરવા માટે બે જ સાધનો હતા. એક શ્લોક અને બીજું નોવેલ વાંચવાની. લાયબ્રેરીની મિત્તલ મેમ એને પૂછીને જ લાયબ્રેરી માટે પુસ્તકોની પસંદગી કરતી.

          ગયા મહિનાની ખરીદીમાં આવેલી બધી નોવેલો એ વાંચી ગઈ હતી. લાયબ્રેરિયન મેમ મિત્તલે આજે કહ્યું હતું કે જયપુરથી ગઈકાલે આવેલા પાર્સલમાં એક નવી નોવેલ આવી છે. એ અંગ્રેજી નોવેલ જ વાંચતી હતી. મીલેનીયમ સીરીઝ એ ક્યારની વાંચી ચુકી હતી. ટ્વીલાઈટ સીરીઝ પણ એ વાંચી ચુકી હતી. એણીએ મેમને પૂછ્યું હતું કે ઈંગ્લીશ છે..? મેમે એને કહ્યું હતું કે ઈંગ્લીશ છે પણ લેખક ભારતીય છે.

          “રાઈટર..?”

          “કોઈ શર્મા હે..?” મિત્તલ મેમેં જવાબ આપ્યો હતો, “પર અભી બેસ્ટ સેલર હે? હિન્દી ઈંગ્લીશ દોનો હમારે પાસ આયે હે...”

          શર્મા નામ સાંભળીને એ ચમકી ગઈ હોત પણ એ ચમકી નહિ. હવે એ સુરભિ હતી, અર્ચના નહિ. એ બોલી, “ભિજવા દેના કમરેપે..?”

          સાંજના ચારેક વાગ્યે સાતમાં ધોરણની બાળાઓ બે નોવેલ આપી ગઈ. એ કામમાં હતી એટલે છોકરીઓને બેડ પર જ નોવેલ મૂકી દેવા કહ્યું. આખા દિવસની દોડાદોડી કરીને થાકી ગયેલ શ્લોક રાતના આઠ વાગતા પહેલા ઊંઘી ગયો. એ સ્કુલ સમય દરમિયાન સુરભિની સાથે સ્કુલમાં જતો. સુરભી બની જીવતી અર્ચના પાસે ભણતાં ઈંગ્લીશ મીડીયમના નાના બાળકોમાંથી કોઈ એ બાળકને પૂછતાં કે ‘થારો નામ કી હે..?” ત્યારે એ બાળક જવાબ આપતો, “શ્લોક. કતરી બાર કિયો. થને ઇયાદ ને રે’તો...?”

          શ્લોક મારવાડી સમજવા લાગ્યો હતો અને બોલવા પણ લાગ્યો..... જોકે બાળક જેવી કાલી કાલી ભાષામાં.

          એ સુરભિ સાથે ક્લાસમાં ફર્યા કરતો. ઘણીવાર એ કોઈ બીજા ટીચરના ક્લાસમાં પણ ઘુસી જતો. કાલી કાલી ભાષામાં કરેલી એની વિનંતી, ‘મેં આઈ ચમીન’ સાંભળીને કોઈ પણ સર કે મેડમ એને યસ કહેતા. યસ ન કહે તો પણ એ ઘુસી જતો. એને બસ એટલી ખબર હતી કે ક્લાસમાં જતા પહેલા આ બોલવું પડે. ટીચર રજા આપે પછી અંદર જવાય એટલી સમજ એનામાં હતી નહિ.

                                                                                                    *

          સુરભિએ બંને નોવેલ હાથમાં લીધી. ઈંગ્લીશ ટાઈટલ હતું ‘અગેન્સ્ટ ધ ઓડ’. હિન્દી ટાઈટલ વાંચીને એ ચમકી : અર્ચના- આજ ભી જિન્દા હે...!!

          અર્ચનાએ તરત જ લેખકના નામ તરફ જોયું. શ્યામ...  એની છાતી એક ધબકારો ચુકી ગઈ. તરત જ પૂંઠું ફેરવી એણીએ વાંચવાનું ચાલુ કર્યું.

                                                                                                    *

          એણે નોવેલ પૂરી કરી ત્યારે રાતનો એક થવા આવ્યો હતો. એની આંખોમાં આંસુ ન હતા, કેમકે એ છેલ્લા ચાર કલાકથી વહી વહીને પુરા થઇ ગયા હતા. એ એવી વાચક હતી જે નોવેલના કોઈ વાચકની સાથે સાથે લેખકને પણ જાણ ન હોય એવી વિગતો પણ જાણતી હતી. એ ભૂતકાળમાં સરી પડી.

                                                                                                     *

ડીસેમ્બર 22, 2017

          શ્લોકે એને જગાડી હતી. સવારના આઠ વાગી ગયા હતા. એણીએ શ્લોકને ચા -નાસ્તો બનાવી આપ્યા. એ કશું ખાઈ શકી નહિ. એના ક્વાટરથી થોડેક જ દુર ક્વાટરમાં લાયબ્રેરીયન મેમ મિત્તલ રહેતી હતી. એ એની પાસે ગઈ અને લાયબ્રેરીની ચાવી લઇ આવી. એ શ્લોકને લઈને લાયબ્રેરી ગઈ. એણીએ જુના છાપાં જેની એને જરૂર હતી એ લઇ આવી. એણીએ બધા છાપાં વાંચ્યા. વિક્ટરનો ફોટો જે ડેડ બોડીનો હતો એ એણીએ જોયો. એણીએ શ્યામ અને ચાર્મિના ફોટા જોયા.

          એને હવે વિક્ટરનો કોઈ ડર રહ્યો હતો નહી. એ શ્લોકને લઈને બે વર્ષ પછી કેમ્પસની બહાર નીકળી. એણીએ બજારમાંથી એક ફોન ખરીધો. એક સીમ ખરીધું જોકે સીમ એણીએ સુરભીના નામે જ ખરીદવું પડ્યું. એ પાછી આવી. એણીએ નેટ પરથી નંબર મેળવી ગોહાના હોસ્ટેલમાં ફોન કર્યો. એને જાણવા મળ્યું કે મિસટ્રેસ એકાદ વર્ષ પહેલા હાર્ટએટેકના કારણે મૃત્યુ પામી હતી.

          એને શ્યામનો નંબર યાદ હતો એના પર કોલ કર્યો પણ નંબર રોંગ નંબર હતો. એ નંબર કોઈ બીજાને ફાળવાઈ ગયો હતો.

          એણીએ તરત જ ફેસબુક પર એકાઉન્ટ બનાવ્યું. એણીએ સુરભી નામથી એકાઉન્ટ બનાવ્યું. એણીએ તરત જ સર્ચ કરી ‘શ્યામ’ સર્ચ રીઝલ્ટમાં આવેલા કેટલાક શ્યામમાંથી પ્રોફાઈલ પિક્ચરમાં શ્યામ અને ચાર્મિનો કપલ ફોટો એ ઓળખી ગઈ.

          એણીએ પ્રોફાઈલ ખોલી. તાજો જ અપલોડ થયેલ નાનકડી બાળકીનો ફોટો એણીએ જોયો. એણીએ વાંચ્યું, ‘માય લીટલ પ્રિન્સેસ રાનો’ એણીએ નીચે શ્યામ અને ચાર્મિના કપલ ફોટો જોયા. એને પ્રોફાઈલમાં શ્યામનો નંબર મળી ગયો. એ ફોન કરવા જતી હતી ત્યાંજ એને વિચાર આવ્યો, એ શું કરવા જઈ રહી છે...?

          એનો એક ફોન શ્યામ અને ચાર્મિના જીવનમાં ઉથલપાથલ મચાવી દેશે. એની જોડે શ્લોક હતો. ચાર્મિ જોડે રાનો. ચાર્મિએ શ્યામને બચાવ્યો હતો એટલે શ્યામ પર ચાર્મિનો હક પહેલો બનતો હતો. એણીએ ફોટોને લાઈક કર્યો અને ફેસબુક બંધ કર્યું. એની આંખમાંથી બે આંસુઓ પડ્યા પણ એ જાણતી હતી કે એ આંસુઓ ખુશીના હતા. એનો શ્યામ જીવતો હતો અને ખુશ હતો. એના બધા સપના પુરા થઇ ગયા હતા. એની પાસે શ્લોક હતો. શ્યામની યાદો. રાનો અને શ્યામ એની પાસે નહોતા પણ આ દુનિયામાં હતા.

          એ શ્લોકને લઈને ફરી બજારમાં ગઈ. એ એક મીઠાઈની દુકાને ગઈ.

          એણીએ શ્લોકને પૂછ્યું, “કોનસી સ્વીટસ તું ખાયેગા?”

          શ્લોકે બરફી સામે આંગળી ચીંધી. એ હસી. શ્યામને પણ બરફી પસંદ છે. આ સંયોગ નહોતો. શ્લોકમાં શ્યામના આનુવંશીક લક્ષણો આવે એમાં કોઈ નવાઈ નહોતી. તેઓ ઘરે આવ્યા.

          સુરભીએ બે વર્ષ પછી મીઠાઈ ખાધી હતી - ખાધી નહિ પરંતુ ધરાઈને ખાધી હતી.

          શ્લોક બરફી ચગળતો એની સામે જોઈ રહ્યો!

સમાપ્ત