Pranay Parinay - 62 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 62

The Author
Featured Books
Share

પ્રણય પરિણય - ભાગ 62


પ્રણય પરિણય ભાગ ૬૨


'મહારાજ.. મારી ચા ક્યાં છે?' કૃષ્ણકાંત મોર્નિંગ વોક પરથી આવી ગયાં હતાં અને ડાઇનિંગ ટેબલ પર બેસીને છાપું વાંચી રહ્યા હતા.


'પપ્પા..' સામેની તરફથી એક મીઠો અવાજ આવ્યો.


કૃષ્ણકાંતે માથું થોડું ઝુકાવીને ચશ્માના કાચની ઉપરથી અવાજની દિશામાં જોયું અને ચકિત થઈ ગયા. હાથમાં ચાનો કપ લઈને સામેથી ગઝલ આવી રહી હતી.


'ગુડ મોર્નિંગ પપ્પા.. તમારી ચા.' ગઝલ મીઠી સ્માઈલ કરીને બોલી.


'વહુ.. બેટા તમે..?' કૃષ્ણકાંતે હાથમાંનું છાપું તરતજ નીચે મૂકીને ગઝલના હાથમાંથી ચાનો કપ લઇ લીધો.


'જયશ્રી કૃષ્ણ..' ગઝલ ઝૂકીને કૃષ્ણકાંતને પગે લાગતાં બોલી.


'સુખી રહો બેટા.. તમે મારા દીકરી છો, તમારે પગે નહીં લાગવાનું.' કૃષ્ણકાંતે ફરી એકવાર યાદ કરાવ્યું.


'કેમ છો તમે?'


'તમને જોયા પછી એકદમ મજામાં. આવો અહીં બેસો મારી બાજુમાં.' કૃષ્ણકાંતે કહ્યુ. ગઝલ તેની બાજુની ચેર પર બેઠી. એટલી વારમાં દાદી અને ફઈ પણ આવીને બેઠા.


'ગઝલ બેટા, તું આજે આવવાની છે એ મને કીઘું નહીં?' દાદી ત્યાં આવતા બોલ્યા.


ગઝલએ તેમને જયશ્રી કૃષ્ણ કર્યા અને બોલી:

'મારે સરપ્રાઈઝ આપવી હતી.. એટલે તમને કોઈને નહોતું કીધું.'


'અરે વાહ! તારી સરપ્રાઈઝ અમે ખૂબ ગમી. બહુ ખુશ થયા તને જોઈને.' વૈભવી ફઈ પણ આવ્યાં.


ગઝલ મીઠું હસી. અને પછી બોલી: 'બા, પપ્પા.. આઈ એમ સોરી.. તમને પૂછ્યા વિના જ હું ભાઈના ઘરે જતી રહી..'


કૃષ્ણકાંત અને દાદી પ્રેમાળ દ્રષ્ટિએ તેની સામે જોઈ રહ્યાં.


'મારી ભૂલ હતી એ. એક તો કાવ્યા બેન માટે થઈને તમે બધાં એટલા તકલીફમાં હતાં અને એમાં હું કોઈને કહ્યાં વિના પિયર જતી રહી. મારે પૂછીને જવું જોઈતું હતું. મારા લીધે કેટલા પરેશાન થયા હશો તમે!' બોલતી વખતે ગઝલનું મોઢું ઉતરી ગયું.


'ના બેટા, પરેશાનીની વાત નહોતી, ફિકર થતી હતી. તમે તમારી જગ્યાએ બરાબર જ હતા. મારા પર કાવ્યા જેટલો જ તમારો પણ અધિકાર છે. તમે મને હક્કથી કીધું હોત તો હું પોતે જ તમને તમારા ભાઈના ઘરે મૂકી જાત. પણ બેટાં, તમને તો ખબર છે ને કે એ સમયે આપણાં ઘરમાં બધાં કેટલા ઉપાધિમાં હતાં, એમાં જો તમને કંઈ થઈ ગયું હોત તો વિવાન સાવ તૂટી ગયો હોત.' કૃષ્ણકાંત એને પ્રેમથી સમજાવતા બોલ્યા.


'આઈ એમ સોરી પપ્પા, એ સમયે મેં આવો કોઇ વિચાર જ કર્યો નહીં. મારા મગજમાં ફક્ત સમાઈરાનાં શબ્દો જ ઘુમરાઈ રહ્યાં હતાં.' બોલતી વખતે ગઝલની આંખોમાં પાણી આવી ગયાં.'ગઝલ... સમાઈરા જે કંઈ બોલી એ..' વૈભવી ફઈ સમજાવતા બોલ્યા. પણ ગઝલ વચ્ચે જ બોલી ઉઠી: 'ફઈ.. મને ખબર છે એને કાવ્યા બેનનું પેટમાં બળતું હતુ એટલે બોલ્યાં. અમારે બધી ચોખવટ થઇ ગઇ છે. અમે બધા હવે ફ્રેન્ડઝ બની ગયા છીએ.'


'સરસ.. બસ બધાં આમ જ હળીમળીને રહો.' વૈભવી ફઈ ખુશ થઈને બોલ્યા. ગઝલએ મીઠી સ્માઈલ કરી.


'વિવાન સાથે હજુ નથી બોલતી ને તું?' દાદીએ આંખો ઝીણી કરીને પુછ્યું.


ગઝલ ખચકાઈને નીચે જોઈ ગઈ.


'બોલતી જ નહીં.. હું તો કહું છું કે સરખો લાઈન પર લે એને.' દાદી એક આંખ મીંચકારીને બોલ્યા.


'અરે! માં, આ બધું શું છે?' વૈભવી ચોંકી.


'બરાબર જ કહું છું. એને મન ફાવે તેમ વર્તે એ વળી શું?? ગઝલ એને શું કામ માફ કરે? એને સીધો કરવો જ પડશે. ગઝલ, તૂં હવે જરાય ગભરાતી નહીં, હું હવે તારી ટીમમાં છું. બરાબરનો સીધો કરજે એને.' દાદીએ કહ્યુ.


'બા.. તમે સાથે છો તો હવે મને કોઈ ડર નથી. તમે જોજો, વિવાનને હવે ખબર પડશે કે આ ગઝલ શું ચીજ છે..! આજ પછી એ મારાથી કશું છુપાવવાની હિંમત પણ નહીં કરી શકે.' ગઝલ માથું ઉંચું કરીને ફિલમી સ્ટાઇલમાં બોલી.


ગઝલનો ડાયલોગ સાંભળીને કૃષ્ણકાંત મંદ મંદ મુસ્કુરાયા.


**


આજે કાવ્યાને ડિસ્ચાર્જ મળવાનો હતો.

ડોક્ટરોએ કાવ્યાનુ સંપૂર્ણ ચેક અપ કર્યુ. બાદમાં ડિસ્ચાર્જ પેપર તૈયાર કરવામાં આવ્યાં. આ બધામાં આખો દિવસ નીકળી ગયો. સાંજ થવા આવી.


'ચલો કાવ્યા મેડમ તમને ડિસ્ચાર્જ મળી ગયો.' વિવાન અંદર આવતા બોલ્યો.


'ફાઈનલી..' કાવ્યા ખુશ થતાં બોલી.


'સવારથી મેડમ તૈયાર થઈને બેઠા છે.' સમાઈરાએ કહ્યુ.


'હાં તો? કેટલા દિવસથી હોસ્પિટલમાં પડી છું. હવે તો બહાર નીકળવું જ પડશે ને! ઘણા કામ પેન્ડિંગ છે મારે.' કાવ્યા બોલી.


'શું કામ છે ભઈ તારે હે? હમણા બે મહિના તારે આરામ સિવાય બીજું કશું કામ કરવાનું નથી. તને ખબર છે તારું કેટલો બ્લડ લોસ થયો છે? તારુ મેજર ઓપરેશન થયું છે.. તારી બોડી રિકવરી માંગે છે. મને પૂછ્યા વિના તારે ઘરની બહાર નીકળવાનું નથી.' એક ડોક્ટરની રુએ સમાઈરાએ કાવ્યાને દબડાવી.


'અરે હાં બાબા! મારે બસ એક હિસાબ ચુકતે કરવાનો છે. એના પછી તુ જેમ કહે તેમ જ કરીશ બસ?' કાવ્યા વિવાન સામે નજર રાખીને બોલી. વિવાને તેને આંખોથી જ "હાં" કહ્યુ.


'એક મિનિટ.. એક મિનિટ.. આ શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે? મને કહેશો જરા?' સમાઈરા બંને હાથ કમર પર ટેકવીને બોલી.


'અરે કંઈ નથી મારી માં..' કાવ્યા વાત બદલાવતા બોલી: 'એ તો ભાભીને ઘરે લાવવાની છેને? મારા કારણે ભાઈ ભાભી અલગ થઈ ગયા છે. એક વાર એ બંનેને ભેગા કરી દઉં પછી મસ્ત આરામ જ કરવાનો છે.'


'ઓહ! ઓકે.. પણ હું તો કહું છું કે ગઝલએ આ અડિયલને એટલો જલ્દી માફ ના કરવો જોઈએ.' સમાઈરા વિવાનના માથા પર ટપલી મારીને મસ્તીભર્યા સ્વરે બોલી.


'કેટલી નિર્દયી છો તું સમી..' વિવાન ઝીણી આંખો કરીને તેની સામે જોતા બોલ્યો.


'હમ્મ.. હું તો છું જ નિર્દયી.. ચલો નીકળીએ હવે! ઘરે બધા રાહ જોતા હશે..' સમાઈરાએ કહ્યુ.

પછી ત્રણે જણા ઘરે જવા નીકળ્યા.


વિવાનની ગાડી શ્રોફ બંગલોના ગેટ પર આવી. દરવાને ગાડી ઓળખીને ગેટ ખોલ્યો. ગાડી અંદર આવી. બધા ગાર્ડસ્ અને નોકરોએ કાવ્યાને નમસ્કાર કર્યા. કાવ્યાએ આલીશાન અને અડીખમ ઊભેલા બંગલાને– પોતાના ઘરને થોડીવાર સુધી નજર ભરીને જોયું. તેની આંખોમાં ભીનાશ તરી આવી.


ગાડીનો અવાજ સાંભળીને વૈભવી ફઈ લગભગ દોડતાં બહાર આવ્યાં.


'માં.. ભાઈ.. કાવ્યા આવી ગઈ..' વૈભવી ફઈ હરખાતા બોલ્યાં.


વિવાને ગાડીને બંગલાના પોર્ચમાં, એકદમ પગથિયાં પાસે લીધી. પહેલાં વિવાન અને સમાઈરા ગાડીમાંથી બહાર આવયાં પછી તેમણે બંનેએ હળવેથી કાવ્યાને બહાર આવવામાં મદદ કરી.


પછી રઘુએ ગાડીને પાર્કિંગમાં લઈ જઈને પાર્ક કરી.


'કાવ્યા.. મારી દિકરી..' વૈભવી ફઈ પગથિયાં પર જ કાવ્યાને ભેટી પડ્યા. એની આંખોમાં પાણી આવી ગયાં.


'મોમ.. શી ઈઝ ફાઈન નાઉ..' સમાઈરાએ કહ્યુ.


'કાવ્યા બેટા..!!' કૃષ્ણકાંત અને દાદી પણ બહાર આવ્યાં.


'દાદી..ડેડ.. ' કાવ્યા તેમને ભેટીને બોલી.


'કેમ છે દિકરા?' દાદી કાવ્યાના માથે હાથ ફેરવતાં બોલ્યા.


'સારુ છે દાદી..' કાવ્યાએ કહ્યું.


'કંઈ તકલીફ નથી ને બેટાં? દુખે છે?' કૃષ્ણકાંતે તેના માથા પરની પટ્ટી પાસે આંગળી મૂકીને પૂછ્યું.


કાવ્યાએ નકારમાં માથું ધુણાવ્યું.


'ચલો અંદર જઈને વાતો કરીએ..' સમાઈરાએ કહ્યુ.


'એક મિનિટ હં..' દાદી બોલ્યા. પછી તેણે ગઝલને અવાજ દીધો. 'ગઝલ બેટા..'

વિવાન હેરતથી દાદી સામે જોઈ રહ્યો. દાદીએ તેની સામે આંખ મારી. વિવાનની આંખો પહોળી થઈ.


ગઝલ હાથમાં આરતીની થાળી લઈને બહાર આવી.


'ભાભી.. તમે અહીં!!?' કાવ્યાને ખૂબ આશ્ચર્ય થયું. વિવાન તો ગઝલને જોઈને હેંગ જ થઈ ગયો. રેડ કલરની મસ્ત ડિઝાઇનર સાડી, હાથમાં ખણખણતી કાચની બંગડીઓ, સિમ્પલ પણ એટલી જ મનમોહક તેની અદા અને હૃદયને ઘાયલ કરી દેનારી મોટી–બોલકી કથ્થઈ આંખો જોઈને વિવાનની છાતીમાં ધડબડાટી બોલી ગઈ હતી.


'ખાસ તારા સ્વાગત માટે ગઝલ સવારે જ આવી ગઈ હતી.' દાદી ગઝલના માથે હાથ ફેરવતાં બોલ્યા.


'વાઉ..!! થેન્ક યુ..' કાવ્યા ખુશીથી બોલી ઉઠી.


'કેવી લાગી સરપ્રાઈઝ?' રઘુ ધીમેથી વિવાનના કાનમાં બોલ્યો. વિવાન તો હજુ ગઝલને જોવામાં જ ખોવાયેલો હતો.


ગઝલએ કાવ્યાના કપાળ પર કંકુથી ચાંલ્લો કર્યો અને ચોખાથી વધાવીને તેની આરતી ઉતારી. દાદીએ દસેય આંગળીઓના ટચાકા ફોડીને કાવ્યાના ઓવારણાં લીધાં.


'વેલકમ..' ગઝલએ અત્યંત મીઠા અવાજે કાવ્યાનું સ્વાગત કર્યું.


આગળ કાવ્યા અને તેની પાછળ બધાએ ઘરમાં પ્રવેશ કર્યો. એ જ વખતે ઉપરથી ગુલાબની પાંખડીઓનો વરસાદ થયો.


'વાઉ.. ભાભી.. આઈ રિયલી લાઈક ઈટ.. થેન્કસ..' કાવ્યા ખુશ થઈને ગઝલને ભેટી પડી.


બધા હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે વિવાનની નજર ફકત ગઝલ પર જ ચોંટી હતી. તે મોઢું મચકોડીને વિવાનને ઈગ્નોર કરી રહી હતી. રઘુ એ બંનેને જોઈને મજા લઈ રહ્યો હતો.

થોડી વાર પછી સમાઈરા અને વૈભવી કાવ્યાને તેની રૂમમાં લઈ ગયા.

ગઝલ જમવાની તૈયારી જોવા માટે કિચનમાં ગઈ. વિવાન તેની પાછળ પાછળ કિચન તરફ ગયો. એ જોઈને રઘુ, દાદી અને કૃષ્ણકાંત હસ્યા.


કિચનમાં જઈને ગઝલ મહારાજને કંઇક સુચનાઓ આપી રહી હતી. એક નોકર સિંક પાસે વાસણ ધોઈ રહ્યો હતો. વિવાન કિચનના દરવાજે આવીને ઉભો રહ્યો. તેને આવેલો જોઈને કિચનમાંથી નોકર અને મહારાજ તરત જ બહાર નીકળી ગયા એ ગઝલએ જોયું પણ જાણે કે વિવાન ત્યાં ઉભો છે એ એને ખબર જ નથી એવું દેખાડવા ગઝલ પીઠ ફેરવીને એમ જ ઉભી રહી.


નોકર અને મહારાજ બહાર નીકળતાં જ વિવાન ગઝલની નજીક ગયો. ગઝલના ધબકારા વધવા લાગ્યા. વિવાન પાછળથી આવીને પકડશે એમ લાગતા એ ઝડપથી બાજુમાં સરકી.


'અરે!' એ છટકી ગઈ એટલે વિવાન બોલ્યો.

હવે ગઝલ પ્લેટફોર્મ પરના પસારાને સરખો કરવાની વ્યર્થ કોશિશ કરવા લાગી. વિવાન ત્યાં ગયો તો ગઝલ સિંક પાસે જતી રહી.


'ગઝલ..' વિવાન તેની નજીક જતાં હળવેથી બોલ્યો. તેના મોઢે પોતાનું નામ સાંભળીને ગઝલને છાતીમાં ધડધડ થવા લાગ્યું. વિવાન તેને પકડી લેશે એવા ડરથી એ ફ્રિજ તરફ ગઇ. અને કારણ વિના ફ્રિજમાંથી બે ત્રણ વસ્તુ કાઢીને પ્લેટફોર્મ પર મૂકી. વિવાન મૂછમાં હસ્યો. જેવી એ ફરીથી ફ્રિજ તરફ ફરી કે વિવાને તરત જ તેને બાહોંમાં લઈ લીધી. ગઝલ આંખો મીંચી ગઈ.


'હવે મારી સામે પણ નહીં જુએ?' વિવાન તેના ચહેરા પર હળવેથી ફૂંક મારતાં એકદમ માદક અવાજમાં બોલ્યો. તેના શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. પેટમાં જાણે પતંગિયા ઉડવા લાગ્યા. તેણે નકારમાં માથું ધુણાવ્યું અને તેની બાહોંમાંથી છુટવાની કોશિશ કરવા લાગી.


'કેટલા દિવસથી તું મારી સાથે બોલતી નથી, મને મળતી સુધ્ધાં નથી.. એય ગઝલ, એકવાર તો મારી સામે જો..' વિવાન તેના વાળની લટને તેના ચહેરા પરથી હટાવતાં એકદમ પ્રેમથી બોલ્યો.


ગઝલએ હળવેથી આંખો ખોલીને નજાકતથી ઉંચે વિવાનની આંખોમાં જોયું. વિવાનની પાણીદાર આંખોમાં તેને પોતાની તસવીર દેખાઈ. થોડી ક્ષણો પૂરતાં બંને એકબીજાની આંખોમાં ખોવાઇ ગયાં. પછી ભાનમાં આવતા ગઝલ હળવો ધક્કો મારીને તેની બાહોંમાંથી છટકીને પ્લેટફોર્મ પાસે જતી રહી. વિવાને તેને પાછળથી જકડી લીધી. તેણે ગઝલની ગરદન પર નાક ઘસતાં તેની શરીરની ખુશ્બુ પોતાના શ્વાસમાં ભરી. ગઝલનું અંગ અંગ થરકી ઉઠ્યું, તેના રૂંવાડાં ઉભા થઈ ગયા. હૃદયની ગતિ વધી ગઈ.


'આઈ લવ ધીસ સ્મેલ..' તેની ગરદન પર હોઠ અડાડીને નશીલા અવાજમાં વિવાન બોલ્યો. એના સ્પર્શથી ગઝલ વિહવળ થઈ ઉઠી, મન પરનો કાબૂ જવા લાગ્યો. વિવાનનો જાદૂ તેના પર છવાઈ જવા લાગ્યો. ગઝલનું મગજ ફરી ફરીને કહેતું કે 'ગઝલ પાછી વળ, વિવાનને હજુ ઘણો તડપાવવાનો છે.' પણ તેનુ મન-હૃદય મગજની વાત માનવા તૈયાર નહોતા.


માંડ માંડ પોતા પર રાખેલો કાબૂ છેવટે તેની ગરદન પર ફરતાં વિવાનના હોઠે છોડાવી દીધો.


'વિવાન..' એ અસ્પષ્ટ શબ્દોમાં બોલી ઉઠી. વિવાનના હોઠ હજુ પણ તેની ગરદન પર રોકાયેલા હતા.


'આઈ મિસ્ડ યુ સો મચ..' વિવાન ગઝલનો માદક અવાજ સાંભળીને બોલ્યો.


'કોઈ આવી જશે..' ગઝલ આંખો મીંચીને વિવાનના હોઠનો સ્પર્શ માણતાં બોલી.


'હું અહીં છું ત્યાં સુધી કોઈ અંદર નહીં આવે.' વિવાન ધીરેથી એના કાનમાં બોલ્યો.


'તમારો રોમાન્સ પત્યો હોય તો મહારાજ અંદર આવે.. અહીં પેટમાં ઉંદરો દોડે છે.' કિચનના દરવાજેથી રઘુ બોલ્યો.


ગઝલ ઝબકી. તેણે વિવાનના પેટમાં કોણી મારી.


'આઉચ.. રોંગ ટાઈમિંગ રઘુ..' વિવાન વાંકો વળીને કણસતા અવાજે બોલ્યો.


'તમારુ પેટ તો રોમાન્સથી જ ભરાઈ જશે, અમારૂં શું?' રઘુ બોલ્યો.


ગઝલ શરમથી પાણી પાણી થતી આમતેમ જોતી હાંફળી ફાંફળી થઈને ધોયેલા વાસણ પાછા સિંકમાં નાખવા લાગી.


'ચલ, તને એવું જમવાનું આપું કે તારા બધાં ઉંદરો ઉભી પૂંછડીએ ભાગે.. ભુખ્ખડ સાલા..' વિવાન રઘુનો હાથ આમળતો તેને લઇને કિચનની બહાર નીકળ્યો. એ જોઈને ગઝલ ખિલખિલાટ હસી.


'જુઓ ભાઈ, મને મારશોને તો કિચન વાળો સીન આખા ઘરને કહી દઇશ.' રઘુ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરતા બોલ્યો.


'તું બોલીને જો..'


'ડેડ.. દાદી..' રઘુ ચિલ્લાયો. વિવાને એક હાથ વડે તેનું મોઢું દાબી દીધું.


'શું થયું?' બેઉને એવી રીતે મસ્તી કરતાં જોઈને ફઈ બોલ્યા.


'કંઈ નહી, એને ભૂખ લાગી છે એટલે રાડો પાડે છે. વિવાને કહ્યું.


'અરે! એવું છે? એક મિનિટ હં.. તમે ટેબલ પર બેસો. હું હમણાં જ મહારાજ ને કહું છું કે જમવાનું પીરસે.' એમ કહીને ફઈ કિચન તરફ ગયાં.


આજે કેટલા બધા દિવસો પછી આખી શ્રોફ ફેમિલી એક સાથે જમવા બેઠી હતી. દાદીએ બધા પર નજર ફેરવી. આટલી જીંદગીમાં ઘણું જોયું હતું તેણે.. પોતાના પતિનું અવસાન, પછી વિવાનની મમ્મી જાનકીનું અકસ્માતમાં મૃત્યુ થયું. એના નમાયા સંતાનોને મોટા કર્યા. વૈભવી વિધવા થઇ. આટલું દુખ ઓછું હતું કે કાવ્યાનો અકસ્માત થયો! સાધારણ વ્યક્તિ માટે આ બધી ધટનાઓ સહનશક્તિની હદ બહારની હોય પણ દાદી મુશ્કેલ પરિસ્થિતિ સામે પણ અડીખમ ઉભા રહ્યા હતાં. ઉલટું તેણે કૃષ્ણકાંત અને વૈભવીને વખતો વખત હિંમત બંધાવી હતી. અત્યારે બધાને એક સાથે હસતા બોલતા જોઈને દાદીની આંખોમાં ભીનાશ તરી આવી.


જમ્યા પછી બધા બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે વિવાનના ફોન પર રીંગ વાગી. ફોન લઇને એ બહાર નીકળ્યો.


.

.


**


ક્રમશઃ


કાવ્યાનો બદલો ક્યારે પુરો થશે?


શું ગઝલ વિવાનને તડપાવી શકશે? કે એના પ્રેમમાં પીગળી જશે?


વિવાનના મોબાઈલ પર કોનો ફોન આવ્યો હશે?


**


આ પ્રકરણ વાંચીને તમારા અભિપ્રાયો અને રેટિંગ જરૂર આપશો.