The Pit Purana books and stories free download online pdf in Gujarati

ખાડા પુરાણ

નિજ રચિત, ' ખાડા પુરાણ '

આજકાલ મને ખબર નઈ પણ નિર્જીવ વસ્તુઓ પણ વાતો કરવા બોલાવતી હોય છે. જેમ કે વેલણ, થાળી, સ્કૂટર, દરવાજો કે કોઈ પણ.
આ વખતે રોડ પરના ખાડાઓની જમાતે મને બોલાવ્યો કે જતલા અમારો ઈન્ટરવ્યુ લે. અને લો બંદા પહોંચી ગયા એમની પાસે.

હું: ' સીધી બાત નો બક્વાસ, આ તમે લોકો ચોમાસુ આવ્યુ નથી કે પડ્યા નથી, અને તમારામાં કોઈ પડે તો તમે એને છોડતા નથી મીન્સ કે તમે એને પણ પાડી નાખો છો, બરાબર?'

નાનો ખાડો: : ' જો ભાઈ, પહેલી વાત એ કે તુ ચા પી ને આવ્યો છે ને? અમારી પાસે ચા ન હોય પણ એવા રંગનું પાણી છે, બોલ પીશે? ચાલ રહેવા દે, તુ પાછો એ પાણી અમારી પર જ નાખશે.ઓકેકે ઓક્કે બાબા તો સાંભળ ,અમે તો નોનલા નોનલા ખાડા. રોડ કાચો હોય ત્યાં અમારો જન્મ થાય. સમજોને કે ભારે વાહન અમારા પેરન્ટ્સ પરથી પસાર થાય ને અમે આ દુનિયામાં આવી જઈએ '.

' ભારે વાહનોમાં બે પગ વાળા પણ આવે?'

' એય અમારી ભાભીની મશ્કરી નઈ કરવાની'.

' સોરી બાબા, હવે મને તમારુ ખાડા પુરાણ સંભળાવ '.

મોટો ખાડો: ' ઓયે જતલા, તું એની વાતો છોડ, હું તને સંભળાવું ખાડા પુરાણ. જો જનરલી અમને બહુ મન ન થાય આવી રીતે પડવાનું. પણ પેલા નાના ખાડાએ કહ્યું તેમ અમારા વાલીઓ પરથી ભારે વસ્તુ પસાર થાય ને અમને દાબમાં રાખનારી જમીન પોચી પડે એટલે અમે આ દુનિયામાં આવી જઈએ. આ રોડ પર આવી જઈએ '.

' તમારામાં કોઈ પ્રકાર હોય?'

' હા અમે લોકો અલગઅલગ જાતમાં વહેંચાઈ જઈએ. જેમકે નાનો ખાડો, મોટો ખાડો, અમારામાં પાણી ભરાઈ જાય તો ખાબોચિયું, અમે લોકો બે ઈંચ થી માંડી ને 2 ફૂટ લગીના હોઈ શકીએ. અને અમારામાં સૌથી મોટો ખાડો એટલે સમજ ને કે અમારા બાપ જેવો. તમે લોકો કહો છો ને કે ફલાણી જગ્યાએ ' ભૂવો પડ્યો '. બસ એ ભૂવો એટલે બહુ ઊંડો ખાડો. એ અમારો બાપ કહેવાય.જબરો મોટો પડે.એમાં નાનો ભૂવો ય હોય શકે ને મહીં ટ્રક પણ જતી રહે એટલો મોટો ભૂવો પણ હોય શકે '.

' પણ તમારા કામ તો સારા નથી જ ને? તમે બધાને નુકશાન કર્યા કરો છો? '
' વાત તો તારી સાચી જ છે, હમણાં જ એક જણને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતુ, એ બિચારો તો સાઈડ પરથી જતો હતો. પણ એક ફોર વ્હીલ આવી ને અમારા પરથી ઝડપથી પસાર થઈ. અમારામાં ગંદુ પાણી ભરાયેલું હતું . એ પાણી ઉછળીને એની પર પડ્યું. બિચારો રડવા માંડ્યો બોલ. ને અમારા પરથી પસાર થનારા કેટલાય લોકો પડી જાય છે. અમે પણ શું કરીએ? અમારો કોઈ વાંક હોતો જ નથી. અમને આ રોડ પર આવવું ગમતું જ નથી પણ રોડ બનાવવા વાળા કોણ જાણે કેવા રોડ બનાવે છે, પછી અમારે ન છૂટકે જન્મ લેવો જ પડે . અમને બધા ખાડાઓને બહુ દુઃખ થાય છે બધાને પડતા જોતા.પણ શું કરીએ.અમારા હાથમાં નથી એનો ઉપાય.એનો ઉપાય તમારી માણસ જાતમાં જ છે. તું બધાને કહે કે રસ્તાઓ સારા બનાવો તો અમે અદ્રશ્ય થઈ જઈશું. ઉપલા લેવલ પર જઈને કહે કે હવે પ્લાસ્ટિકના પણ રોડ બને છે.એમાં 10 વર્ષ ની ગેરેંટી પણ હોય છે.'
વચ્ચે ઊંડો શ્વાસ લઈ: ' અમે લોકોને શા માટે કનડીએ ?. અને જો ભાઈ , આટલી રાહ જોઈ તો હવે થોડી વધારે જોઈ લે,અમે લોકો હવે ફટાફટ અદ્રશ્ય થવા માંડીશું.'

' હાઈલા, જોરદાર સમાચાર. પણ કેવી રીતે અદ્રશ્ય થઈ જશો એ તો જણાવો '.

મોટો ખાડો આંખ મિચકારતા: ' ઈલેકશન આવે છે ને,હા,હા, હા હા હા હા હા હા હા હા હા '
.
.
.
જતીન ભટ્ટ 'નિજ '
ઝાડેશ્વર, ભરૂચ
94268 61995